SHORT STORIES / लघु-कथाए

ટુકડો

ટુકડો

‘મેડમ,સાહેબ બોલાવે છે,’ પટાવાળાએ બે વાર અર્પિતાને કહ્યું. નીચું જોઇને કામ કરતી અર્પિતાની આંગળીઓ કમ્પ્યુટરના કી બોર્ડ ઉપર ફરતી રહી. પટાવાળો આનાથી ટેવાયેલો હતો. એણે અર્પિતાના ટેબલ ઉપર હાથની આંગળીઓથી ટકોરા પાડ્યા અને ત્રીજી વાર વધારે જોરથી એ જ વાક્ય બોલ્યો, ‘મેડમ, સાહેબ બોલાવે છે.’

અર્પિતાએ પટાવાળા તરફ જોયું, સાહેબની કેબિન તરફ જોયું અને પટાવાળાને ‘આવું છું.’ એવો ઈશારો કર્યો.આગળ બેઠેલાં ઠાકર અને મીતાલી પાછળ ફરીને જોતાં હતાં એટલે એને ખ્યાલ આવ્યો, ‘આજે પણ મગન ભાઈએ બે-ત્રણ વાર તો કહેવું જ પડ્યું હશે.’

આવું કેમ થતું હશે ? પોતે કેમ આખેઆખી એક જગ્યાએ રહી નહીં શકતી હોય ? કામમાં પાછી ભૂલ થઇ હશે,તો જ સાહેબ બોલાવે. કામ કરતી વખતે ચિત્ત ઘેર કેમ દોડી જાય છે ? માહીર પાસે તો લતાબેન હોય છે જ,તો પછી? અર્પિતા સાહેબ પાસે જઈ આવી, થોડો ઠપકો સાંભળી આવી.સાહેબ બોલતા હતાં ત્યારે પણ અર્પિતાના મનનો એક ટુકડો તો ઘેર જ ભાગી ગયો હતો. ‘કાલે રાત્રે માહીર બરાબર જમ્યો ન હતો, સહેજ તાવ પણ હતો. અત્યારે ખાધું હશે ? તાવ વધી તો નહીં ગયો હોય ને?’ એટલે જ સાહેબના શબ્દોએ અર્પિતાના કાનની આજુબાજુ ચકરાવા લીધા હતા. પછી જેને તક મળી એ અંદર જતા રહ્યા હતાં, બાકીના ત્યાં કેબિનમાં જ ઘુમરાયા કર્યા હશે.

અર્પિતા ‘સોરી,સોરી’ કહીને બહાર આવી ગઈ. આવીને થોડો વખત ખુરશી ઉપર બેસી રહી. પોતે કેમ આમ બે-ત્રણ ભાગોમાં વિભાજિત થઇ જતી હતી ? સૌરભને આવું જરા યે ન ગમે. એ તો પ્રેમ કરતો હોય અને એને લાગે કે અર્પિતા એક ક્ષણ માટે પણ ત્યાંથી ગેરહાજર થઇ છે, તો એનો મુડ ઑફ થઇ જાય. “જ્યારે તું મારી પાસે હોય ત્યારે આખે આખી મારી પાસે હોવી જોઈએ.”

અત્યારે તો અર્પિતાના મન અને શરીર બન્ને એકી સાથે એક જગ્યાએ રહી જ શકતાં ન હતાં. ઑફિસ માં આવે ત્યારે શરીર ખુરશીમાં બેસતું, હાથ કોમ્પ્યુટર ચાલુ કરતાં, આંખો જે વાંચવાનું હોય એ વાંચી લેતી અને પછી મગજનો એક ટુકડો કામે વળગતો. બીજો ટુકડો લગભગ ઘેર જ રહેતો–માહીર પાસે. ઘેર જતી ત્યારે શરીર માહીરને ખવડાવતું, પંપાળતું, લાડ કરતું, સૂવડાવતું અને ત્યારે મન બંધઑફિસનાં બારણાં ખોલીનેઑફિસ માં પહોંચી જતું –‘કાલે શું કરવાનું છે ? કામ તો બરાબર કરવું જ પડશે, નોકરી ગુમાવવી ન પાલવે, શરીરને એનું ભાડું આપવું જ પડે અને માહીરનું શરીર તો ઘણું વધારે ભાડું માગતું હતું–ખોરાક ઉપરાંત ડૉકટરની ફી, લતાબેનનો પગાર, દવાઓ અને બીજું ઘણું બધું. પછી ઘરમાં જીવ લાગતો ન હતો. કાલે ઑફિસ જઈને જલદી જલદી બધું કામ પતાવી દઈશ, સારી રીતે. પ્રમોશન મળે તો પગાર વધે અને માહીરના ભવિષ્ય માટે બચત કરવી બહુ જરૂરી હતી. પોતે ન હોય ત્યારે પણ એને જિંદગીભર કોઈ આશ્રમમાં મૂકવાની સગવડ કરવી પડે, એને ક્યારેક રસ્તા પર ઠેલણગાડી ચલાવીને હાથ લંબાવતાં ભિખારીઓ દેખાતાં અને એ ધ્રૂજી ઊઠતી. સૌરભ હોત તો ! પછી મન ઊડીને પાછું જિંદગીના મોંહે જો દરો પર લટાર મારી આવતું.

