“નાના સાહેબે વધુ બોટલ આપવાની ના કહી છે.”
“સટ.. અપ.. યોર માઉથ…એ સાલો મારા પર નિયંત્રણ કેવી રીતે મૂકી શકે! હું સાવંત અરોરા…ધ ગ્રેટ સાવંત અરોરા….આ એસ.એ. ગ્રુપનો સર્વસ્વ છું. મારી આંગળી પકડીને ચાલતાં શીખનાર, મારે કેમ જીવવું એ મને શીખવાડશે! એય…યુ…ચાલ.. વ્હિસ્કીની ચાર-પાંચ બોટલ અહીંયા કાઉન્ટર પર મૂકી દે…”
“સર..આપ ઓલરેડી નશામાં જ છો!”
“યુ બ્લડી હેલ…હાઉ ડેર યુ?” કોટના ખિસ્સામાંથી સો રૂપિયાની નોટોનું બંડલ વેઈટર સામે ફેંકીને, “આલે તારી કિંમત…આજે હું નશામાં જ રહેવા માગું છું અને તારે જ અહીંયા મારી સામે બેસી મારા પેગ તૈયાર કરવા પડશે.”
બિચારો એક સામાન્ય વેઈટર હોટેલના જ માલિકને કેમ રોકી શકે! બાપ-દીકરા વચ્ચેની લડાઈમાં, તેણે પણ મનોમન વિચાર્યું માલિક જે કહે તે કર્યા કરવું. માલિકના હુકમનું પાલન કરી લક્ઝુરિયસ સ્યુટમાં બનાવેલ નાનકડાં લીંકર બાર પાસે જઈ ઉભો રહી ગયો. કાઉન્ટરની બીજી તરફ મી.અરોરા રિવોલ્વીંગ ચેર પર હાથમાં ગ્લાસ લઈ એક પછી એક ઘૂંટ ભરી વિચારોમાં ડૂબવા લાગ્યો અને સાથે બબડાટ ઉપડ્યો.
“આ મારો દીકરો મને કેવી રીતે રોકી શકે! આ બધી દારૂની બોટલ, આ બાર, આ હોટલ, આવી બીજી ત્રણ હોટલ અને પાંચ દેશોમાં ફેલાયેલ એસ.એ.ગ્રુપની કંપનીઓ, બે હોસ્પિટલો આ બધું મેં મારી મહેનતથી જ ઉભા કર્યા છે. યુ નો વ્હોટ ઇસ ધ મિનિંગ ઓફ “એસ.એ.”? એસ.એ. એટલે સાવંત અરોરા ..
“સર..આ નાના સાહેબને તમારી ચિંતા છે એટલે જ વધુ પીવા માટે રોકતાં હશે.”
“એય..યુ… તારું નામ શું છે?” વેઈટર જવાબ આપે તે પહેલાં જ સ્વગત બબડતાં. “જે હોય તે…તને ખબર છે..આ મારૂં સારૂં વિચારનારા લોકોના લીધે જ મારી આ હાલત થઈ છે! મારા પિતા દલસુખરાય અરોરા એક સામાન્ય સરકારી કારકુન હતાં. બાળપણથી જ મને સતત ભણવા અને હંમેશા પ્રથમ આવવા પર ભાર મૂકતા હતા. મારા ઉઠવા, બેસવા, ચાલવા, ખાવા, બોલવા જેવી દરેક વર્તણુંક પર મને સતત ટોકયા કરતા હતા.” ગ્લાસમાં રહેલ વ્હીસ્કીનો ઘૂંટડો એક સાથે ભરી વેઈટર સામે ગ્લાસ મૂકી, “યાર..એક બાળક મગજ પર કેટલો ભાર સહન કરે! તેમ છતાં મારા પિતાની દરેક ઈચ્છાઓ અને સૂચનાઓ પૂરી કરતો. રમત ગમત હોય કે સાંસ્કૃતિક સ્પર્ધા હોય, હમેશાં પ્રથમ જ આવતો. મને બરોબર યાદ છે ત્રીજા ધોરણમાં ગણિત વિષયમાં 99 માર્ક્સ આવ્યાં હતાં. એ રાત્રે મને જમવાનું ન’હોતું આપ્યું. એક માર્ક ઓછો આવતાં ભૂખ્યા રહેવાની સજા મળી હતી. ક્લાસમાં પ્રથમ આવ્યો હોવા છતાં 9 વર્ષનાં બાળકને કોઈ બાપ આવી સજા આપે? તું જ કહે.. શું તું તારા દીકરાને આવી સજા આપ?”
