Dr. Nimit Oza

સમયનો તકાજો

મૂવી ‘ફાઈટ ક્લબ’માં ટાયલર ડર્ડન એક ‘કન્વીનીઅન્સ સ્ટોર’માં પહોંચે છે અને ત્યાં રહેલા કેશિયરના લમણા પર બંદૂક રાખે છે. હિંસા કે ગુંડાગર્દી દર્શાવતું આ દ્રશ્ય પહેલી નજરે આપણને ટાયલરના પાત્ર માટે અણગમો કે નફરત જન્માવનારું છે. કેશિયરના લમણા પર બંદૂક રાખીને ટાયલર કહે છે, ‘તારું વોલેટ આપ.’ પછી વોલેટ ખોલીને એ કેશિયરનું નામ અને સરનામું વાચે છે. ‘રેમંડ કે. હેસેલ. ૧૩૨૯, એપાર્ટમેન્ટ A.’ પછી એ કેશિયરને પૂછે છે, ‘રેમંડ, તારે શું બનવું’તું ?’. ડરી ગયેલો રેમંડ કોઈ જવાબ નથી આપી શકતો. ટાયલર ટ્રીગર પર હાથ મૂકીને ઊંચા અવાજે પૂછે છે, ‘જવાબ આપ રેમંડ. તારે શું બનવું’તું ?’

રેમંડ ધીમા અવાજે ડરતા ડરતા કહે છે, ‘વેટેરીનરીયન (પ્રાણીઓનો ડૉક્ટર).’ ટાયલર પૂછે છે, ‘તો કેમ ન બન્યો ?’. રેમંડ કહે છે, ‘બહુ અઘરું હતું, એટલે છોડી દીધું.’ ટાયલર પેલા કેશિયર પાસે પ્રોમિસ લેવડાવે છે કે છ અઠવાડિયામાં જો એણે વેટેરીનરીયનનો અભ્યાસ શરૂ નથી કર્યો, તો છ અઠવાડિયા પછી ટાયલર આવીને તેની હત્યા કરી નાખશે.

આ સીન જેટલો ખતરનાક લાગે છે, એટલો જ સુંદર છે. જે રીતે ટાયલર પેલા કેશિયરને એની નશ્વરતા યાદ કરાવે છે, એ જ રીતે કોરોનાએ આપણને મૃત્યુ યાદ કરાવ્યું છે. આપણી પાસે બહુ ઓછો સમય છે. આપણા દરેકના લમણા પર બંદૂક તકાયેલી છે. ટ્રીગર ક્યારે અને કોણ દબાવશે ? એ આપણને નથી ખબર.

અંતરમાં ધરબાયેલી ઈચ્છાઓ સાથે મરવા કરતા, નિષ્ફળ ગયેલા પ્રયત્નો સાથે મરવું વધારે સંતોષકારક રહેશે. જો જિંદગી જીવવી હશે, તો અત્યારે અને અહિયાં જ જીવવી પડશે. જીવવાનું પોસ્ટ-પોન કરવાનું હવે આપણને પોસાય તેમ નથી. કોરોના એક ‘રિયાલિટી ચેક’ હતું કે જો આવતીકાલ સવારે મરવાનું નક્કી થાય, તો આજ સુધીની જિંદગી આપણે ભરપૂર જીવ્યા છીએ કે નહીં ? મરણ પથારીએ હોઈએ ત્યારે કરેલા કામના પસ્તાવા કરતા, ન કરી શકેલા કામનો અફસોસ વધારે સતાવતો હોય છે. કોરોના આપણા લમણા પર રહેલી એ બંદૂક છે, જે આપણને સતત યાદ કરાવે છે કે સપનાઓ પાછળ દોડી લો. તમારી ડ્રીમ લાઈફ જીવી લો. આજે અને અહિયાં જ ઉજવણી કરી લો. તમારા હાથમાં ફક્ત આ જ ક્ષણ છે.

એક વાર ઝેન ગુરુ બ્લુમીસ ખૂબ ગુસ્સામાં હતા. એ દરેક ઝેન સાધુને એક જ પ્રશ્ન પૂછતાં, ‘વોટ ઈઝ ધ ટાઈમ ?’. જેવું કોઈ એમને સાચો સમય કહેતું કે તરત જ તેઓ તેને તમાચો મારી દેતા. ઝેન ગુરુના આવા વર્તનથી પરેશાન થયેલા સાધુઓ સીનીયર શિષ્યા તારા પાસે પહોંચ્યા. તેમણે તારાને કહ્યું, ‘ગુરુજી પાગલ થઈ ગયા છે. જે સામે મળે, એને સમય પૂછે છે. સાચો સમય કહીએ તો ગુસ્સે થઈને તમાચો મારી દે છે.’

એ જ સમયે ઝેન ગુરુ ગુસ્સામાં ત્યાં આવી પહોંચ્યા. પોતાની સૌથી હોંશિયાર શિષ્યા તારાની સામે જોઈને તેઓ બરાડ્યા, ‘વોટ ઈઝ ધ ટાઈમ ?’. તારાએ બહુ જ શાંતિથી એમની સામે જોયું અને સ્માઈલ કરીને કહ્યું, ‘ધ ટાઈમ ઈઝ નાવ, માસ્ટર.’ ઝેન ગુરુ હસ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. લમણા પર તકાયેલી બંદૂક ફૂટે, એ પહેલા આપણે સમજી જવાનું છે કે સમય અત્યારનો છે.

-ડૉ. નિમિત્ત ઓઝા

Categories: Dr. Nimit Oza

Leave a Reply