‘શું હતું ?’ મીતાલીએ પાછળ ફરીને પ્રશ્ન કર્યો, ‘કંઈ નહીં, આટલું કામ પતાવી દેવાનું છે.’ અર્પિતાએ સામે જોયું, સ્ક્રીન બ્લેન્ક થઇ ગયો હતો, એની આંગળીઓ કી બોર્ડ ઉપર ફરવા માંડી. સાંજે ઑફિસ નું કામ લઈને ઘેર જવા નીકળી- રાત્રે માહીર સૂઈ જાય પછી પતાવી દઈશ. હવે તો પ્રમોશન મળવું જ જોઈએ. લતાબેન પગાર વધારાની વાત કરતા હતા. દવાઓ પણ કેટલી મોંઘી થઇ ગઈ છે!

રાત્રે માહીર સૂઈ ગયા પછી અર્પિતા લેપટોપ ખોલીને બેઠી, અપડેટ કરવા છતાં ઈન્ટરનેટની સ્પીડ બહુ ઓછી થઇ ગઈ હતી. પાંચ વર્ષ થઇ ગયાં, પછી જૂનું તો થાય જ ને ? સૌરભ લાવ્યો હતો – લગ્ન પછી તરત જ. પ્રેગનન્સી વખતે તો દર અઠવાડિયે એના ફોટા પાડીને સેવ કરતો. એક ફાઈલ જ બનાવી નાખી હતી. અર્પિતા કહેતી, ‘તું તો ગાંડો થઇ ગયો છે.’ એ અર્પિતાની બાજુમાં સૂઈને એના ઉપસેલા પેટ ઉપર હાથ ફેરવ્યા કરતો, ‘આને તું ગાંડપણ કહે છે? ગાંડપણ તો તું જોજે જયારે હું મારા બાળકને પહેલીવાર હાથમાં લઉં ત્યારે, પહેલો મહિનો તો રોજ એના ફોટા પાડીશ, પછી અઠવાડિયે. રોજરોજનો એનો પ્રોગ્રેસ લખીને સેવ કરતો રહીશ. આઈ વીલ બી એ પરફેક્ટ ફાધર ફોર માય પરફેક્ટ ચાઈલ્ડ, એક્ચ્યુલી, મોર ધેન પરફેક્ટ. બે પરફેક્ટ વ્યક્તિઓનું ચાઈલ્ડ ડબલ પરફેક્ટ હોય ને ?’

માહીર જન્મ્યો પછી સૌરભ લગભગ પાગલ જ થઇ ગયો હતો – આનંદથી નહીં, આઘાતથી. ઈશ્વર માહીરના સાથળ નીચેના પગ બનાવવાનું ભૂલી ગયા હતા, પહેલીવાર અર્પિતાએ એને જોયો ત્યારે એ પણ બરાડી ઊઠી હતી, ‘ડૉકટર આના પગ ?’ અને પછી ચિત્તભ્રમ થયો હોય એવો પ્રશ્ન પૂછી બેઠી હતી, ‘અંદર તૂટી ગયા હશે ? નીચેનો ટુકડો અંદર તો રહી નથી ગયો ને ડૉકટર ? પ્લીઝ, જુઓ ને.’

સૌરભ એ પછી હોસ્પિટલમાં આવ્યો ન હતો, અર્પિતાને એના શબ્દો યાદ આવતા, ‘હું જિંદગીમાં ક્યારેય કશી અધૂરપ સ્વીકારી જ નથી શકતો. મને કોઈ વસ્તુ ટુકડા–ટુકડામાં ન ખપે. આઈ વોન્ટ ઇટ હોલ.’ જો કે હોસ્પિટલમાં અર્પિતા મન મનાવી લેતી હતી, ‘આ ઇનિશિયલ શાક છે, ધીરે ધીરે બધું બરાબર થઇ જશે.’

