બારમા ધોરણનું વહેલી સવારે પરિણામ આવ્યું. ઉતાવળે ઓનલાઈન પરિણામ જોતા મનોજભાઈ બરાડી ઉઠ્યા.
‘ ક્યાં ગઈ , જો જો તારી લાડલીનું રીઝલ્ટ.’
‘શું આવ્યું ?’ તેમની પત્ની ને દીકરી શીતલ દોડી આવ્યાં.
‘ શું આવે ! નાપાસ.’મનોજભાઈ ગુસ્સામાં લાલપીળા થઈ ગયા.
‘હેં !!!’
‘ હું હેં ! મેં કેટલીવાર કહ્યું પણ મારું માને કોણ? રોજ બધાને કહેતી ફરતી કે મારી શીતલ હોશિયાર છે. પેલા સાહેબો પણ હોશિયાર હોશિયાર કરતાતા.’
‘પપ્પા, મને જોવાતો દો?’
‘તને હવે શું બતાવવાનું. ગુજરાતી,સંસ્કૃત સિવાય બધામાં ફેલ.ગામમાં મારું નાક કાપ્યું.’
શીતલને આઘાત લાગ્યો. બાપનો લાલઘુમ ચહેરો જોઈ ત્યાંથી ચાલી ગઈ.
મનોજભાઈ મોબાઈલમાં નેટ બંધ કરી આમ તેમ આટાફેરા મારવા લાગ્યા.
ત્યાં શાળામાંથી ફોન આવ્યો. ‘અભિનંદન મનોજભાઈ !’
‘શાના?’
‘શીતલ શાળાના ફસ્ટ આવી.’
‘હેં.’
‘હા અમે અત્યારેજ ઓનલાઈન પરિણામ જોયું.શીતલને અભિનંદન આપજો.’
મનોજભાઈએ ફરી નેટ પર જોયું. ભૂલથી છેલ્લો ઓકડો એકની જગ્યાએ બે લખાઈ ગયો હતો. તેનું નામ પણ શીતલ જ હતું. બૂમ પાડી.
‘શીતલ… શીતલ,’ શીતલ ક્યાંય દેખાઈ નહિ.’
બીજા માળે કચરો-પોતું કરવા ગયેલી શીતલની મમ્મીએ રાડ પાડી.
શીતલ દુપટ્ટો પંખે બાંધી શીતળ થઈ ગઈ હતી. આઘાતને પચાવી શકી નહિ.
લેખક : રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
9428769433
Categories: Raghuvir Patel