Dr. Vishnu M. Prajapati

કચરાની મુદત

વિશ્વ પર્યાવરણ દિવસ પરની એક વાર્તા: કચરાની મુદત

‘કચરાભાઇ હાજીર હો….!!’ જજની પાછળથી ગળાફાડ અવાજની સાથે આજના કેસના મુખ્ય આરોપી કચરાભાઇને કોર્ટના કઠેડામાં આવવાનું ફરમાન થઇ ગયું.

કોર્ટના છેક ખૂણામાં બેસેલા કચરાભાઇ રુઆબથી ઉભા થયા અને ધીરે ધીરે કઠેડા તરફ આગળ વધ્યાં.

નામ પ્રમાણે જ તેના ગુણ… તેના શરીર પર અનેક માખીઓ બણબણતી’તી અને દુર્ગંધ તો એવી આવે કે તે જે તરફથી આવતો ત્યાં તો સૌએ પોતાનું નાક બંધ કરી દીધું.

‘છી… કેટલો ગંદો છે…!’ એક સ્ત્રીએ તો તેની સામે જોઇને નાકનું ટેરવું ચઢાવી જાણે ઉબકો આવતો હોય તેવી રીતે મોંમાથી અવાજ કાઢ્યો.

આજે કોર્ટનો પહેલો કેસ કચરાનો હતો.. જો કે આ કેસનો તાત્કાલિક નિવેડો લાવવા તેની બદબુ પણ અસર કરી ગઇ હોય તેમ લાગ્યું.

એવામાં કોર્ટના એક કામદારે તો તેની પાછળ પાછળ પરફ્યુમનો સ્પ્રે કરી દીધો એટલે થોડીવાર લોકોને મિશ્ર સુગંધનો અહેસાસ થયો.

‘જો કચરા…..!!’ ન્યાયધીશે પણ તેનું નામ એટલું ક્ષુલ્લક રીતે લીધું કે કચરાએ પોતે જ નીચુ મોં કરી લીધું.

‘..તારી સામે કેટકેટલીયે ફરીયાદો છે…! તું જ્યાં રહે છે તેના અડોશ-પડોશના લોકો.. તારા મહોલ્લાના લોકો.. અરે ડોક્ટરો…. અને ખુદ મંત્રીઓ પણ તારી ફરીયાદો કરે છે… વળી, તારા તરફથી કેસ લડવા પણ કોઇ તૈયાર નથી… તારી પર ઘણા આરોપો છે.. તને હવે તો શરમ આવવી જોઇએ…..!’ ન્યાયધીશ કચરાને ધમકાવી રહ્યા હતા, આરોપી કહી રહ્યા હતા કે શિખામણ આપી રહ્યા હતા તે કચરાને સમજાયું નહી.

અને પછી તરત જ એક સરકારી વકીલ મોટી ફાઇલ લઇને ઉભો થયો અને બોલ્યો, ‘નામદાર.. આ આરોપી પર અનેક ગુનાઓ છે.. તે બદસુરત તો છે જ અને તેને અનેક લોકોનો ભોગ પણ લીધો છે…..આ કચરાને કડકમાં કડક સજા કરો… તેના વિરુધ્ધના બધા પુરાવાઓ આ સાથે સામેલ છે તેના પર ઘણીબધી કલમોના આરોપ લાગુ પડે છે….’ પછી તો વકીલે એકસાથે દસેક કલમો કહી દીધી અને આરોપનામું સાબિત કરવા પોતાના બધા પુરાવા આગળ કર્યા.

કચરો હજુ પણ સાવ શાંત ઉભો હતો. ત્યાં બેસેલા સૌ તેના તરફ તિરસ્કારની નજરે જોઇ રહ્યા હતા.

‘તો કચરા તારે તારી સફાઇમાં કાંઇ કહેવું છે…..!’ ન્યાયધીશે બધા પુરાવા ચેક કર્યા પછી ત્રાંસી નજરે જોઇને કહ્યું.

‘સફાઇ’ શબ્દ કાને પડતા કચરો તો સાવધાન બની ગયો અને તેનામાં કોઇ અચાનક જ શક્તિ પ્રગટી હોય તેમ જોરથી ચિલ્લાયો, ‘ મને નફરત છે આ સફાઇ શબ્દથી……! હું કાયમ એક ખૂણામાં કે રસ્તા પર પડ્યો રહું છું.. કોઇને હેરાન કરતો નથી.. …આ તો તે દિવસે પેલા દાઢીવાળા મોટા નેતા ઝાડુ લઇને તે દિવસે મારી પાસે આવ્યા અને મારી પાસે જ ‘સ્વચ્છતા’ ના ફોટા પડાવ્યા.. હું તો ખુશ હતો કે હવે તો મને મંત્રી જેવુ માન મળશે… પણ તે નેતા ગયા પછી તો બધા ભેગા મળીને મને પેટીમાં પુરી દીધો… તને આમ રસ્તામાં રખડવાનું કોને કહ્યું હતું…? આ નેતા હવે અમારો ઉધડો લઇ લેશે… તું સાવ ગંદો છે.. તુ સાવ હલકટ છે.. આવુ બધુ કહીને કેટલાય લોકો મારી પર થૂંકેલા… એટલું જ નહી.. તે ટોળામાંથી કેટલાકે તો મારી પર પેશાબ પણ કરેલો…. બસ જ્યાં સુધી પેલા નેતાજીએ મારા ફોટા પાડ્યા ત્યાં સુધી મારી જાહોજલાલી અકબંધ રહી અને પછી તો મને એક ડબ્બામાં ફેંકી દીધો..!’ કચરાએ તેની આપવીતી કહી.