પણ કશું બરાબર ન થયું. અર્પિતા માહીરમાં, એના શરીરના જુદાં જુદાં પરીક્ષણો કરાવવામાં, ડૉકટરો સાથે વાતચીતમાં, ઈન્ટરનેટ ઉપર ઉપાયો શોધવામાં વ્યસ્ત થઇ ગઈ. એ વખતે જાણે એણે લગ્નજીવનને ખીંટીએ લટકાવી દીધુ હતું. સૌરભને અર્પિતાનો ટુકડાઓમાં મળતો પ્રેમ મંજૂર ન હતો. એણે નીલિમામાં પોતાના સંપૂર્ણ સુખને શોધી લીધું. અર્પિતાએ લેપટોપ બંધ કર્યું અને સૂતેલા માહીર સામે જોઈ રહી. ‘ચાર વર્ષનો થશે. જો સૌરભ જેવી હાઈટ થવાની હોય અને સંપૂર્ણ શરીર હોત તો અત્યારે આ ચાર બાય છ નો પલંગ અડધો રોકી લેતો હોત.

બીજે દિવસે તો એ નક્કી કરીનેઑફિસ ગઈ હતી ‘ આજે તો મોડે સુધી બેસીને પણ કામ પતાવી જ દેવું છે.’ સાહેબે અલ્ટીમેટમ આપ્યું હતું, ‘કાલ સવાર સુધીમાં આ ફાઈલ મને મારા કમ્પ્યુટરમાં જોઈએ.’ અર્પિતા કામ કરતી રહી. કામ પતાવીને, સાહેબને ફાઈલ ફોરવર્ડ કરીને બહાર નીકળી ત્યારે ચોમાસાનો પહેલો વરસાદ વરસતો હતો. નવ મહિનાથી આકાશની કેદમાં ઘરબાઈ રહેલું પાણી આભની છાતી ચીરીને પૂર જોશમાં બહાર નીકળ્યું હતું. ભાગી ગયેલા કેદીને શોધવા નભબત્તીઓના ચમકારા ચાલુ હતા અને પાછળ આવતા વાદળ-પોલિસ ના હોંકારા– પડકારા પણ. બોપલ જવાના બસ સ્ટોપ ઉપર કોઈ ન હતું. રસ્તા ઉપર પાણી પણ ભરાઈ ગયાં હતાં. બસો ચાલુ હશે કે કેમ ? બે વાર લતાબેનનો ફોન આવી ગયો હતો, એમને મોડું થતું હતું. પણ આટલે દૂરથી રીક્ષાના તો કેટલા બધા પૈસા થાય ? થોડી વાર તો બસની રાહ જોવી જ પડશે. માહીર શું કરતો હશે ?

અચાનક અર્પિતાને જોરથી ઊડેલા પાણીના છાંટાએ ભીંજવી દીધી. એક નવીનકોર ગાડી ત્યાં આવીને ઊભી રહી હતી. એક યુવાન એ ગાડીનું બારણું ખોલીને એને કહેતો હતો, ‘સવારે ઑફિસ આવતી વખતે ઘણીવાર તમને બોપલના બસ – સ્ટોપ ઉપર જોઉં છું. હું એનાથી થોડેક આગળ રહું છું. આવવું છે ?’

અર્પિતાએ શૂન્ય નજરે એના સામે જોયું.

‘આ સમયે, આવા વરસાદમાં, તમારા જેવી સુંદર સ્ત્રીને સ્વાભાવિક છે કોઈ ઉપર ભરોસો ન જ આવે, પણ બીલીવ મી, હું સારો માણસ છું. તમને ઘેર છોડી દઈશ.’

‘ઘેર છોડી દઈશ’ – વાક્યનો છેલ્લો ટુકડો અર્પિતાના મગજમાં પ્રવેશ્યો અને એ ગાડીમાં બેસી ગઈ.

‘હાય! હું મોહિત. અહીં આગળ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરું છું. તમારીઑફિસ પણ આટલામાં જ હોવી જોઇએ.’

‘મને ખ્યાલ છે રસ્તાઓ તૂટેલા છે, પણ તમે થોડી જલદી ગાડી ચલાવી શકો ?’

