Ujas Vasavda

પ્રતિબિંબ

રવિવારની સવાર સૌને માટે અનેરી હોય છે. કેટલાક લોકો રવિવારે વહેલાં ઉઠી શહેરના બગીચામાં ટહેલવા નીકળી જાય છે અને ત્યારબાદ બગીચામાં ટહેલનાર સાથીઓ સાથે મસ્ત નાસ્તો અને ચાની સહેલાણી કરી નિરાંતે ઘરે પહોંચે છે. તો કેટલાક એમને મન ગમતી રમતો રમવા મેદાને પહોંચી જાય છે. કેટલાંક એમનાં જ બાળકો સાથે ફરવા,રમવા નીકળી પડે છે. કેટલાક નિરાંતની ઉંઘ ખેંચી સુર્ય દેવતાં માથાં પર ચડે ત્યાં સુધી પથારી છોડતા નથી.

રાહુલ આ બધા પૈકી મોડે સુધી સુવામાં માનનાર વ્યક્તિ હતો. રવિવાર નો એક દિવસ આખા અઠવાડિયનો થાક ઉતારવા માટે હોય છે તેવું તે માનતો હતો. રાહુલ એમની બેચલર લાઈફમાં જેટલો સક્રિય રહતો, તેટલો જ પરિવાહિક જીવનમાં નિષ્ક્રિય રહેવા લાગેલો કારણ માત્ર ખાનગી નોકરીમાં કામનું ભારણ. રાહુલ એક ખાનગી કંપનીમાં મેનેજર હતો, રોજ સવારે ઘરેથી આઠ વાગે નીકળી જતો અને સાંજે વહેલામાં વહેલું આઠ વાગે જ આવતો. રોજિંદા કાર્યભરના લીધે રવિવારનો એક દિવસ આરામમય પસાર કરતો.

પથારીમાં સૂતેલા રાહુલ પાસે એમનો સાત વર્ષનો પુત્ર આરવ પહોંચી ગયો અને સવારમાં સાત વાગે ઉઠાડવા લાગ્યો, “પપ્પા…ઉઠો આજે તમે મને પ્રોમિસ કરેલું, તમેં મને ક્રિકેટ રમવા લઈ જશો… ઉઠો..”

આરવની જીદ સામે રાહુલ ટસ નો મસ ન થયો અને પડખું ફેરવી માથે ઓશીકું નાખી સુઈ ગયો. આરવ રાહુલની આ વર્તણુંકથી નિરાશ થઈ રડતો..રડતો રૂમની બહાર જતો રહ્યો. આરવને રડતો બહાર આવતાં જોઈ રાહુલના પિતા અને આરવના દાદા શ્રીકાંત ભાઈ આરવને સમજાવતાં કહેવા લાગ્યાં, “બેટા.. પપ્પા કાલે ઓફિસથી મોડા આવેલા તે થાકી ગયા હોય ભલે સૂતાં, ચાલ હું તારી સાથે ક્રિકેટ રમવા આવું.”

શ્રીકાંત ભાઈ સિત્તેર વટાવી ચૂકેલા એમના શબ્દો રૂમમાં સૂતેલા રાહુલના કાને અથડાય છે અને એમનું બાળપણ યાદ આવી જાય છે,રાહુલ પથારીમાં સફાળો બેઠો થઈ ગયો અને દોડતાં રૂમ બહાર જઈ, “ના.. બાપુજી તમે આરામ કરો હું આરવને રમવા લઈ જઉં છું.” રાહુલને એમના બાળપણમાં શ્રીકાંતભાઈ જ્યારે રમવા લઈ ન જઈ શકતાં ત્યારે રાહુલ પણ જે રીતે જીદ પકડી એમના દાદાજીને લઇ જતો એ એમની આંખો સામે તરવરી ઉઠે છે. અને ઉંડી નિંદ્રા ત્યજી આરવને બહાર રમવા લઈ જવા નીકળી પડે છે.

