એપ્રિલના પ્રારંભની એ એક ઉદાસ સાંજ હતી, થકવી દેનારી ગરમી અને ઉકળાટ ભરેલી. અમે સડક પર ભટકી રહ્યા હતા. થોડેક વાર સુધી જનપથ હોટલના કૉફીલોંજમાં બેસી રહ્યાં હતાં. ધીમે ધીમે, ખૂબ જ ધીમેથી કૉફીના ત્રણ ત્રણ પ્યાલા પૂરા કર્યા હતા. ન જાણે કેટલા જમાના એ ત્રણ પ્યાલાઓના ઘૂંટડાની વચ્ચેથી સરકતા, ધીમે ધીમે પસાર થઈ ગયા હતા. બાકી વધી હતી એક કડવાશ અને ખાલીપણું.
બીજો કપ ઓમાએ, ઓમા અર્થાત્ ઓમપ્રકશે કિટલીમાં ભર્યો હતો. કૉફીનો થોડો ખાલી પ્યાલો ભરીને જ્યારે એ દૂધ નાખવા લાગ્યો, મેં કહ્યું, ‘ના, દૂધ નહીં.’
‘ખાંડ?’
‘ખાંડ પણ નહીં.’
‘કાળી કૉફી?’
‘હા.’
‘રશિયનોની જેમ?’ અને ઓમા હસ્યો.
જવાબમાં મારાથી હસાયું નહીં. અજબ સ્થિતિ હતી મનની. ઓમાની જિંદગીમાં પોતાના ફાલતુ હોવાની પ્રતીતિ જે વખતે ખૂબ પીડતી હતી, મારું મન કહેતું હતું કે હું કોઈ એવી નસ્તર જેવી તેજ વાત કહું જેનાથી તે સંપૂર્ણ અને નોર્મલ ચાદર જેમ ચાકુથી કપાઈ જાય. આવા સમયે તેના અસ્તિત્વથી મને બેહદ પીડા થતી હતી. કંઈક એવું હોય જે તેને કાપી નાખે, ભલે અડધા ઈંચ જેટલું. એ ચીકણી ચાદરને, મોટી રજાઈને. અંદરનું ચીંથરું ક્યાંથી નજર ન આવે !
પરંતુ જ્યારે હું એ ટુકડો કાપી નાખતી હતી, ટુકડો પણ નહીં એક સીધી રેખા. ચમકતા તેજ ચાકુથી કપાયેલી તિરાડ, તો તેના આંજી નાંખતા તેજને જોઈને મને અફસોસ થતો હતો, મારી નીચતા પર.
હું શું ઈચ્છતી હતી? કદાચ કોઈ ખૂબ જ માસૂમ વસ્તુ જેવી રીતે એક પ્રેમનાં ગરમાવાથી ભરેલું ઘર, તેના કોઈ ખંડની એકલતામાં અને પોતાપણામાં ઓમાની છાતી પર માથું ઢાળીને બેઠેલી હું. અને પુસ્તકો, અને સંગીત અને… કદાચ બીજું કશુંક પણ.
જે જોઈતું હતું, તેની કશી ખબર નહોતી. માત્ર એ જ ખબર હતી કે જે જોઈએ તે છે જ નહીં.
જો તે નહોતું તો તેની પૂરેપૂરી જવાબદારી ઓમાની હતી. કેમ કે બધા મહત્વના નિર્ણયો ઓમાના હાથમાં હતા.
કૉફીના ત્રણ પ્યાલા પૂરા થતાં સાડા સાત વાગી ગયા હતા. ઓમાએ ઘડિયાળ જોઈ. જ્યારે પણ ઓમાના નાકની ઉપર કપાળની વચ્ચોવચ, ત્રણ રેખાઓ પડી જાય, ત્યારે તે એક એવી ક્ષણ આવતી હતી જેમાં કોઈ વાત તેની સમજમાં આવતી નહોતી.
