Urvi Hariyani

નિર્ણય

‘શુભાંગી , તું તૈયાર થઈ ગઈ કે નહીં ? છોકરાવાળા આવતાં જ હશે.ઝડપ રાખજે જરા ….’ સરિતાએ પોતાની નાની બેનને તાકીદ કરી . એ મનોમન પ્રાર્થના કરી રહી કે આ વખતે શુભાંગી ‘હા’ કહી દે તો સારું. ગયા મહિને  તેત્રીસમું તો એને બેસી ગયું. બે બહેનોમાં શુભાંગીનો બીજો નંબર પણ દેખાવ અને નસીબની બાબતમાં પહેલો નંબર! નસીબથી સરકારી નોકરી હતી એય તે પોતાનાં ગામમાં જ.

મોંઢા પર કંટાળો દર્શાવતા શુભાંગી બોલી : ‘સરિ, ખબર નહીં, આજે કોઈ પણ રીતનો મૂડ નથી આવતો. એમાંય કોઈ છોકરાને મળવાનો તો નહીં જ !’

સરિતા અને શુભાંગી વચ્ચે માત્ર અઢી વર્ષનો જ ફેર હતો. પણ બીજી બધી રીતે ઘણો ફેર હતો, દેખાવથી લઈને સ્વભાવની બાબતે અને નસીબથી લઈને વિચારોની બાબતે.

‘લે કર વાત! કોઇને પણ મળતાં પહેલાં તું દસ વાર તો એની સાથે ચેટ કરે છે. સાત જાતની પડપૂછ કરે છે અને પછી મળે છે. એટલું ઓછું હોય એમ તારી શરતોએ – જે તને નોકરી કરવા દેવા તૈયાર હોય, સાદાઈથી લગ્ન કરવા તૈયાર હોય, કમ સે કમ ગ્રેજ્યુએટ હોય અને જરૂર પડ્યે મમ્મીને પણ સાથે રાખવા તૈયાર હોય એ માટે સંમત હોય એવા છોકરા સાથે જ તો તું મુલાકાત કરવા  તૈયાર થાય છે. પછી તને ક્યાં વાંધો પડે છે, એ જ નથી સમજાતું.’

 ‘એ તને નહીં સમજાય…’શુભાંગી બબડી ,અલબત્ત પોતાને જ સંભળાય એ રીતે.

#######

સાગર અને શુભાંગી અંતે મળ્યાં. સાગર જેટલો વ્યવહારુ હતો એટલો સરળ હતો. એનાં વિચારો આગવા હતા, સમજ નોખી હતી. એ હમેંશા કહેતો કે સંસારમાં કોઈ વ્યક્તિને પૂર્ણ સુખ મળતું નથી. એ વાતને તે ખુદ પણ તે સારી રીતે સમજતો હતો અને પોતાનાં જીવનમાં ઉતારી પણ શક્યો હતો. એટલે જ હજી સુધી અડીખમ હતો. શુભાંગીને જોઈને એ સ્વાભાવિકપણે પ્રભાવિત થઈ ગયો. એને શુભાંગી પહેલી નજરે ગમી ગયેલી.

‘સાગર, તમને સ્પષ્ટપણે બે પ્રશ્નો પૂછવા છે. પૂછી શકું?’ શુભાંગીએ પૂછેલું.

‘જરૂર …’

‘તમને અત્યારે આડત્રીસમું ચાલે છે, એટલે હજી સુધી લગ્ન કેમ ન કર્યા અને બીજું એ કે તમે ફાઇનન્સીઅલ્ રીતે કેટલાં સેટલ્ડ કહી શકાવ?’

બેય પ્રશ્નો સાગર માટે અણિયાળા હતા પણ એને કોઈ વાત છુપાવવી ન હતી. એ એનાં સ્વભાવમાં ન હતું.

‘મોડા લગ્ન માટે અંગત અને પારિવારિક સંજોગો જવાબદાર રહ્યાં છે. બીજું કે જવાબદાર યુવક તરીકે મને પણ એમ હતું કે હું કોઈક  ચોક્કસ આવક મેળવતો થાઉં પછી લગ્ન કરું, પણ છ વર્ષ પહેલાં બિઝનેસમાં એવી ખોટ ગઈ કે એમાંથી બહાર આવતાં ચારેક વર્ષ થઈ ગયાં …એટલે લગ્ન ન કર્યા કે ન થઈ શક્યા એનાં માટે એકથી વધુ કારણો રહ્યાં છે.’ સાગરે વિગતવાર સ્પષ્ટતા કરેલી.

