SHORT STORIES / लघु-कथाए

ક્રિષ્ના-મુરલી

“દિકરા, જો તો બહાર જરા. મુરલી આવ્યો કે નહીં?” દાદાજીનો અવાજ સાંભળીને ક્રિષ્ના દોડતી જઈને બહાર ડોકું તાણી આવી.

“ના દાદજી, તમારો મુરલી તો ક્યાય દૂર દૂર સુધી દેખાતો નથી. નથી એની ઘંટડી સંભળાતી” કહેતી ક્રિષ્ના પાછી ગુલાબના કુંડાને શણગારવા બેસી ગઈ. ઘરનું આંગણું, અગાશી જ્યાં જગ્યા મળે ત્યા એ નવું કુંડુ લાવીને મુકી દેતી ને કોઈને કોઈ છોડ લાવીને રોપતી. એટલા પ્રેમથી માવજત કરતી કે જોનાર આફરીન થઈ જાય.

અચાનક તેનું ધ્યાન ગયું કે, કદાચ ઘંટડીનો રણકાર સંભળાય છે. તે ફરી પાછી ઊભી થઈ. બહાર જઈને જોયું. કેટલાક નાના નાના બાળકો મુરલીની સાયકલને ઘેરી વળ્યા હતાં. જેવો શોખ ક્રિષ્નાને હતો ફુલોથી ઘર આખું સજાવવાનો, એવોજ ગાંડો શોખ હતો મુરલીને એની સાયકલ સજાવવાનો! એ સાયકલ પર ચાની પવાલી ભરીને નીકળી પડતો. સાયકલને તો એણે એવી શણગારેલી કે જોઈને બે ઘડી દંગ રહી જવાય. કોઈ વરઘોડામાં જેવી રીતે ઘોડીને શણગારવામાં આવે એમ તેણે પોતાની સાયકલ શણગારેલી. નીતનવા ફુમતા સાયકલમાં લટકાવેલા.

રંગબેરંગી ખીલેલી સાયકલ ને જોતા જ બાળકો તેને ઘેરી વળતાં. એક કાકાએ સલાહ આપેલી કે, ” મુરલી, આ છોકરાવ સારુ કઈક લાવતો હોય તો.. જેમ તારી ચાની આ ઓટલો રાહ જોવે છે એમ એય બચારા તને આવતો જોઈને રાજી થશે. ને તને બે પાંચ કમાણી વધું થશે એ નફાનું”

મુરલીને એ વાત ગળે ઉતરી. તે શહેરમાં જઈને અવનવી ચોકલેટ ને મિઠાઈ લઈ આવતો. બાળકોને ત્યારથી એ વ્હાલો થઈ ગયો. એક દિવસ ગામનાં રમાકાકીએ તેને મજાકમાં કહ્યું કે, મુરલી, આ સાયકલ શણગારે છે એવા ફુલડા તું અમારા માટે લાવતો હોય તો અમારા ઘરની અભેરાઈની પણ શોભા વધે.”

પછી તો મુરલીને કહેવું પડે? બીજા જ અઠવાડિયે થેલો ભરીને ફુલડા લાવીને કેટલીય અભેરાઈઓની સુંદરતા વધારી દીધી. ધીમે ધીમે ચાની સાથે આવા ફુલડા વેંચતો થયો. આમ બાળ, વૃધ્ધો અને ગામની મહીલાઓના હદય એક સાથે જીતી લીધાં. પણ તેનું હદય પેલી ઉડ ઉડ કરતી આવતી ક્રિષ્નાએ જીતી લીધું હતું. દાદજી જ્યારથી બિમાર થયા ત્યારથી સાયકલની ઘંટડી સાંભળીને ક્રિષ્ના જ ચા લેવા માટે દોડતી. કેમ કે દાદાજી મુરલીને બે પૈસા વધારે મળે એ આશયથી ચા પીતા પણ પછી તો ચાનો એવો ચસકો ચડેલો કે, એના હાથની ચા વગર ચાલે જ નહીં. પણ હવે એ ફુલડા પણ વેંચતો એટલે ગામની શેરીઓમાં પણ આવવા લાગ્યો.. દેખાવમાં સોહામણો, ઓછા બોલો. ખપ પુરતું બોલે, ગામની સ્ત્રીઓને બોલાવે, હસાડે પણ વિવેકથી… એટલે દરેકને એ ગમતો.