પરંતુ એવી ઘડી ક્યારેક જ આવતી હતી. મોટાભાગે પ્રત્યેક વાત દરેક વખતે તેની સમજમાં સંપૂર્ણ રીતે આવી જતી હતી. લાગતું હતું, આજુબાજુની દરેક ચીજ ઉપર, અહીંતહીં ફરતી હવા ઉપર પણ ઓમાની પૂરી અને સખત પકડ છે.
કપાળની વચ્ચોવચ્ચ પડનારી ત્રણ રેખાઓને જોઈને એ કારણે મને બેહદ દયા આવતી હતી તેના પર. દયા અને પ્રેમ. મન પીગળી, વગર કારણે એની બાજુ વહી જતું હતું.
‘કેમ, શું વિચારી રહ્યા છો?’
‘કંઈ નહીં.’
‘કોઈ તો યાદ આવતી નથી ને !’
‘કમબખ્ત સ્ત્રી પણ માના પેટમાંથી અભિનય શીખીને આવે છે. પોતાના પુરુષને ખુશ કરવા માટે અભિનય, પોતાના માટે નાની-નાની રિયાસત લેવા માટે અભિનય, અડોશ-પડોશ, સગાં-સંબંધીઓનાં સુખ-દુઃખની ભાગીદારી વખતે અભિનય. એને જ ‘સ્ત્રી-ચરિત્ર’ કહે છે? મહેણાથી, નિંદાના ઢંગથી. પણ કેમ? એમાં જે મહેનત ખર્ચાય છે, તેની મજૂરીનો હિસાબ કેમ નથી કરાતો?’
‘ના, ના.’ એ ઝડપથી બોલ્યો.
‘પછી?’
‘તને જ્યોતિષીને કેવી રીતે ખબર પડે છે?’તે પણ સહજ થઈ ગયો. હસ્યો.
ઓમા હસતો હતો ત્યારે તેના આગળના બે દાંતના ખૂણા પર તડકામાં પડેલી કેરી ચમકતી હતી. બાકીના દાંત વિશુદ્ધ પીળી રેતના રંગના, બિલકુલ સાધારણ એવા, થોડા થોડા ભદ્દા પણ. પરંતુ આગળના બન્નેના દાંતના ખૂણા ચાંદીના રંગના. કેરીની અંદરના રંગના.
ઓમાના મણિઓ તેના મસ્તકમાં નહોતા, આગલા દાંતના ખૂણામાં હતા. મને રીઝવવા માટે ઓમાને મોરની જેમ નાચવની જરૂર નહોતી. માત્ર એક હાસ્યમાં બંને દાંતના બે મણિ ચમકાવવાનું મોડું થતું કે મારું આખું શરીર મીણબત્તીની જેમ પીગળવા માંડતું હતું.
‘જ્યોતિષી નહીં, અંતર્યામી.’
‘હા, બાબા, અંતર્યામી.’
‘તો કહો, શું વિચારતા હતા? અંતર્યામી બાબાથી કશું છુપાવશો નહીં.’
‘એ જ વિચારી રહ્યો હતો કે સાડા સાત વાગી ગયા છે. પિક્ચરો પણ શરૂ થઈ ગયાં છે, અને નાટક પણ, હવે ક્યાં જઈએ?’
એક કાળું વાદળ દૂર ક્ષિતિજે ફરી દેખાયું. વીજળી પણ એકવાર ગર્જતી ચમકી. ગુસ્સાની, દોષની, બેસહારાપણાની. મારા આ પુરુષે મારી સાથે મળીને એક ઘર બનાવવાનાં બદલે મને જિપ્સી બનાવી દીધી હતી, વિચરતી.
પરંતુ પછી અંદર બેઠેલી શાશ્વત સ્ત્રીએ, જે શાશ્વત અભિનેત્રી પણ હોય છે, ચેતવણી દીધી, ‘જો, હોશિયાર.’
એક સ્મિત મેં લિપ્સ્ટિકની જેમ હોઠો પર ધીમેથી ફેરવ્યું. ‘જગ્યા તો એક છે, શહેનશાહે આલમ ! પ્રાણની રક્ષા પામું તો અર્જ કરું.’
