SHORT STORIES / लघु-कथाए

સશક્તિકરણ

“સશક્તિકરણ” (સત્ય ઘટના)

ચાણસ્મા પાસેના એક નાનકડા ગામથી એક પટેલ પરિવાર અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં સ્થાયી થયેલો. કાનજીભાઈ એમનું નામ. કાનજીભાઈ અને એમનાં પત્ની બંને ટેલીફોન ખાતામાં નોકરી કરે. ધીમે ધીમે બંનેના પગારમાંથી થોડી બચત થઈ, થોડી રકમ વતનમાંથી લાવીને એક ડુપલેક્ષ મકાન ખરીદ્યું.

કાનજીભાઈ ઓછું ભણેલા એટલે એમને ફીલ્ડ વર્ક મળેલું, એમનાં પત્ની ગ્રેજ્યુએટ હોવાથી ઓફિસવર્ક મળેલું. કાનજીભાઈને ત્યાં પહેલા ખોળે લક્ષ્મી અવતરી. એનો ઉછેર એમણે દીકરાની જેમ જ કર્યો. ત્રણેક વર્ષ બાદ કાનજીભાઈ દીકરાના બાપ બન્યા. બંને બાળકો સારી રીતે અભ્યાસમાં આગળ વધતાં રહ્યાં. કાનજીભાઈ ઓછું ભણેલા, પણ પોતાનાં સંતાનોને સારી સ્થિતિએ પહોંચાડવા મથતા રહ્યા. દીકરીને એન્જિનીયરિંગ કરવું હતું, પણ એડમિશન મોડાસા મળ્યું! કાનજીભાઈએ દીકરીના ભણવાના ઉત્સાહને પ્રોત્સાહન આપી દીકરીને મોડાસા હોસ્ટેલમાં મૂકી. સમય સરતો રહ્યો. ખંતથી મહેનત કરી દીકરી અવ્વલ નંબરે પાસ થઈ ને એન્જિનિયર બની.

પછી તો સમાજમાંથી દીકરીના લગ્ન માટે મુરતિયાના વાલીઓ તરફથી મારાં આવવા લાગ્યાં. કાનજીભાઈના પરિચિત કેનેડામાં રહેતા હતા, તેઓ પરિવાર સાથે ભારત આવેલા. એક લગ્ન સમારંભમાં કાનજીભાઈને એમનો ભેટો થયો. બંને પરિવારો મળ્યા. કાનજીભાઈએ પોતાની દીકરીના સંબંધ માટે વાત મૂકી. કેનેડા રહેતા સ્વજને પોતાના દીકરા માટે કાનજીભાઈની દીકરીનું માગું સ્વીકાર્યું. કાનજીભાઈની પુત્રીએ સંમતિ આપી ને સગાઈ થઈ. પંદરેક દિવસમાં લગ્ન પણ લેવાયાં ને પાસપોર્ટ તેમજ વીઝાની વિધિ પૂરી થતાં જ તેમની દીકરીને કેનેડા તેડાવી લેશે, એવી કાનજીભાઈને હૈયાધારણ આપી કેનેડાનો પરિવાર વિમાનમાં બેસી રવાના થયો.

કાનજીભાઈ પોતાની દીકરીને કેનેડા સ્થાયી થયેલો મુરતિયો મળ્યો તેથી અતિ ઉત્સાહિત હતા. પોતાની દીકરીને પરદેશ મોકલવા એમણે પાસપોર્ટ અને વીઝા માટે દોડધામ શરૂ કરી. શરૂ શરૂમાં બે ચાર દિવસે કેનેડાથી ફોન આવતા. દીકરી વિમાનમાં ઊડી કેનેડા જવા આતુર બની. ચારેક માસમાં બધી વિધિ પૂરી કરી ને કાનજીભાઈએ એરપોર્ટ પર પ્રથમ વખત એકલી સાસરે જતી પોતાની દીકરીને વિદાય આપી.

દીકરી હેમખેમ સાસરે પહોંચી ગયાનો ફોન આવ્યો ત્યારે જ કાનજીભાઈને નિરાંત થઈ. પોતાની દીકરી કેનેડા સ્થાયી થઈ છે, એટલે કોઈક દિવસ વિમાનની પાંખે વિદેશ જવાશે ને દીકરીને મળાશે, એવાં દીવાસ્વપ્નોમાં કાનજીભાઈ રાચતા ને પોતાનામાં ખોવાઈ જતા.

