Swati Medh

થેન્ક્સ મોમ

આજે રચનાને જોવા છોકરાવાળા આવવાના હતા. નોકરિયાત બાપની સાધારણ ઘરની છોકરી ને તે ય છવ્વીસ વરસની થઈ ગઈ હતી. સારું ભણીને હાયર સેકન્ડરી સ્કૂલમાં ઇંગ્લિશની ટીચર હતી. તો શું થયું ? રંગે ગોરી ન કહેવાય. બહુ બહુ તો ઘઉંવર્ણી ગણાય. બે બહેનોમાં મોટી. એના લગ્ન માટે છોકરાની શોધ ચાલતી હતી. સરખું ઠેકાણું મળતું ન હતું. એવામાં એની નાતના મોટા ગણાતા ઘરના છોકરા માટે વાત આવી. એ લોકો સામે ચાલીને આવ્યા હતા. મોટા કાકાએ કહ્યું, ‘એ લોકો સામે ચાલીને આવે એ ય મોટી વાત ગણાય બાકી આપણા જેવાનું તો એ લોકો બારણું ય ન જુએ.’

રચનાને વિચાર આવ્યો કે તો શું કામ જુએ છે ? કોણ બોલાવવા ગયેલું ? એને જરા શંકા ય થઈ. જો કે મોટાની સામે ન બોલાય એટલે એ ન બોલી. છોકરો માબાપ સાથે મળવા આવ્યો. છોકરો જરા સ્થૂળકાય હતો. બેસવા ઉઠવાની રીત પણ થોડી અણઘડ હતી. ‘તમારે વાત કરવી હોય તો રચના તમે બે તારા રૂમમાં બેસો’. રચનાની માએ સૂચન કર્યું. ‘ચાલો’, રચનાએ પેલા યુવાનને કહ્યું. બન્ને અંદર ગયાં. ‘ બેસો,’ રચનાએ વિવેક કર્યો. ‘યસ યસ,’ યુવાનનું નામ નરેશ.

રૂમમાં પેસતાંની સાથે નરેશ બોલ્યો, ‘આ તમારો રૂમ છે ? નકરા ચોપડા ભર્યા છે’.

‘હા મારું કામ જ એવું છે ને.’ રચના

‘ તમે ઇંગ્લિશનાં ટીચર છો ? શું ભણ્યા છો ?’ નરેશ.

‘ એમ. એ. બી. એડ. હાયર સેકન્ડરીમાં ભણાવું છું.’ રચના

‘સારા મળે નહીં ?’ નરેશે હાથનો ઈશારો કરીને પૂછ્યું॰

રચના એની સામે જોઈ રહી. આવક વિષે પૂછવાની આવી કેવી રીત ? ત્યાં નરેશ બોલ્યો. ‘તમે બ્યુટી પ્રોડક્ટો નથી વાપરતા ?’

‘મને શોખ નથી ને જરૂર પણ નથી.’ રચનાએ જવાબ આપ્યો..’

‘ના, આ તો વ્હાઇટનેસ માટે’ નરેશ.

રચનાને જરા હસવું આવી ગયું. આવો આ ફેરનેસ માટે વ્હાઇટનેસ બોલે છે! એને સુધારવાનું મન થયું. ટીચર હતી ને વળી ઇંગ્લિશની. પણ એ ચૂપ રહી . થોડી ક્ષણો પસાર થઈ. હવે રચનાએ પૂછ્યું, ‘તમે શું કરો છો ?’

‘માર્કેટિંગમાં બિઝનેસ’

‘શેનું માર્કેટિંગ ?

‘એનિથીંગ, વોટેવર’ નરેશે ઇંગ્લિશ બોલવાનો ટ્રાય કર્યો.

‘પણ તમારા પપ્પાનો જ સરસ બિઝનેસ છે ને એમાં તમે નથી ?’ રચનાએ પૂછ્યું.

‘ ના પપ્પા કહે છે તારું ઓનનું કર.’

‘ખરી વાત છે.’ રચના બોલી. મનમાં થયું, આ સપૂતને એના પપ્પા વેળાસર ઓળખી ગયા હશે.

‘ને મારા સર્કલમાં બધા કહે છે, ‘વાઈફની સેલરી આવતી હોય તો બિઝનેસમાં પોબ્લેમ થાય તો વાંધો ના આવે.’

રચના વિચારે, ‘આનું સર્કલ કોણ હશે ?’‘ધેટ્સ ટ્ર્યૂ’ રચના બોલી. એ ટીનેજરોની ટીચર હતી. આવો આ ત્રીસ વરસનો ટીનેજર હતો! ‘ઓકે હવે બહાર જઈશું ?’ રચનાએ પૂછ્યું.

‘સ્યોરલી, યુ આર ગુડ ગર્લ’. નરેશ બોલ્યો. એ ખુશ હતો. એમ તો રચના ય ખુશ હતી. ખોટા ગરબડીયા અંગ્રેજીના કેટલા બધા દાખલા એકસામટા મળી ગયા? કાલે ક્લાસમાં છેલ્લી દસ મિનિટ છોકરાંઓને હસાવીશ.

મુલાકાત પૂરી થઈ. મહેમાનો ગયાં. મમ્મીએ પણ જે જોવાનું ને સમજવાનું હતું તે સમજી લીધું હતું. લાગતું હતું કે છોકરો રચનાને યોગ્ય નથી પણ એ મૌન હતાં. રાતે જમતી વખતે રચનાએ એની સાથે થયેલી વાતો કરી. થોડી મિમિક્રી કરી. નાની બહેનને ખૂબ હસાવી. મમ્મીને પણ થોડું હસવું આવ્યું. પપ્પા ચૂપ રહ્યા. બીજે દિવસે રાતે જમતી વખતે પપ્પાએ કહ્યું, ‘એ લોકોની હા છે.’

‘પણ મારી ના છે’, રચનાએ કહ્યું.

પપ્પાને ન ગમ્યું. ‘એ લોકોને ના ન પડાય સમાજમાં સવાલો થાય.’ પપ્પા બોલ્યા. ‘મોટાભાઈએ કેટલી મહેનત કરીને ગોઠવ્યું છે. આમે ય રચના સત્તાવીસની તો થવા આવી. હજી બીજી છોકરીનું ય કરવું પડશે. તું મને કહે કે ખોટું શું છે ?’ એ માનતા હતા કે અહીં દલીલોને જગ્યા જ ન હોય.

‘બહુ બધી વાતે ખોટું છે. સવાલો થાય તો ભલે થાય. આપણે ય ના પાડવી હોય તો પડાય’. પપ્પા સાથે ક્યારે ય દલીલ ન કરનાર મમ્મીએ કહ્યું ને રચનાનો હાથ પ્રેમથી પકડી લીધો.

રચનાની આભારવશ નજર કહેતી હતી, થેન્ક્સ મોમ!

*******

લેખિકા : સ્વાતિ મેઢ

મોબાઈલ: ૯૭૨૪૪૪૨૫૮૬.

email: swatejam@yahoo.co.in

Categories: Swati Medh

Leave a Reply