‘બોલો જી.’ તે હસ્યો.
‘નરકમાં જઈએ તો કેવું રહે?’
‘સારું છે જઈએ.’
પાસેથી પસાર થતાં વેઈટર પાસે તેણે બિલ મંગાવ્યું, પૈસા દીધા, પોતાની આદત મુજબ બિલ પાછું લીધું અને અમે ઊભા થઈને બહાર આવી ગયાં. અમારી સાથે એક સવાલ પણ ઊભો થઈને બહાર આવી ગયો કે બાકીની સાંજ ક્યાં વિતાવવી.
ટૅક્સી પાસે રોકાઈને તેણે પૂછ્યું, ‘રાણોના ઘેર જઈશું?’
‘તમે તો કહેતા હતા, એમ.પી.વાળું મકાન તેઓ ખાલી કરી ગયા છે?’
‘હા, કાલુ વિલાયત ગયા પહેલાં તેને નવા મકાનમાં શિફ્ટ કરી ગયો હતો. સરમાનું મારી પાસે છે.’
કાલુ એટલે ઓમાનો મિત્ર. નામ બીજું કશુંક હતું. જેવી રીતે દાદીઓ-નાનીઓ પોતાના આત્માના કલ્યાણ માટે રાખતા હોય છે. બધા મિત્રો એને કાલુ જ કહેતા હતા.
‘સારું, ચાલો.’ મેં કહ્યું.
ખબર હતી કે આ સાંજના ભાગ્યમાં કતલ થવાનું જ લખ્યું છે, પછી વિવાદથી પણ શું ફાયદો?
ટૅક્સી એક મોટા બંગલાની સામે રોકાઈ. એ પણ કોઈ સરકારી બંગલો જ હતો. દરવાજાની અંદર થઈને અમે પડખેથી ચાલતા પાછળ પહોંચી ગયા. એક મોટી અને વેરાન લૉન હતી, જેનું ઘાસ સમયથી વહેલું વૃદ્ધ થઈ ગયું હતું. લૉનના એક ખૂણામાં એક ખૂબ મોટું વૃક્ષ હતું. જેની ડાળીઓમાં અંધારું છુપાઈ બેઠેલું હતું. ખૂબ ખરાબ લાગી રહ્યું હતું વૃક્ષ અને એની એ ઉજ્જડ લૉન.
પાછલી બાજુ એક બારણું ખખડાવ્યું. રાણોએ બારણું ખોલ્યું.
‘આવો, તમે આજે ક્યાંનો રસ્તો ભૂલી ગયા?’
‘ના, રસ્તો નથી ભૂલ્યા. ખાસ આવ્યા છીએ, તમારી કુશળતા પૂછવા.’ ઓમા એક નાની એવી સીડી ચડીને ઓરડામાં જતાં બોલ્યો. પાછળ પાછળ હું પણ. રાણોના વાળમાં પણ બહારના વૃક્ષની ડાળીઓમાં બેઠેલું અંધારું વીંટળાયેલું હતું. ખૂબ ઉદાસ અને ઉદ્વિગ્ન લાગી રહી હતી એ.ઓરડો કદાચ એ મોટા બંગલામાં લાકડા-કોલસાની ઓરડી રહ્યો હશે પહેલાં. અથવા રસોયાની મદદનીશ એટલે કે વાસણ માંજનારી મુંડૂની ખોલી.
એકદમ નાનો એવો ઓરડો. એક ખૂણામાં ખાટલો જેણે અડધો ઓરડો ઘેરેલો હતો. બીજા ખૂણામાં વીજળીનો નાનો એવો ચૂલો. નજીકમાં જ બે-ત્રણ કપ, થાળીઓ, ચમચા- અનાથ જેવા, અજબ ઉદ્વિગ્નના પાસે જ પાંચ-સાત જામની ખાલી શીશીઓ અને કૉફીના ખાલી ડબ્બા પડ્યા હતા, જેમાં મીઠું-મરચું, મસાલા ભરેલાં હતાં કદાચ. મેલાં ઢાંકણાથી-ઢાંકણાના રંગથી જ ખબર પડતી હતી કે ડબ્બામાં શું છે.
