આપણામાં કહેવત છે, કે ,”દીકરી ને ગાય દોરે ત્યાં જાય” એ વાત સુલભા ના કિસ્સામાં લગભગ લાગુ પડે છે. બાકી સુલભા એટલે સર્વ ગુણ સંપન્ન.
રુપ માં તો એની બરોબરી કોઈ કરી શકે એમ છે જ નહીં .ભણતર ની તો વાત જ જવા દો, સુલભા એન્જીનીયર થઇ ત્યાં સુધી કોઈને પણ ગોલ્ડ મેડલ મેળવવાની તક આપી નથી. રૂપ અને ગુણ નો સુભગ સમન્વય ભાગ્ય જોવા મળે. મા-બાપે જે નિર્ણય લીધો એને માથે ચઢાવ્યો. શું વધારે પડતી આદર્શતા એ સ્ત્રીની નિયતી છે? પિયરમાં મા બાપનું કહ્યું કરવું, સાસરીમાં સાસુ-સસરા અને પતિ નું કહ્યું કરવું અને ઘડપણમાં દીકરાઓ નું કહ્યુ કરવું. પણ સ્ત્રીની પોતાની ઈચ્છા નું શું ? જો એ એની ઇચ્છા પ્રમાણે વર્તે તો એની પર આઝાદ હોવાનો સિક્કો લાગી જાય છે.
આટલી સુંદર છોકરી માટે માબાપે આ કુટુંબ શોધ્યું? પોતે તો પોતાની ઇચ્છા મુજબ વર્તન કર્યું આજે સુલભા માટે કશું વિચાર્યું જ નહીં. બધા જાણતા હતા કે, સુલભા ની ઈચ્છા ડોક્ટર શાલીન સાથે લગ્ન કરવાની હતી. ખરેખર તો સુલભા અને ડોક્ટર શાલિની જોડી કામદેવ અને રતિ જેવી હતી. જોનારાની આંખો ઠરે એવી હતી. ડોક્ટર શાલીન એકનો એક હતો. પૈસે ટકે ઘણો સુખી હતો. શરૂઆતથી જ એની પ્રેક્ટિસ ઘણી સારી ચાલતી હતી. બંને કુટુંબો વચ્ચે ખાસ્સો ઘરોબો હતો. બંને કુટુંબ ખાનદાન હતા. મજાની વાત તો એ હતી કે બંને એક જ જ્ઞાતિના હતા છતાંય સુલભા ના ઘરવાળાનો ખાસ્સો વિરોધ હતો.
સુલભા કહેતી કે મા-બાપનો વિરોધ કરી પ્રેમ ની ઈમારત ઊભી ના કરાય. દુનિયામાં મા-બાપ જ સંતાન નું ભલું ઇચ્છે છે. એમના વિરોધ પાછળ પણ કંઈક તો કારણ હશે જ એમનો જે કંઈ પણ નિર્ણય હશે તે મને મંજુર છે. હું જાણું છું કે મારા મા બાપ સિવાય કોઈ પણ આ દુનિયામાં મારું ભલું વિચારી ન શકે. સુલભાના વિચારો આદર્શ હતા. સુલભા ના વ્યક્તિત્વમાં ઈચ્છા હોવા છતાં પણ કોઈ કંઈ ખામી કાઢી શકે એમ નહોતું.
