Dr. Nimit Oza

મમ્મી

મને હજી પણ એ દિવસો યાદ છે. મમ્મીને કામ ૧૮ કલાકનું રહેતું અને પગાર ફક્ત છ કલાકનો મળતો. એ છ કલાક જે બેંકમાં પસાર થતા. બાકીના ૧૨ કલાક મમ્મીને ઘરે કામ રહેતું. હું એને ‘ઈનવીઝીબલ લેબર’ કહીશ.

ઓનેસ્ટલી સ્પીકીંગ, કઈ મમ્મી ‘ઈનવીઝીબલ લેબર’ નથી કરતી ? મમ્મીના ‘અનપેઈડ અવર્સ’નો હિસાબ માંડીએ અને એ કલાકોની ચુકવણી કરવાનો ફક્ત વિચાર કરીએ ને, તો ય આપણી આખી ઈકોનોમી ઉપર આવી જાય. લોકડાઉનના સમયમાં જેની જવાબદારીઓ કોવીડ-૧૯ના કેસીસની જેમ વધતી જાય, એ મમ્મી પર ફૂલોનો વરસાદ કોણ કરશે ? એના માટે થાળીઓ કોણ વગાડશે ? વર્ષોથી જે રોજ સાંજે ટ્યુબલાઈટ કરતા પહેલા પાણીયારા પાસે દીવો કરે છે, એના માટે ફ્લેશલાઈટ કોણ ઓન કરશે ?

પપ્પા જ્યારે લોકડાઉનના સમયમાં પતિઓની હાલત વિશેના મીમ્સ અને જોક્સ ફોરવર્ડ કરતા હોય છે, એ સમયે પણ મમ્મી તો કામ જ કરતી હોય છે. મમ્મીએ ક્યારેય ફોટા નથી પડાવ્યા. રસોઈ કરતા, કપડા-વાસણ કરતા, કચરા-પોતા કરતા. તો પછી પપ્પાએ કેમ પડાવ્યા ? ઓહ, કારણકે કદાચ પપ્પા ‘આઉટ ઓફ ધ વે’ જઈને ઘરનું કામ કરતા’તા એટલે. પપ્પાએ ઘરમાં કામ કરતા પોતાના ફોટોઝ એટલા માટે અપલોડ કર્યા કારણકે તેઓ એ કામ કરી રહ્યા હતા Which he was not supposed to do. એ કામ તો બેઝીકલી મમ્મીને ‘અસાઇન’ થયેલું હતું !

મમ્મીએ ક્યારેય પોતાની સ્ટોરી કે સ્ટેટ્સમાં ‘વર્કિંગ ફ્રોમ હોમ’ કે ‘વર્કિંગ એટ હોમ’ અપલોડ જ નથી કર્યું. કારણકે કદાચ, મમ્મી ઘરકામને પોતાની ડ્યુટી સમજે છે. રોજ સવાર-સાંજ ઘરનું કામ કરીને મમ્મી ઘરને કે ઘરના સભ્યોને ‘ઓબ્લાઇજ’ નથી કરતી. ધેટ્સ વ્હાય, એ ફોટા નથી મુકતી.

ઘરમાં કરેલા કામને ‘સર્વિસ’ કહો તો એ મમ્મી છે અને ‘ઓબ્લીગેશન’ કહો તો એ પપ્પા. આપણે ત્યાં ડીવીઝન ઓફ લેબર થોડી અનફેર તો છે જ. ઘર ‘આપણું’ પણ ઘરકામ ‘આપણું’ નહીં. ‘મેઈનટેઈન’ કરવાની જવાબદારી વર્ષોથી મમ્મીના માથે જ આવી છે, પછી એ ઘરનું મેઈન્ટેનન્સ હોય કે પોતાના ફિગરનું. બગડવું કશું ન જોઈએ.

કોવીડ-૧૯ના યુગમાં સૌથી મોટી કોરોના વોરીઅર મમ્મીઓ છે. ઘરમાં પુરાયેલા, રઘવાયા અને ફ્રસ્ટ્રેટ થયેલા, ગમે ત્યારે ભૂખ્યા કે ઈરીટેટ થઈ જતા લોકોને સાચવ્યા છે એણે. જ્યારે વિશ્વ, ઈકોનોમી, ટ્રાન્સપોર્ટ અને બીઝનેસ ભાંગી ચુક્યા છે, એ સમયમાં ઘરને અકબંધ, અડિખમ અને અખંડ રાખવાનું કામ મમ્મીએ કર્યું છે. મમ્મી આ જગતની સૌથી મોટી ‘શોક એબ્ઝોર્બર’ છે. ફક્ત શોક જ નહીં, ‘શોખ એબ્ઝોર્બર’ પણ.

એ ક્યારેય નહીં માંગે એના ‘અનપેઈડ અવર્સ’નો હિસાબ. કારણકે જ્યાં હિસાબો પુરા થતા હોય છે, મમ્મી ત્યાંથી શરૂ થતી હોય છે. એનું ગણિત કાયમ કાચું જ રહેશે. કારણકે જેને ફક્ત આપવું જ છે, એણે શેનો હિસાબ રાખવાનો ?

એને ફેર નથી પડતો ‘મધર્સ ડે’ના સેલિબ્રેશનથી. એના વિશે લખાયેલી કવિતાઓ, આર્ટીકલ્સ કે ફોટાથી. એને ફક્ત એના સંતાનો અને એમની તબિયતથી નિસબત છે. સંતાનોનો હસતો ચહેરો જોઈને રોજ પોતાના મનમાં એ સિક્રેટલી ઉજવી લેતી હોય છે, ‘મધર્સ ડે.’

-ડૉ. નિમિત્ત ઓઝા (પોતાના કુટુંબની ઈચ્છા માટે પોતાનું બધું જ ન્યોછાવર કરી દેનાર અને બદલામાં કશું જ ન માંગનાર એક ઈમોશનલ પ્રાણીને ‘મમ્મી’ કહેવાય છે.)

Categories: Dr. Nimit Oza

Leave a Reply