ક્રિષ્નાના ઘર પાસે આવી ઘંટડી વગાડે એટલે ક્રિષ્ના જ દોડતી. કહેતી, ” મુરલી, તું ચા માં શું નાખીને લાવે છે? દાદાજી તો ઘરની ચાને ગણકારતા જ નથી.” તો ક્યારેક પુછતી, ” હેં, મુરલી તને આ સાચુકલા ફુલો પણ ગમે આ ગુચ્છાઓ જ ગમે છે??” પણ એ મુંગો રહેતો. જેમ આખા ગામને એની ઘંટડીનો રણકાર મીઠો લાગતો, એવી જ રીતે ક્રિષ્નાના ગળામાંથી નીકળતો મીઠો રણકાર એ માત્ર સાંભળ્યા જ કરતો. તો ક્યારેક ઘરની દિવાલો ને આંગણામાં ડોકિયા કરતાં પેલા કુંડાઓને અને એમાં ખીલેલા ફુલડાઓને જોઈ લેતો. ને પોતાના કામે આગળ નીકળી જતો.

” દાદાજી, આ મુરલી મુંગો હોત તો ન ચાલત? આછું મલક્યા સિવાય એ ક્યા કાઈં બોલે જ છે?” ક્રિષ્નાએ દાદાજી આગળ એક દિવસ બળાપો ઠાલવ્યો. દાદાજીએ પ્રેમથી ઠપકો આપ્યો, ” ગાંડી, એવું ન બોલાય. બધાં તારા જેવા ન હોય. એ તો ડાહ્યો છે ને એટલે.”

” અચ્છા, હું ગાંડી ને એ ડાહ્યો? આ ચાનો નશો બોલે છે કે મારા દાદાજી?” કહીને બેઉં ખડખડાટ હસી પડ્યાં. “ચાલો, આજે તો હું પણ ચાની લિજ્જત માણું.. મુરલી કેવો જાદુ ભેળવે છે અંદર?” અને ત્યારથી એ પણ મુરલીના હાથની ચાની દિવાની થઈ ગઈ. હવે એક ના બદલે બે પ્યાલી લઈને દોડતી.

પણ આ સિલસિલાનો જલ્દી અંત આવ્યો. દાદાજીએ દુનિયામાંથી વિદાય લીધી. ક્રિષ્ના સુનમુન થઈ ગઈ. એનાથી ક્રિષ્નાનો મુરઝાયેલો ચહેરો જોઈ શકાતો ન્હતો. એક દિવસ ખરખરો કરીને બે ચાર દિવસ તો ગામમાં જ આવ્યો નહીં. મુરલી એ ઘર બાજુ બે અઠવાડિયા સુધી ડોકાયો નહીં. એ જ સમયગાળામાં બારમામાં ક્રિષ્નાને સારા ટકા આવ્યા અને તેના મોટા બાપુએ આગળના અભ્યાસ માટે તેને મુંબઈ તેડાવી લીધી. થોડો સમય વીતતા તેના મમ્મી પપ્પા પણ મુંબઈ સ્થાઈ થવા ત્યાં જ જતા રહ્યા. દાદીમાં અહીં કાકા કાકી જોડે રહેતાં. દાદાજીના ગયા પછી ક્રિષ્નાએ ચા જ છોડી દીધી. રહી રહીને તેને મુરલી સાંભરી આવતો. ને આ બાજુ મુરલીએ સમય જતા એ ગામમાં ચા વેંચવા જવાનું જ બંધ કરી દીધું. તેને ખીલેલા કુંડાઓમાં પણ ખાલીપો લાગતો.