જયારે સુલભા ને સાસરે વળાવી ત્યારે તેના મમ્મી રજનીબેન સુલભા ની બહેનપણી ઓ વચ્ચે થતી ગુસપુસ સાંભળી રહ્યા હતા. એટલું જ નહીં મનમાં વિચારતા હતા કે આજકાલની પેઢી ટીકાઓ કરી જાણે છે પરંતુ એકવાર ,.. માત્ર એકવાર પણ મને આવીને પૂછ્યું હોત તો હું એમને સમજાવી શકત કે વાસ્તવિકતા શું છે? તમે જિંદગીની માત્ર ચમક દમક જોઈ શકો છો પરંતુ આ બધું પ્રાપ્ત કરવા કેટલો ભોગ આપવો પડે છે એ આ લોકો શું સમજી શકે? આ બધાને મારે કઈ રીતે સમજાવું કે સોનાને અગ્નિમાં તપવું પડે છે. હા, રજનીબેન અને એમના પતિનો વાંક માત્ર એટલો જ હતો કે એમને સુલભા માટે સંયુક્ત કુટુંબ પસંદ કરેલું સુલભા ને પાંચ જેઠ અને ત્રણ નણંદો હતી. એ ઘરમાં સૌથી નાની વહુ બનીને જવાની હતી. બહેનપણીઓ કહેતી કે હવે તારે દરરોજ રસોઈયાની જેમ તપેલા ચઢાવવા ઉતારવા પડશે. નોકરીએ જતા પહેલા રસોડામાં મદદ કરવી પડશે. જ્યારે તારી મમ્મી તો જો માત્ર બે જણ વચ્ચે તુ, ઘરમાં જ રહેવાનું કાંઈ તકલીફ જ નહીં. બાકી તારી મમ્મીને તો કોઈ જેઠ દિયર કે નણંદ નહીં પિયરમાં પણ કોઈ ભાઇ-બહેન નહિ. પતિ ની બધી મિલકત ઉપરાંત તેના મા બાપ ની મિલકત કોઈ લાગ્યો-ભાગ્યો નહીં તારે તો તારા સસરાની ગમે તેટલી મિલકત હોય એના કેટલા ભાગ પડવાના? તારી આખી જીન્દગી ઢસરડા કરવામાં જવાની. આ બધું તારી મમ્મી કે તારા પપ્પા વિચાર્યું નહીં.
રજની બેન આ બધી બહેનપણીઓ ની વાતો સાંભળતા હતા. એમને ઘણું દુઃખ થતું હતું કે એમના વિષે જે ધારણાઓ આ છોકરીઓ કરે છે તે કેટલી મૂર્ખામી ભરેલી છે. એ લોકો માને છે કે હું નોકરી નથી કરતી,ઘરમાં જ રહું છું લહેર કરું છું પરંતુ શું નોકરી કરનાર જ કામ કરતા હોય છે? નોકરી કરતાં પણ એમને અનેક ઘણી જવાબદારી ઉઠાવવી પડે છે, પરંતુ સમાજમાં જે સ્ત્રીઓ નોકરી કરતી હોય એની પર દરેક જણ દયા ખાઈને કહેતું હોય કે બિચારી ઘરની અને બહારની બંને જવાબદારી સ્વીકારે છે. પરંતુ એ લોકો સમજતા નથી કે નોકરી તો નિયત સમયની હોય એમાં રવિવારની રજા હોય, જાહેર રજા હોય, અને સમય પણ દસથી છ નો હોય. છ વાગ્યા પછી જવાબદારી મુક્ત. જ્યારે એક ગૃહિણી ને તો ક્યારેય રવિવાર ભોગવવા મળતો નથી. તે ઉપરાંત ચોવીસે કલાક પોતાના કામને સમર્પિત હોય છે છતાં પણ સમાજ એની નોંધ લેતું નથી. ત્યારે તો કહેવામાં આવે છે કે એમાં શું એ તેની ફરજ હતી.
રજની બહેન પોતે ડોક્ટરેટની ડિગ્રી ધરાવતા હતા. પગાર પાંચ આંકડામાં હતો તે ઉપરાંત પતિ તો એકનો એક હતો તેમની પાસે ઢગલે પૈસો હતો. પિયરમાં પણ બે હાથે વાપરે તો ખૂટે નહીં એટલો પૈસો હતો અને એ પોતે આ બધાની વારસદાર હતી. પતિ પ્રેમાળ હતો, સંસ્કારી કુટુંબ હતું સાસુ-સસરા દિકરી જેટલો પ્રેમ આપતા હતા જ્યારે એ નોકરીએ જતી ત્યારે સુલભા ને એના સાસુ જ સાચવતા. ખૂબ લાડ લડાવતાં હતા હતા. સ્વાભાવિક છે કે મનુષ્યને મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય. જીવન ખૂબ સરળતાથી વિતતુ હતું. જીવનમાંથી દુ:ખ શબ્દ ની બાદબાકી થઇ ચૂકી હતી. જાણે કે જીવનના શબ્દકોશમાં દુઃખ શબ્દ લખવાનું ઈશ્વર ભૂલી ગયો હતો. પતિનો ભારે દબદબો હતો. નોકરીમાં રજની બેન નું ખૂબ માન હતું.
