Ujas Vasavda

અનોખું બંધન

“હાઈ.. અરૂણ..હાઉ આર યુ?”

“ફાઈન..તું કહે..હાઉ આર યુ ફિલિંગ?”

“ફિલિંગ સેડ..”

“મારી..જીગુને શું થયું?”

“અરે..યાર આ કોવિડ-૧૯ના લીધે આખો દિવસ કંટાળું છું. કંઈ કામ કરવાનું પણ મન નથી થતું.”

“ડોન્ટ વરી…ધીસ વીલ ટુ પાસ..ડોન્ટ લુઝ યોર મૂડ! ડિયર આઈ લવ યુ સો… મચ. ટેઈક કેર.”

” ઓ…કે….બાય.. લવ યુ ટુ જાનું…”

લોકડાઉનના લીધે લાંબા અંતરાલ સુધી એક બીજાને મળી ન શકતા, વ્હોટ્સએપ પર જીજ્ઞાસા તેના મંગેતર અરૂણ સાથે રોજ અવનવી વાતો કરતી રહેતી. દરેક અડધા કલાકે “હાઉ આર યુ..”થી શરૂ થાય અને અવનવા સ્માઈલી એક બીજાને વોટ્સએપ કરી વ્યર્થ લાંબી વાતો કરે રાખતાં.

સવારે ઘરની ડોરબેલ રણકતાં સોનલ રસોડામાંથી રસોઈ કરતાં બહાર આવી, “અરે..જીગુ..તું અહીં ડ્રોઇંગરૂમમાં જ બેઠી છે તો દરવાજો કેમ નથી ખોલતી? દૂધ આવ્યું હશે. તારે લઈ લેવું જોઈએ ને!” જીગુનું ધ્યાન મોબાઈલમાં એટલી હદે વ્યસ્ત હતું કે તેની મમ્મીની ટકોર તેને ન સંભળાઈ. દરવાજો ખોલતાંની સાથે જ કનુભાઈ દૂધવાળા મોં પર રૂમાલ બાંધેલા દેખાયા. દૂધનું કેન તપેલીમાં ઠાલવતાં કનુભાઈએ કહ્યું, “બેન..આવતીકાલથી થોડાં દિવસ હું નહીં આવી શકું. પરિસ્થિતિ રોજ વણસતી જાય છે. ચેપ લાગવાનો થોડો ડર પણ લાગે છે, તમારા બેન પણ હમણાં દૂધની વેચવા જવાની ના પાડે છે.”

કનુભાઈની વાત સાંભળી સોનલ પણ મનોમન વાતો કરવા લાગી, “તમારી પત્ની તમને રોકી તો શકે છે. હું તો કંઈ….!” દરવાજો બંધ કરી પરત રસોડામાં જતાં, સોફા પર બેઠેલી જીજ્ઞાસાના ચહેરા પર મોબાઈલના મેસેજના લીધે ઉપસતી રેખાઓ જોવાં ક્ષણિક થોભી ગઈ અને ફરી મનોમન બબડાટ કરતી રસોડામાં જતી રહી. ગેસ સ્ટવ પર દૂધને ગરમ કરવાં મૂકી મનોમન, “આજના યુવાધનની લાગણીઓ આંગળીનાં ટેરવાં સુધી જ સીમિત બની ચુકી છે. એક વખત હતો કે અંતરની ઊર્મિઓ કાગળ પર ઉતરતી હતી અને વાંચનારને લાગણીઓના ઘોડાપૂરમાં ડૂબાડી દેતી. હૈયામાં ધરબાયેલો પ્રેમ એક એક શબ્દ બની કાગળ પર મંડાણ કરતો.”

અચાનક પાછળથી, ” મમ્મી..” બૂમ પડે છે. ધ્યાનભંગ થયેલી સોનલ સામે દૂધ ઉભરાતું દેખાય છે. “મમ્મી..શું.. તું પણ.. ક્યાં ખોવાઈ ગઈ’તી!, અહીં સામે જ ઉભી છે છતાં દૂધ ઉભરાઈ ગયુ!” જીજ્ઞાસાના ગુસ્સામાં બોલાયેલા શબ્દો સોનલને વજ્રાઘાત જેવા લાગ્યાં. સોનલ સાડીના પાલવનો છેડો મોં પર દઈ ડૂસકું ભરતાં પોતાના રૂમમાં દોડી ગઈ. જિજ્ઞાસાને પણ પોતાની ભૂલનું ભાન થતાં માને મનાવવા પહોંચી.