સમય સરતો રહ્યો. મુરલી વધુ ગુમસુમ રહેવા લાગ્યો.. તેની વિધવા માએ ઘણો સમજાવ્યો કે, મુરલી જેટલી ચાદર હોય એટલી જ સોડ તણાય. પણ મુરલી ખરેખર પોતાના અસ્તિત્વને ક્રિષ્નાના નામે કરી ચુક્યો હતો. વરસો વિતતા રહ્યા. એને એમ હતું કે ક્રિષ્ના એક દિવસ જરૂર આવશે. પણ દાદીના અવસાન સમયે તે અગત્યના પ્રોજેક્ટ માટે ગયેલી. એટલે એક આશા હતી એ ઠગારી નીવડી. ક્રિષ્નાના ગામને ઝાંપે જવાનું પણ હવે તેણે બંધ કર્યું હતું. પરંતુ ધીરજનો અંત આવતા એક દિવસ તેણે કહ્યું, “મા, હું મુંબઈ જઈશ.” ઘણું સમજાવ્યા છતા ટસનો મસ ન થયો. આખરે માએ હથિયાર હેંઠા મુક્યા. એક દિવસ ક્રિષ્નાના દાદીમા પાસે આવી દાદજીને યાદ કર્યા ને વાતો વાતોમાં ક્રિષ્ના ક્યા છે એ જાણીને પાછો જતો રહ્યો. થોડી જમીન હતી એ વેંચીને તેણે મુંબઈમાં હાથ અજમાવ્યો. એના જેવા કામની તલાશમાં આવેલા મહેનતું છોકરાઓ મળે તો નવી દુકાન ભાડે રાખીને ચાનું પાર્લર જ ખોલતો. ધીમે ધીમે ધંધામાં જમાવટ આવી.

ખૂબ પૈસો કમાયો. ક્રિષ્ના રહેતી એ વિસ્તારમાં તેણે પોતાનું એક નાનું રીસોર્ટ ખોલ્યું. નામ આપ્યું ‘ક્રિષ્ના ટી રીસોર્ટ’. જેવી રીતે સાયકલ શણગારતો એવી જ રીતે રીસોર્ટ શણગાર્યું. પણ એક ફરક હતો.. રીસોર્ટં તેણે કૃત્રિમ નહીં પણ ક્રિષ્નાને ગમતા એવા હસતા ખીલતા ફુલછોડ ને વેલીઓથી સજાવ્યું. બાળકો માટે ટોફી, ચોકલેટ અને અવનવી મિઠાઈ ની વ્યવસ્થા કરી. એના સિવાય કશું જ નહીં. રખેને કદાચ ક્રિષ્ના એને ઓળખી કાઢે.

થોડા મહીના ફર વીતી ગયા. અચાનક એક સાંજે ક્રિષ્નાને તેણે રીસોર્ટમા દાખલ થતી જોઈ. તેનો ધબકાર વધી ગયો. હજું પણ એટલી જ નાજુક ને નમણી. પણ બીજી જ ક્ષણે એક પુરુષ ચારેક વર્ષના બાળકની આંગળી પકડીને ક્રિષ્નાની બાજુમાં આવી ઊભો રહ્યો. અને એજ ક્ષણે મુરલી એક ધબકાર ચુકી ગયો. શું ક્રિષ્નાએ??? વિચારમાત્રથી એનું મન તુટી ગયું.

એ પછી તો ક્રિષ્ના અવારનવાર અહીં આવતી. પણ એ હંમેશ એની સામે આવવાનું ટાળતો… બસ દુરથી ક્યાકથી એને જોયા કરતો.. આવી જ એક સાંજે ક્રિષ્ના રીસોર્ટમાં ધીમે ધીમે ચાની ઘુંટડીઓ ભરી રહી હતી. ત્યારે જ ” અરે, ક્રિષ્ના તું, અને ચા??? શું વાત છે?” કહેતી કોલેજ સમયની એક સખી આવીને ગળે વળગી પડી. બરાબર આ જ સમયે મુરલી ત્યાથી પસાર થઈ રહ્યો હતો. જે રણકો સાંભળવા માટે તેણે વરસો તપ કર્યું એ મીઠો રણકાર સાંભળવા માટે તે પોતાની જાતને રોકી ન શક્યો અને પોતાની પીઠ ક્રિષ્ના તરફ રહે એમ બાજુની ટેબલ ખુરશી પર ચુપચાપ બેસી ગયો.

