Ujas Vasavda

એક ઘટના એવી બની

(સમગ્ર વાર્તા તદ્દન કાલ્પનિક છે. આ વાર્તાને કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. )

“આલોક આજે રાત્રે મારે ઘરે ભેગા થવાનું છે. મમ્મી-પપ્પા એક લૌકિક ક્રિયા માટે બે દિવસ અમદાવાદ ગયા છે. હું એકલો છું, તેથી ભેગા મળી મેગી બનાવીશું અને રાત્રે વાંચીશું. પવન, હાર્દિક અને કુંજન પણ આવવના છે.”

“ઓકે તો રાત્રે આઠ વાગે તારા ઘરે પહોંચી જઈશ.”

વિવેકે ફોનકોલ કરી પોતાના ઘરે ભેગાં થવાનો કાર્યક્રમ ગોઠવી દીધો. પાંચેય મિત્રો નક્કી કરેલા સમય મુજબ આઠ વાગે વિવેકના ઘરે ભેગા થઈ ગયાં. પાંચેય મિત્રોમાં કુંજનનું વર્તન બધાથી અનોખું હતું. તે બધા મિત્રો સાથે મોજ-મસ્તી માણવા પણ માંગતો અને પાછું વાત વાતમાં પોતે ડરી અને બધાને ડરાવતો રહેતો. કોલેજની મસ્તીની વાતો ચાલુ હતી ત્યારે થોબડું ચડાવી બેઠેલા કુંજન તરફ જોઈ હાર્દિક બોલ્યો, “તું..પણ..શું યાર! મોં ચડાવીને બેઠો રહે છે. કોલેજમાં બનેલી ઘટના પર થોડું તું પણ હસી લે.”

કુંજને એકદમ ગંભીર બની, “અલ્યા…તમને લોકોને ખબર છે! આપણી કોલેજની ઉપરનો ચોથો માળ ટ્રસ્ટીઓ ચણાવી જ નથી શકતાં!”

આલોક થોડી મજાક સાથે બોલ્યો, “કેમ..ટ્રસ્ટીઓ પાસે પૈસા ખૂટી પડ્યા.” આલોકની વાતથી કુંજન સીવાય બધા જ હસી પડયા.