‘ઑહ, તો તમારી પાસે પોતાનું ઘર કે ઓફીસ કંઈ ખરું?’ શુભાંગીએ પૂછ્યું.

‘ના, અત્યારે નથી, પણ એવી ઈચ્છા કોની ન હોય? હું પૂરતી મહેનત કરી રહ્યો છું અને હાલ તો ધીરે-ધીરે આવનારીની અપેક્ષાઓ આરામથી સંતોષી શકું એ સ્ટેજ પર આવી ગયો છું. ઉપરવાળાની કૃપા હશે તો ઘર પણ થશે અને ઓફીસ પણ થશે. અલબત્ત ઈશ્વર એ રીતે તો મહેરબાન છે કે પોશ લોકાલીટીમાં પપ્પાનું ઘર છે, પરિણામે ભાડાની  કે વારંવાર ઘર બદલવાની ઝંઝટ નથી.’

ઔપચારિક રીતે આમ તો મુલાકાત પૂરી થઇ ગયેલી. જે રીતે શુભાંગીએ પ્રશ્નો પૂછ્યા હતા એ પ્રમાણે સાગર સમજી ચૂકેલો કે લગભગ શુભાંગીનો જવાબ હકારમાં નહીં હોય. એથી એ અસ્વસ્થ હતો.

કોઈનો કૉલ આવતાં શુભાંગી ‘એક્સ્ક્યુઝ મી ‘ કહેતાં બીજા રૂમમાં વાત કરવા ચાલી ગયેલી. દરમ્યાન સરિતા ત્યાં ચા – નાસ્તો આપવા આવી હતી. અચાનક સાગરનાં મનમાં કંઈક વિચાર આવ્યો.

‘એક મિનિટ , તમે …તમે મને ચા – નાસ્તામાં કમ્પની આપી શકો?’ સાગરનાં આવા પ્રશ્નથી સરિતા થોડી બઘવાઈ ગઈ. જો કે પછી એ થોડું હસી અને સાગરની સામે બેઠી. એ વિચારી રહી કે સાગર કંઇક શુભાંગી વિષે જાણવા માંગતો હશે .

‘હું તમને થોડું કંઈક અંગત પૂછી શકું? તમને ખરાબ ન લાગે તો જ …’ સાગરે વાતની શરૂઆત કરેલી.

સરિતા ગૂંચવાઈ રહેલી, પણ પછી હકારમાં એણે ડોકી હલાવી દીધી હતી.

‘તમે ડિવોર્સી છો, બરાબર?’ સાગરનાં આવા પ્રશ્નથી સરિતા સમસમી ગઈ હતી.

‘પ્લીઝ…મેં આગળ ઑલરેડી કહેલું છે કે ખરાબ ન લગાડશો. હું માત્ર એ સમજવા અને શુભાંગીને સમજાવવા માંગુ છું કે લગ્નજીવન શેનાં પર ટકે છે?  હું જાણું છું કે તમારાં પતિ પ્રખ્યાત  રેસ્ટોરન્ટનાં માલિક છે, સૉરી રહ્યાં છે અને મહિને લાખોમાં કમાય છે. એમને ત્યાં બંગલો-ગાડી-મિલકતની કોઈ મણા નથી, છતાં તમે ડિવોર્સ લીધા છે …કેમ? એ હું નથી જાણતો. પણ એમની મિલકત કે અઢળક પૈસો તમને ન બાંધી શક્યો, એ વાત સાચી ને? તમારી બેન મને ગમે છે અને તમે અને તમારાં મધર એસ્યોર્ડ રહેજો કે એને હથેળીમાં છાંયો કરીને રાખીશ, પણ હું આ વાત શુભાંગીને પોતે નહીં સમજાવી શકું.’

‘પણ શુભાંગીએ તમને શું કહ્યું? એણે ‘ના’ પાડી?’ સરિતા થોડી હેરાન હતી.

