SHORT STORIES / लघु-कथाए

હેમુદાન ગઢવી

એક સત્યઘટના…

(ભાઈ વગરની એક ગરીબ બેનનો દીકરો મામાને ત્યાં જવાની હઠ પકડે છે, કેમય કરીને માનતો નથી. આખરે રેડિયો પર હેમુદાન ગઢવીનું ગીત સાંભળીને મા તેના દીકરાને કહી દે છે કે આ જ છે તારો મામો, હવે આગળ વાંચો.)

સમય :- 1961 ઇ.સ.

અને મામાના કંઠ વચ્ચે આંટા મારતો એ અબુધ બાળક કિલકારી ઊઠ્યું: ‘મામાની વાત કેમ ન કરી, મા?’ ‘કેમ કરું ગગા? તારો મામો બહુ આઘો રહે છે, ઠેઠ રાજકોટમાં…’

‘તો આપણે રાજકોટ જાઇ મા…’ ‘હું એને કાગળ લખું પછી જાશું…’ ‘મામાનું નામ તો તને આવડે છે ને?’ ‘હા બેટા! એનું નામ હેમુદાન ગઢવી છે…’ ‘તે ગઢવી તો આપણેય છયેંને, હે, મા?’ ‘હા, દીકરા! માટે તો તારો મામો થાય ને?’

અને પછી છોકરાએ મામાને કાગળ લખવાની રઢ લીધી. ‘ગામનો ચોરો’ કાર્યક્રમ પૂરો થયો અને પત્રોના જવાબ પછી આકાશવાણી-રાજકોટનું સરનામું બોલાયું. બાઇએ હૈયે હામ રાખીને વળતા દિવસે, વેપારીની દુકાનેથી પોસ્ટકાર્ડ લઇને હેમુભાઇ ગઢવીના નામે કાગળ લખ્યો:

‘હેમુભાઇ! મારે અને તારે આંખનીય ઓળખાણ નથી છતાં મેં તને મારો ભાઇ કરી માન્યો છે. જનમ-દ:ખણી છું. નભાઇ છું, બાળોતિયાંની બળેલ છું. મારે કોઇ ઓથ કે આધાર નથી અને મારો એકનો એક દીકરો ઘણા સમયથી મામાનું નામ ઝંખતો હતો. ‘નભાઇ’ એવી હું એને મામો ક્યાંથી લાવી દઉં, ભાઇ? આથી મેં મામા તરીકે તારું નામ દઇ દીધું છે. રેડિયો ઉપર તારું ગીત સાંભળ્યા પછી સરનામું યાદ રાખીને આ કાગળ લખું છું. જો મારી વાત તને ગોઠે તો છોકરાનો મામો થાજે અને એકાદ આંટો આવજે. નીકર મારા આ કાગળને નકામો સમજીને ફાડી નાખજે અને અમને માફ કરી દેજે. હાંઉ વીરા! તારાં દૂધ અને દીકરા જીવે. ભૂલચૂક માફ કરજે!’

બાઇનો કાગળ ‘ગામનો ચોરો’ વિભાગમાં પહોંચ્યો અને ત્યાંથી આકાશવાણીનો પટાવાળો કાગળ લઇને હેમુભાઇ ગઢવીને પહોંચાડી આવ્યો…ત્રાંસી, વાંકી લીટીઓ, છેકછાક અને ઇળિયા અક્ષરોવાળો કાગળ હેમુભાઇ ગઢવીએ મથી મથીને ઉકેલ્યો અને કાગળની ઉકલત જ્યારે હૈયે વસી ત્યારે એની આંખો ભીની થઇ ગઇ: ‘ઓ હો જીતવા! દરેક કલાકાર જે તત્વને પામવા મથામણ કરે છે અને પોતાની કલાના કવન-કથનમાં પ્રાણ પૂરવા માંગે છે. એ જ તત્વ આજ સામે ચાલીને મને નિમંત્રી રહ્યું છે… ભલે, મારી બોન! હું એક વાર નહીં સાતવાર તારો ભાઇ, ધર્મનો નહીં પણ મા જણ્યો માનજે, મારી બેન!’