ચૂલો પણ જ્યારે ન સળગી – ઠરી ગયેલો ઠંડો ચૂલો, તો ખૂબ વિચિત્ર નથી લાગતું? ખરાબ હાલ, ઉદાસ? આખા ઓરડામાં જો કોઈ જૂના જમાનાની ચીજ હતી, તો તે હતી રેશમી રજાઈ જેનો રંગ હવે લાલ લાગતો નહોતો. પરંતુ ઓલવાતા જતા ચૂલોના અંગારાને જેમ હજુ પણ તેમાં જૂનો ગરમાવો તથા થોડું તેજ બચ્યું હતું. અને બીજી વસ્તુ હતી ટ્રાંઝિસ્ટર. એ, જે કાલુએ રાણોને પહેલી ભેટના રૂપમાં દીધો હતો, જ્યારે તે તેને, તેના મિત્રોના કથનાનુસાર, ભગાડી લાવ્યો હતો ચંડીગઢથી.
સાધારણ એવા ઘરમાં ઊછરેલી અને ચંડીગઢ સૅક્રેટેરિયેટમાં ટાઈપરાઈટર રાણો કાલુની દોલતની ભભકથી અને મહોબ્બતની રટતી ફોર્મ્યુલાથી ચકિત થઈ ગઈ. ભાન આવતા તો એ કોલસા-લાકડાની ઓરડીમાં હતી, એકલી. કાલુની પોતાની પત્નીને લાંચ અપવા માટે વિલાયત ફરવા લઈ ગયો હતો.
એક સ્ત્રી જેનું નામ પત્ની હોય છે, જ્યારે એનો પુરુષ એનું કશુંક ચોરતો હોય છે, તો એને લાંચ આપે છે. જેટલી મોટી ચોરી એટલી મોટી લાંચ. પરંતુ બીજી સ્ત્રી જે ફાલતુ હોય છે – રખાત. તેને માત્ર રોટી અને કપડાં-ઘરેણાં આપીને ફોસલાવી શકાય છે. અને જ્યારે ફલતુ સ્ત્રી એ પુરુષની મહોબ્બતમાં કેદ થઈ જાય, તેને ઈશ્વર નથી બચાવી શકતો.
અમે અંદર આવી ગયાં હતાં તેથી ઓરડો સંકોચાઈ ગયો અથવા તેની અંદરની હવા ત્રણ માણસો માટે પૂરતી નહોતી. કંઈક હતું જે મૂંઝવણ ઊભી કરતું હતું. કંઈક હતું જે શ્વાસને ભારી કરી રહ્યું હતું. ભારે અને…
‘કહો, શું ચાલે છે?’ ઓમા ખાટલાની વચ્ચોવચ્ચ પહોળો થઈને બેસી ગયો, હાથથી પાછળની બાજુ ટેકો દઈને, મેં એક પાયા પર મને ગોઠવી દીધી – પાંગત બાજુ.
રાણો ચૂલા પાસે પડેલી પેટી ઉપર બેસી ગયી. ‘જોઈ જ રહ્યા છો.’ અજબ મન વગર એણે જવાબ આપ્યો.
‘કાગળ-પત્તર આવ્યો?’
‘આવ્યો હતો. દસ દિવસ થયા.’ પાછલા દસ દિવસનું ખાલીપણું અને પત્રની પ્રતીક્ષા અને નિરાશા બધું રાણોના અવાજનો ભાગ હતો.
‘મઝામાં?’
‘હા, મઝામાં.’
‘અને તું?’
‘હું?’ એણે અચાનક ચોંકીને ઓમા સામે જોયું.
‘તું બરાબર છે ને?’