કાનજીભાઈની દીકરી સાસરે પહોંચી. આજની રાત પોતાની સુહાગરાત બનવાનાં સોણલાં સેવીને મિનિટો ગણી ગણીને ચાર મહિના પસાર કરેલા, પણ પતિએ એને એક રૂમના ખૂણે લઈ જઈ જે કહ્યું, એનાથી એ કોડભરી કન્યાનાં સમણાં કુંવારાં જ નંદવાઈ ગયાં! પોતાના પતિને પહેલેથી જ એક ગોરી ચામડીની પત્ની છે, એવી જાણ થાય એ દીકરીના મનની સ્થિતિ વર્ણવી શકવાનું સામર્થ્ય કોઈ કલમમાં નથી હોતું!

દીકરીએ રડી રડીને પોતાનું મન મજબૂત કરી લીધું. પોતાનાં માતાપિતાને અઠવાડિયે એક વખત ફોન કરીને ‘પોતાને તો રાજપાટનું સુખ મળ્યું છે…’ વગેરે ઉત્સાહિત સ્વરે સોહામણું વર્ણન કરીને માબાપને ટાઢક આપતી!

એણે સાસરિયાં પાસે નોકરી કરવા દેવાની રજા માગી. સાસરિયાંને તો ભાવતું હતું ને વૈદે કહ્યું – જેવી સ્થિતિ હતી, એટલે રજા તો આપી જ, પણ જોબ શોધી આપવામાં પણ મદદ કરી. સારી જોબ હતી, ખંતથી-ચીવટથી અને હસમુખા ચહેરા વડે જોબ પર એણે સૌને પોતિકાં કરી લીધાં. ઉપલા અધિકારીઓની સહાનુભૂતિ પણ મળી ને છએક માસમાં અલગ ઘર ભાડે રાખીને સ્વમાનભેર જીવવા લાગી. અહીંની બીનાનો અણસાર સુધ્ધાં પોતાનાં માબાપને ન આવે તે રીતે ખુબ જ ઉત્સાહથી તે વાત કરતી. પોતાનાં માબાપ દીકરીને આટલા સુખમાં રાખવા બદલ પોતાના જમાઈનો આભાર વ્યક્ત કરવાનું કહેતાં તો દીકરી કહેતી : ‘ મમ્મી, અહીં આપણા દેશ જેવું નથી. સૌ વહેલી સવારથી જ પોતાનું કામ પરવારી જોબ પર જવા દોડધામ કરતાં હોય છે. એટલે તમારા આભારની લાગણી હું એમને વ્યક્ત કરીશ.’

કાનજીભાઈ તો નિયમિત આવતા પોતાની દીકરીના ફોનથી રાજીના રેડ થઈ જતા! દીકરી જે ઉત્સાહથી વાત કરતી તે સાંભળીને દીકરીના સુખી સંસારની કલ્પનામાં કાનજીભાઈ અને તેમનાં પત્ની રાચતાં રહેતાં.

દીકરીને કેનેડા ગયાંને બે વરસ વહી ગયાં એની કાનજીભાઈને ખબરેય ના પડી. એક સાંજે દીકરીનો અતિ ઉત્સાહિત સ્વરે ફોન આવ્યો : ‘ મમ્મી-પપ્પા, અમે લંડન સ્થાયી થયાં છીએ, અહીં સુંદર મકાન પણ ખરીદી લીધું છે. તમારી અને ભાઈની ત્રણ ટિકિટ પણ મોકલી છે. હું એરપોર્ટ પર તમને લેવા આવીશ.’

કાનજીભાઈ અને તેમનાં પત્નીનો હરખ સમાતો ન હતો! દીકરો કોલેજથી આવ્યો એટલે એને પણ એ હરખમાં સામેલ કર્યો! ટિકિટો આવી ગઈ હતી, પણ જે દિવસની ટિકિટો હતી એને હજી ૨૪૦ કલાકોની વાર હતી. લંડન જવાની પૂરી તૈયારી થઈ ગઈ હતી. લગેજ ધાર્યા કરતાં ખુબ વધી ગયું હતું. થોડી કાપકૂપ કરી લગેજ ઓછું કર્યું, પણ ગુજરાતીઓ ખાખરા, અથાણાં, થેપલાં તો કેમ છોડે!

કાનજીભાઈ, તેમનાં પત્ની અને દીકરાને વિમાન પ્રવાસનો પ્રથમ અનુભવ હતો. આખરે એમના વિમાને લંડનના એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું. દીકરી પોતાનાં માતાપિતા અને ભાઈને લેવા એરપોર્ટ પર વહેલી આવી ગઈ હતી. કાનજીભાઈ અને એમનાં પત્નીએ વિચાર્યું કે, જમાઈને તો નવરાશ જ ન હોય એટલે બિચારા કેવી રીતે આવી શકે?
બધાં ઘેર પહોંચ્યાં. કાનજીભાઈ અને એમનાં પત્ની તો ઘર જોઈને ચકિત થઈ ગયાં! સુંદર બગીચો, હીંચકો, સ્વિમિંગ પુલ વગેરે જોઈને એમને દીકરીના સુખની કલ્પના કરવી પણ મુશ્કેલ બની! પણ આવડું મોટું ઘર ખાલીખમ હતું. વેવાઈ કે વેવાણ કોઈ જ દેખાતું ન હતું! કાનજીભાઈની કલ્પના આગળ દોડી : ‘કદાચ દીકરી અને જમાઈ બંને એકલાં જ લંડન સીફ્ટ થયાં હશે!’

