SHORT STORIES / लघु-कथाए

દીકરી વહાલનો દરીયો

ખ્યાતિ એક કલાકથી ચુપચાપ બેઠી હતી. મગજમાં વિચારોનું ધમાસાણ યુધ્ધ ચાલતું હતું. શું કરવું તે સમજાતું ન હતું. આજે સવારે માસી આવ્યા હતાં. આવ્યા ત્યારથી ખ્યાતિને સમજાવતા હતા. ખ્યાતિ સમજતી હતી કે, માસી તેના દુશ્મન નથી. તે જે કહે છે તે ખ્યાતિના સારા માટે જ કહે છે. પણ ખ્યાતિ તેના નિર્ણયમાં મકકમ હતી. તેના મમ્મી , પપ્પા, ભાઇ કોઇ તેને કંઇ કહેતુ ન હતું પણ આજે માસી કોઇનું માંગુ લઇને આવ્યા હતા ખ્યાતિને તેના ભવિષ્યની સુરક્ષા માટે બીજા લગ્ન કરવા સમજાવતા હતા.

ખ્યાતિ 30 વર્ષની હતી. તેના લગ્ન આઠ વર્ષ પહેલા દિપક સાથે થયા હતા. લગ્નના બીજા જ દિવસે ખ્યાતિને સમજાય ગયું કે આ વ્યકિત સાથે જીવન વિતાવવું મુશ્કેલ છે. લગ્નના બીજા જ દિવસે દિપકે માથાકુટ કરી હતી અને ખ્યાતિ બે કલાક રડી હતી. પણ તે સમજદાર હતી, આવી વાત મમ્મી-પપ્પાને કરી તેમને દુ:ખી કરવા માંગતી ન હતી. બધાની સામે હસતી રહી પોતાનો સંસાર સુખી છે, પતિ બહુ પ્રેમ કરે છે તેવું દેખાડતી રહી.

પણ અંદર અંદર મરતી રહી. ખ્યાતિ કોઇને કંઇ કહેતી નહી. એટલે દિપકની હિંમત વધી ગઇ. બધાની સામે પોતે બહુ સારો છે તેવો દેખાવ કરતો પણ એકલા પડતા ત્યારે ખ્યાતિ સાથૈ ઝઘડતો, ગાળો આપતો, પિયરમાં 22 વર્ષ સુઘી એક ટપલી પણ ખાધી ન હતી , તેણે દિપકનો ઢોર માર ખાઘો. બેડરૂમ એ પતિ-પત્ની માટે પ્રેમની આપ-લે માટે સૌથી સુંદર સ્થળ હોય છે. આખા દિવસની થાકેલી પત્ની બેડરૂમમાં પતિની છાતી પર માથુ મુકીને પોતાનો બધો થાક ભુલી જાય છે. પણ ખ્યાતિ માટે બેડરૂમ એ ટોર્ચર રૂમ હતો. તે દિપક સાથે એકલી રહેતા પણ ડરતી. પણ કયારેક તે સુધરી જશે એમ માનીને બઘુ સહન કરતી .

લગ્નના બે વર્ષ પછી તેની દીકરી ધરતીનો જન્મ થયો. દિપક ધરતીની હાજરીમાં પણ ખ્યાતિને મારતો ધરતી પણ દિપકથી ડરીને રહેતી. એક દિવસ દિપકે ધરતીની સામે ખ્યાતિનું ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો. પછી ખ્યાતિએ તેના મમ્મી-પપ્પાને બધી વાત કરી. તેના મમ્મી પપ્પા હિંમત આપીને તેને ઘરે લઇ ગયા. છ વર્ષ સંસારનું સુખ નહી પણ નર્કની યાતના ભોગવીને ચાર વર્ષની ધરતીને લઇને ખ્યાતિ દિપકથી છૂટી ગઇ. તે નોકરી કરતી હતી એટલે હવે ધરતી માટે જીવવાનું નકકી કર્યુ. તેણે ઘરમાં જણાવો દીઘુ કે તે હવે બીજા લગ્ન નહી કરે. ઘરના સભ્યોએ થોડો સમય તેને સમજાવવાની કોશિશ કરી પણ ખ્યાતિ મકકમ હતી. પછી કોઇએ કંઇ કહ્યુ નહી.આજે બે વર્ષથી તે ધરતી સાથે પિયરમાં રહેતી હતી. આજે તેને માસી બહારગામથી આવ્યા હતા. ખ્યાતિને તે બીજા લગ્ન કરવા માટે સમજાવતા હતાં. મમ્મી – પપ્પા તો આજે છે, કાલે નહી હોય, ભાઇનો સંસાર હશે, તું એકલી કેવી રીતે રહીશ..? ધરતીનું ભવિષ્ય શું..? જીવનમાં કોઇનો સાથ હોવો જ જોઇએ, બધા માણસો સરખાં નથી હોતા.. વગેરે જેવી વાતોથી ખ્યાતિને સમજાવતા હતાં. સવારથી માસી એક જ વાત કરતા હતા કે ખ્યાતિએ બીજા લગ્ન કરી લેવા જોઇએ. સાંજે મમ્મી અને માસી બહાર ગયા હતા અને ધરતી તેના જેવડા મિત્રો કિશન, વિધિ, જૈની, મિત સાથે રમતી હતી એટલે ખ્યાતિ એકલી બેસીને વિચારતી હતી.

