બનીને સતિ, એ ચિતાએ ચડી છે.
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
નથી ઝુલ્ફ ની લટ કપાળેથી હટતી,
જે નટખટ બની ખુબ માથે ચડી છે.
ઝૂલાના કડા આજ પણ સાચવ્યા છે.
પ્રણયમાં હજી ઠેસ ઝૂલે ચડી છે.
ફૂટે માનવી માટલી જોઇ પહેલાં,
પનીહારિ કૂવાને કાંઠે ચડી છે.
ગઝલ હો કે કાવ્યો સજાવું તને બસ.
જૂઓ, વાત હૈયાની હોઠે ચડી છે.
સમંદર એ ખેડી શકે છે. સરળ છે.
ગરમ રેતમાં હોડી હાંફે ચડી છે.
પરિષદ ભરાતી ફૂલોની “દિલીપ” જો,
વસંતોની ઉમ્મીદ આંખે ચડી છે.
-દિલીપ વી ઘાસવાલા
Categories: Dilip Ghaswala