અને સોરઠના મોરલાની ગળક જે કંઠમાંથી ધકધકતી હતી એવો કંઠ, ડૂમાથી છલકાઇ ગયો… આખા સોરઠને કરુણ સંગીતિકાઓથી રોવડાવતો એ ખમતીધર ગાયક ખુદ રડી પડ્યો! બાઇનું નામ, ગામ અને જવા માટેનો રસ્તો હૈયે લખીને હેમુદાન ગઢવીએ કાગળ ખિસ્સામાં મૂક્યો અને એની ઉપર એક દેવીપુત્રની પ્રતિજ્ઞા પણ મૂકી દીધી કે ‘હું જીવતો હોઇશ તો ઘેર, છેવટે પગે ચાલીને પણ આવીશ, બેન! તારો કાગળ-તારી આશા અવર્થે નથી ગયાં!’

આકાશવાણીના અનેક કામ વચ્ચેય ઠેકઠેકાણેથી ડાયરાનાં નોતરાં આવતાં રહેતાં અને દરેક વખતે હેમુ ગઢવી ગિરનારની છાયાનું જૂનાગઢ પાસેનું એ નાનકડું ગામ ઝંખી ઊઠે… અને મનોમન આરદા પણ કરે કે એ બાજુનો કાર્યક્રમ ગોઠવાય તો બહેનને ઘેર જઇ આવું અને ભાણાને માથે હાથ ફેરવતો આવું પણ મેળ મળતો નથી.‘મા! હેમુ મામાનો કાગળ આવ્યો?’ પેલા છોકરો એની મા પાસે રોજ ઉઘરાણી કરે છે.

‘આવશે બેટા! મામો બહુ કામમાં છે…’ મા જવાબ આપે છે અને મનોમન રહેંસાઇ જાય છે. ‘અરેરે, ક્યાં હેમુદાન ગઢવી જેવો જબરો ગાયક કલાકાર અને ક્યાં પોતે? મોટરોમાં ભમનારો, ફૂલના હાર પહેરનારો, સભાઓને ડોલાવનારો, રેડિયો ઉપર ગાઇને આખા કાઠિયાવાડ મલકને ક્યારેક હસાવનારો, ક્યારેક રડાવનારો ભડભાદર આદમી અને ક્યાં ન મૂડિયાં, નોધારાં, ગરીબડાં એવાં અમે? મેં એને ભાઇ માન્યો, મારા છોકરાનો મામો કહ્યો, કારણ વગરની આ વાત એને મહેણાં જેવી લાગી હશે ને? મેં બહુ ભૂલ કરી. પણ હવે શું થાય? બાણ તો ભાથામાંથી છુટી ગયું છે. હે જોગમાયા! હવે તો તું કરે તે ખરું…’

પોષ માસની હાડકાં નોખાં કરી નાખે એવી ટાઢ છે. રાતના બે વાગ્યાનો સુમાર છે. જૂનાગઢ બાજુથી લોકડાયરાનો કાર્યક્રમ પૂરો કરીને રાજકોટ જવા નીકળેલા લોકસાહિત્યકારોને લઇને એક ટેક્સી પુરપાટ વેગે દોડતી જાય છે. આ ટેક્સીમાં હેમુદાન ગઢવી પણ છે, સાથે લાખાભાઇ ગઢવી અને બીજા કલાકારોનો કાફલો છે. ડ્રાઇવરને બીજું ભાડું છે માટે રાજકોટ પહોંચવાની તાલાવેલી છે. અંદર બેઠેલા કલાકારોને પણ ઝટ રાજકોટ આવે એની તલપ છે. કેમ કે એ સૌના સામટા પુરસ્કારનું ભર્યું ભર્યું કવર હેમુદાન ગઢવીના કોટના ખિસ્સામાં છે…