” કે’ને, ક્રિષ્ના! તું તો ચા સામે જોતી પણ ન્હતી, હવે શું થયું?” વૃંદા તેને ઢંઢોળી રહી હતી.

આખરે એ રણકો સંભળાયો, “હા, વૃંદા. ખબર નહીં પણ કેમ, અહીંની ચા માં કશુંક એવું છે જેમાંથી મારો ખોવાઈ ગયેલો ભૂતકાળ મને પાછો મળી રહ્યો છે. એ જ સ્વાદ, એ જ લિજ્જત જે હું ગામડે મુકી આવી હતી.”

વૃંદાએ તેને ખોવાયેલી જોઈ વેધક પ્રશ્ર્ન કર્યો, ” ક્રિષ્ના, તું મુરલીની વાત કરે છે?”

ને ક્રિષ્નાથી એક ડુંસકુ નખાઈ ગયું. કપમાંથી નીકળતી ગરમ વરાળ જાણે મુરલીની પીઠને સ્પર્શી રહી હતી. ક્રિષ્નાને રડતી જોઈને વૃંદાએ હુંફથી તેનો હાથ પસવાર્યો. ક્રિષ્ના ભગ્ન હદયે બોલી. ” વૃંદા, હું એને મૂંગો કહેતી, પણ જ્યારે મારી અંદર કશોક ખળભળાટ થયો ત્યારે મારું મૌન જો મેં તોડ્યું હોત તો મુરલીએ મારી જિંદગીને કદાચ એ સાયકલથી પણ વધું સજાવી હોત. એની ભોળી આંખો હજું પણ મારી નજર સામે તરવરે છે. પણ ઘરનાની બીકે હું કશું બોલી નહીં. કાકી કહેતા હતાં કે દાદી જોડે એકવાર એ મારા ખબર અંતર ને ઠેકાણું પુછતો હતો.”

વૃંદાએ તેને બોલવા દીધી. વરસો પછી વિરહના આંસુ આજે છલકાઈ રહ્યા હતાં. ” વૃંદા, આ રીસોર્ટમાં આવ્યા પછી એ વેદના વધું ગાઢ બની છે. મોટાભાઈ અને નાનકડી માન્યા સાથે મેં અહીં પહેલીવાર પગ મુક્યો ત્યારે જ મારું હદય જોરથી ધબકી ઊઠ્યું હતું. કે’ને વૃંદા આવુ કેમ થાય છે. ત્યારથી હું અવિરત આવુ છું, કઈંક મહેસુસ કરું છું, પણ કળી નથી શકતી.” તેણે આંસુના બંધ તોડી નાખ્યા. તે સાથે જ મુરલી ‘ ક્રિષ્ના’ કહેતો રડીને લાલ કરેલી આંખોમાં આંખ પરોવીને ક્રિષ્ના સામે ઊભો રહ્યો.

ક્રિષ્ના અપલક તેને જોતી રહી. ક્યાં ગુજરાતના નાનકડા એક ગામનો ધોતિ કુર્તિમાં જોયેલો મુરલી ને આજનો મુરલી? પહેલી નજરે તે ઓળખી ન શકી. પછી એક ક્ષણભરમાં તે કળી ગઈ. ‘ક્રિષ્ના ટી રિસોર્ટ’, ‘ચા નો એ સ્વાદ’, મીઠાઈ ને ફુલોથી મધમધતું આખું રિસોર્ટ’ વરસોથી ધરબી રાખેલી લાગણીઓ આજે એકમેકના આલિંગનમાં સમાઈ ગઈ..

મુરલીના અસ્તિત્વનો શણગાર ક્રિષ્નાને પામીને આજે ખરેખર દીપી ઊઠ્યો.

-સોલંકી દક્ષાબા રણજીતસિંહ

માનકુવા -કચ્છ

Leave a Reply