Ujas Vasavda

સપનાનું ઘર

રવિવારની સવાર સૌને મારે આરામદાયક હોય છે. એ સવારે મોટાં ભાગના લોકો આરામ ઇચ્છતાં હોય છે. પણ આજે રવિવારની સવારે અનિમેષના ઘરે ધમાલ હતી. છોકરીવાળા ઘર જોવા આવવાના હતાં.

અનિમેષ સ્વભાવે સરળ, શાંત અને સૌમ્ય. સમાજમાં સદાય સારા માઠા પ્રસંગે સેવા કરવા તત્પર એવું સેવાભાવી વ્યક્તિત્વ પણ લગ્નની બાબતે જાણે તેના પર ગ્રહણ લાગ્યું હોય. ચાલીસી વટાવી ચુક્યા પણ એક સારી છોકરી સાથે સગપણ ન બંધાયું. કારણ માત્ર એક જ ભાડાંનું ઘર. અનિમેષભાઈના પિતા વિઠ્ઠલભાઈ એકદમ ભોળા અને ઠાકોરજીના સેવક તેઓ હંમેશ સેવા પૂજામાં જ વ્યસ્ત રહેતાં અને કહેતાં, “મારો હરિ કરે તે ઠીક.” પણ, દરેક વ્યક્તિએ પોતાનો વહેવાર તો પોતે જ સંભાળવો રહ્યો. અહીંયા તેમના પત્નિ શારદાબેન સમાજમાં સંપૂર્ણ વહેવાર તેમની કોઠાસૂઝ વડે નિભાવી લેતાં. ઘરમાં અનિમેષને સધ્ધર પ્રાઈવેટ નોકરી મળતાં 35 વર્ષ થઈ ગયેલા અને ત્યાં સુધી નાનો-મોટો વેપાર કરી ઘર ચાલે તેટલું કમાઈ લેતાં.તેથી એવી પરિસ્થિતિમાં પરણવું ક્યારેય સૂઝ્યું જ નહીં.

એક એમના જ સમાજની છોકરી સુચિતા સાથે કોલેજકાળમાં પ્રેમ પણ થયો હતો. એ છોકરી તેની સાથે દરેક પરિસ્થિતિમાં સાથે રહેવા તૈયાર પણ હતી. એમના માતા-પિતા પણ અનિમેષ સાથેના સગપણમાં રાજી હતાં પણ અનિમેષ સિદ્ધાંતોને માટે અને પહેલા નાણાકીય સ્થિરતા મેળવવાના ચક્કરમાં તેને ગુમાવી ચુક્યો.

એનિમેષની આજે પાંત્રીસમી છોકરી સાથે વાતચીત શરૂ થઈ હતી. અગાઉની છોકરીઓમાં દેખાવ, ભણતર, કુટુંબ અને સ્વભાવ જેવા અને કારણોથી બન્ને પક્ષે સગપણ આગળ વધ્યા ન હતાં. પણ આ વખતે મૈત્રી નામની છોકરી સાથે કુંડળીના 36 અંકો મળી ગયાં હતાં. અનિમેષ અને મૈત્રી બન્ને ટેલિફોનિક વાતચીત દ્વારા એકબીજાની નજીક પણ આવી ગયો હતાં. આજે મૈત્રી અને તેના માતા-પિતા એમ ત્રણેય અનિમેષનું ઘર જોવા આવવાના હતાં.

“અરે અનિમેષ…બેટા મૈત્રીને તેમના મમ્મી પપ્પા આવ્યા છે.” શારદાબેનની બૂમ પડતાની સાથે જ અનિમેષ તૈયાર થઈ રૂમની બહાર આવે છે. થોડા શિષ્ટાચાર સાથે મૈત્રીના મમ્મી-પપ્પાને પગે લાગે છે.

“આવો બેટા..કેવી ચાલે છે નોકરી?” મૈત્રીના પિતાજી અશોકભાઈએ સહજ ઔપચારિક વાતચીત શરૂ કરી.