‘ભાઇ! આ પડખે ગાડી જરાક ધીમી રાખજે અને રોડ ઉપર પાટિયું આવે તો થોભી જજે.. મારે જરાક ઇ ગામમાં ખોટીપો છે.’અને આટલી વાત થઇ કે એ ગામનું પાટિયું ગાડીની હેડલાઇટમાં પકડાયું. ‘સાહેબ! આપ કહો છો એ ગામનું પાટિયું હવે આવશે…’અને ટેક્સી પાટિયા પાસે થોભી. હેમુભાઇ ગઢવીએ ગામનું નામ વાંચ્યું. એ જ ગામ હતું, જ્યાં પોતાની ધર્મની બહેન કાગડોળે ‘ભાઇ’ની રાહ જોતી હતી…‘રહો, ભાઇ! હું જઇ આવું…’ કહીને હેમુભાઇ ગઢવીએ ટેક્સીની બારી ખોલી…

‘કાં હેમુભાઇ! આમ?’ લાખાભાઇ ગઢવી નવાઇ પામીને બોલ્યા! ‘ગામનું કામ છે કે ગામમાં જવું છે? આ ટાઢ તો જુઓ!’‘આંહી મારી એક બહેન રહે છે ! ઊભો ઊભો મળતો આવું…’‘તમારાં બેન? આ ગામમાં?’ હેમુભાઇ ગઢવીનાં સગાંસંબંધીઓને ઓળખનાર એવા લાખાભાઇ ગઢવીએ દાંત કાઢ્યા: ‘મને ખબર છે કે આ ગામમાં તમારાં બેન નથી…’

‘મને એક ને જ ખબર છે કે મારી બહેન આ જ ગામમાં છે.’ કહીને હેમુભાઇએ પણ દાંત કાઢ્યા: ‘મારી ધરમની બેન છે, ભાઇ! પણ એ બધી હું તમને આવીને વાત કહીશ.’ અને ગામ તરફ ડાંફો ભરીને બાકીના શબ્દો હેમુદાને પોષની કડકડતી ટાઢના કિલ્લામાં ફેંક્યા: ‘નિરાંતે બધી વાત કરીશ…’

‘ઊભા રહો, સાહેબ!’ ડ્રાઇવરે કીધું: ‘ગાડી ગામના પાદરમાં જ લઇ લઉં: ‘હેમુભાઇ આકાશવાણીનો કર્મચારી, પણ કંઠથી આખા કાઠિયાવાડને ઘેલું કરનારો ધૂંઆધાર ગાયક, એવા આદમીને પોષની રાતે ચાલીને જવા દેવાય? અડધી રાતે? સાવ અજાણ્યા સ્થળે?’ ડ્રાઇવરે ગાડી ગામના પાદરમાં લીધી અને હેમુભાઇ ગઢવીએ છલાંગો મારી… નક્ષત્રોના આછા ઉજાસે અને અણસારે, હેમુભાઇ ગરીબડી એવી બહેનનું ખોરડું ફંફોસતો જાય છે. ગામના જાગી ઊઠતાં કૂતરાં ડાડવે છે ત્યારે ધૂળની મૂઠી ભરીને સામનો કરે છે…

આખરે એક ખોરડાની ખડકી ઉપર ઝાંખા ઝાંખા સિંદૂરિયા ત્રિશૂળના નિશાન જોયાં અને પામી લીધું કે આ ખોરડું ચારણનું છે… અને એમાં જ બહેન રહે છે…માતાજીનું નામ લઇને હેમુદાને સાંકળ ખખડાવી…અને એ વખતે અંદરને ઓરડેથી કાથીના ખાટલાનું ‘વાણ’ કસકસ થવાનો અવાજ આવ્યો અને પછી થોડાં અણગમતાં વેણ: ‘અટાણે કોણ છે?’ ‘ઇ તો હું હેમુ… હેમુદાન ગઢવી બોન!’‘હેં? હેમુભાઇ? રેડિયોવાળો?’‘હા બોન! રેડિયોવાળો… તારો ભાઇ!’