“તમને ભલે મજાક સૂઝતી પણ! ત્યાં એક બાઈ ભટકે છે. મારો તમને અનુભવ કહું, હું ગયા મહિને આપણી ટેસ્ટ હતી એ દિવસે બુક વાંચતાં પગથિયાં ચડતો હતો. ત્યારે ભૂલથી હું ચોથા માળે પહોંચી ગયો. રેતી, સિમેન્ટ, ખિલ્લાસળી બધું જ ત્યાં અસ્તવ્યસ્ત પડ્યું હતું. ત્યાં નવા બનતા માળ પર જીજ્ઞાષાવશ ચક્કર લગાવવા લાગ્યો. ત્યારે ત્યાં રેતી પાસે એક મજૂર બાઈ તેના નાનકડાં છોકરાંને ખોળામાં સુવડાવતી જોઈ. તેની નજીક જઈ મેં પૂછ્યું, ‘આ નવો માળ ક્યારે તૈયાર થશે!’ તો તેણે મને જવાબ આપ્યો, ‘ખબર નહીં, હુંયે કે દા’ડાની રાહ જૉવુસ. ઝટ હવે બને તો અમે છૂટીએ.’ મેં બહુ વાતમાં ધ્યાન ન આપ્યું અને નીચે આવી ગયો. ચોથા માળેથી મને ઉતરતાં આપણા પેલા બુઢાઉ પટ્ટાવાળાએ જોયો. મારી તરફ જોઈ જાણે મેં મોટો ગુન્હો કર્યો હોય તેમ ડોળા કાઢતાં બોલ્યા, “ઉપર શા માટે ગયો હતો?” બે ઘડી મને પણ ગુસ્સો આવ્યો કે તેને પરખાવી દઉં. પણ, પછી મનમાં શાંતિ ધારણ કરી બોલ્યો, “જાણી જોઈને ગયો ન હ’તો, બુક વાંચવામાં ધ્યાન હતું તે એક માળ વધુ ભૂલથી ચડી ગયો અને ત્યાં રેતી, સિમેન્ટ, એક મજદૂર બેન અને તેના બાળકને જોઈ પાછો ફરી ગયો.” મારી વાત સાંભળી બુઢાઉના ચહેરા પર પરસેવો બાઝી ગયો અને બેબાકળા બની, “હે… ત-ત-તે બાઈ અને છોકરું જોયું. અરે…રે… હવે પાછી આફત આવશે!” એ દોડીને ઉપર ગયા તેમની પાછળ હુંયે ગયો પણ ત્યાં કોઈ બાઈ અને છોકરું ન હતાં. રેતીના ઢગ પાસે બેસી રોટલાનું બટકું તેના બાળકને ખવડાવતી સ્ત્રી આમ અચાનક ગાયબ કેવી રીતે થઈ ગઈ? મને મારી આંખો પર વિશ્વાસ ન બેઠો, મારા અંગે અંગમાં ઝણઝણાટી પ્રસરી ગઈ. મેં આખા ચોથા માળે અને અગાસીમાં પણ જઈને તેમને શોધ્યા પણ કોઈ નહીં. ત્યારે બુઢાઉએ કહ્યું, “અરે અહિયાં આ ચણતર દરમિયાન અકસ્માત થયું હતું જેમાં એક સ્ત્રી અને એનું બાળક મૃત્યુ પામેલા એ હજુપણ ભટકે છે. એ જ્યારે પણ દેખાઈ ત્યારે કોઈને કોઈ આફત આવે છે.” વ્યાકુળ બનેલા બુઢાઉ જતાં રહ્યાં અને હું કલાસ તરફ જતો રહ્યો પણ એ સ્ત્રી અને બાળક મારી નજર સામે આજે પણ હયાત છે. એ ઘટના બન્યાંના બીજા જ દિવસે એ બુઢાઉ પટ્ટાવાળા પરલોક સિધાવી ગયેલા.”

કુંજનની વાત સાંભળી આલોકે ફરી મજાકમાં કહ્યું, “એ બુઢાઉએ કયા બાઈ અને છોકરાંને જોયા’તા? એને તો તે જોયા’તાં તો તારી સાથે અજુગતું ઘટવું ન જોઈએ?” આલોકની વાત સાંભળી બધાં જ હસી પડે છે.

બધા મિત્રો મેગી ખાઈને થોડીવાર ગપાટા મારવા ડ્રોઈંગરૂમમાં બેઠા. કુંજન સાથે હવે હાર્દિક પણ ગંભીર બની ગયો હતો. વિવેકે તેના તરફ જોઈ પૂછ્યું, ” અલ્યા…હાર્દીક તું પણ કુંજનની વાતમાં ક્યા આવી ગયો! તું પણ ગુમસુમ બની બેઠો!”

હાર્દિકે એક પછી એક બધાં તરફ જોયું અને પછી ધીમેથી બોલ્યો, “મને પણ ભટકતી આત્માનો અનુભવ થયો છે. હું જ્યાં રહું છું ત્યાં પાછળ આવેલી ઢોળા વાળી સાંકડી લેઈનમાં આત્મા ભટકે છે.” કુંજન તરત સુર પુરાવતો બોલ્યો, “આ બધાં માનતા નથી પણ બધાને કંઈકને કંઈક અનુભવ તો થયા જ હોય.”

વિવેક કુંજન તરફ ધ્યાન દીધાં વગર હાર્દિકને પૂછ્યું, “તે ક્યારે અનુભવ્યું હતું. અમને વાત કર, ખબર તો પડે!”