‘અરે ના, એમ તો તમારી બેન ખાસ્સી વિવેકી છે. મ્હોં પર એમ તો ન જ કહે. પણ મને એનો જવાબ ખ્યાલ આવી ગયો છે. અને એનું કારણ પણ  મને ખ્યાલમાં આવી ગયેલ છે …..’ સાગરે સસ્મિત કહ્યું. એનું સ્મિત ફિક્કું હતું એનો સરિતાને ખ્યાલ આવી ગયો.

‘…તો એ કારણ તમે એક વાર એને  પૂછશો. જો એ કારણ મને નકારવા માટે યોગ્ય લાગે તો ઠીક, પણ જો ન લાગે તો સમજાવી શકશો?’

‘ટ્રાય કરીશ …’ સરિતા ખચકાતા બોલી હતી.

‘આ મારૂં કાર્ડ છે. એમાં મારો મોબાઈલ નંબર છે. મને મિત્ર માનીને જવાબ આપશો, પ્લીઝ…’ કહી સાગરે કાર્ડ પકડાવી દીધું હતું.

#########

સાગર ઘરે પહોંચ્યો ત્યારે એની બેન અનુપમા એનાં ત્રણ વર્ષીય ટાબરિયાને લઈને આવીને બેઠી હતી. એ ઉત્સાહમાં હતી. પોતાના ભાઈની વાત એણે ચલાવી હતી. સાગર વિષે એણે સામા પક્ષને બધું જ કહ્યું હતું.

‘સિંહ કે શિયાળ! ભાઈ?’ અનુપમાએ પૂછ્યું.

‘ખબર નહીં પણ લગભગ શિયાળ જ …’ સાગરે નિરુત્સાહભર્યા સ્વરે કહ્યું.

‘કેમ ??’ અનુપમા ઠંડી પડી ગઈ.

‘એ જ કે તમારી પાસે શું છે? પોતાની માલ-મિલકત-બેન્ક બેલેન્સ….’

‘ઑહ…’

‘આવી ઉચ્ચ જ્ઞાતિમાં જન્મવાનાં બદલે, ભણી-ગણીને ગ્રેજ્યુએટ થવાનાં બદલે રિક્ષા-છકડો કે લારી ફેરવતો હોત તો વધુ સારું થાત! આપણાં કરતા તો ઝૂંપડાવાળાના સંસાર જલ્દી વસે છે અને સારા ચાલે છે….’ હતાશા ટપકી રહેલી પ્રત્યેક શબ્દોમાંથી.

‘એમ ન કહીએ ભાઈ, પણ તું સાચો તો ખરો. પહેલાં લગ્ન એ સંબંધ ગણાતો. જેમાં પ્રેમથી સાથે રહી એકબીજાનાં દુઃખે દુઃખી તેમ જ સુખે સુખી થવાની ભાવના હતી. ઘરેથી કન્યાને સમજ પણ અપાતી કે વરમાંથી ઘર થશે. પણ આજકાલ  કન્યાઓ સ્વતંત્ર નિર્ણયો લેતી થઈ છે. અમુકને તો વડીલો કે માતા-પિતાઓની સલાહ માનવી પણ નથી ગમતી.’

અનુપમા સાચું કહી રહી હતી. સરિતા ઘરે શુભાંગીનું મન કળી એને સમજાવવા બેઠી હતી. પણ શુભાંગીનાં ગળે વાત ઊતારવી સહેલી ન હતી.

‘શુભાંગી, પછી તેં સાગર બાબતે  શું ફાઇનલ કર્યુ?’ સરિતાએ પ્રશ્ન કરેલો.

‘નહીં ફાવે. એ માત્ર ઘર ચાલે એટલું કમાઈ લે છે. એમાં શું દા’ડો વળે?’ શુભાંગીએ સ્પષ્ટ કહ્યું.

‘શુભાંગી તને આ કારણસર સાગરને ઠુકરાવવો યોગ્ય લાગે છે? તને યાદ છે આપણે નાના હતાં ત્યારે દાદી આપણને ‘આપકર્મી’ અને ‘બાપકર્મી’ રાજકન્યાઓ ની વાર્તા કરતાં. જેમાં રાજા પોતાની એક કન્યા પર ગુસ્સે થઈ એક ગરીબને પરણાવીને કહી દે છે કે – જા, હવે તું આની સાથે સુખી થઈને બતાવ ….’ સરિતા કહી રહેલી.