આખા રસ્તે મોહિતે ગાડી ચૂપચાપ ચલાવી. બોપલનું બસસ્ટેન્ડ આવ્યું એટલે ગાડી ઊભી રાખીને અર્પિતા સામે જોયું.

‘અહીં નહીં, થોડે આગળ, શિલાજિત બિલ્ડીંગ.’

‘ઓ.કે. હું આગળ પારિજાત માં રહું છું.’

‘બસ અહીં જ.’ અર્પિતા ઝડપથી ઊતરી, બિલ્ડીંગ તરફ દોડી, પછી યાદ આવતાં તરત પાછી ફરી. ગાડી ચાલુ કરતા મોહિતે, એનું રઘવાટમાં બોલાયેલું ‘થેન્ક્યુ’ સાંભળીને, સહેજ હસીને ગાડી આગળ લીધી.

અર્પિતા ઘરમાં ગઈ ને તરત લતાબેન નીકળી ગયાં. એમણે માહીરને જમાડીને સૂવાડી દીધો હતો. અર્પિતા મોં ધોવા ગઈ અને પેલા કાન ઉપર લટકી રહેલાં શબ્દો ધીરે ધીરે એના કાનમાં પ્રવેશ્યાં, ‘તમારા જેવી સુંદર સ્ત્રી…રોજ તમને જોઉં છું.’ સુંદર ! એટલે શું ?

‘સુંદર’ શબ્દ એને છેલ્લો ક્યારે સ્પર્શ્યો હતો ? માહીરના જન્મ પછી હતાશ સૌરભને એણે એકવાર કહ્યું હતું, ‘તું એકવાર આની સામે તો જો ! એનો ચહેરો કેવો સુંદર છે ! આજ કાલ મેડિકલ સાયન્સ કેટલું આગળ વધ્યું છે ! માહીરના પ્રોબ્લેમનો પણ કોઈ ઉપાય તો હશે જ.’ ત્યારે સૌરભે એને કહ્યું હતું, ‘સુંદર માય ફુટ ! એન્જિનિયર છું અર્પિતા. એટલું તો સમજું છું કે સારી વસ્તુ બગડે તો ગમે તે રીતે રીપેર થઇ શકે, પણ મેન્યુફેક્ચરીંગ ડિફેકટ હોય તો – “મેન્યુફેક્ચરીંગ ડિફેકટ” બોલતે એણે ખાસ અર્પિતાની આંખોમાં જોયું હતું – મેન્યુફેક્ચરીંગ ડિફેકટ હોય તો કંઈ જ ન થઇ શકે. એવી વસ્તુ તો કંપનીએ પાછી જ ખેંચવી પડે’ પછી સૌરભ કંઇક વિચિત્ર રીતે આમતેમ હાથ હલાવતા માહીર તરફ જોઈ રહ્યો હતો. અર્પિતા કંપી ઊઠી હતી, એ પછી એણે ક્યારેય માહીરને સૌરભ પાસે એકલો ન હતો છોડ્યો.

જો કે સવારે ઑફિસ જતા સુધીમાં તો ‘તમારા જેવી સુંદર સ્ત્રી’– એ શબ્દોએ અર્પિતાના મગજમાં પગદંડો જમાવી દીધો હતો. રોજ લતાબેનની પાછળ ફરી ફરીને એમને સૂચનાઓ આપતે આપતે પોની બાંધતી અર્પિતાએ આજે અરીસા સામે ઊભા રહીને એમને સૂચનાઓ આપી. અરીસો પણ હરખાયો, આજે કેટલા વખતે આ રૂપાળી સ્ત્રીએ એના અંતરમાં ડોકિયું કર્યું હતું !

પછી તો લગભગ રોજ જ સવારે અર્પિતાને જોઇને મોહિતે ગાડી ઊભી રાખવા માંડી. સાંજનો સમય પણ ઘણી વાર સાથે થઇ જતો. અર્પિતાના ચહેરાએ મેકઅપનો નવેસરથી પરિચય કર્યો. માહીરને કેન્દ્રમાં રાખીને ફરતી અર્પિતાના જીવનવર્તુળના પરિઘ ઉપર મોહિત નામનું એક નવું બિંદુ ઊમેરાઈ ગયું હતું. અર્પિતાની માહીર સુધી લંબાયેલી ત્રિજ્યાની સામે એ બિંદુ પણ લંબાઈને કોઈ કોઈ વાર કેન્દ્ર સુધી આવી જતું. અર્પિતાને લાગતું કે એ બે ત્રિજ્યા મળીને એક વ્યાસ બની જાય છે જેની વચ્ચે માહીરનું બિંદુ હોય છે. મોહિત અવારનવાર અર્પિતાને ઘેર પણ આવતો, માહીરને લાડ કરતી અર્પિતાને જોયા કરતો, કૉફી પીતો અને ચાલ્યો જતો. એક અનંત લાગતી અંધારી ટનલમાં ઓચિંતું એક ચાંદરણું ઊતરી આવ્યું હતું અને એણે ટનલને અજવાળી દીધી હતી. અર્પિતાને તો ક્યારેક ટનલને છેડેથી આવતી રોશની પણ દેખાઈ જતી.