પરંતુ એક વખત એવું બન્યું કે એના સાસુ પડી ગયા. એ સાથે જ એમને મગજમાં ઈજા થઈ શરીરનો એક હિસ્સો જુઠો પડી ગયો. હવે તો સુલભા ને સાચવવા નો પ્રશ્ન ઊભો થયો. થોડા દિવસ તો એના મમ્મીએ સુલભા ને સાચવી પરંતુ દિવસે દિવસે એમનું શરીર કથળતું જતું હતું. વધારે પડતી અશક્તિ લાગતી હતી. એ દરમિયાન સુલભાના પપ્પાનું અવસાન થયું. હવે સુલભાના માથે સાસુ અને એની મમ્મી બન્ને ની જવાબદારી આવી ગઈ હતી. ડોક્ટરોએ કહ્યું કે એની મમ્મીને કેન્સર છે તેથી ઓપરેશન કરાવવું પડશે. જ્યારે રજનીબેનના સાસુ તો જાતે કંઈ કરી શકતા નહોતા, તેથી તેમણે સાસુ માટે બાઈ રાખી તો એના સાસુ બોલી ઊઠ્યા ,”માની ચાકરી જાતે કરવાની અને સાસુ માટે બાઈ રાખવી .ખરેખર આંગળીથી નખ વેગળા એ વેગળા.” વહુ ને દીકરીની જેમ રાખીએ તોય લાગણી તો એની માની જ થાય, સાસુ ની નહિ. સાસુ અને માની જવાબદારીઓ વચ્ચે અટવાતા રજનીબેને નોકરી છોડવાનો નિર્ણય લઈ લીધો. માને પણ સમજાવવા પ્રયત્ન કર્યો ,”કે મમ્મી હું તને ચોવીસ કલાક ની નર્સ રાખી આપુ છું. જે તારી સંભાળ લેશે અને હું તો અહીં આવતી જતી રહીશ.”
ત્યારે એની મમ્મી બોલી ઉઠ્યા,”લોકો ઈશ્વર પાસે દીકરો એટલે જ માંગે કે પાછલી ઉંમરમાં એમની સેવા ચાકરી કરે. બાકી દીકરી તો પારકુ ધન. પારકે ઘરે ગયા પછી એને આપણી લાગણી થાય જ નહિ”
રજનીબેને નોકરી છોડી દીધી હતી. સુલભા ની જવાબદારી તો હતી જ તે ઉપરાંત સાસુ અને મમ્મી બન્નેને સાચવવાના હતા .એકના એક હોવાના કારણે જવાબદારી વહેંચી પણ શકતા નહોતા. મમ્મીને કહ્યું કે, “મમ્મી તું મારે ત્યાં આવતી રહે તો મારે દોડાદોડ ના થાય. “
ત્યારે એની મમ્મી તાડૂકી ઊઠી અને બોલી, “હવે એટલું જ બાકી હતું કે મારે પાછલી ઉંમરમાં દીકરીને ત્યાં રહી એના રાેટલા તોડવાના હતા. “
રજનીબેન અકળાઈ જતા હતા. સુલભા મોટી થતી જતી હતી,એને ભણાવવાની, સ્કૂલે લાવવા લઈ જવાની જવાબદારી, એનું ધ્યાન રાખવાનું ,ઉપરાંત એની સાસુ તથા મમ્મીનું ધ્યાન રાખવાનું. પૈસા હોવા છતાં પણ એ બાઈ રાખી શકતી ન હતી. બંનેની અપેક્ષા રજની બેન માટે જ રહેતી હતી. પતિ પોતાની પત્નીની સ્થિતિ બરાબર સમજતો હતો. પરંતુ મમ્મીને કંઈ કહેવા જાય તો કહે મને ખબર છે કે દીકરાને નાનેથી મોટો કર્યા પછી એની બાયડી નો થઈ જાય એને મા માટે લાગણી થાય જ નહીં.