ઇ હાંફળીફાંફળી થતી, હાથમાં દીવડો પકડીને બારણા તરફ દોડી: ‘મારો બાપલિયો! મારો વીરો ઇ દો! (મારો ભાઇ આવ્યો!) ખમ્મા, તુંને વીરા!’ હાથમાં ટમટમતો દીવો પકડીને બાઇએ બારણું ઉઘાડ્યું. સામે કીમતી વસ્ત્રોમાં શોભતો, પોતાનો જીભનો માનેલો પણ જિંદગીમાં ક્યારેય નહીં જોયેલો એવો ભાઇ ઊભો હતો…‘માલીપા આવ્ય ભાઇ! અટાણે ક્યાંથી ભાઇ?’

‘જૂનાગઢ બાજુ એક કાર્યક્રમ હતો, બહેન!’ હેમુદાને આખા ઓરડામાં આંખ ઘુમાવી. આયખાના દુ:ખીપામાં શેકાતી પરબાબીડી જેવી બહેનના ગરીબડા ચહેરા સામે જોઇને ઉમેર્યું: ‘મેં કું બેનનું ગામ રસ્તામાં આવે છે તે મળતો જાઉં…!’‘હેં ભાઇ, મારો કાગળ તને પૂગ્યો’તો?’‘હા, હા, પૂગ્યો’ તો… સાચવીને મારા ખિસ્સામાં રાખ્યો’તો પણ નોકરીના કારણે રજા નહોતી મળતી, બેન!’‘અમે તો મા-દીકરો કયે દી’ના તારી વાટ જોતાં હતાં ભાઇ! અને વાતુંના ઊભરે, ભાઇ આવ્યાની વધામણીએ, સાવ ગાંડી બનેલી બાઇને વળી પાછું સાંભરી આવ્યું:

‘અરરર! મૂઇ હું તો તારા ઓવારણાં લેવાનું સાવ ભૂલી ગઇ…!’ બહેને ઉલ્લાસિત હાથની કળાઇઓ ભાઇના માથા તરફ લાંબી કરી… હેમુદાને માથું નમાવ્યું… બહેને દસેય આંગળીએ ભાઇનાં દુ:ખણાં લીધાં: ‘તને જોગમાયા કરોડ વરસનો કરે વીરા…!’ હૈયામાં ઊભરાતી વાતો વળી પાછી અવળસવળ થઇ… એમાંથી વળી પાછી સાંભરણ ઊભરી: ‘હેં ભાઇ! મારાં ભાભી અને મારાં ભત્રીજાં… બધાં આનંદમાં છે ને?’‘બધાં મજા કરે છે બેન! અને તમને તથા મારા ભાણાને આંટો તેડાવે છે.’

‘ખમ્મા ભાભીને! મારા બાપ! એટલે બધે તો અંજળે અવાય… પણ જીવતી હશ તો જરૂર આવીશ.’ અને વળી પાછું સાંભરી આવતાં ગોદડું હેમુદાનના ખોળામાં મૂકર્યું: ‘ઓઢÛ ભાઇ! કેવી આકરી ટાઢÛ છે બાપા!’ ગોડદું ઓઢવાની જરૂર નહોતી છતાં ભાઇએ ઓઢવાનો દેખાવ કરીને બહેનને પૂછ્યું: ‘મારો ભાણો મામાને ઘેર જવાનું વેન કરતો’ તો…? ખરુંને બેન?’

