Dr. Vishnu M. Prajapati

કોરોના-બોનસ

રાધે ઇન્ડસ્ટ્રીઝના ગેટથી થોડે દૂર કેટલાક કામદારો ભેગા થયા હતા. સીસીટીવી કેમેરાની રેંજથી તેઓ દૂર જઇને અંદરોઅંદર કોઇ ખાનગી ગુસપુસ કરતા હતા.

‘એક લક્ઝરીવાલે સે મેરી બાત હો ગઇ હૈ, વો હમારે તહસિલ તક હમે લે જાયેગા, એક જને કા તીન હજાર તય કિયા હૈ….! યે પગાર મીલતે હી હમ નીકલ જાયેંગે…!’ હિન્દી ભાષી બહાદુર બધાને વતન જવા માટે તૈયાર કરી રહ્યો હતો.

તેમાંના બીજા એક કામદારે વચ્ચે કહ્યું, ‘મગર યે બડા શેઠ દિમાગવાલા હૈ, ઇસ મહિને કા પગાર અભી તક નહિ દિયા….! તાકી હમ ફેક્ટરી છોડ કે દૂસરો કી તરહ ભાગ ન જાયે…!’

બધાની ગૂસરપૂસર ત્યાં ઉભેલા જયરામને ન ગમી એટલે તે બોલ્યો, ‘દેખો ભાઇ…! હમારા શેઠ બૂરા નહી હૈ, દો મહિને સે પૂરા સ્ટૉક ગોડાઉન મે ભરા પડા હૈ…! એક્ષપોર્ટ બંધ હૈ, ફેક્ટરી કી ઇન્કમ ઝીરો હૈ, ફિર ભી દો મહિને કા પગાર સબ કો દિયા હૈ…! હમે ઉનકો ઇસ હાલાત મેં છોડ કે નહી જાના ચાહિયે…, ઔર જાના હૈ તો ઉનકો ખબર કર દેની ચાહિયે….!’

બહાદુરને જયરામની શેઠ તરફની વફાદારી ન ગમી એટલે ગુસ્સામાં બોલ્યો, ‘તુમ્હે રુકના હૈ તો રુક જયરામ….! શેઠ લોગો કી ચિંતા હમ ક્યું કરે ? ફેક્ટરી ઉનકી ચલેગી હી નહી તો હમે ક્યાં દેંગે ? ઔર અંદર કી બાત યે હૈ કી શેઠ કે છોટે ભાઇને એક રુપિયા ભી દેને સે ઇન્કાર કર દીયા હૈ, તો હમારા પગાર કૈસે કરેંગે ?’

કોરોના અને લૉકડાઉનને કારણે ઘણી ફેક્ટરીઓ બંધ થઇ ગઇ હતી. પરપ્રાંતના બધા મજૂરો પોતાના વતન ભણી પલાયન થઇ ચુક્યા હતા. જો કે રાધે ઇન્ડસ્ટ્રીઝના શેઠ રતનરાયના પ્રેમ અને માયાળું સ્વભાવને કારણે બધા અકબંધ હતા. તેમને બધા કામદારો અને તેના પરિવાર માટે ફેક્ટરીમાં રહેવા જમવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. કોઇને તકલીફ ન પડે તેની બધી તકેદારીઓ તેમને રાખી હતી. તેમને વિશ્વાસ હતો કે ખરાબ દિવસો પણ ચાલ્યા જશે….! અત્યારે જીવન ટકાવવું અને માણસાઇ ટકાવવાનો અવસર છે તે ટકી જશે તો પૈસો તો પછી ગમે ત્યારે મળી જશે….!