‘હા, પોતાની બીજી કન્યાને જે સતત બાપની અને એણે આપેલ એશ્ચર્ય અને વૈભવશાળી જીવનની પ્રશંસા કરતી હોય છે એને રાજકુંવર જોડે પરણાવે છે…..’ શુભાંગી યાદ કરતાં બોલી.

‘હા, એ જ વાર્તા. જે પેઢીઓ જૂની વાર્તા છે અને એવો સામાજિક સંદેશ આપે છે કે પ્રત્યેક સ્ત્રી એનાં પુરુષ માટે પ્રેરણા છે. જો એ ધારે તો પોતાનાં પતિને રંકમાંથી રાય અને રાયમાંથી રંક બનાવી શકે છે. જેમ પેલી રાજકન્યા ગરીબને પરણીને પણ સુખી થઈ રાજપાટ પામી  હતી.’ સરિતા કહી રહેલી.

‘એ વાર્તા છે. એમાં બધું એવું જ હોય!’ શુભાંગીએ કહ્યું.

બરાબર એ સમયે શુભાંગીની મમ્મી રૂમમાં આવી હતી, વાત સમજી અને જાણીને બોલ્યાં : ‘બેટા, સરિતા સાચું કહે છે. દરેકનાં નસીબમાં રેડીમેડ સુખ ન હોય. અને સાચું કહું તો આપણું  સુખ જાતે મેળવવા જેવો આનંદ એકેય નહીં.’

‘મમ્મી તું પણ….’ શુભાંગીએ મ્હોં બગાડ્યું.

‘હા, તારાં નાનાજી કાયમ અમારી છોકરીઓની વાત લઈને આવનારને  કહેતાં કે હું  માત્ર ખાનદાન અને છોકરો જોઈને કન્યા આપીશ. મિલકત-રૂપિયા જોઈને નહીં. તું નહીં માને, એ વખતે તો ‘ઘરનાં ઘર’ બધા પાસે હતા પણ નહીં, બાપીકા પણ નહીં…’

સરિતા અને શુભાંગી બેય એમની મમ્મીને આશ્ચર્યથી સાંભળી રહી હતી.

‘….તોય તું જુવે છે કે તારી મમ્મી સહિત તારી પાંચેય માસીઓ આજે બધીય ઘર વાળી છે અને સમૃદ્ધ છે. લગ્નમાં તો  એક ને એક અગિયાર થાય છે બેટા, એટલે જ મોટાભાગે લગ્ન પછી જો  સ્ત્રીનો સાથ મળે ને તો એનાં નસીબ, સૂઝ, સમજ અને સહકારથી પુરુષ ક્યાંય આગળ નીકળી જતો હોય છે…’

બેય દીકરીઓ એમની મમ્મીને એકસરખી રીતે ધ્યાનથી સાંભળી રહેલી.

‘…..લગ્નજીવનનો સાચો આનંદ જોઈતો હોય તો બેટા, પુરુષ પૈસાવાળો નહીં – સમજદાર અને હૈયાવાળો જોઈએ, જે હૈયામાં એની પત્ની વિરાજીને રાજ કરી શકે. એવો પુરુષ પત્ની માટે ચાંદ-તારા પણ તોડી લાવી શકે, જો નસીબ અને વિશેષ તો એનાં હૈયામાં રાજ કરનારીનો સાથ હોય તો !’

પોતાની મમ્મીને સાંભળી રહેલી સરિતાનાં હૈયામાં ઊંડે ઊંડેથી દર્દનાં સણકા ઊઠી રહેલાં. કેમ કે આ વાત એને અક્ષરશઃ લાગુ પડતી હતી. એનો પુરૂષ પૈસાવાળો તો હતો પણ હૈયાવાળો ન હતો. એનાં લગ્ન તો પ્રમાણમાં વહેલાં થઈ ગયેલાં. જો કે પોતાનાં લગ્નજીવનમાં એ ચાંગળુભર સુખ પામી ન હતી. એ બધું યાદ આવતાં એનાં પ્રત્યેક રૂંવાડા અવળા થઈ ગયાં.