‘નામદાર… આ નાલાયક છે જ ડબ્બામાં ફેંકવા લાયક….!’ વકીલે જોરથી દલીલ કરી અને પોતાનો કેસ વધુ મજબુત કરવાનો પ્રયત્ન કર્યો.

‘હા… હું છું જ ફેંકવા લાયક…..!! પણ ફેંકે કોણ..?? હું ગંદો છું તે સ્વિકારુ છું.. પણ મને ગંદો બનાવે છે કોણ..?? આ વકીલ જે દર પાંચ મિનિટે પેલા ખૂણામાં થૂંકી આવે છે… પેલા બેનને મારી સૂગ ચઢે છે, મને જોઇને ઉબકા આવે છે, પણ બેન તમે જ તમારો કચરો ઘરની બહાર દિવાલે કે રસ્તા પર ફેંકીને મને ગંદો કરો છો…. હું તો અનાથ છું… મારા માઇ બાપ તો તમે બધા છો… હાલતા ચાલતા તમારી બધા ગંદકી મારી પર ઠાલવી જાવ છો.. ગંદકી કરો છો ત્યારે હું તમને દેખાતો નથી… અને મારામાથી બદબુ આવે છે ત્યારે મારાથી દુર ભાગો છો.. મને સજા ભલે સંભળાવો પણ એક સજા તો આ બેસેલા બધાને થવી જોઇએ કે જેને મારુ સર્જન કર્યુ છે… અને મોટી સજા તો પેલા ફોટા પડાવવાવાળાં લોકોને પહેલા કરજો કે રોજ તેમના ઘરોમાંથી કેટકેટલો કચરો રસ્તા પર ઠલવાય છે… !’ કચરો આજે પોતાની દલીલો કહી રહ્યો હતો.

‘જો કચરા આમ તારા ખાલી ભાષણોથી બધાને સજા ના થાય… તારે કોર્ટને પુરાવા આપવા જોઇએ.. !’

‘પુરાવા… અને તે પણ ગંદકી ફેલાવવાનાં…..!’ કચરાએ તો અટ્ટહાસ્ય કર્યુ અને ફરી તેની અતિશય દુર્ગંધ કોર્ટમાં પથરાઇ ગઇ.

‘જેમ લોકો ઝાડુ લઇને પોતે ગંદકી સાફ કરે ત્યારે જે રુઆબથી સેલ્ફીઓ પાડે છે તે રુઆબથી જ જો તે લોકો જાહેરમા કચરો ફેંકે ત્યારે સેલ્ફી પાડશે ત્યારે પુરાવા મળશે….!!’ કચરાએ પોતાની વ્યથા કહી દીધી.

‘એટલે તારી પાસે તારી સચ્ચાઇના કોઇ પુરાવા નથી એમ જ ને…!’ ન્યાયધીશે છેલ્લી ટકોર કરી.

‘હું ક્યાંક દુર્ગંધિત મોટો ઢગલો બનીને તો ક્યાંક રસ્તામાં ઉડતી કોથળીઓ બની… ક્યાંક બિલ્ડીંગોના ખૂણામાં પિચકારીઓના નિશાન બની… ક્યાંક ચાલતી ગાડીઓમાંથી ફેંકાતી પાણીની બોટલો બની અને ક્યાંક સાફ ન થયેલી ગટરોમાં ઉભરાતી ગંદકી બની રોજ સૌને દેખાઉં છું.. આ જ મારા પુરાવાઓ છે…!’

‘પણ તેમા તારી સચ્ચાઇ સાબિત ન થાય…!’ ન્યાયધીશ ફાઇલના છેલ્લા પાને નોટીંગ કરતા બોલ્યાં.

‘તો પછી પેલા ટાલવળા, ચશ્માવાળા દાદાજીને બોલાવો… જેમનો ફોટો તમારી પાછળ છે… ! તે તમને કહેશે કે દોષિત હું નહી પણ ખરા દોષીત તો એ છે જેમને મારા પર આરોપો લગાવ્યા છે…’ કચરાએ ગાંધીજીની તસ્વીર તરફ આંગળી કરી.

‘એ તો અહીં ના આવે…! તારી પાસે બીજો કોઇ તાજનો સાક્ષી હોય તો બોલાવ….!’ ન્યાયધીશે હુકમ કર્યો.

