Raghuvir Patel

માણેકમાની મેંડી(ભેંસ)

વાર્તા: માણેકમાની મેંડી(ભેંસ)

‘પશુ પક્ષી મારા જ અંગો, કેમ દૂર કરું મુજથી.
પશુ પીડનથી પીડા થાય,શાને સહેવાય મુજથી?’

‘મેં તને શેટલીવાર કીધું ક આ મેંડીન મારે નથી વેસવી, તોય ગરાક લઈન શમ આયો?’
‘પણ બાઈ(બા) આપણ ઢોર વધાર થઈ જ્યાં સ એટલ મન ઈમ ક થોરાં ઓસાં કરીએ.’
‘હું કપાળ તારું ઓસાં કરીએ!’
‘ઢોર એ તો આપણું જીવન સ.’
ગામડાના એક ફળિયામાં બોલાચાલી સાંભળી લોકો કુતૂહલવશ બહાર નીકળી આવ્યાં. માણેકબાના ઘરમાં મા દીકરા વચ્ચે ચકમક ઝરતી હતી. દીકરો રામજીએ ઘરડી થઈ ગયેલી ભેંસને વેચી બાનું લઈ લીધું હતું. ગ્રાહક ભેંસ લેવા આવ્યો હતો. પણ માણેકબા ભેંસ વેચવા માંગતાં નહોતાં એ ઢોરને જીવન માનતાં. એમાય આ મેંડી (જેના શીંગડા નીચે તરફ વળેલા હોય તેવી ભેંસ) તેમને ખૂબ વાલી હતી. એ એવું માનતાં કે ઢોર એ આપણા સ્વજનો છે. આપણને પોષે છે, તેને ઘરડા થયે કેમ વેચાય? એટલે જ તો આજે દીકરાને ધમકાવતાં હતાં. દીકરાની વહુ રાજી તેમજ ગ્રામજનો પણ મા દીકરાનો સંવાદ સાંભળી રહ્યાં હતાં. કેટલાંક તો ટાપશીપણ પુરાવતાં કે સાચી વાત છે. ઘરડા ઢોરને ન વેચાય.
‘પણ બાઈ બધાં ભેગાં કરી ખવરાવવું હું?’
‘શમ આજ હુજી ખવરાયું હું?’
‘અવ એ ઘેરી થઈસ, ન આલતીય નથી.’
‘વાહ દીકરા વાહ! આજ મારા ધાવણ તી સતુ કર્યું. અલ્યા! જે ડોબાએ આખી જિંદગી તન દૂધ પાયું એ અવ આલતી બંધ થઈ એટલ આગી કરવાની?’
‘તો ઇન રાખીન હું કરવાની?’
‘એટલ વેશી મારવાની? તું ઈમ માનસ ક સ એ ઘૈઈડી ભેંશ દોવા લઈ જાય?એ તો કતલખાન મોકલ.અન કાલ ઉઠીન મન કાંમ ની થાય એટલ કાઢી જ મુકે ન?
ઘરમાં ઘેંરું મનેખ ન ગમાંણમાં ઘેંરું ઢોર નાં હાસવી હકીએ તો જીવનમાં ધૂળ સ.તન ખબર સક તારા બાપની શેલ્લી ઘરી(ઘડી) હુજી મેં સેવા કરી. લ્યા આવી સેવા શાંથી કરવા મલ.’
‘બાઈ તું વાત ન શાં લઈ જાંય સ? ઢોરની વાત જુદી સ.’
‘દીકરા માંણહ ક ઢોર જીવ તો એક જ સક?’તે દન પેલા બાવજી હું કેતાતા ખબર સક, ગીતામાં ભગવાંને કયું સક બધા જીવોમાં મું વસું સુ. એટલ બધા હાથી દયાભાવ રાખાં.દરેક પ્રાણીઓમાં મન જુવાં.’ એક અભણ વ્યક્તિમાં પણ જીવનનું કેવું તત્વજ્ઞાન છે. તે જીવ માત્રને પોતાના મને છે.
‘મી બાનું લીધું…?’
‘ પાસું આલીદે.’
‘આપર ઘેરાં ઢોર વેશીન પૈશાવાળા નથી થવું.’
રામજીએ કમને પેલા ગ્રાહકને બાનું પાછું આપ્યું. ભેંસ ન વેચવા દીધી તેથી રામજીનું મન બા પ્રત્યેથી ઉતરી ગયું. બે ચાર દિવસ બોલ્યા ચાલ્યા વગર ફરવા લાગ્યો. આ જોઈ માણેક બા એ રામજીને અને તેની વહુ રાજીને પાસે બોલાવી વાત કરી.
‘તન ખબર સ આ મેંડી ન મી શમ ના વેસવા દીધી? ઘેરા ઢોરન તો નાં જ વેસાય એ તો મી ગીતની વાત બાવજીના મોઢે હાંભળી તાણથી નક્કી કર્યું હતું મેંડી તો શેટલી સુકનવંતી સ ?એ તન ખબર સ? બધાં બેહોં મારી પાહ.’ રામજી અને તેની પત્ની માણેકબા પાસે બેઠાં.
‘જો તું એક્વીહ વરહનો થયો તોય લગ્નનો શાંય વેત નોતો પડતો. તન તો ખબર સક આપણ તો બાળ લગન થાય સ. મન ન તારા બાપન તારી હગાઈ નાં થઈ એટલ શિન્તા રતી. એવામાં એક દન આ મેડીની મા વિયાંણી એ દન પાડું ખેંસવા તારા માંમોજી સ એ માધો પટેલ આયેલા.
એ કી લ્યાં માણેકબુન તમાર તો ડોબાન પાડી આઈ.માંડવો આયો.
મી કીધું માધાભઈ ! પાડી તો આઈ એ હારું પણ તમે જુવાં સાંક મારા રમલાનું અજી ઠેકાંણું નથી પડ્યું.’ –
માધાભઈમાં રામ વશ્યાક હું તે કી માણેકબુન ચંત્યા હું કરાંસા લ્યાં આ રૂપિયો મારી ભાંણીની હગાઈ રાંમલા જોડે, એમને ફરાક દઈન મૂળના પતીકા જેવા રૂપિયો કાઢીન તારા બાપના હાથમાં આલી દીધો.એટલ મી તો મનોમન નક્કી કરી લીધું ક આ પાડી શુકન વારી સ. અવ કેં એ પાડી શુકન વાળી ખરી ક ન ?’
‘ખરી પણ તી કોઈ દી…’
‘ અજી હાંભળ, તારી વઉ ન હરો દન આયો એજ દન મેંડી વિયાંણી. પાડો આયો,તો મી એન હાસવી ન મોટો કર્યો પસ ગાંમમાં રમતો મૂકયો.’
રામજી ને તેની વહુ તો માણેકબાની પશું પ્રત્યેનો પ્રેમ,ગીતાનું તત્વજ્ઞાન ને શુકનમાં માનવાની વાત થી મનોમન એ દેવીને ને વંદન કરવા લાગ્યાં.

…….અસ્તુ ……..

લેખક: રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
મોબાઈલ: 9428769433

Categories: Raghuvir Patel

Leave a Reply