બે મહિનામાં તેમની ફેક્ટરીના નુક્શાનના આંકડાઓ નાનાસૂના નહોતા. તેમના નાના ભાઇ વિશ્વજીતે તો તેની એક પ્રાઇવેટ ફેક્ટરી લૉક કરીને બધાને રીતસરના તગેડી જ મૂક્યા હતા. રતનરાયે તેને ખૂબ સમજાવ્યો પણ તે નહોતો માન્યો. તે જાણે ફક્ત નફા અને નુક્શાનનો વ્યવસાય કરતો હતો…! તેને માણસાઇ સાથે કોઇ લેવાદેવા નહોતી. રતનરાયે વિશ્વજીતના કેટલાક કામદારો જે હારીને વતન તરફ ભાગી છૂટ્યા નહોતા તેમને પોતાની ફેક્ટરીમાં રાખી લીધા હતા. રતનરાય સમજતા હતા કે વિકટ પરિસ્થિતિમાં જ માણસ અને માણસાઇની ખરી પરીક્ષા થતી હોય છે…! જો કે તે કર્મચારીઓને એમ જ કહ્યું હતું કે મારા નાનાભાઇ વિશ્વજીતને નુક્શાન ગયું છે એટલે તમારે આ ફેક્ટરીમાં કામ કરવાનું અને તે પોતે તે બધાનો પગાર ચૂકવશે.

આ બહાદૂર પણ વિશ્વજીતની કંપનીમાંથી આવ્યો હતો અને બધાનો ઠેકેદાર બની ગયો હતો.

‘મૈને એકાઉન્ટન્ટ સે આજ હી બાત કી હૈ, ઉન્હોને કહા હૈ કી આજ શામ તક પગાર હો જાયેગા…. ઔર રાત કો હી ઉસ બસવાલે કો બુલા લીયા હૈ… સબ તૈયાર રહના..!’ બહાદુરે બધુ આયોજન કરી લીધુ અને પછી બધા ફેક્ટરીની અંદર ગયા.

જયરામનું મન માનતું નહોતું. તેને થયું કે રતનરાયે દરેક મજદૂરને કાયમ પોતાના પરિવારના સભ્યની જેમ જ રાખ્યા છે, તેમને બધા તહેવાર કે સારા પ્રસંગો તેમની સાથે જ ઉજવ્યા છે…. અને આટલા વર્ષો પછી આ પહેલીવાર એવું બન્યું છે કે પહેલી તારીખે પગાર નથી થયો…!!! શું એક મહિનો પગાર નહિ કરે તો આપણે એમને છોડીને ચાલ્યા જવું…? અને તે પણ તેમને કહ્યા વગર…? તે પોતે શેઠને અંધરામાં રાખીને નહી જ જાય તેમ વિચારી શેઠને હકીકત કહેવા ગયો.

તે શેઠની કેબિનમાં પહોંચ્યો….! તેની જીભ ઉપડતી નહોતી એટલે થોડીવાર ચૂપચાપ ઉભો રહ્યો.

‘જયરામ ક્યાં હુઆ ?’ રતનરાયે જયરામને આમ અચાનક મળવા આવેલો જોઇ પૂછ્યું. જયરામ આ ફેક્ટરીમાં અઢાર વર્ષથી કામ કરતો હતો અને શેઠ લગભગ બધા મજદૂરો જ નહી પણ ત્યાં રહેતા પરિવારોના સભ્યોને પણ નામથી ઓળખતા હતા.

‘શેઠ…! યે પગાર…!!’ જયરામની જીભ થોથવાઇ જતી હતી.

‘હમ્મ… આ વખતે પગાર કરવામાં વાર લાગી છે… પણ આજે થઇ જશે.’ રતનરાય એમ સમજ્યા કે જયરામ પગારનું પૂછવા આવ્યો છે.

‘નહી, શેઠ મુઝે પગાર નહી ચાહિયે…! મગર યદી આપ કો ફેક્ટરીમે નુક્શાન હૈ તો મેરા પગાર મત કિજીયે… જીસકો જરૂરત હો ઉસકો હી દિજીએ…!!’ જયરામને જે કહેવું હતું તે કહી શકતો નહોતો પણ જયરાજની સરળ અને નિર્દોષ શબ્દોથી શેઠ પ્રભાવિત થયા અને તેની પાસે આવીને તેનો ખભો થાબડ્યો અને બોલ્યા, ‘વાહ જયરામ… તુમ્હારે જૈસે લોગ હી મેરી મૂડી હૈ…. તુમ ચિંતા મત કરો એક દિન સબ અચ્છા હો જાયેગા…!’