‘તાજના સાક્ષી તો બધા છે સાહેબ…! પણ કોઇ એમ તો સ્વિકારશે જ નહી કે હું જ આ કોર્ટમા ઉભેલા કચરાનો સર્જક છું…!’ કચરાએ છેલ્લી દલીલ કરી.

‘જો કચરા તુ ચાહે તો તને જ્યાં સુધી તાજના સાક્ષી ના મળે ત્યાં સુધી આ કોર્ટ સમય આપી શકે તેમ છે….’ ન્યાયધીશે કચરાને છેલ્લો ચાન્સ આપ્યો.

પણ તરત જ પેલો વકીલ ઉભો થયો અને બોલ્યો, ‘ નામદાર સાહેબ, આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ઉપરથી પણ ઓર્ડર છે કે આજે જ આ કચરાને એવી સજા થવી જોઇએ કે તે ક્યાંય ગંદકી ના ફેલાવે.. કોઇને ચિકનગુનિયા કે મેલેરીયા જેવા રોગો ઉત્પન્ન ના કરે… આપણા બનાવેલા રસ્તાઓ કે ઇમારતો ગંદી ન કરે…. અને જો આજે આ કચરાને સજા નહી થાય તો તેના જેવા અનેક આરોપીઓ આખાય સમાજને બદનામ અને દુર્ગંધિત કરતા જ રહેશે. એટલે આજે જ આ કચરાને કઠોરમાં કઠોર સજા થવી જોઇએ…’ વકીલે એટલી ધારદાર રજૂઆત કરી કે સૌએ તાળીઓ પાડી.

ન્યાયધીશે પણ ઉપરથી આવેલો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો કાગળ જોઇ લીધો અને તરત જ સજા સંભળાવવા પોતાની કલમ તૈયાર કરી અને બોલ્યા, ‘ આમ, આ કચરાના કેસમા તેની પાસે કોઇ મજબૂત સાક્ષી નથી. સમાજમાં આકાર લઇ રહેલા આ કચરા જેવા રાક્ષસને વધુ ખુલ્લેઆમ ફરવા દેવો હિતાવહ નથી. વળી, તેના વિરુધ્ધના પુરાવાઓ પણ તે ગુન્હેગાર છે તેમ સાબિત કરે છે.. આથી આજે વિશ્વ પર્યાવરણ દિવસે કોર્ટ તેને સજા સંભળાવે છે કે આ કચરાનો દેશ-નિકાલ કરવામાં આવે..!’ અને ન્યાયધીશે સજા સંભળાવી ફાઈલ નીચે સહી કરી દીધી.

પણ… કચરો તો ફરી જોરજોરથી હસી પડ્યો, ‘ સાહેબ.. સજા તો મને મંજુર છે… પણ જો મને દેશ નિકાલ કરવાથી આ દેશ સ્વચ્છ થઇ જતો હોય તો હું કુર્બાની લેવા તૈયાર છું.. પણ ફરી થોડા દિવસોમાં આનાથી વધુ વિકરાળ બની આવી જઇશ… કારણ કે આ તાળીઓ પાડનારાનાં લોકોના બન્ને હાથના મારા પર કાયમ આશીર્વાદ હોય જ છે.. આ લોકો જ મારુ ફરી સર્જન કરી દેશે… અને આવતા વિશ્વ પર્યાવરાણ દિવસે કે સ્વચ્છતા અભિયાનમાં ફરી મળીશ… મને કોઇ મીટાવી નહી શકે… કેમકે એ આ બેઠેલા ભલે મારો આજે તિરસ્કાર કરે પણ તે સૌને મારી આદત પડી ગઇ છે… હું ભલે તમારા હાથે રસ્તા પર ફેંકાયેલો સાધારણ કચરો છું. પણ મારાથી કેટકેટલાય નેતાઓ ચુંટણી જીતે છે. મારો ઉપયોગ કરીને તેઓ એકબીજા પર કચરો ઉછાળે છે. હું ભલે ગંદો રહ્યો પણ આ કચરો ફેંકતા માણસો કરતા તો ઘણો સ્વચ્છ છું. વિશ્વ પર્યાવરણ દિવસે મેળાવળામા કે લોકોની રેલીઓ પુરી થાય પછી તો મારા મોટા ઢગલાઓ બની જાય છે તેનું કારણ તમારી હાઇફાઇ સોસાયટીના માણસો જ છે…! તમને સૌને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ સાથે તમારી સજાનો સ્વીકાર કરું છું….., નહીં તો પાછો મારો કેસ નિકાલ કરવામાં’ય કેટકેટલી મુદતો પડશે અને વર્ષો નીકળી જશે. મારી ફાઈલોના કાગળોનો ઢગલો થઇને તેના પર ધૂળ ચઢી જશે અને ફરી બીજા કચરાના કેસોની મુદતો ચાલુ થઇ જશે…!’ અને કચરો પોતે પોતાની સજા સ્વીકારી ચાલ્યો ગયો.

સ્ટેટસ:
કચરો તો માણસ પછી જન્મ્યો…!
ને તો’ય માણસ કરતા મોટો થઇ ગયો….!!

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

Leave a Reply