“મા..આઈ એમ સોરી..તમને દુઃખ પહોંચાડવાનો મારો ઈરાદો ન હતો.”

“ના..ના..બેટા સોરી ના કહે..હું એક સ્ત્રી સહજ ઈર્ષામાં અટવાઈ હતી. તને આમ અરુણ સાથે સતત વાતો કરતાં જોઈ મને ગુસ્સો પણ આવતો હતો અને ઈર્ષા પણ થતી હતી. બેટા… વાગ્દત્તા થી પરિણીતા સુધીનો સમય ખૂબજ સંવેદનશીલ હોય છે.અજાણ્યા સ્ત્રી-પુરુષને એકબીજાને ઓળખવાનો, પરિચય કેળવવાનો સમય હોય છે. કુમળા છોડની કરવામાં આવતી માવજત મુજબ બન્ને વચ્ચે પાંગરતા સંબંધની માવજત કરવાની હોય છે. બેટા એમાં તારો પણ દોષ નથી તમારા વચ્ચે જે છોકરમત છે એ અત્યારના જમાનાની અસર છે.”

“મા.. તમે જે કહ્યું એ ગમ્યું પણ સમજાયું નહીં.” જીજ્ઞાસાની આંખોમાં એક ગુનાહિત ભાવ વ્યકત થતો હતો. સોનલ થોડીવાર જીજ્ઞાસાની આંખોમાં એકીટશે નિહાળતી રહી. થોડીવારે પલંગ પરથી ઉભા થઈ પોતાનો કબાટ ખોલી એક જૂનવાણી લેડીઝપર્સ બહાર કાઢ્યું અને તેમાંથી અનેક રંગબેરંગી કાગળિયાંઓ બહાર કાઢ્યા. બન્ને હાથોએ એ કાગળને પોતાના નાક પાસે લાવી એક ઊંડો શ્વાસ લઈ કાગળની અંદરથી આવતી મંદ મંદ સોડમ સાથે એમના અતિતની યાદો વાગોળી જીજ્ઞાસાને કહેવા લાગી.

“બેટા..આ અનુભવની વાત કહું છું.તેને એક ‘મા’ની શીખ પણ સમજી શકાય. વાગ્દત્તાથી પરિણીતા સુધીની સફરમાં ભવિષ્યના સંવેદનશીલ સંબંધના બીજ રોપાતા હોય છે. તેને સહજ, સરળ પણે નિભાવવામાં સુખી લગ્નજીવણની કેડી કંડારાતી હોય છે. પ્રેમ અને સમર્પણના આવિર્ભાવનું અંકુર પણ આ સમયમાં જ ફૂટતું હોય છે. બન્નેને એકબીજાના અંતરમાં ઉતરવાનો સમય કહી શકાય. હું તમારી વ્હોટ્સએપની ચાગલી વાતોનો વિરોધ નથી કરતી પણ એમની એક હદ હોય છે. તમારા મિલન પહેલાનો આ સેતુ છે. જેના પર ચાલી તમારે એકબીજામાં ભળવાનું છે. તમારા આ કિંમતી સમયને છોકરમતમાં વેડફવાથી તમને જ નુકશાન છે.”

“મા.. પણ..એ તો સમજી ગઈ પણ તને સ્ત્રી સહજ ઈર્ષા! અમે એકબીજાના મિત્ર બની રહેવા પ્રયત્ન કરીએ છીએ.”