“સાહેબ.. મારે સંતાનમાં એક દીકરી જ છે.”
“તું નસીબદાર છે.” ફરી એક ઘૂંટડો ભરી, “મારી બા મને સમજતી પણ મારા પિતાથી ડરતી, હું મારા પિતાનો પ્રેમ પામવા સતત વલખાં મારતો, વારંવાર પ્રથમ ક્રમાંક મેળવી ઘરમાં ઈનામ લઈ આવતો, પણ તેમના મોં પર એક શુષ્ક સ્મિત જ જોવા મળતું. મારા પિતા અમારા ઘર માટે હિટલર અને મુસોલિનીને પણ સારા કહેવડાવે તેવા શાસક હતાં. મારા પિતાને ખુશ કરવા હું અજાણ પણે મારી કેરીક્યુલમ સતત નિખારતો રહ્યો. પણ તેણે સારી કેળવણી આપવાના તણાવમાં જીંદગી પુરી કરી નાખી. મારૂં એમ.બી.એ પૂરૂં કરતાં મને મલ્ટીનેશનલ કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટનું પદ મળ્યું. જીંદગીના એ જ વણાંકે મેં નક્કી કરી કર્યું, હું મારા પરીવારને એક આલીશાન જીંદગી આપીશ, તેના માટે જેટલા પૈસા કમાવવા પડે એ કમાઈશ પણ મારા છોકરાંઓને અને પત્નીને તેઓનું જીવન તેમની ઈચ્છાઓથી જીવવા દઈશ. પરંતુ આજે મારો એ જ નિર્ણય મને ભારી પડ્યો. પરીવાર માટે મેં રાત-દિવસ જોયાં વીના વાઈસ પ્રેસિડેન્ટ થી શરૂ કરેલી કારકિર્દી આજે એક વિશાળ એમ્પાયરના માલિક સુધીની સફર વીતાવી પણ આજે મારા દીકરા અને પત્નીના વાક્યે, ‘તમે અમારા માટે શું કર્યું? તમારો સમય પૈસા કમાવવામાં જ વેડફાઈ ગયો.’ ફરી એક ઘૂંટમાં આખો ગ્લાસ ખાલી કરી ફરી ભરવા વેઈટર પાસે મુક્યો.
“આ પુરૂષની જીંદગી પણ કેવી છે! આખા પરિવારનું ભરણ પોષણ કરવા, જીવનની જાહોજલાલી મેળવવા, દરેકની વધારાની જરૂરિયાતો પૂરી કરવા અઢળક પૈસા કમાઈ અને તેના માટે પોતાનું અસ્તિત્વ પણ દાવ પર મુકી દે તો પણ અંતે પુરૂષ પરિવાર પાસે વામણો જ રહે છે. જે પરિવારને સમય આપે તે જરૂરિયાતો પુરી પાડવા જરૂરી પૈસા નથી કમાઈ શકતો અને જે અઢળક પૈસા કમાઈ પરિવારની જરૂરિયાત પૂરી પાડે તે સમય નથી આપી શકતો. હમેશાં ટોપ ઉપર રહેવામાં મારુ પરિવાર પાછળ રહી ગયું. મારા કરતાં તો મારો હિટલર બાપ જીંદગી જીવી ગયો. પરિવારને સારું જીવન આપવાનો સંતોષ તેના મોં પર મરણ સમયે સ્પષ્ટ જણાતો હતો. મેં જીવનમાં બધું જ મેળવ્યું પણ એ સંતોષ નહીં મળે. મેં જીવનના પહેલા તબક્કામાં માતા-પિતાની બધી જ અપેક્ષાઓ પુરી કરી પણ આ બીજા તબક્કામાં મારા પરિવારની ધારેલી અપેક્ષાઓ પુરી ન કરી શક્યો. આ અપેક્ષાઓનું ભારણ એટલું વધી ગયું છે કે તેઓને મારા પ્રત્યે કોઈ લાગણી જ નથી રહી.”
“સાહેબ.. પણ નાના સાહેબને તો તમારી બહુ ચિંતા હોય છે.”