જયંતિ એનો પતિ, અઢળક લાડ અને અમર્યાદ સમૃદ્ધિ વચ્ચે ઉછરેલો હતો. બહુ જિદ્દી અને મનસ્વી હોવાની સાથે વિચિત્ર સ્વભાવ પ્રકૃતિ ધરાવતો હતો. કોઈ છૂટછાટ એણે સરિતાને આપી ન હતી. સરિતાના બધા  નિર્ણયો – એનાં સૂવા-જાગવાથી માંડીને ક્યા–કેવા વસ્ત્રો પહેરવા, ક્યાં જવું, ક્યારે જવું, કોને ત્યાં જવું–ન જવું, એ માટેનાં સખત નિયમો ઘડેલાં એણે.

પોતાની મરજીનું વાળમાં નાખવાનું બોરીયું સુધ્ધાં ખરીદવાની ન સરિતા પાસે સ્વતંત્રતા હતી કે ન એની પાસે એટલી રકમ રહેતી. ગુલામથી પણ બદતર જિંદગી હતી એની. સરિતાનાં પિયર જવા પર સદંતર પ્રતિબન્ધ હતો. કારણ એ કે જ્યંતિને તો લગ્નસમયથી જ એનાં ઘરનાં સાથે લગ્નમાં જાનૈયાઓની આગતા-સ્વાગતા બાબતે  વાંકુ પડેલું.

સરિતા જો કંઈ સૂચવે કે એનાંથી વિરુદ્ધના પોતાનાં વિચાર વ્યક્ત કરે તો એ એને ટીપી નાંખતો પશુની માફક . એનાં માટે પત્ની સાથીદાર નહીં પણ માલિકીની ચીજ હોય એમ ખરીદેલી વસ્તુ બરાબર હતી. સરિતા માત્ર અને માત્ર પોતાનાં હાર્ટ પેશન્ટ પિતાને પોતાનાં નિષ્ફળ લગ્નજીવનનો  આઘાત ન લાગે એટલા માટે થઈને જ આવા માણસને સહન કરી રહેલી.

જ્યારે એ પિતાને હાર્ટએટેક આવ્યો અને એ હોસ્પિટલમાં દાખલ થયાનાં સમાચાર આવ્યાં ત્યારે એ ત્યાં દોડી ગઈ હતી. મ્હોં મેળો તો થયો હતો પણ ન એનાં પિતા બચી શકેલાં કે ન એનું લગ્નજીવન!

########

ચાર મહિના બાદ ……

‘ઑહો તમે અહીં ? કેમ છો ?’ સરિતાએ આશ્ચર્ય દર્શાવતા પૂછેલું. એ અને સાગર એક લગ્નસમારંભમાં સામસામે થઈ ગયેલા.

‘હા, દુનિયા આજકાલ બહુ નાની થઈ ગઈ છે, માણસોનાં  મન જેવી…’સાગર હસ્યો હતો.

સરિતા સમજી ગઈ હતી એનો ઉપાલંભ.

‘માફ કરજો. હું પછીથી તમને ફોન ન કરી શકી, કેમ કે હું શુભાંગીને સમજાવી શકેલી નહીં.’ સરિતાના સ્વરમાં ખેદ હતો.

‘કંઈ વાંધો નહીં. એ તો હું ત્યારે જ સમજી ગયો હતો. બાય ધ વૅ , આપણે સાથે જમી શકીએ? થોડી વાતચીત થશે તમારી સાથે તો મને ગમશે.’ સાગરે કહ્યું.

‘ચોક્કસ …’ સરિતા સંમત થઈ ગયેલી.

થોડી આડીઅવળી વાતો બાદ સાગરે જમતાં – જમતાં સાચવીને એક એવો પ્રશ્ન સરિતાને કરેલો કે સરિતા બે પળ માટે મૌન થઈ ગયેલી.

‘સરિતા, એવું કહેવાય છે કે તમારાં લગ્નજીવનમાં ભંગાણ માટે જવાબદાર તમારાં ઘરનાં હતા. તો તમે મને વાંધો ન હોય તો સત્ય કહી શકશો? નહીં કહો તો પણ ખરાબ નહીં લાગે.’ જોડે-જોડે સાગરે એને અંગત વાત કહેવા માટે મજબૂર કરી હોય એમ ન લાગે એટલે છેલ્લું વાક્ય પણ ઉમેરી દીધેલું.

સરિતાએ ઊંડો શ્વાસ લીધો હતો. પહેલાં એણે લગ્નથી માંડીને બે વર્ષનાં લગ્નજીવનમાં જે-જે ત્રાસ સહેલા એ કહ્યાં હતા.

