રેશમી લાગે હવા, ફરફરતું રેશમ હોય છે;
યાદ તારી મઘમઘે છે એ જ મોસમ હોય છે.
દુઃખોના આ ભાર વચ્ચે એક કૂણી લાગણી;
એટલે તો જિંદગી આ ફૂલ-ફોરમ હોય છે.
તું ભલે સાથે નથી,પણ સાથ કાયમ હોય છે;
સંસ્મરણના રક્તરંગી શ્વાસે સોડમ હોય છે.
શબ્દમાં જો વ્યક્ત કરવા જાવ, સૌ પાગલ ગણે,
હૃદયને જોડો નજરથી એ જ ઉત્તમ હોય છે.
સાવ પોકળ છે ગમા ને અણગમાનો ખેલ આ,
શોધ કર તું હાજરી કોની આ હરદમ હોય છે ?
રણ, તરસ,કેડી અને પગલાં બધું ઠીક છે “દિલીપ”;
ઓ પ્રતીક્ષા જાણજે, આ વાત મોઘમ હોય છે.
-દિલીપ વી ઘાસવાળા
Categories: Dilip Ghaswala