“ચિંતા રાખવી જ પડે! મેં આ એમ્પાયર હજુ મારા હસ્તક જ રાખ્યું છે. હું ધારું તો આ બધું ટ્રસ્ટને સોંપી દઉં. આ તારા નાના સાહેબને આખી જીંદગી મેં બધું મહેનત વગર જ પૂરૂં પાડ્યું હતું. હવે આ એમ્પાયર પણ તેને મહેનત વગર જોઈએ છે.”
ગ્લાસમાંથી ઘૂંટડો ભરી ગજવામાંથી મોબાઈલ કાઢ્યો, “હેલો..એડવોકેટ ઈનામદાર મારૂં વીલ લઈ હોટેલ ગ્રીન પેલેસ પર આવી જાઓ મારે વીલ બદલવું છે.”
મોબાઈલમાં જે મુજબ વીલ લખવાનું હતું તે સૂચના આપી મોબાઈલ ગજવામાં નાખી દીધો અને ફરી વ્હિસ્કીના ઘૂંટ ભર્યો. એકાદ કલાકમાં એડવોકેટ ઈનામદાર હાથમાં ફાઇલ લઈને પહોંચ્યા.
“એય..વેઈટર એડવોકેટ સાહેબ માટે એક ડ્રિન્ક તૈયાર કર અને નીટ કે વીથ સોડા તે પૂછી લો.” મી.સાવંતના ઓર્ડર મુજબ વેઈટરે એડવોકેટ સાહેબ માટે ડ્રિન્ક તૈયાર કર્યું. એડવોકેટ સાહેબે હળવેથી ઈશારો કરી વેઇટરને જવાનું કહ્યું. વેઈટર રૂમની બહાર નીકળી ગયાંની ખાત્રી મેળવ્યા બાદ. એડવોકેટ ઇનામદારે વાતની શરૂઆત કરી, “સાવંત સાહેબ તમે નશામાં છો આ પ્રકારે વીલ બનાવવું યોગ્ય નથી!”
“મી.ઈનામદાર..” મોટેથી બૂમ પાડી, “તમે મને ન શીખવાડો. હું સાવંત અરોરા છું મેં જીવનના દરેક તબક્કે સફળતા જ મેળવી છે. મેં લીધેલા કોઈપણ નિર્ણય આજસુધી ખોટાં ઠર્યા નથી. તમે મને કયાં સહી કરવી એ કહો.” એડવોકેટ ઈનામદાર સાથે લાવેલી ફાઈલ ખોલી છેલ્લા પન્ના પર સહી કરાવે છે. સાવંત અરોરા ગ્લાસના રહેલ વ્હિસ્કી ફરી એક સાથે પી જાય છે. હદ બહારની વ્હિસ્કી ઢીચીં લીધી હોય સાવંત અરોરાને પોતાના પર કાબૂ રહેતો નથી અને ઢળી પડે છે. એડવોકેટ ઈનામદાર તેને ઉંચકવા પ્રયાસ કરે છે. પરંતુ કદકાઠીથી નાના એવા એડવોકેટશ્રી મી.અરોરાનું વજન ઉંચકી શકતા નથી. તેથી બાર કાઉન્ટરની સાઈડ પર આવેલ પૂલ ફેસિંગ રવેશમાં રાખેલા બીનબેગ સુધી ઢસડી તેના પર સુવાડી દે છે અને ત્યાંથી રવાના થઈ જાય છે.
સવારે સૂર્યનારાયણનું તેજ એમની આંખોને આંજી દે છે. ઉઠતાંની સાથે જ એકદમ તાજગીનો અહેસાસ થાય છે. દરેક વખતે ડ્રિંકના લીધે દુઃખતું માથું આજે જરા પણ દુઃખતું ન હતું. આગળના દીવસે ઘટેલા બનાવો યાદ કરવા પ્રયત્ન કરે છે ત્યાં અચાનક કોઈનો રડવાનો અવાજ કાને અથડાય છે.
“આ તો સુલક્ષણાનો રડવાનો અવાજ છે, પણ એ અહીંયા??” થોડીવારમાં વેઈટટર્સ, હોટેલના મૅનેજર્સ, પોલીસ, ફોટોગ્રાફર, એડવોકેટ ઈનામદાર, ધર્મપત્ની સુલક્ષણા અને દીકરો આલોક રૂમમાં ધસી આવ્યા.
“અરે શું થયું? તમે આ રીતે! અહીંયા..??”