‘પપ્પાને એટેક આવ્યો ત્યારે હું મારાં સાસુને કહીને હોસ્પિટલમાં દોડી આવી હતી. ઘરમાં અઢળક સમૃદ્ધિ, રૂપિયા હોવા છતાં મારી પાસે મારો પર્સનલ મોબાઈલ પણ ન હતો. કેમ કે, એક તો જ્યંતિનો સ્વભાવ ખૂબ જ વહેમિલો હતો અને બીજું એને હું મારાં પિયર સાથે સંપર્કમાં રહું એ પણ ખપતું ન હતું.’  સરિતા કહી રહેલી અને સાગર સાંભળી રહેલો.

‘એ દિવસે હોસ્પિટલમાં શુભાંગીનાં મોબાઈલ પર જ્યંતિનો કૉલ આવેલો. શુભાંગીએ સ્પીકર ઑન કરી મને એનો મોબાઇલ આપેલો.’ એમ કહી રહેલી સરિતાની નજર સમક્ષ એ દિવસ તાજો થઈ આવ્યો  હતો.

‘સરિતા, સીધેસીધી હમણાં ને હમણાં ઘરે આવતી રહે. જો કલાકમાં ઘરે નહીં આવે તો ત્યાંથી ધબેડતો-ધબેડતો લઈ આવીશ તને …’સામા છેડે જ્યંતિ ગર્જી રહેલો.

શુભાંગી અને એની મમ્મી અવાક હતા. શું આ એમનાં જમાઈ જ્યંતિનું સાચું રૂપ હતું? વર્ષમાં માત્ર બે-ત્રણ વાર  મળવા આવતી સરિતા અત્યાર સુધી શું ખોટું બોલી રહી હતી કે બધુ કુશલ મંગળ છે!! કવચિત જ મળવાનું થતું એ જમાઈનાં રંગઢંગ જો આવા હોય તો સરિતા જીવતું મોત જીવી રહી કહેવાય.

‘પપ્પાના અવસાન બાદ મેં મારી સાચી  હાલત સ્પષ્ટ કરી ત્યારે શુભાંગી અને મમ્મીએ મને ડિવોર્સ લેવા સમજાવી હતી. હું પણ થાકી હતી. જ્યંતિ મને છોડવા રાજી ન હતો. પણ શુભાંગીનાં મોબાઈલમાં ઓટો રેકોર્ડ થઈ ગયેલ કૉલનાં કારણે પોલીસ કેસ અને બદનામીનાં ડરથી એ પાછો પડ્યો હતો.’

‘ઑહ તો વાત આમ હતી! તો પણ તમે શુભાંગીને સમજાવી ન શક્યા કે લગ્ન માટે માત્ર મુરતિયાની આર્થિક સધ્ધરતા જોવાનો માપદંડ સાચો નથી.  લગ્ન એટલે એકબીજાને સમજીને એકમેક સાથે રહીને ખુશ રહેવું તે! તમે પણ એમ જ માનો છો કે પચીસ વર્ષનાં કે મારાં જેવા આડત્રીસ વર્ષનાં મુરતિયા પાસે ખુદની ગાડી, ઘર અને ઓફીસ હોય તો જ એ લગ્નને લાયક કહી શકાય? ‘ સાગરનો ધૂંધવાટ એની ચરમસીમાએ હતો.

‘સ્હેજે નહીં. આવું નથી હું માનતી કે નથી મારાં મમ્મી માનતા.’ તરત સરિતાએ કહ્યું હતું. સાગર ચુપચાપ સરિતાને જોઈ રહ્યો.

‘તો તમે મારી સાથે લગ્ન કરશો?’ સાગરે જ્યારે સરિતાને ધડ દઈને આમ પૂછ્યું તો એ સડાક થઈ ગઈ.

‘હું…? તમે મારાં માટે પૂછો છો?’ સરિતા  આશ્ચર્યમૂઢ હતી.

એ વિચારી રહી કે તે એકવારના અનુભવથી એવી દાઝી હતી કે આ દિશામાં વિચારવાનું સાવ  છોડી ચૂકી હતી. ઘણા વયસ્ક વિધુર, બીજવર, ડિવોર્સી મૂરતીયાઓના ઘરવાળા એનાં માટે પુછાવતા હતા પણ એણે એ બાજુનો દરવાજો જડબેશાલકપણે વાસી  દીધેલો.