હાર્દિકે એ પરિસ્થિતિને વાગોળતાં, ” ગયાં વર્ષે જુલાઈ મહિનામાં 12th ના બેઝ પર લેવાયેલી સ્ટાફ સિલેક્શનની પરીક્ષા દઈ અમદાવાદથી સાંજે 6 વાગ્યાની બસમાં આવવા નીકળ્યો હતો. બરોબર રાત્રે દોઢ વાગે હું જૂનાગઢ પહોંચ્યો. એ સમયે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. મેં ઘરે જવા રીક્ષા કરી, પણ એ ઘરે જવાના આગળના રસ્તે જઈ શકે તેમ ન’હતી. રસ્તામાં મોટો ભુંવો પડ્યો હોય રસ્તો બંધ હતો. તેથી પાછળના ઢોળાવાળી સાંકડી શેરીના નાકે મને ઉતારી દીધો.ત્યાંથી મારૂ ઘર લગભગ સો મીટરનો રસ્તો પસાર કરતાં જ હશે. હું ત્યાથી મારી મસ્તીમાં ખભે બેગ લટકાવી આગળ વધ્યો અને અચાનક મારા પગ થંભી ગયાં. મારા દાદા એ કહેલી વાત યાદ આવી કે આ રસ્તા પર એક બાઈની આત્મા ભટકે છે, એક બાઈ સળગીને મરી ગઈ હતી. જે અધૂરી ઈચ્છાઓના લીધે ભટકે છે. મારા દાદાના એક મિત્ર રમણિકકાકાને એમનો અનુભવ થયો હતો અને એ બાઈને જોઈ પણ હતી. માથું-પગ તેના શરીરથી બિલકુલ ઊંધા હતાં એ બાઈને જોયાં બાદ અઠવાડિયામાં રમણિકકાકાનું અવસાન થયું હતું.

રાત્રે બારથી ત્રણ વચ્ચે જ એ ભટકતી આત્માનો અનુભવ થાય છે.હું થોડો સજાગ બની ઝડપી ડગલે આગળ વધ્યો. આગળ અચાનક કૂતરું ભસવા લાગ્યું. અચાનક પાવર કટ થતાં અંધારપટ છવાઈ ગયો. હવે મને પણ ડરનો અનુભવ થવા લાગ્યો હતો. મારા આખા શરીર માંથી પરસેવો છૂટ્યો. હું આગળ વધી એ કૂતરાંની નજીક પહોંચ્યો કે તુરંત એ ટાઉ… ટાઉ…કરતું નીચું બેસી ગયું. એ કૂતરાંને શું થયું એ વિચારમાં હું ઉભો રહ્યો. અચાનક ઝાંઝરનો છમ.. છમ..છમ…અવાજ મારા કાને અથડાયો. જાણે કોઈ બાઈ મારી નજીક આવી રહી હોય. ઠંડા પવનની એક લહેરખી આવી, મારાં અંગે અંગના રૂંવાટા ઉભા થઈ ગયા. આગળ કંઈ જ વિચાર્યા વિના ઝડપથી ઘર તરફ મેં ડગલાં ભર્યા અને પાછળથી હા..હારરરરર્દિકકકકકકક , એક પ્રેમાળ લહેકા સાથે એક મીઠો સ્ત્રીનો અવાજ સંભળાયો. એ પુકારમાં ગજબની આત્મીયતા હતી. હું પાછળ ફરી કોણ હશે એ જોવા વિચારવા લાગ્યો. મારા હૃદયના ધબકારા મને સંભળાવા લાગ્યા, હું પાછળ ફરી જોવા જતો હતો ત્યાં જ મને મારા દાદાની વાત યાદ આવી, જો આવો કોઈ અનુભવ થાય તો ત્યાં ઉભું ન રહેવું. ફરી મનોમન પાછળ ન ફરવાનો નિર્ણય લીધો. પણ ત્યાં એ રણક સાથેનો અવાજ પણ રડવાનો! ‘હા.. હારરરરર્દિકકકકકકક મારી પાસે આવને… હું એકલી પડી ગઈ છું.’ મારા હૃદયના ધબકારા અને દાદાજીની સૂચના બન્ને કાનમાં પડઘાવા લાગ્યાં. મેં તુરંત ઘર તરફ દોટ લગાવી ઘરે પહોંચી ગયો. એ અવાજ જ્યારે પણ યાદ કરું મારા રૂંવાડા ઉભા થઇ જાય છે અને ધબકારા પણ દોડવા લાગે છે. જુવો આ મારા હાથમાં ઉભા થયેલા રૂંવાડા…એ પછી આજ સુધી હું એ રસ્તે દિવસે પણ દોટ લગાવી ઝડપથી નિકળી જઉં છું.”