સાવંતની કોઈ વાત સાંભળતું જ નો’તું, બધાં બાલ્કનીમાં બીનબેગ પર સૂતેલા સાવંત પાસે પહોંચ્યા અને સુલક્ષણા મોટેથી પોક મૂકી રડવા લાગી.
“હું અહીંયા ઉભો છું, મારો અવાજ કેમ કોઈ સાંભળતું નથી!! મારી હાજરીની નોંધ પણ નથી લઈ રહ્યાં જાણે હું અહીં હોવ જ નહીં!! અરે…આ બીનબેગ પર તો હું જ…ઓહ…શું હું મૃત્યુ પામ્યો??”
પોલીસ એમની બધી કાર્યવાહી કરવા લાગ્યાં વેઈટરની પૂછપરછ કરતાં, “સાહેબ..કાલે અપસેટ હતાં, મારી સામે જ ત્રણ વ્હીસ્કીની બોટલ ખતમ કરી ગયાં.” સો રૂપિયાની નોટોનું બંડલ આલોક તરફ ધરી, “સાહેબ ને ચેતવ્યા પણ ખરાં.. મેં એમને કહ્યું પણ હતું કે નાના સાહેબે ના કહી છે, પણ આ નોટોનું બંડલ મને આપ્યુ અને ધમકાવી ચુપચાપ ગ્લાસ ભરવા કહ્યું.”
પોલીસે આગળ પ્રશ્નો કરતાં, “ક્યાં સુધી અહીં રૂમમાં તેમની સાથે હતો?”
“સાહેબ લગભગ 10 વાગે એડવોકેટ સાહેબ આવ્યા એટલે એમની સૂચનાથી હું જતો રહ્યો.”
એડવોકેટ નું નામ આવતાં તુરંત ખૂબ જ સિફતતા પૂર્વક, “જી..સાવંત સરે ફોનકોલ કરી મને તાત્કાલિક વસિયતનામું બનાવી આવવા કહ્યું હતું. એ મુજબ વસિયતનામું તૈયાર કરી એમની સહી કરાવવા આવ્યો હતો. વસિયતની વાતો થોડી અંગત હોય વેઈટરને જતાં રહેવાનું સૂચન કર્યું હતું.”
પોલીસ ઇન્સપેક્ટરે હાથમાં વસિયતનામું લઈ વાંચ્યું. 4 થી 5 પાનાનાં વસિયતનામાંનો સાર સામાન્ય હતો. એસ.એ. ગ્રુપની કમાન હવે પછીથી તેમના વારસદાર આલોકના હાથમાં રહેશે.
“ખોટી વાત…આ વસિયતનામું બદલી નાખ્યું મેં તો મારી સંપતિ ટ્રસ્ટને સોંપી હતી…ઈનામદાર હું તને નહીં છોડું તે જ બધું બદલી નાખ્યું…ઇન્સપેક્ટર..ફોનકોલનું રેકોર્ડિંગ ચેક કરાવો, સી.સી.ટી.વી. ફૂટેજ જૂવો, આ ઇનામદારે જ મારા ડ્રિન્કમાં ઊંઘની ગોળીઓ ભેળવી હશે. હે ઈશ્વર આ બધું શું થઈ રહ્યું છે. મારી સામે જ બધી રમત રમાઈ રહી છે અને હું કંઈ કરી શકતો નથી.”
બરોબર ત્યાં એજ કોન્સ્ટેબલ બોલ્યો, “સર..ગજવામાંથી આ દવાની શીશી મળી છે.”
ઇન્સપેક્ટર શીશી હાથમાં લઈ આલોક તરફ જુવે છે. “સર..પપ્પાને અનિંદ્રાની બીમારી હતી એટલે એ ઊંઘની ગોળી લેતાં.”
“ઓકે..પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી જાય પછી આગળની કાર્યવાહી કરીએ, અત્યારે પ્રાથમીક ધોરણે તો એવું લાગે છે કે કોઈક હતાશાના લીધે નશામાં ઊંઘની ગોળીઓ વધારે માત્રામાં લઈ લેતાં મૃત્યુ થયું હોય.” વાક્ય પૂરૂં થતાં જ ઇન્સપેક્ટર, એડવોકેટ અને આલોકના ચહેરાઓ પર લુચ્ચું સ્મિત ફરક્યું.
-ઉજાસ વસાવડા
મો.9913701138
ujasvasavada@gmail.com
Categories: Ujas Vasavda