‘અરે, હા ભાઇ! ઇ તો હું ભૂલી જ ગઇ…’ બાઇ સૂતેલા છોકરા પાસે ધસી ગઇ… ‘લેં, એને જગાડું. મારો તો જીવ ખાઇ જાય હોં. પછે એક દી’ મેં અમારો રેડિયો ચાલુ કર્યો અને મારાં ભાગ્ય જાગ્યાં… તારું જ ગીત ગવાતું હો ભાઇ! ઓલ્યું… ‘કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં.’ પીટડીયો ગીત સાંભળીને એવો તો રાજી થયો કે બધાં વેન મૂકી દઇને સાંભળવા બેસી ગ્યો… ગીત પૂરું થયું… ગામના ચોરાનું સરનામું બોલાયું. મેં તો ઠાકર ઠાકર કહીને તને કાગળ લખ્યો… ઘડીક તો મૂંઝાતી હોં… થ્યું કે આવો મોટો માણહ… પણ શું કરું? મારે ભાઇ નહીં, મા-બાપ નહીં.

અરે કોઇ નહીં અને છેવટે રંડાપો મળ્યો… ક્યાંય નાખી નજર પોગતી નહોતી ભાઇ! અને છોકરો મામાનું નામ ઝંખ્યા કરે.’ કહીને બાઇએ આવેલાં આંસુ લૂછ્યાં… અને છોકરાને જગાડ્યો. ‘જાગ્ય.. ભાઇલા! તારા મામા આવ્યા… જો આંય બેઠા!’ અને મામાનું નામ સાંભળતાં સ્વપ્નપ્રદેશમાંથી છોકરો બેકળીને બેઠો થઇ ગયો. કોઇ રિઢયાળા ચિત્રને જોતો હોય એમ રૂડારૂપાળા ચોખ્ખા ફૂલ જેવા મામાને બાઘી આંખે જોઇ રહ્યો…હેમુભાઇ ગઢવી ઊભા થઇને ભાણા પાસે બેઠા. એના માથા પર, વાંસામાં હાથ ફેરવ્યો: ‘ભાણા! તને મારું કર્યું ગીત ગમે છે?’‘કાનુડે કવરાવ્યાં… મામા!’ છોકરો ટપ દઇને બોલી ગયો.

‘વાહ વાહ! પણ ભાણા! તું માને કવરાવ્યા કરે છે… જો આજથી બંધ હો… માને કવરાવીએ તો પાપ લાગે ભાણા! હવે હું આવી ગયો, વળી પાછો આવીશ. હું જ તારો મામો છું, સમજ્યો?’‘હા હવે વેન નૈ કરું, મામા!’‘જો મામા આવે ખારેક ટોપરાં ને સાકર લાવે.’ હેમુદાને બાળક સાથે બાળસહજ ગમ્મત કરી! ‘પણ આ મામો કાંઇ લાવ્યો નથી કાં?’‘અરે ભાઇ! બોલ્ય મા.’ છોકરાની મા ડુમાતા કંઠે બોલી: ‘તું પોતે મારી જેવી રાંકડી બેનને સંભારીને મારે આંગણે આવ્યો એટલે ગોળનાં ગાડાં આવ્યાં!’ અને પછી અચાનક સાંભરણ આવી એટલે બહેન બોલી: ‘અરર! હું તો ભૂલી ગઇ. લે, ભાઇ! થોડોક ચા કાઢું.’

‘જરૂર નથી બોન!’ હેમુદાન ગઢવી પડું પડું ભીતડાંના લટકેલાં નિળયાંવાળા, ગરીબીથી છલકાતા ખોરડાના હેતનાં સાચાં મોતીડાં વરસતાં જોઇને ગદ્ગદ થઇ ગયો… બેનને પોતાના સમ દઇને ચા કરવાની ના પાડી અને આટલી વારમાં એને પણ સાંભરી આવ્યું કે ગામને પાદર ટેક્સી પોતાની રાહ જુએ છે, પણ નીકળતાં પહેલાં ધરમની આ બહેન અને ભાણા માટે માસ બે માસની ‘ચણ્ય’ નાખતા જવાનો મનસૂબો થઇ આવ્યો. પચ્ચાસ-સો રૂપિયાની નોટ કાઢીને જો આપીશ તો નહીં જ લ્યે, એટલે જ ઊભા થતાં ભાઇએ કહ્યું: ‘બેન!