સાસુ ને સમજાવવા જાય તો સાસુ કહે મેં તો દીકરી આપીને દીકરો લીધો હતો પણ મને શું ખબર કે પારકા એ આખરે પારકા જ રહે. પારકા પોતાના ના થાય.
આમ તો બંને કુટુંબ સંસ્કારી હતા પરંતુ અપેક્ષા અને બિમારીએ તેમને અભદ્ર શબ્દો ના પ્રયોગો કરવા મજબૂર કર્યા હતા પ્રયોગો કરવા મજબૂર કર્યા હતા.
રશ્મિબેન ની ઈચ્છા હતી કે સુલભા મારા કે મારા પતિની જેમ એકની એક ના રહે કારણ એકના એક પુત્ર કે એકની એક પુત્રી સાસરી અને પિયર વચ્ચે સમતુલા જાળવી ના શકે. સાચા દિલથી કરવા જાય તો પણ જાણે-અજાણે એવું લાગે કે એક પક્ષને અન્યાય થઇ રહ્યો છે.
સુલભા માટે જે છોકરો પસંદ કર્યો હતો એ એમની જ્ઞાતિ નો તો હતો જ પરંતુ એ જ્યારે પીએચડી કરતો હતો ત્યારે વારંવાર રજનીબેન ની મદદ લેવા આવતો. એ રજનીબેન સાથે ઘણો હળી મળી ગયો હતો. તે ઉપરાંત જ્યારે રજની બેન એ જાણ્યું કે આ યુવાન સંયુક્ત કુટુંબમાં રહે છે ત્યારે એકાદ વાર પીએચડી માટે ના લેખ તૈયાર કરી આપવાના બહાને પણ એમને એ કુટુંબ જોડે ઘરોબો કેળવ્યો હતો. બધા સંસ્કારી હતા. એક બીજાનું કામ કરી લેવામાં પોતાની જાતને ભાગ્યશાળી માનતા હતા. જ્યારે સુલભાના પતિના ભાભીના મમ્મી દવાખાને હતા ત્યારે સુલભાના પતિના બધા ભાઈઓ તથા ભાભીઓ વારાફરતી દવાખાને રહેતા. જવાબદારી જાણે કે વહેંચાઈ જતી હતી. એકબીજાને મદદરૂપ થવાની જાણે કે હોડ લાગી હતી. સંયુક્ત કુટુંબમાં પણ આ ઘોર કળીયુગમાં આવાે સંપ જોઈ રજની બેને નક્કી કર્યું હતું કે એકનો એક ડોક્ટર શાલિન ગમે તેટલો સારો હોય પરંતુ મારી દીકરી માટે એ ના ચાલે. જે દશા મારી થઈ છે એ દશા મારી દીકરીની ના થવી થવી જોઈએ. બધા ભલે માનતા હોય કે એકના એક દીકરા કે દીકરી ને બધી જ મિલકત મળી જાય છે, પરંતુ એમને કેટલી જવાબદારીઓ ઉઠાવવી પડે છે એ કોઇ જોઇ શકતું નથી. રજની બેન મનમાં ખુશ હતા કે સમાજ કે સુલભા ની સખીઓ ગમે તે કહે ,પણ મેં મારી દીકરીનો લગ્ન માટેનો નિર્ણય બરાબર કર્યો છે, એમાં તો મારા સમગ્ર જીવનનો નિચોડ હતો.
શ્રીમતી નયના શાહ,
વડોદરા
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮
.
Categories: Nayna Shah