‘બરાબર છું.’ તે જાણે કૂવામાંથી બોલી, પડઘાતા અવાજમાં.
થોડી વાર ખામોશી ખંડમાં રહી. કંઈક એવી ખામોશી જે અંધારી રાતમાં વાગતા સાયરનનાં અવાજની પછી વાતાવરણમાં લાગી જાય છે અને દરેક વખતે એક ડર પણ તેની સાથે જ હવામાં લટકતો રહે છે અને કાન પછીનો અવાજ સંભળવા માટે હવામાં પોતાના એન્ટિના લઈને ઊભો રહે છે – કદાચ ફૂટતા બૉમ્બનો અવાજ સાંભળવા માટે.
‘કાલુનો કાગળ આવ્યો હતો.’ લખ્યું હતું. પ્લૅટફૉર્મ પર જે સામાન મૂકીને આવ્યો છું તેનો ખ્યાલ રાખજે.’ ઓમાએ થોડું હસી લીધું.
‘એમ !’ બેહદ ઊંડા અંધરું રાણોના અવાજમાંથી ઝરી રહ્યું હતું. રાખ જેવું, ભૂરું.મેં ઓમા સામે જોયું, એવું ક્યારેક જ થતું હતું કે તે અચકાઈને વાતના જવાબની શોધ કરે.
રાણોની એક બેખબર ચેલેન્જ એક પડકાર જેવી આંખોમાં ભરીને તેને સામે જોઈ રહી હતી.
‘કોઈ મહેમાનગતિ નહીં કરે મારી? તમારા મહેમાન આવ્યા છે.’ ઓમાએ ચેલેન્જ ટાળી, પેતરો બદલ્યો.
‘દૂધ નથી, નહીંતર ચા…’
‘દૂધ ઓછું પીને ચા માટે સાચવી રાખ ને.’
‘ના, આજે સવારે લાવી જ નહોતી.’
‘કેમ?’
‘રાતે ગરમી લાગે છે. ઊંઘ નથી આવતી. બહુ ઉકળાટ થાય છે ઓરડામાં. તડકો થતાં આંખ ઊઘડે છે અને ત્યારે દૂધનો ડેપો બંધ થઈ જાય છે.’
મેં ઓરડાની ચારેબાજુ જોયું. ચાર આંગળ જગ્યાની આજુબાજુ ઊભેલી દીવાલો સાથે મારી નજર ભટકાઈને પાછી ફરી. કોઈ બારી નહોતી. ઝરોખાનો તો જાણે આજકાલ રિવાજ જ નહોતો રહ્યો. પાછલી દીવાલમાં એક બારણું હતું જે સખત રીતે બંધ કરેલું લાગતું હતું. કદાચ આગળથી મકાનમાલિકે જ બંધ કર્યું હશે.
જ્યારે રાણો ચંદીગઢથી કાલુ સાથે ભાગીને આવી હતી ત્યારે કદાચ તેને આ વાતની ખબર નહીં રહી હોય કે કાલુની સંપત્તિ તેને ઘર નહોતી આપી શકતી.
‘વ્હિસ્કી-બિસ્કી તો કાઢ.’
‘વ્હિસ્કીવાળો તો વિલાયત જતો રહ્યો. અહીંયાં તો બસ ખાલી બાટલીઓ જ છે.’ રાણોએ ઊંડો શ્વાસ લીધો.
‘સારું.’ ઓમા અધૂરું હસ્યો. થોડો સમય શાંત ગયો, ‘આખો દિવસ શું કરે છે?’
‘સડકો માપ્યા કરું છું.’
‘કઈ કઈ માપી લીધી?’
‘નામ યાદ નથી.’
‘સડકો પર બહુ ન ફરવું, સડકો પર ચાલનાર એકલી સ્ત્રીઓને ખબર છે વિલાયતમાં શું કહે છે?’
‘શું?’
‘સ્ટ્રીટ વૉકર.’ ઓમા હસ્યો.