એ દિવસે પણ મોહિત આવ્યો હતો. વાતો થોડી વધારે લંબાઈ ગઈ. કૉફીથોડી વધારે સ્ટ્રોન્ગ થઇ ગઈ અને કોફીની સુગંધ પ્રસરતી પ્રસરતી બીજા બેડરૂમ સુધી પહોંચી. એ બેડરૂમનો પલંગ તો ખુશીથી મહેક મહેક થઇ ગયો. કેટલા લાંબા સમય પછી આજે એને માણસોનો સહવાસ સાંપડ્યો હતો! અર્પિતાને લાગતું હતું કે વર્ષો પછી આજે કદાચ પહેલીવાર એ ટુકડાઓમાં વહેંચાયેલી ન હતી. શરીર, મન, બધું એક જ જગ્યાએ હતું.

ત્યારે જ અચાનક માહીરનો જોરથી રડવાનો અવાજ આવ્યો અને ગળામાં ગાઉન નાખતી અર્પિતા બાજુના બેડરૂમમાં દોડી. ઊંઘમાં રગડીને માહીર નીચે પડી ગયો હતો. કાયમ એની આડશ થઈને સૂતી અર્પિતાને આજે તકિયાની આડશ મૂકવાનું સૂઝ્યું જ ન હતું. અર્પિતાએ જોરજોરથી રડતા માહીરને ઊંચકીને એને માથે હાથ ફેરવ્યો. માથાના પાછળના ભાગમાં એક મોટું ઢીમડું થઇ આવ્યું હતું. ને પાછળ પાછળ આવેલા મોહિતના હાથમાં રડતા માહીરને મૂકીને અર્પિતા અંદર બરફ લેવા દોડી.પાછી આવી ત્યારે મોહિત ન હતો અને માહીર પથારીમાં અમળાતો હતો.

અર્પિતાએ માહીરના ઢીમડા ઉપર બરફ ઘસ્યો અને ક્યાંય સુધી એના ટુકડા શરીર ઉપર હાથ ફેરવતી ફેરવતી હમણાં જ ખુલીને બંધ થયેલા બારણા સામે તાકતી રહી. બહાર ઓચિંતું મેઘ – તાંડવ ચાલુ થયું હતું. વીતી ગયેલી તોફાનની ઋતુ પાછી આવી ? આકાશને દઝાડીને સળગતા તીરની જેમ નીચે આવતી વીજળીઓ બંધ બારણાની અપારદર્શકતાને વીંધીને અર્પિતાના ભડભડતા કાળજામાં વધારે આગ હોમી જતી હતી. એની પાછળ આવતો, સિંહોની ગર્જના જેવો વાદળોનો ગડગડાટ એના હૃદયમાં ઘૂસીને ત્રાડો નાખતો હતો. હાથીની સૂંઢ જેવી મેઘની ધારાઓ અર્પિતાની કોરી આંખોની જમીનમાં વિલીન થઇ જતી હોય એવું લાગતું હતું. પવનના ભારેખમ હાથ પૂરાજોશથી બારણાને હચમચાવતા હતા. પંચ મહાભૂતોએ કોની સામે જંગ આદર્યો હતો ?

આ શું ? બારણામાં અનેક તિરાડો પડીને એ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું હોય એવું કેમ અર્પિતાને દેખાવા માંડ્યું ? એને લાગતું હતું કે એ તિરાડોમાંથી ધીરે ધીરે રૂમની હવા બહાર ખેંચાવા માંડી હતી. આખા અસ્તિત્વ ઉપર આ દબાણ શેનું હતું ? એ દબાતી ગઈ, ભીંસાતી ગઈ,પીસાતી ગઈ, પછી રજરજ થઈને બારણાની તિરાડોમાં ભરાઈ ગઈ.

-શ્રી ગિરિમા ધારેખાન

Leave a Reply