રમતના મોટા વિશાળ મેદાનમાં પહોંચતા જ રાહુલને બાળપણના દિવસ યાદ આવે છે. એ આરવને પેટ ભરી રમાડે છે. રમત દરમિયાન આરવનું રમત પ્રત્યેનું વર્તન, રમત માંથી મેળવતો આંનદ, અને જ્યારે એક બાળક પાસે બાપ હારે ત્યારે બાળકના મોઢે પ્રસરતી ખુશી જોઈ રાહુલ ફરી એનું બાળપણ જીવે છે. આરવ ક્રિકેટ ની રમત રમ્યા બાદ રાહુલને કહે છે,”પપ્પા મારે મોટા થઈ ‘સચિન તેંડુલકર’ બનવું છે, મને ક્રિકેટ કીટ લઈ આપશો!!” રાહુલ આરવની આંખમાં ઉત્સાહ, એક અલગ ચમક જુવે છે. અને એમને પોતાના શબ્દો યાદ આવે છે, “હું મોટો થઈ ‘સુનિલ ગાવસ્કર’ બનીશ” પણ આ બાળકને ક્યાં ખબર છે કે બાળપણના સપનાઓ જગૃત અવસ્થામાં સ્વપ્ન જ હોય છે. ભાગ્યે જ કોઈકના પુરા થતાં હોય છે. રવિવારના દિવસે સૂર્ય દેવતા નો તાપ લાગ્યો ત્યાં સુધી રાહુલ અને આરવ રમ્યા.

ત્યારબાદ ઘર તરફ પરત ફરતા રસ્તામાં નાની ઠોકર વાગતાં આરવ પડે છે. તેના ગોઠણના ભાગે થોડું વાગે છે. આરવ રડવા લાગે છે, જેમ-તેમ રાહુલ તેમને મનાવી તેઓનાં કૌટુંબિક ડોકટર એવા ડો.હસમુખ કાકા પાસે પહોંચે છે. ડો.હસમુખકાકા એક શાંત,સૌમ્ય,નામ મુજબ હસમુખા ડોકટર હતાં. તેમની પાસે સારવાર લેતો દરેક દર્દી રડતાં એમની ચેમ્બરમાં પ્રવેશતા અને હસતાં બહાર નીકળતા.

આરવને પણ મસ્તી કરતાં દુખાવો ન થાય તેમ ગોઠણ પર મલમ લગાવી જરૂરી સારવાર આપે છે. હસમુખ કાકાએ કરેલ સારવાર અને અન્ય દર્દીઓ તરફના મસ્તીભર્યા વર્તનથી આરવ થોડો અંજાઈ છે. દવાખાનાની બહાર નીકળતાં જ ,”પપ્પા મારે ડોક્ટર બનવું છે! હસમુખ કાકાની જેમજ હું પણ બધાની સારવાર કરીશ.” રાહુલને આરવની વાત સાંભળી થોડું હસવું આવે છે એ આરવને પૂછે છે,”થોડીવાર પહેલાં તો તું ‘સચિન’ બનવાનું કહેતો હતો.?” આરવ થોડો મૂંઝાઇ ને જવાબ આપે છે.”એટલે હું ક્રિકેટ સચિન જેવું રમીશ અને હસમુખ કાકા જેવો ડોકટર બની ક્રિકેટ રમતાં લોકોને વાગે તો હું તેની સારવાર કરીશ.”

રાહુલને એમના બાળપણમાં આવીજ રીતે વારંવાર પોતે મોટો થઈ શું બનશે અને શું કરશે એવા વિચારો આવતાં આજે રાહુલને આરવમાં એમનું પ્રતિબિંબ જ દેખાતું હતું. રાહુલ અને આરવ ઘર પર પહોંચતા જ ટીવીમાં શ્રીકાંતભાઈ સોલ્જર્સની જિંદગી અને સરહદ પરની રહેણી-કરણી, એમનું શૌર્ય,એમની વર્તણુક વિશેનો પ્રોગ્રામ જોતાં હોય છે. આરવ પણ શ્રીકાંતભાઈની સાથે બેસી આ પ્રોગ્રામ જોવા લાગે છે.