જયરામે શેઠની માણસાઇ પારખી લીધી હતી અને આખરે હિંમત કરીને કહ્યું, ‘શેઠ, મૈ યે કહને આયા હૂં કી આપ પગાર મત કરો… યે પગાર મિલતે હી સબ લોગ ચલે જાનેવાલે હૈ…!!’ જયરામે મોં નીચુ કરીને બધી હકીકત કહી દીધી અને કેબિનમાંથી બહાર નીકળી ગયો.

શેઠ રતનરાય થોડીવાર વિચારમાં ડૂબી ગયા અને જયરામની પાછળ પાછળ એકાઉન્ટ ઓફીસમાં ગયા અને મોટેથી બોલ્યા, ‘બધા કામદારોનો પગાર બેંકમાં નખાઇ ગયો કે બાકી છે?’

આજે પહેલીવાર રતનરાયનું વર્તન એકદમ જુદું જ હતું. ત્યાં બેસેલા સિનિયર એકાઉન્ટન્ટે ઉભા થઇને કહ્યું, ‘ના સર.. એકાદ કલાક પછી નાખીશ…! કેમ કાંઇ કામ હતું ?’

શેઠે તેને જલ્દી પોતાના કેબિનમાં આવવા ઇશારો કર્યો. દૂર ઉભેલો જયરામને લાગ્યું કે શેઠ હવે બધાનો પગાર રોકી દેશે અને તે પોતાના કામે ચઢી ગયો. ૧ જૂનથી અનલોક – ૧ની શરૂઆત થઇ ગઇ હતી. ફેક્ટરીમાં પ્રોડક્શન શરૂ કર્યુ હતું પણ કોઇ વેચાણ શરૂ નહોતું થયું.

કેબિનમાં કલાક સુધી રતનરાય અને તેના એકાન્ટન્ટસ સાથે મિટિંગ ચાલી. બધા ઓફીસર્સ આજની અણધારી દોડધામને સમજી નહોતા રહ્યા. સાંજ સુધીમાં શેઠે બધું કામ પુરુ કર્યુ અને તેમનો એક પર્સનલ લેટર કંપનીના નોટીસબોર્ડ પર લગાવી દીધો.

સાંજે બધા કર્મચારી નોટીસબોર્ડ પાસે ટોળે વળ્યા અને ત્યાંના એક વ્યક્તિએ તે કાગળ વાંચવાની શરૂઆત કરી.

‘સૌ કામદારો અને મારા પરિવારજનો…!

સૌ પ્રથમ તો હું તમારી માફી માંગુ છું કે મારી જિંદગીમાં પહેલીવાર હું તમારી મહેનતનો પગાર સમયસર નથી કરી શક્યો. પણ… આ નોટીસ વાંચતા હશો ત્યારે તમારો પગાર જમા થઇ જશે તેની ખાત્રી આપું છું. આપણે વર્ષો સુધી આ ફેક્ટરીમાં પરસેવો રેડ્યો છે, તમારા સૌના સદભાગ્યે આપણને કોઇ મુશ્કેલીઓ આવી નથી અને ભવિષ્યમાં નહી આવે તે મને વિશ્વાસ છે. ખાસ, જણાવવાનું કે આ મહિનાના તમારા પગારમાં હું દસ ટકાનું ‘કોરોના બૉનસ’ ઉમેરું છું. મને ખબર છે કે તમારાથી દૂર રહેતા તમારા પરિવારને પણ તમારી મદદની જરૂર હશે. દિવાળીના સુખના પ્રસંગે બૉનસ જે સુખ આપે તે છે તેના કરતા દુઃખના સમયે આ ‘કોરોના બૉનસ’ તમને વધુ સુખ આપશે તેવું હું માનું છું. દુ:ખની ઘડીએ જો સાથે નહી રહીએ તો સુખની દિવાળી ઉજવવાનો મતલબ શું? તમે સુરક્ષિત રહો અને ખુશહાલ રહો…!
એજ આપનો,
‘રતનરાય’

પત્ર વંચાઇ ગયો ત્યાં જ બધાના મોબાઇલમાં પગાર જમા થઇ ગયાના મેસેજ પણ આવી ગયા અને ખરેખર તે બૉનસ સાથેનો જમા પગાર હતો.