મેં ધ્રૂજી ઓમા તરફ જોયું. ચહેરો વેરાન સડકની જેમ સપાટ હતો. જાણે તેની સમજમાં ન આવી હોય.
‘સારું. કહેતા હશે.’ તે કદાચ કંઈક બીજું વિચારી રહી હતી.
મેં ઓમાની સામે જોયું. મને અજીબ પ્રતીતિ થઈ કે આ માણસ ખૂંખાર હોવાથી હદ સુધી જાલીમ થઈ શકે છે.
કાયદેસર રીતે તો તે વખતે મારે રાણોની તરફેણમાં ઓમા સાથે બાખડી પડવું જોઈતું હતું – કેમ કે તે પણ મારા જ કબીલાની સ્ત્રી હતી – રખાત સ્ત્રીઓના કબીલાની – પરંતુ રખાત સ્ત્રીઓ લડતી નથી. લડવાનો અધિકાર માત્ર ઘરવાળી સ્ત્રીઓને જ હોય છે. રખાત સ્ત્રીઓ માટે પોતાનાં પુરુષ સાથે લડવું જાણી-જોઈને કૂવામાં પડવા જેવી વાત છે. અને મારામાં છુપાઈને બેઠેલી ક્ષુદ્રતાએ નક્કી કર્યું કે મારો ઈરાદો અત્યારે આત્મઘાત કરવાનો નથી.
પછી ઘણી વાર સુધી બધા ચૂપચાપ બેસી રહ્યાં.
‘જઈશું?’ ઓમાએ મારી સામે જોયું.
‘હા.’ હું ઊભી થઈ ગઈ.
રાણો પણ ઊભી થઈ ગઈ.
‘હવે પત્ર લખો તો લખી દેજો કે સાહની ચોથા-પાંચમા દિવસે આવીને વીસ રૂપિયા દઈ જાય છે અને હું ભૂખી મરું છું.’
‘સાહની આવે છે?’ ઓમા ચોંક્યો. પોતાના મિત્રના ખેતરનો રખેવાળ.
‘એ એમને કહીને ગયા હતા.’રાણોએ બહારથી વાસેલું બારણું ખોલી દીધું. અંદરના ઉકળાટ પછી એ અંધારી ઉજ્જડ લૉનમાં ફરતી હવા ખૂબ સારી લાગી. સુખમય. શ્વાસ સહેલાઈથી લેવાયો.
ચૂપચાપ, નાનાં નાનાં પગલાંથી બંગલાના કિનારેથી ચાલતાં અમે ત્રણેય દરવાજા પાસે આવી ગયાં. બહાર સડક પ્રકાશથી આનંદિત થઈ હતી.
ધીમી હવા અને રોશની.
‘સારું’, કહીને અમે વિદાય થઈ ગયાં.
રાણોએ ધીમેથી કહ્યું, ‘હવે જલદી આવજો.’
સડક ખામોશ હતી. આ બાજુ ખૂબ ઓછી આવન-જાવન હતી કદાચ. સડકની બન્ને બાજુ મોટાં ઘેરાવદાર વૃક્ષો ઊભાં હતાં. ઊંડા અંધારાની ચાદરો વીંટાળેલા, મોં-હાથ વીંટાળેલા – કદાચ જાંબુનાં વૃક્ષ હશે !
હવા ત્યારે ધીમેથી વહી રહી હતી. જ્યારે અમે એક વૃક્ષ નીચે ધીમા પગલે ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. વૃક્ષમાંથી ધીરે ધીરે હીબકાં ભરવાનો અવાજ આવ્યો.
‘આ શું છે?’ હું ઊભી રહી ગઈ – ચોંકીને, ડરીને પણ કદચ.
‘શું છે?’
‘કોઈ હીબકા ભરી રહ્યું છે.’
‘ક્યાં?’ ઓમાએ પૂછ્યું.
‘ક્યાંય નહીં.’ હું ચાલવા માંડી.
-અજિત કૌર, (અનુ. પ્રફુલ્લ રાવલ)
Categories: SHORT STORIES / लघु-कथाए