આખો પ્રોગ્રામ જોઈ તરતજ આરવ કહે છે,”પપ્પા સવારનું કૅન્સલ હું હવે સોલ્જર બનીશ.” ઘરમાં હાજર બધા જ એક સાથે હસી પડે છે.સાંજે રાહુલ તેની પત્ની સલોની અને આરવને લઈ બગીચે ફરવા જાય છે. ત્યાં આરવ બીજા બાળકો સાથે ભળી ખુબજ મસ્તી કરે છે,હીંચકા ખાય છે અને પછી બગીચાની બહાર ઉભેલી લારી પરથી થોડો નાસ્તો પણ કરે છે.

જોત જોતામાં રાત પડી જાય છે આખો દિવસ નો થાકેલો આરવ થાકીને વહેલો સુઈ જાય છે. રાહુલ એમનો રજાનો દિવસ નાનકડા આરવ સાથે વિતાવી મનોમન દીવાનખંડમાં બેસી આખા દિવસના પ્રસંગો યાદ કરી મલકાતો હોય છે. ત્યાં જ શ્રીકાંતભાઈ રાહુલ સાથે થોડીવાર વાતો કરવા આવી ચડે છે અને રાહુલને,” આજે તો દીકરા રોજની જેમ થાકી ગયો હોઈશ કેમ! આરવને તે આજે ખૂબ મજા કરાવી!”. રાહુલ જવાબમાં,” ના..બાપુજી.. આજે મને જરા પણ થાક નથી લાગ્યો.હું આજે ફરી મારું બાળપણ જીવ્યો છું. આજે ઘણા એવા પ્રસંગો બન્યાં જે બાળપણમાં મારી સાથે પણ બનેલા હતાં. રોજિંદા કામના લીધે જે થાક લાગે તેના કરતાં આજે હું નવી જ જિંદગી જીવ્યો. આરવના ચહેરા પરની અભિવ્યક્તિઓ મને આનંદીત રાખતી હતી.” શ્રીકાંત ભાઈ રાહુલની ભાવુક વાતો સાંભળી,”બેટા.. એ તો એવું જ હોય આપણાં સંતાનો એ આપણાં પ્રતિબિંબ જ હોય છે. ઈશ્વર એમની શરતો મુજબ તમને ફરી જીવવાનો અવસર આપતો હોય છે. તમને જે નથી મળ્યું એ તમે તમારા સંતાનોને આપી એક તૃપ્તિનો અહેસાસ મેળવવાનો અવસર આપતાં હોય છે. તું જે આજે અનુભવી રહ્યો છે એ હું પણ તારામાં અનુભવી ચુક્યો છું. તમે જ્યારે માતા-પિતા બનીને બાળકો સાથે વ્યવહાર કરશો ત્યારે જે-તે બાળકના સર્જનહાર તરીકે તમારામાં રહેલો છૂપો અહમ તમારા પ્રતિબિંબને માણવા નહીં દે પરંતુ જો સંતાનોમાં તમે તમારી જાતને તટસ્થ પણે જોશો તો તુરંત જ તમારો ભૂતકાળ દ્રશ્યમાન થશે. પણ એ પ્રતિબિંબ જ્યારે તમે દાદા-દાદી બનશો, રોજ બરોજના વ્યવહારો માંથી બહાર નિકળશો ત્યારે અનુભવાશે.”

શ્રીકાંત ભાઈ રાહુલના માથે હાથ ફેરવતાં,”બેટા તું તારું પ્રતિબિંબ વહેલાં અનુભવવા લાગ્યો છે હવે આરવમાં તારી જિંદગી ફરી જીવી લે જે.”

આપણે પણ આપણા બાળકોમાં ફરી જીવી શકીએ છીએ તો શું તમે જીવ્યા? ક્યાંક મોડું ન થઈ જાય તે ધ્યાન રાખજો???

-ઉજાસ વસાવડા
મો.9913701138
ujasvasavada@gmail.com

Categories: Ujas Vasavda

Tagged as:

Leave a Reply