Raghuvir Patel

ભૂખ

શહેરમાં જ્ઞાતિવાદના દાનવે એવો ભરડો લીધો કે શહેર આખુ ભડકે બળવા લાગ્યું. જ્યાં જુવો ત્યાં મારો કાપોની વાતો. સરકારી- બિનસરકારી મિલકતોને ભારે નુકસાન થયું. શહેરની શાંતિને કોઈની નજર લાગી ગઈ. બે જ્ઞાતિઓ વચ્ચે મુખ્ય રસ્તા પર પૂતળુ મુકવાની બાબતમાં પરિસ્થિતિ વણસી ગઈ. સરકારે 144ની કલમ દાખલ કરી. દેખો ત્યાં ઠારના હુકમ દેવાયા.બ્લેક કમાંન્ડોની કુમક આવી તોફાનને કાબુમાં લઈ લીધું છે. પાંચ પાંચ દિવસથી કરફ્યું છે. છતાં ક્યાંક ક્યાંક છમકલા થતાં રહે છે. છૂટક રોજી કરી પેટિયું કમાનારા બિચારા બેકાર-બેહાલ થયા. નાથો ને તેની પત્ની નાથી હાથલાળી ખેંચીને પેટિયું રળતાં પણ આ હુલ્લડને કારણે ચાર ચાર દિવસના ખાવાના સાંસા પડ્યા છે.નાથો એક હાથે ઠુંઠો છે. ને ઓછામાં પૂરું અત્યારે તેને સખત તાવ આવ્યો છે.સંતાનો મા પાસે ખાવા માંગે છે.પણ ક્યાંથી લાવે ? ત્રણ સંતાનોમાં બે તો માંડ ચાલતાં શીખ્યાં ત્યાતો ત્રીજું માના સ્થાનકે વળગ્યું.. પેલા બેની ઈર્ષા કરતું જાણે માના સ્તન પર એતો લિજ્જત માણી રહ્યું છે. નાથો ને નાથી ગરીબીમાં હુંફ મેળવવા ભારતની જન સંખ્યા વધરતા જાય છે. ગરીબીમાં આમજ થાય. આમતો નાથો એક મિલમાં પ્રામાણિકતાથી કામ કરતો ત્યાં સાથે કામ કરતી નાથી સાથે આંખ લડી ગઈ.બંનેએ એક બીજામાં ભળી જવાના કોલ દઈ દીધા. પણ એકવાર યંત્ર છટકવાથી તેનો હાથ કપાયો ને મિલના કામનો ન રહ્યો.એટલે નથીના માબાપે નાથા સાથે પરણાવવાનો નન્નો ભણી દીધો.