સોનલે જીજ્ઞાસાના માથે હાથ સહેલાવી હાથમાં રહેલ પત્રને ફરી મોં નજીક લઈ એક ઉંડો શ્વાસ લીધો અને તુરંત જ આંખો વાટે વર્ષોથી ધરબાયેલી લાગણી અશ્રુ રૂપે બહાર આવી અને રડમસ અવાજે, ” બેટા મિત્ર, પ્રેમી અને પત્ની ત્રણેય ક્યારેય એક ન બની શકે. સાક્ષાત પૂર્ણપુરુષોત્તમેં પણ આ ત્રણેયનું મહત્વ એમના જીવનમાં અલગ આંકેલું છે, તો આપણે કઈ રીતે ઐક્ય સાધી શકીએ! પત્ની બન્યા પછીનો પ્રેમ અને લગ્ન પહેલાંના પ્રેમ સંબંધમાં પણ પાતળી ભેદ રેખા છે. આ પ્રેમ પામવા માટે જ સગપણથી લગ્ન વચ્ચેના સંબંધની માવજત કરવાની હોય છે. મારા અને તારા પપ્પા વચ્ચે લખાયેલા આ પત્રો છે. ઘણાં વર્ષો પસાર થઈ ગયા તેમ છતાં આ પત્રો મહેંકી રહ્યા છે. અમારા સગપણ વખતે હજુ મોબાઈલ ક્રાંતિ ન હતી. આ પત્રો જ અમારી ઊર્મિઓને એકબીજા પાસે ઉજાગર કરતી. સુગંધીત કાગળ પર મહેકતી સાહી વાળી પેન વડે પાંગરતાં પ્રેમને અભિવ્યક્ત કરી શકતાં હતાં.”
હાથમાં રહેલ પત્રને જીજ્ઞાસા તરફ ધરી દીવાલ પરના ફોટાને નિહાળતા, “બેટા.. આ તારા પપ્પાનો છેલ્લો પત્ર હતો. જે વારંવાર વાંચી હું એમની ખોટને ભૂલવા અને ફરી જીવનની ગાડીને માર્ગ પર ચડાવવા પ્રયત્ન કરતી રહું છું.

પ્રિય,

આ સંબોધન વગરનો પત્ર વાંચી તને નવાઈ લાગી હશે! પણ અત્યાર સુધીના જે પણ “અનોખા બંધન” ના તાંતણે આપણે બંધાયા અને આગળ વધ્યા તેનાથી પણ આગળ વધવાનો સમય હવે નજીક આવ્યો છે.

આપણાં મિલનમાં આડે હવે થોડાં દિવસો રહ્યા ત્યારે હું તને અંતિમ પત્ર વડે મારા મન મંદિરમાં તેમજ હૈયામાં તારા કંકુ પગલાં પાડવા નિમંત્રિત કરું છું. સગપણથી આપણા લગ્ન વચ્ચે આ પત્રના માધ્યમથી વાવેલા પ્રેમનું બીજ હવે વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. સંસારપથ પર જે પણ મુશ્કેલીઓ આવશે એ પાર કરવા તારો મજબૂત સાથ મને અચૂકપણે મળશે એ પણ હું જાણી ગયો છું. હવે પછી આપણે એકમેકના બની ગાડાંના પૈડાં માફક જીવનપથ પર દોડવાનું છે.

આવનારી સારી-નરસી ઘડીઓમાં કદાચ હું નિર્ધારિત રસ્તા પરથી ભટકું તો આ જ પત્ર મને બતાવી મને ભટકતાં અટકાવજે અને જો તું માર્ગ પરથી ભટકીશ તો મારો આ પત્ર તને ફરી માર્ગ પર લઈ આવશે.

તારા પગલાંના મંડાણની પ્રતીક્ષામાં..

તારો પ્રિય
સુકુમાર

પત્ર વાંચી પૂર્ણ કરતાં જીજ્ઞાસાની આંખો પણ ભીંની થઈ ગઈ હતી.

“આજે વ્હોટ્સએપ પર વાતો કરતી વખતે તારા ચહેરા પરના ભાવ અને દૂધવાળાના વાક્યે તારા પપ્પાની યાદ અપાવી અને મને તારી ઈર્ષા થઈ. પણ આ પત્રને હાથમાં લેતાં જ મનમાં જાગેલા વિકારો ઓઝલ થઈ જાય છે અને એ જ અમારા પાયામાં વિકસાવેલાં ‘અનોખા બંધન’ની શક્તિ છે.

લેખક: ઉજાસ વસાવડા
મો.9913701138
ઇમેઇલ:ujasvasavada@gmail.com

Categories: Ujas Vasavda

Leave a Reply