“જી. એકદમ સરસ.”

અન્ય વાતચીત ચાલુ હતી. ત્યાં જ શારદાબેન રસોડાની બહાર આવી. “આવો પહેલા ઘર જોઈ લો..પછી તમને નાસ્તો અને ચા આપું.” શારદાબેનના કહેવાથી સૌ ઘર જોવા ઉભા થયાં. એક પછી એક શારદાબેન વર્ણન કરતાં ગયાં. આ અનિમેષનો રૂમ, આ અમારા બન્નેનો રૂમ, આ રસોડું.. સંપૂર્ણ ઘર બતાવ્યા બાદ મૈત્રી તેમજ અનિમેષને એકાંતમાં રૂમમાં બેસવા કહ્યું અને વડીલો દીવાનખંડમાં બેઠા. દીવાનખંડમાં બેસતાંની સાથે જ વિઠ્ઠલભાઈ બોલ્યા, “આ અમારું નાનકડું ભાડાનું મકાન છે. અનિમેષની નોકરીને હજું પાંચ વર્ષ જ થયાં છે. હજુ 2 ત્રણ વર્ષ અહિયાં નિકળી જાય પછી તે અમારું પોતાનું મકાન ખરીદવા લૉન લેશે. વર્ષોથી એમનું સપનું છે એક સપનાંનું ઘર બનાવવાનું. પ્લોટ પણ જોઈ રાખ્યો છે. બસ મૈત્રી અમારા ઘરે વહુ બની આવી જાય પછી એ અને અનિમેષ બન્નેને ઘર સોંપી ઠાકોરજીની સેવામાં જ જીવન વિતાવવું છે.”

નાસ્તાની ડીશ હાથમાં હતી અને વિઠ્ઠલભાઈના ભાડાના મકાનની વાત સાંભળતા જ અશોકભાઈના મોં પરની રેખાઓ તંગ થઈ ગઈ. મનોમન વિચારવા લાગ્યાં. “40 વર્ષની ઉંમર થઈ અને હજુ આ પોતાનું ઘર નથી બનાવી શકયા! આ વ્યક્તિને મારી દીકરી જીવનભર માટે કેમ સોંપવી.” અશોકભાઈ જ્યાં સુધી બેઠા ત્યાં સુધી અન્ય ઔપચારિક વાતો કરતાં રહ્યાં પણ મનોમન એક નિર્ણય પર પહોંચી ગયાં કે દીકરીના લગ્ન અનિમેષ સાથે નહીં કરું. વિઠ્ઠલભાઈ અને શારદાબેન સગપણ અને લગ્નની તારીખ બાબતે પૂછપરછ કરી ત્યારે અશોકભાઈએ કહ્યું, ” હજું આપણે ઉતાવળ ન કરવી જોઈએ. અમે તમને પછી ફોનથી જણાવીશું.”

શારદાબેન અશોકભાઈના જવાબમાં નકારાત્મક ભાવ વર્તી ગયા પણ પેટ છૂટી વાત ન થતાં તેમણે પણ ધીરજ પકડી રાખી. દોઢેક કલાકની બેઠક બાદ સગપણની તારીખ નક્કી ન થઈ. પણ મૈત્રી અને અનિમેષને મળેલ અડધા કલાકના એકાંતમાં બન્નેએ ‘સપનાંનું ઘર’ ઉભું કરી દીધું. અશોકભાઈના મનની વાત એ બિચારા ક્યાં જાણતાં હતા!