હાર્દિકની વાત સાંભળી મહેફિલમાં સન્નાટો છવાઈ ગયો હતો. વિવેકના ઘરે જુનવાણી લોલક વાળી ઘડિયાળમાં બારના ટકોરા પડ્યાં. વિવેક ઉભા થઈ ફ્રીઝ માંથી પાણીની બોટલ એક શ્વાસે ઘટઘટાવી ગયો. વાત સાંભળી તેનું ગળું સુકાઈ ગયું.

પાંચેય મિત્રો હવે સુનમુન બન્યાં. આલોકે ગંભીર બની પૂછ્યું, “બીજા કોઈને પણ અનુભવ હોય તો શેર કરજો જેથી સૌને ખબર પડે કે આવું પણ કંઈક આ દુનિયામાં છે.”

પવન શરૂથી બધી વાતો સાંભળતો રહ્યો, તેણે અત્યાર સુધી કોઈ જ પ્રત્યુત્તર ન’તો આપ્યો અને વાત પ્રત્યે ગંભીર પણ ન’તો બન્યો, જ્યારે હાર્દિકની વાત સાંભળી પછી એના મનમાં પણ કંઈક હતું, તે કંઈક કહેવા માંગતો હોય તેવી મુખમુદ્રા કરી અને બોલવાનું શરૂ કર્યું, “હું પણ મારો અનુભવ શેર કરવા માંગુ છું.બારમાં ધોરણના વેકેશનની વાત છે. એ સમયે હું થોડો આધ્યાત્મિક બની ગયો હતો. વારંવાર રાત્રે લંબેહનુમાન દર્શને જતો. ઘરેથી ઘણીવાર મને ટોકતાં કે ત્યાં રસ્તામાં સ્મશાન આવે છે. વળી લાખાકોઠાની જગ્યા પણ વહેંમાળું છે. પણ,વધુ પડતાં વિશ્વાસના લીધે ત્યાં જવાનું ચાલુ રાખ્યું. એકવખત મારી સાથે મારો જૂનો ક્લાસમેટ તરૂણ પણ આવ્યો. ભુત પ્રેત, અઘોરી, ચૂડેલ વિગેરે તેના માટે રસનો વિષય, તરૂણે એક વખત અમાસની રાતે સ્મશાન પાછળ અઘોરીઓને વિવિધ વિધીઓ કરતાં નિહાળ્યા હતાં. સંયોગ પણ એવા કે અમે સાથે ગયેલા ત્યારે પણ અમાસની જ રાત હતી. તેણે મને હિંમત આપી અઘોરીવિધી જોવા જવા પોતાની વાતમાં સહમત કરી મને તૈયાર કર્યો. હું પણ ખબરનહીં તેની વાતમાં આવી જઈ સ્મશાન પાછળ જવા તૈયાર થયો. અમે બન્ને છુપાતા સ્મશાન પસાર કરી તેની પાછળ આવેલ ચેકડેમ પસાર કરી જંગલમાં ગયા. રાત્રે 11:30 વાગ્યાં હતા. મારા મગજમાં કંઈક નવું જોવા અને જાણવાની કુતુહલતા હતી અને હૃદયમાં ફડક હતી.