જયરામ તો આ જોઇને સાવ અચંબિત થઇ ગયો. મેં શેઠને કહ્યું હતું તેનાથી તો તેમને સાવ ઉલ્ટું કર્યું. હવે પગાર વધારે મળ્યો છે તો બધા ચાલી જ જશે અને ફેક્ટરી બંધ થઇ જશે.

બહાદુરે તો બે મહિના જ નોકરી કરી છતાં તેને પણ બોનસ મળ્યું હતું.

રાત્રે બધા ફેક્ટરીની બહાર ભેગા થયા. બહાદૂરે તો કોઇને પૂછ્યા વિના બસ કેન્સલ કરાવી દીધી હતી. તે નવા શેઠને સમજી ન શક્યો તે બદલ બધાની માફી માંગી અને ભાગી જવાની વાત કોઇને ક્યારેય શેઠને ન કરવી તેમ કહી દીધું.

ત્યારે જ શેઠની કાર ગેટ પાસે આવી અને ખૂદ રતનરાય અને તેમના પત્ની તેમાંથી બહાર આવ્યાં. બહાદૂર ગભરાઇ ગયો…! તેને લાગ્યું કે હવે તેનો ભાંડો ફૂટી જશે.

રતનરાય બધાની વચ્ચે જઇને બોલ્યા, ‘અહીં કેમ ઉભા છો ? ચલો બધા કૉલોનીમાં….!! આજે મેં બૉનસ આપ્યું તો તમારી શેઠાણીને નથી ગમ્યું…!’

શેઠની વાત સાંભળી બધા છક થઇ ગયા અને મૂર્તિની જેમ જડ બની ગયા…!!

‘એટલે અમારે તે બૉનસ પાછું જમા કરાવવાનું છે ?’ બહાદુરની આ વાત સાંભળી શેઠ હસી પડ્યાં અને બોલ્યા, ‘શેઠાણી કહે છે કે કે મીઠાઇ વગરનું બૉનસ અધુરું કહેવાય….!! તે મારી સાથે ગાડીમાં મીઠાઇ લઇને આવ્યાં છે અને તેમને પોતાના હાથે બધાને આપવી છે.’

જયરામ ખરેખર દેવદૂત સમા શેઠ – શેઠાણીને જોઇને દૂરથી બે હાથ જોડી દીધાં.

સ્ટેટસ

એક કાગડાએ બીજા કાગડાને પૂછ્યું,
આ માણસ હમણાં મોઢે કેમ રૂમાલ બાંધે છે ?
તો બીજા કાગડાએ કહ્યું,
‘મને લાગે છે કે હવે તે તેની જીભ પર લગામ રાખે છે…!’
એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું,
આ માણસ હમણાં એકબીજાથી કેમ દૂર ભાગે છે ?
તો બીજા કૂતરાએ કહ્યું,
‘મને લાગે છે કે એકબીજાને કરડી ન જાય તેનું ધ્યાન રાખે છે…!’
એક વંદાએ બીજા વંદાને પૂછ્યું,
‘આ માણસ હમણાં વારેવારે કેમ હાથ ધૂએ છે ?’
તો બીજા વંદાએ કહ્યું,
‘મને લાગે છે કે ગટર સાફ કરવાનું આ નવું અભિયાન લાગે છે…!’
એક ચકલીએ બીજી ચકલીને પૂછ્યું,
‘આ માણસ હમણાં કેમ ઘરમાં જ રહે છે…?’
તો બીજી ચકલીએ કહ્યું,
‘આપણે ક્યાંક તેના ઘરમાં માળો બાંધી ન દઈએ તેનું ધ્યાન રાખે છે…!’

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

Leave a Reply