SHORT STORIES / लघु-कथाए

ધૂળ

શેઢા પાસેનો ધોરીયો વાળીને કરશને પાવડો એકબાજુ મૂકીને બંડીયાના ખીસ્સામાંથી બીડીની ઝૂડી કાઢી. લાઇટરથી સળગાવી અને અનંત કસ ખેંચ્યો. બપોર પડે ઈ પહેલાં તેને હજી આઠેક ક્યારાને પાણી પહોંચાડવાનું હતું. કૂવામાંથી ધૂક ધૂક… ધૂક ધૂક કરતું મશીન પાણી બહાર કાઢીને ધોરીયામાં વહાવતું અને કરશન પાવડાથી ધોરીયાનું પાણી એક ક્યારેથી બીજે ક્યારે વાળતો. ઉનાળાની મોલાતને બપોર પહેલાં પાણી પહોંચી જવું જોઈએ નહીંતર તાડ લાગે એવું કરશનનું માનવું હતું. ગઇ સાલ વરસાદ સારો પડેલો એને લીધે કૂવો હજી ડૂક્યો નહોતો એટલે આ વખતે ઉનાળું પાક લઈ શકાયો એનો આનંદ કરશનના ચહેરા પર ઝલકતો.

એની બૈરી રળિયાત શીરામણ કરાવીને કરશનને વાડીએ મોકલે અને પછી બપોર પડતા ભાત લઇને વાડીએ આવે. આમ તો ત્રણ જણાના કુટુંબ માટે કુદરતે જરૂર કરતાં અનેકગણું આપ્યું હતું. એક નો એક દીકરો ભણવા શહેરમાં ગયેલો અને કરશન અને રળિયાત એના માટે અધધધ સપના સેવતા. તેના માટે એક છોકરી પણ જોઇ રાખેલી. ભણીને આવે એટલે પરણાવી દેવાની ફુલ તૈયારી કરી રાખેલી. ‘તે હેં… અરજણને છોડી ગમશે તો ખરી ને?’ રળિયાતે એકવાર પૂછ્યું. ‘આપણી માટીની છોડી છે ને આ માટીમાં જન્મેલ અરજણને તો ગમે જ ને?’ કરશનના જવાબમાં આત્મવિશ્વાસ છલકતો હતો.

બીડી પી ને કરશને બીજા ક્યારામાં પાણી વાળ્યું. પાણી વાળતા વાળતા છેલ્લા ક્યારે પહોંચ્યો ત્યાં રળિયાત દૂરથી આવતી દેખાણી. છેલ્લા ક્યારામાં પાણી વાળીને ત્યાં પોરો ખાવા બેઠો. બીડીની ઝૂડી કાઢી. છેલ્લી બીડી નીકળી તેને સળગાવીને કસ ખેંચ્યો. રળિયાત ઢૂંકડી આવી ગઇ. તેને જોઈને ખુશ થયો. ધોરીયા પરની ભીની માટીને હાથમાં લઈને સુંઘી. શેઢા પર થોડીક કોરી માટી પર નજર પડી. રળિયાત આવી ગઇ એટલે એક હાથમાં ભીની માટી અને બીજા હાથમાં ધૂળ ભરીને રળિયાતને કીધું, ‘ચાલ, સીતવી લે ક્યો હાથ તારે જોવે છે?’ રળિયાતે મોં મચકોડીને કહ્યું, ‘પેલા ક્યો હું કામ?’ ‘તારા ગગલા હાટું છે. તું સીતવ્ય તો ખરી.’ રળિયાતે જમણો હાથ ઝાલ્યો એમાં ભીની માટી હતી. એની સુગંધ રળિયાતને નાકે લગાડીને ને કીધું, ‘આજ તો અરજણના હમાચાર આવવા ઝોવે.’

રળિયાતની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. ડાબા હાથની ધૂળ ખંખેરતા કરશનને કહ્યું, ‘ક્યાં લગી રોજ રોજ ધૂળ ધૂળ રમશું? અરજણ હવે આ ધૂળ થઈ ગયો છે ધૂળ.’ બંને જણા બેય હાથમાં ધૂળ ભરીને મોં ફાટ રડ્યા. થોડાક વર્ષ પહેલાં અરજણ ભણીને આવેલો. લગ્નની વાતને ઉડાડી દીધી. કહ્યું, ‘શહેરમાં ભેગી ભણતી છોકરી હારે લગ્ન કરી લીધા છે. અને હું હવે શહેરમાં જ રહેવાનો છું. આ ગામની ધૂળમાં રાખ્યું છે શું?’ આટલું કહેતા તો કરશન ને રળિયાતના પગ તળેથી જમીન સરકી ગઇ.

બે દિવસમાં અરજણ પાછો શહેર જતો રહ્યો પણ કરશનના મનમાં તો હજી એ ભણવા જ ગયેલો હતો એટલે રળિયાત કરશનના સપનાને આંચ ન આવે એ માટે રોજ એના લગનની વાતો કરતી અને ધૂળ ધૂળ રમતી. પણ, આજ તેનાથી રહેવાયુ નહીં એટલે બોલી પડી. રળિયાતે ભાત ખોલ્યું. બે ય જણા જમ્યા. વર્ષોની રાહ હવે આંખોમાં ડૂકવા માંડી હતી. આજ આવશે, કાલ આવશે એમ વિચારીને આયખું કાઢતા ડોસા ડોસીને હવે અલખનો હલકારો સંભળાવા લાગ્યો હતો.

જણસ અને જણ બંનેનો મોહ છૂટે ત્યારે અલખનો સાદ સંભળાય એ સાદ બંનેના કાનમાં પડઘાયો અને રળિયાતની નિરાશાથી ખારી થઈ ચૂકેલી આંખમાં આંખ પરોવતા કરશને કહ્યું, ‘રળિયાત, બવ વખત થ્યો. હવે, ધૂળમાં ભળી જવાનો વખત આવ્યો સ.’ રળિયાતે હાં ભણતા ડોકું ધૂણાવ્યું. વાડીનું રખોપુ કરવા રાખેલ ભગલાને દૂરથી દોડતો આવતા જોયો. ભગલો દોડતો પહોંચ્યો ત્યાં તો ડોસો ડોસી ઢળી પડ્યા. ભગલાએ બંનેની હાલત જોઇને તેમની પાસે બેસીને કહ્યું, ‘ડોસા, આટલી બધી શું ઉતાવળ? આ તમારો અરજણ આવે છે. કહે છે શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે એટલે એની વહુ સાથે ગામડે આવી રહ્યો છે.’ કરશને ભગલાના હાથમાં ધ્રુજતા હાથે ધૂળ ભરતા કહ્યું, ‘એને કહેજે ડોસો ડોસી વાડીને શેઢે ધૂળ ધૂળ રમે છે.’ આટલું કહેતાં બંનેની આંખો અરજણના સપના જોતી ધૂળમાં ભળી ગઇ. હવે અરજણ રોજ વાડીએ પાણી વાળે છે, તેની બૈરી ભાત દેવા આવે છે અને શેઢે બેસીને બંને જણાં સાથે ધૂળ ધૂળ રમે છે. કદાચ કોક દી કરશન અને રળિયાત પાછા આવે…

-કલ્પેશ ભટ્ટ

Leave a Reply