થોડે અંદર જતાં જ મોટે મોટેથી મંત્રોચ્ચાર સંભળાયા, ઝાડીઓની વચ્ચે ઈંટોનો હવન કુંડ બનાવ્યો હતો. તેમાં સૂકા લાકડાઓ સળગી રહ્યાં હતાં. એક અઘોરી અમારી આંખો સામે પ્રત્યક્ષ હતો. કાળો ડગલો, લાંબી જટા, ગળામાં અસંખ્ય માળા કેટલીક રત્નો જડિત અને કેટલીક રૂદ્રાક્ષના પારાની, મોં પર ભસ્મ, હાથમાં એક હાડકું, પગ પાસે કોઈ પ્રાણીની ખોપડી, આંખો ચળકતી લાલઘુમ, પહાડી અને મોટો અવાજ, સ્પષ્ટ મંત્રોચ્ચાર સાથે થોડીવારે બીજા હાથે કોઈક લાલ દ્રવ્યની આહુતિ આપી રહ્યો હતો. આ પ્રક્રિયા ઘણીવાર સુધી ચાલી રહી અને અચાનક અગ્નીની જ્વાળાઓમાં એક પુરૂષની આકૃતિ બની. અઘોરી એ આકૃતિને હાથમાં રહેલ હાડકાંથી પીડા આપવા લાગ્યો અને તે આકૃતિમાંનો પુરુષ ભયાનક ચીસો પાડવા માંડ્યો. એ પુરુષની ચીસોની સાથે અઘોરી મોટેથી અટ્ટહાસ્ય કરી રહ્યો. તેને પાશવીય આનંદ મળી રહયો હતો. અઘોરીએ હાડકાં વડે એ આકૃતિ તરફ પોઈન્ટ આઉટ કરી હવનકુંડની બહાર લાવી પોતાની પાસે બેસાડયો. એ અગ્નીકૃત આકૃતિ ધીરે ધીરે એક પુરુષના રૂપમાં પરિવર્તિત થવા લાગી. એ પુરુષ ચામડી વગરનો જાણે હાડકાં ઉપર માત્ર માંસ ચોંટાડી દીધું હોય તેવો દ્રશ્યમાન થયો. જે જોઈ મારાથી ઉલટી થઈ ગઈ. અઘોરી અને એ પુરુષ બન્નેની નજર અમારા પર પડી. અઘોરીની ભયંકર લાલ આંખો સાથે પેલા પુરૂષના લબડતાં માંસલ મોં વચ્ચે બિહામણી આંખો અમારા તરફ ફરી. જે જોઈ હું અને તરૂણ એવા ભાગ્યા કે એક ક્ષણ માટે પણ પાછું વળી જોયું નહીં. એ લાલાશ પડતી આંખો હજુ પણ મને યાદ છે અને તરૂણ..!”

વાત કરતાં પવન ચુપ થઈ ગયો. આલોક પવનની નજીક જઈને તેના ખભ્ભા હલાવી, “તરૂણનું શું? કેમ અટકી ગયો?”

પવન ગભરાયેલા અવાજ સાથે બોલ્યો, “ત..ત.તરૂણ સ્મૃતિ ભ્રમ થઈ ગયો. હાલ તે પાગલખાનામાં છે. હું કદાચ લંબે હનુમાનજીની કૃપાથી બચી ગયો. એ દિવસ પછી આજ સુધી હું ક્યારેય રાત્રે દર્શન કરવા એ તરફ ગયો નહીં.”

રાત્રીના સાડા ત્રણ વાગી ગયા. પાંચેય મિત્રોનું વાંચવાનું તો ટળી જ ગયું. પણ, હવે તો ઊંઘ પણ ઉડી ગઈ. આલોક એક જ એવો હતો કે જેણે સમગ્ર વાતચીતને હળવાશથી લીધી. બાકીના ચારેયને તો સાપ સુંઘી ગયો. જેમતેમ કરી બધા સવારે છુટા પડ્યા.

બીજા દિવસે સાંજે, જે સમાચાર આવ્યા, એ સાંભળી બધાના હોશકોશ ઉડી ગયા. ઓગણીસ વર્ષની ઉંમરે કોલેજમાં ભણતો અને યુવાનીના ઉંબરે ઉભેલા છોકરાંનું હાર્ટ બેસી જતાં મૃત્યુ. હળવાશથી લેનાર આલોક સૌથી વધુ વિચારવંત અને લાગણીશીલ વ્યક્તિ નીકળ્યો.

-ઉજાસ વસાવડા

Categories: Ujas Vasavda

Leave a Reply