સૌ ફ્રેશ થયાં. દીકરીએ ભારતથી આવી કેનેડાની ધરતી પર પગ મૂક્યો ત્યારથી લંડન સ્થાયી થયા સુધીની પોતાની કર્મગાથા પોતાનાં માબાપ સમક્ષ વર્ણવી. કાનજીભાઈ અને એમનાં પત્ની તથા દીકરાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યા હતા, એમનાં ગળામાંથી અક્ષર બહાર આવવા અસમર્થ હતો!

એક તરફ દીકરીએ પોતાને હમેશાં અત્યંત સુખી હોવાના સમાચાર આપી, એના પર આવી પડેલી વિપત્તિઓને સહન કરી એનું અકથ્ય દુઃખ હતું, ને બીજી તરફ પોતાની દીકરી વિદેશની ધરતી પર વિષમ પરિસ્થિતિમાં સ્વબળે સક્ષમ બની તેનું ગૌરવ હતું!

પણ દીકરીએ પોતાની મુશ્કેલીમાંથી જાતે ઉકેલ શોધી, કોઈનેય દોષ દીધા વગર આપબળે પગભર થઈ તેના આનંદની લાગણી વ્યક્ત કરવાનો આ અવસર હતો. એક દુઃસ્વપ્ન આવીને જતા રહ્યા પછી સ્વર્ગની અનુભૂતિનો આનંદ અનુભવતાં માતાપિતાએ દીકરીને પોતાના સ્વતંત્ર માલિકીના મકાનમાં પોતાની સમક્ષ દુઃખની એક પણ લકીર ચહેરા પર લાવ્યા વિના અદ્ભુત આત્મવિશ્વાસ વડે હર્ષાન્વિત બનીને આગતાસ્વાગતામાં પરોવાએલી જોઈ નિશ્ચિંત બન્યાં.

કાનજીભાઈ અને તેમનાં પત્ની દીકરી પર ગર્વ અનુભવી રહ્યાં હતાં, એટલામાં એક સુંદર યુવાનનું આગમન થયું. આગંતુક યુવાનને દીકરીએ પોતાનાં માતાપિતા અને ભાઈનો પરિચય કરાવ્યો. યુવકે ભારતીય પરંપરા મુજબ કાનજીભાઈ અને તેમનાં પત્નીને ચરણસ્પર્શ કર્યા.

યુવકનો પરિચય પોતાનાં માતાપિતાને આપતાં કહ્યું : ‘રાજીવ પંજાબનો છે, અહીં મારી સાથે જોબ કરે છે, આપને પસંદ હોય અને આપની અનુમતિ હોય તો હું એની સાથે લગ્નગ્રંથિથી જોડાવા ઈચ્છું છું.’

કાનજીભાઈ અને તેમનાં પત્નીને તો એ યુવકે ચરણસ્પર્શ કર્યા ત્યારથી એ એમના મનમાં વસી ગયો હતો! કાનજીભાઈએ રાજીવના પિતાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. કાનજીભાઈને ટિકિટો મોકલી હતી, એ વખતે રાજીવે પણ પોતાનાં માતાપિતાને ટિકિટો મોકલીને તેડાવી લીધાં હતાં. સાંજે એક હોટલમાં સૌએ રાજીવનાં મમ્મી-પપ્પા સાથે ભોજન લીધું. કાનજીભાઈ અને એમનાં પત્નીએ રાજીવને જમાઈ તરીકે સ્વીકારી લીધો. વળતા દિવસે હિન્દુ વિધિથી દીકરીનાં લગ્ન કરી કાનજીભાઈ હરખઘેલા બન્યા.

કાનજીભાઈની દીકરીએ અડગ આત્મવિશ્વાસ વડે પોતાનું સશક્તિકરણ કર્યું એની આ પાત્રોનાં નામ બદલ્યા વગરની સત્ય ઘટના કેવી લાગી તે જણાવશો તો કાનજીભાઈ અને તેમનાં પત્નીને પોરસ તો ચડશે જ, પણ વિદેશઘેલી અનેક કોડભરી કન્યાઓનાં જીવનમાં નાનીમોટી સમસ્યાઓ ઉદભવે તો એનું સમાધાન શોધવાનું એમને પણ પ્રેરક બળ સાંપડશે.

લેખક: દશરથ પંચાલ

Leave a Reply