આજે લાગતું હતું કે એ દરવાજો ધણધણી રહ્યો છે અને ધકાકાભેર ખુલી જશે કે શું ? પૂછનારો સીધો–સાદો–રાંડ્યા -છાંડયા વગરનો કાચો કુંવારો યુવાન હતો. જેને એ એક સારા યુવાન તરીકે ઓળખતી હતી અને એનાં  માટે એને લાગણી હતી.

અનુભવે એ સમજતી હતી કે સાગર પાસે ભલે એની પોતાની કોઈ મિલકત ન હોય પણ ઘરની નારીને સાક્ષાત લક્ષ્મી સમજી એનું ગૌરવ જાળવે એવો છે. એનાં સુખે સુખી અને દુઃખે દુઃખી થાય એવો છે. આગળ એ વિચારી રહી કે મારી પાસે કંઈ શુભાંગી જેવી સરકારી નોકરી નથી. આગળ જતાં જીવનનિર્વાહનો  પ્રશ્ન પણ આવશે. ધારો કે ત્યારે કોઈ જ્યંતિ જેવો માલદાર મળી પણ જાય કદાચ! પણ સ્વભાવે એનાં જેવો જ કપાતર નીકળ્યો તો કેમ નભશે?

અંતે એ ખુલુ ખુલુ થતો સરિતાના  મનનો  દરવાજો સાગર માટે ખુલી ગયો હતો.

######

ત્રણ વર્ષ બાદ….

એ દોઢેક વર્ષનું બાળ શુભાંગીનાં ખોળામાં પડયું–પડ્યું  મોઢામાં પગનો અંગુઠો નાંખી ચૂસી રહેલું. એ બાળકની જ્યારે એનાંથી થોડેક દૂર બેઠેલી પોતાની મા તરફ નજર જતી કે કિલકારી કરતાં એ ઘૂઘવાટા મારવા લાગતું. ઘુઘવાટા મારતાં એ બાળના નાજુક પગની લાતો ક્યારેક શુભાંગીનાં પેટ પર તો ક્યારેક છાતી પર વાગતી અને એને કંઈ–કંઈ થઈ જતું હતું.

શુભાંગીની  નજર ઘરની વાસ્તુ પૂજામાં બેઠેલાં યુગલ તરફ વારંવાર  જતી હતી. પૂજામાં સાગર–સરિતા બેઠા હતા. શુભાંગીનાં ખોળામાં રમી રહેલું બાળક એમનું હતું.

સાગરે નવો ફ્લેટ લીધો હતો. સરિતા સાથેનાં લગ્ન બાદ એની ધીરે–ધીરે ચાલી રહેલી આર્થિક ગાડીએ રાજધાનીની સ્પીડ પકડી હતી જાણે! ગયા વર્ષે એણે ઓફીસ લીધી હતી અને આ વર્ષે નાનો પણ પોતાનો બે બેડરૂમનો ફ્લેટ એ લઈ શક્યો હતો.

સરિતા ખૂબ ખુશ હતી. એ જોઈને શુભાંગી ખુશ ન હતી એમ ન હતું. પણ…એક આછો ચચરાટ અજાણતાં એ અનુભવતી- એ વિચારે કે કદાચ એણે સાગરને અપનાવ્યો હોત તો આ સઘળું  સુખ સરિતાને બદલે એનું હોત.

અલબત્ત, છત્રીસ વર્ષે મુરતિયાઓ જોવાનું તો એનું આજે પણ ચાલુ હતું, પણ હવે તે દરેકમાં સાગરને જોવા ઝંખતી હતી–જે શક્ય ન હતું.

થોડીક સ્વાર્થી બુદ્ધિ અને કાચી સમજનાં કારણે એનાં યોગ્ય સમયે–યોગ્ય વ્યક્તિની પસન્દગી પર ન લેવાઈ શકાયેલ નિર્ણયનાં અભાવે એની જિંદગીમાં એક ઠહેરાવ આવી ગયો હતો. જ્યાંથી એ આગળ વધવા માંગતી હતી પણ આગળ વધી નહોતું શકતી.

સંપૂર્ણ.

પ્રસ્તુત કર્તા : ઉર્વી હરિયાણી

Categories: Urvi Hariyani

Leave a Reply