ધીરેધીરે બે અઠવાડિયા પસાર થઈ ગયાં પણ અશોકભાઈનો કોઈ જવાબ ન આવ્યો. શારદાબેન અનિમેષને વારંવાર પૂછપરછ કરતાં, “તમારા બન્ને વચ્ચે કોઈ એવી વાત નથી થઈ ને! કે મૈત્રી ના કહે.” અનિમેષ પણ અકળાઈને કહેતો, “ના…મમ્મી એ એકદમ પોઝિટીવ જ હતી. અમે તો સપનાનું ઘર પણ ઉભું કરી દિધું હતું. વિઠ્ઠલભાઈ હરિ ઈચ્છા બોલે રાખતાં અને શારદાબેનનું મન વ્યાકુળ બની ગયેલું. શારદાબેનથી ન રહેવાતા અંતે તેમણે અનિમેષને ફોનકોલ જોડી મૈત્રીને પૂછવા કહ્યું. અનિમેષે મૈત્રીને ફોન કોલ જોડ્યો. પ્રથમ વખત આખી રિંગ પુરી થઈ ગઈ પણ મૈત્રીએ ફોનકોલ ન ઉઠાવ્યો. અનિમેષે ફરી ફોનકોલ જોડતાં મૈત્રીએ કોલ ઉઠાવ્યો,

“હેલો.. હા..અનિમેષ!”

“જી..કેમ છો? અંકલ આંટી મજામાં?

“હા એ લોકો મજામાં..”

ગભરાતા તૂટક શબ્દોમાં, “પછી…આ…આપણી..સગાઈની તારીખ વીશે…”

અનિમેષ વાક્ય પૂરું કરે તે પહેલાં જ, “અનિમેષ… આપણી સગાઈ શક્ય નથી. મને તમારી જોડે વાત કરવાની પણ પપ્પાએ ના કહી છે. પણ તમારી સાથેની મુલાકાતમાં તમે બહુજ દિલના સાફ અને ભોળા લાગ્યા એટલે આ બીજી રિંગ આવતાં હું ઘરની બહાર નીકળી તમારી સાથે વાત કરું છું. આપણી સગાઈ વચ્ચે ભાડાનું ઘર વિલન બન્યું છે. પપ્પાનું કહેવું છે જે વ્યક્તિ 40 વર્ષ સુધી પણ પોતાનું ઘર ન બનાવી શક્યો એ તને સુખી જીંદગી નહીં આપી શકે. હું એમના નિર્ણયોની વિરુદ્ધ જવા નથી માંગતી.”

બન્ને બાજુ એકદમ શાંતિ છવાઈ ગઈ. મૈત્રી તરફથી ફોનકોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. અનિમેષને લગ્નજીવનની જાગેલી આશા પર પાણી ફરી વળ્યું. શારદાબેનના આંખો વાટે અશ્રુધરાઓ વહેવા લાગી અને વિઠ્ઠલભાઈ ફરી એ જ શબ્દો બોલ્યા, “મારા હરિને ગમે તે ઠીક.”

બે દિવસ ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તેવી ગમગીની છવાઈ ગઈ. ત્રીજા દિવસે અનિમેષ એમનાં દૈનિક જીવનમાં ફરી ગોઠવાઈ ગયો. ચોત્રીસની જગ્યાએ પાંત્રીસનો આંકડો થઈ ગયો. હવે છત્રીસમાં આંકડે આગળ ન વધવા મનોમન બોલ્યો, “ઈશ્વરે બેચલર લાઈફ જીવવા આપી છે તો એન્જોય કર ને ભાઈ.” પોતાની જાતને મનાવી નોકરીએ ઉપડી પડ્યો.

નોકરીએ જતાં જ રસ્તામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બોર્ડ વાંચ્યું. બે ક્ષણ બાઈક ઊભું રાખી તપાસ કરવાનું મન થયું. અનિમેષ ઓફિસમાં અંદર પહોંચતાં જ પગ નીચેથી જમીન સરકી ગઈ. અનિમેષનો પહેલો પ્રેમ સુચિતા ઓફિસમાં કર્મચારી તરીકે કામ કરતી જોવા મળી. બન્નેના હદયમાં જુના પ્રેમની કૂંપળોમાં પાણી રેડાયું. પણ અંકુરણ થવામાં એક વિચાર આડે આવી ગયો. “શું એમના લગ્ન થઈ ગયાં હશે?”