તેના એકલા જિંદગી ગુજારવાની મુશ્કેલીની ખબર હતી પણ બીજા લગ્ન માટે તેની હિંમત ચાલતી ન હતી. માસીની સમજાવટથી તેને ધરતીના ભવિષ્યનો વિચાર આવ્યો, તે વિચારતી હતી કે શું ધરતીના સુરક્ષિત ભવિષ્ય માટે મારે બીજા લગ્ન કરવા જોઇએ ??? બીજા લગ્નથી તેને પતિ તો મળી જશે, પણ શું ધરતીને તેના પિતા મળશે ..?

ત્યાં તો ધરતી સાથે રમતાં છોકરાઓની વાતો સાંભળી. “ધરતી તારા પપ્પા કયાં છે ???” ધરતીને પાંચ વર્ષનો કિશન પુછતો હતો. સવાલ સાંભળીને ખ્યાતિ વર્તમાનમાં આવી. ધરતી શું જવાબ આપશે તે વિચારે તેનું હ્રદય જોરજોરથી ધડકવા લાગ્યું. “એ તો નથી” ધરતીએ જાણે વાત ઉડાડી દેતા કહ્યું.

“પણ નથી એટલું શું..? તે તમારી સાથે નથી રહેતાં?” જૈનીએ બીજો સવાલ કર્યો. “બસ.. એમ જ… નથી એટલે નથી..” ધરતીએ થોડી ચીડથી કહ્યું. “પણ કયાં છે ? અમારા બધાના પપ્પા છે… તારા કેમ નથી ?” મીતે પુછયું…. આજે જાણે બધા ધરતીને હેરાન કરવા ભેગા થયા હોય તેમ સવાલ પુછતા હતા. ખ્યાતિના ધબકારા વધતા જતા હતા. તે છોકરાઓની વાતો સાંભળવા બારણા પાસે આવીને ઊભી રહી.

“તે બીજે રહે છે, હું અને મમ્મી સાથે રહીએ છીએ” ધરતીએ કહ્યુ. “પણ તને તેમની યાદ નથી આવતી ..?” મીતે પુછયું.“ના.. જરાય નહી.. હું કયારેય તેમને બોલાવવાની નથી.” ધરતીએ ખીજાયને જવાબ આપ્યો. પછી ઘીમેથી કહ્યું, “તમે કોઇને કહેતા નહી , પણ મારા પપ્પા બહુ ખરાબ છે. મારી મમ્મીને મારતા હતા એટલે હવે મને ગમતા નથી મને તો મારી મમ્મી જ ગમે. મારી મમ્મી મને બહુ વહાલ કરે છે. કયારેક મને પપ્પાની યાદ આવે, પણ જયારે યાદ આવે કે તે મમ્મીને મારતા એટલે મને તેની પર ગુસ્સો આવે. હું મમ્મીની સાથે જ રહીશ. હું તેમને બોલાવવાની નથી. મને મારી મમ્મી સિવાય બીજુ કોઇ જોઇતું નથી”

આટલું સાંભળીને ખ્યાતિ દોડી… જઇને ધરતીને તેડી લીઘી. તેની આંખમાંથી આંસુ નીકળતા હતા. ધરતીને પાગલની જેમ વહાલ કરતી રહી. સવારથી તેને મુંઝવતા સવાલનો જવાબ મળી ગયો હતો બસ તેણે અડગ નિર્ણય કરી લીઘો કે તે ધરતીના માથે સાવકા બાપને નહી નાખે. પોતે જ તેની મમ્મી અને પોતે જ તેના પપ્પા બનીને રહેશે.

લેખક : દિપા સોની “સોનુ”

@⁨+91 99781 13736⁩

Leave a Reply