હવે હું જાઉં પાદરમાં મોટર મારી રાહ જુએ છે અને જો, તું અને મારો ભાણો રાજકોટ મારે ઘેર જરૂર આવજો. છોકરાં અને તારાં ભાભી બૌ રાજી થાશે…’ અને પગ ઉપાડ્યો… ખડકી આવી. એટલે કોટના ગજવામાંથી સફેદ કવર કાઢયું અને બેનના હાથમાં થમાવતાં કહ્યું: ‘મારા ભાણાને ધોતલીના દઉં છું બેન! ના પાડો તો ભાઇના સમ છે.’ અને ખડકી સુધી મા સાથે આવેલા ભાણાના માથા પર ફરીથી હેતાળવો હાથ મૂક્યો અને પગ ઉપાડ્યો. બાઇએ કવર ખોલીને અંદર નજર નાખી. જનમારામાં જેના દર્શન નહોતાં થયાં એવી સો-સોની નોટો જોઇને બાઇના મોંમાંથી ચીસ જેવો સાદ નીકળી ગયો… ‘ભાઇ! હેમુભાઇ! આટલા બધા રૂપિયા ન દેવાય… ન દેવાય, બાપા! ઊભો રહે ભાઇ!’ પણ ભાઇ તો નાનકડા એવા ગામની બજાર છલાંગથી પૂરી કરીને ટેક્સી પાસે પહોંચી ગયો હતો.

‘આવી ગયા, હેમુભાઇ?’ કલાકારોએ રાજીપો અનુભવ્યો અને હેમુભાઇને લઇને ટેક્સી વળી પાછી રાજકોટ તરફ દોડવા લાગી…મોં સૂઝણા ટાણે મોટર રાજકોટ પહોંચી…ત્યારે હેમુભાઇ ગઢવી બોલ્યા: ‘મિત્રો! તમારો સૌનો પુરસ્કાર હું આપી શકું તેમ નથી.’‘કાં?’ મિત્રો ચોંક્યા… ‘કવર પડી ગયું?’‘પડી નથી ગયું.

પણ આપણા સૌના પુરસ્કારવાળું આખું કવર મેં મારી જીભની માનેલ બેનને દઇ દીધું ભાઇ! એનાં દ:ખ અને ગરીબી મારાથી જોયાં ન ગયાં એટલે આગળ પાછળનો કાંઇ વિચાર કર્યા વગર દઇ દીધું… પણ છતાંય તમને સૌને તમારું મહેનતાણું મેળવી આપવાની ખાતરી આપું છું.’ કહીને હેમુદાન ગઢવીએ બાઇના ઘરની અથથી ઇતિ સુધીની માંડીને વાત કરી…

‘શાબાશ કલાકાર!’ લાખાભાઇ ગઢવી અને બીજા અન્ય કલાકાર મિત્રો રાજી થયા: ‘તમે બહું મોટું પુણ્ય કર્યું હેમુભાઇ! અને સાંભળો. તમારી બેન ઇ અમારી જ બેન ગણાય. હવે પૈસાની વાત જ ન કરશો…’

(નોંધ: આ લોકલાડીલો ગાયક તા. ૨૦-૭-૬૫ની જન્માષ્ટમીએ, માત્ર ૩૬ વર્ષની વયે એના કાનુડા પાસે એકાએક ચાલ્યો ગયો ત્યારે લોકસંગીત ડૂસકતું હતું પણ પેલી નોધારી બાઇ અને એનો દીકરો કેવાં રડ્યાં હશે? કેવાં?)

✍️નાનાભાઈ જેબલિયા

Leave a Reply