અનિમેષ સુચિતાના ટેબલ તરફ જ આગળ વધી સહજ પૂછ્યું, “હાઈ.. કેમ છે? નાઇસ તું મીટ યુ. તું અહીંયા!” સુચિતા પણ કોઈપણ સંકોચ વગર જ જવાબ આપતાં, “મી ટુ… હું અહીં નોકરી કરું છું. પણ તું અહીંયા? ઘર માટે ફોર્મ ભરવું છે? સપનાનું ઘર હજુ નથી બન્યું?” સુચિતાના પ્રશ્નથી અનિમેષને થોડો ક્ષોભ અનુભવાયો.

“ના સૂચિ હજુ હું જ્યાં હતો ત્યાં જ છું. પાંચ વર્ષથી એબીસી ફાઇનાન્સ કંપનીમાં જોડાયો છું પણ હજુ ઘર ખરીદવાની હિંમત નથી થઈ. છોડ મારી જીંદગી તો ટ્રેક પર નથી ચડી પણ તારે કેવું ચાલે છે. તારો હબી-છોકરાંઓ બધાં શું કરે છે?”

હવે સુચિતાના ચહેરા પર ગમગીની છવાઈ, “મારા પણ હજુ લગ્ન નથી થયાં.” અનિમેષ કંઈ જ બોલ્યા વીના તેમની આંખોમાં જોયા કરે છે. સુચિતા થોડીવારે તને મોડું ન થતું હોય તો ચલ બહાર નજીકમાં ટી-પોસ્ટ છે ત્યાં બેસી વાતો કરીએ. અનિમેષ કાંડા પર ઘડિયાળ જોઈ, “હું ફિલ્ડનો માણસ છું મારે બહાર મિટિંગ જ ભરવાની હોય છે. હું તારો કલાઈન્ટ અને તું મારી કલાઈન્ટ ક્યાં કોઇને ખબર પડવાની છે!” બન્ને સાથે હસી ટી-પોસ્ટ તરફ આગળ વધે છે.

“અનિ.. તને એમ થયુ હશે કે હું લગ્ન કરી શહેર છોડી જતી રહી હોઈશ. પણ મારા પપ્પાને કેન્સર ડિટેકટ થતાં હું તેમની ટ્રીટમેન્ટ માટે દોડધામમાં હતી. તું પણ તારી મુશ્કેલીઓમાં દબાયેલો હતો એટલે મેં તને કહેવાનું યોગ્ય ન સમજ્યું. આઠ મહિનાની માંદગી બાદ પપ્પા એમનું જીવન જીવી જતાં રહ્યાં. ત્યારબાદ એક દિવસ હું તારા ઘરે આવી ત્યારે છોકરી વાળાને આવેલા જોઈ હું પાછી ફરી ગઈ.”

અનિમેષ હળવું સ્મિત ધરી, “ત્યાર પછી બીજી 34 છોકરી જોઈ લીધી. હમણાં છેલ્લે જે છોકરી સાથે વાત થઈ એમની સાથે સાવ નક્કી જ હતું પણ ભાડાના ઘરના લીધે વાત અટકી ગઈ.” અનિમેષની વાત સાંભળી સુચિતાને પણ હસવું આવી ગયું. બન્ને પોતાની આપવીતીની વાતો કરી છુટા પડી રહ્યા હતાં ત્યારે જ બન્નેની આંખોમાં પ્રેમની કૂંપળો ફૂટી અને બન્ને એક સાથે જ બોલી ઉઠ્યા, “આપણે સપનાંનું ઘર એકબીજાના સંગાથ સાધી બનાવીએ તો!” એકસાથે જ નીકળેલા બન્નેના અવાજ બાદ એકબીજાના હાથમાં હાથ મેળવતાં અનિમેષ તેના પિતા વિઠ્ઠલભાઈના શબ્દો બોલી પડ્યો, “હરિ કરે તે ઠીક.”

✍️ઉજાસ વસાવડા

Categories: Ujas Vasavda

Leave a Reply