‘એ ઠુંઠીયા સાથે તો તને નાં જ પૈણાવું.’
‘ બાપા હું પૈણીશ તો નાથા હરે જ.’
‘ એ ઠુંઠીયામાં અવ હુંસ, ઈન મિલમાં કાંમ નથી આલતા.’
‘ હુંસ તે મી મારો દેહ. ..’
‘ તું બોલતાંય શરમાતી નથી?’
નાથી જેનું નામ એણે લગ્ન પહેલાં જ નાથાનું પડખું સેવેલું એ હવે કેમ માને ? એટલે નાથીએ તેની સાથે જ પરણવાની હઠ લીધી. નાથો પણ દિલનો ચોખ્ખો. એને બાપની ઉપર વટ જઈ લગ્નની ના પાડી પણ માને તો નાથી શાની ? નાથને મનાવીને બાપની ઉપરવટ જઈ લગ્ન કરી લીધા. નાથાનું મૂળ નામ તો નથ્થુરામ પણ બેકારીમાં નાથિયો ને નાથો થયું.બેકાર નાથો અને તેની પત્નીએ છુટક મજૂરી કરી મહામુસીબતે હાથલાળી લઈ આવ્યાં… નાથો મહેનતુને ખુશ મિજાજી. નાથીય એના જ સ્વભાવની. આખો દિવસ હાથલાળી ખેંચે ને શહેરમાં ફૂટપાથના ખૂણા પર સાંજપડે હાથલાળી ઊભી કરી તેના નીચે પોતાનો સંસાર વધારે.હાથલાળી એજ એમનો મહેલ. ગરીબીમાં ચારે કોરથી ઘેરાયેલ છતાં સુખેથી પોતાનું ગાડુ ગબડાવે જાય.. જન સંખ્યા વધારે જાય.
અત્યારે તાવમાં તગતગતો ને ભૂખથી અકળાતો, તોય છોકરાંની ચિંતાએ…
‘નાથી ,છોકરાંન કાંઈ ખવાનું આલ.’
‘ હુઆલું કાંઈ નથી.’
‘મા…મા , મને ભૂખ લાગી છે’એક છોકરાએ બુમ પાડી
‘ હમણાં સૂઈ જાવ કરફ્યું ઉઠાશેને પછી કાંક લાવીને આપું છું હોં !” નાથી બાળકોને ફોસલાવી રહી છે. પણ ચારચાર દિવસનાં ભૂખ્યા બાળકો કેવી રીતે સહન કરે. તે બંને ને પણ ક્યાં ખાવા મળ્યું હતું?
‘પણ મા, મને ભૂખ લાગી છે.’
‘ક્યાંથી લાવું ?’
‘ પણ મા…’
‘કયુ ને સૂઈ જા. હમણાં બાર નીકળું તો પેલો પોલીસવાળો ભળાકે દે.’ માએ પોલીસની બીક બતાવી.
‘ નાથી, જોન કેવા દાડાઆયા સ. લાય મુ ગમેત્યાંથી કાંક લઈ…’
‘ સંકરના બાપુ તમે સાંનામાંના હુઈ જાં.સંત્યા નથી કરાં, તમે વધાર માંદા પડશાં’
‘ અવ માંદા ન હાજા,આંમય ભુખેતો મરીયે જ શીયેન ? મનય ખુબ ભૂખ લાગી સ.’
નાથો ઊભો થવા જાય છે. નાથી તેને પાછો સુવાડતાં
‘ અરે ! તમાંન તાવ વધતો જાય સ તમારૂતો આખું શરીર ધાખસ.’
‘ નાથી મી આખી ઝિંદગી કોઈના પાહ હાથ લાંબો કરી કાંઈ માગ્યું નથી.,પણ આ ભૂંડી ભૂખ મન આજ મગાઈ ન રહ.’ નાથો વધતા તાવમાં લવારે ચઢ્યો.
‘હે ભૂખના લગાડનાર ભગવાન, અમારા હામું કાંક તો જો ! અવ આ ભૂખ નથી ખમાતી.તારા પાહ એવું કાંય રસાયન નથી ક આ ભૂખ જ નાં લાગ ! તું તો હજાર હાથ વાળો સ.કાંક કર્ય ભગવાંન કાંક કર્ય ! પેલા તોફનીયાંન કાંક સદબુદ્ધિ આલ. આમારો ધંધો-રોજગાર હેંડ.’
‘હે ભગવાંન અવ ભૂખે બધાંનો જીવ જાય સ આ ભૂખ ઠારવા કાંક કર.’નાથી પણ ભગવાનને પ્રાર્થના કરી રહી.
એક વિસ્તારમાં થોડા સમય ખરીદી માટે કરફ્યું હટાવ્યો. નાથી ભગવાનને વીનવતી ધાવતા બાળકને લઈ ને કોઈ દુકાનમાંથી કાંઈ મળી જાય તો ઉધાર લઈ આવવા નીકળી.
‘નાથી વેરાહતી આવજે મનય ભૂખ લાગી સ.’
‘હમણાં આઈ .’
સામેની ગલીનો વળાંક વટાવી એક સોસાયટીના નાકે આવેલ દુકાને જાય છે, ત્યાં લેનારાઓની ભીડ જામી છે.ત્યાં કોઈએ અટકચારો કર્યો ને સામસામે મારામારી થઈ ગઈ. બ્લેકકમાંન્ડોની કુમક આવી ગઈ, પરિસ્થિતિ વણસી. એને શાંત કરવા કરફ્યું વાદી દેવાયો. ટોળું ન વીખરાતાં તેને વિખેરવા બ્લેકકમાંન્ડોએ ગોળીબાર કર્યો.જીવ બચાવવા નાથી છોકરાને લઈને ભાગી પણ ગોળી નાથીનું નામ લખીને આવી હતી. નિર્દોષ બિચારી નાથીની છાતીની આરપાર નીકળી ગઈ. શંકરના બાપુ કરતી તે ઢળી પડી પણ માતાની મમતાએ પેલા બાળકને ન છોડ્યું. નિશ્ચેતન દેહ પર પડેલું બાળક માના નિશ્ચેત સ્તન હજુય ભૂખ શમાવવા ચૂસ્યા કરે છે, દુધ ન આવતાં હજુય હીબકાં… ભૂખ્યો નાથો હજુય નાથીની આવવાની રાહ…

લેખક: રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
મોબાઈલ: 9428769433

Categories: Raghuvir Patel

Tagged as:

Leave a Reply