કોણ કહે છે , તું નથી? સપને મળે છે મા ,
સર્વ આધિ વ્યાધિ ઉપાધી ટળે છે મા .
જિંદગીના પ્રશ્નથી જો દિલ બળે છે મા ;
એક ચિત્તે વાત મારી સાંભળે છે મા .
લોહીના આંસુ વહાવે એક મા જ્યારે ,
દીકરો હોવા છતાં પણ ટળવળે છે મા .
ઘર અમારું રોશનીથી ઝળહળે કાયમ ,
રાત દી’ આઠે પ્રહર રોજ બળે છે મા .
શક્ય ક્યાં છે ઇશનું મળવું બધાને અહીં??,
એટલે ઈશના સ્વરૂપે અહીં મળે છે મા .
ખળભળાવી નાખતી આ યાદ ખૂંચે છે ,
જો છબીથી વહાલ તારું ઝળહળે છે મા .
હું હૃદયથી જો સ્મરું મા એક પળ માટે ,
સર્વ દેવી દેવતા આવી ભળે છે મા .
તારા શ્વાસે તો અમારુ આ ધબકતુ ઘર હતું મા,
સુખની છાલકથી છલોછલ આંગણે સરવર હતું મા.
ધોમધખતો સુર્ય માથે ગ્રીષ્મમાં છાંયો હતી તું,
વહાલનું વાદળ વરસતુ શ્રાવણી ઝરમર હતું મા.
દુ:ખમાં પણ શાતા મળતી : કેમ કે તું તો હતી ને ?
તારી ટેકણ લાકડીથી જીવતર પગભર હતું મા .
સાંભળું છું સ્વપ્નમાં હાલરડું ને જાગી જાઉં છું ;
સ્વપ્નમાં તારુ મલકતું મુખડુ મનહર હતું મા.
જિંદગીના દાખલાઓ ખૂબ સારી રીતે ગણ્યા ;
જિંદગાનીનું ગણિત રસભર અને સરભર હતું મા .
-દિલીપ વી ઘાસવાળા
Categories: Dilip Ghaswala