SHORT STORIES / लघु-कथाए

નાયણ જીવણ

નાયણ જીવણ

વાલજી વશરામે કેટલીએ બાધાઓ ને માનતાઓ રાખ્યા પછી એમનાં લગ્નના સાતમે વર્ષે વાંઝિયામેંણું ભાંગવા આવેલી ભગલી ઉર્ફે ભગવતી. આવી તો આવી પણ, પાછળ બીજા ત્રણ ભાઈઓ લેતી આવી. એવી રીતે એ કંકુવરણાં પગલાંવાળી ને નસીબવંતી સાબિત થઈ. રાધનપુરના ખમતીધર ને સમાજના મોવડી એવા પ્રભુરામના દીકરા રમલા ઉર્ફે રમેશ જોડે એના જન્માક્ષર મળી ગયા ને સગપણના નાળિયેરની લેવડદેવડની વિધી પુરી થઈ ગઈ. રૂપરૂપનો અંબાર ને સાત ચોપડીઓ ભણાવેલી ભગીનાં તો જાણે આઠેય દ્વાર ઉઘડી ગયાં. નાના ગામડાની છોડીનો સબંધ રાધનપુર જેવા શહેરના નગરશેઠના ઘરે થયો આથી ભગીના બાપા વાલજી વશરામનાં તો નાતમાં ને ગામમમાં માનપાન વધી ગયાં.

શેરી વચ્ચે પડેલા પોદળા પર પોતાનો હક્ક જમાવવા પોદળાની ફરતે કોઈ લિટુ કરે તેમ પોતાની દીકરીનો સબંધ સુખી ઘરે કરવા ઇચ્છતા, કેટલીએ કન્યાઓના સાધનસંપન બાપ પ્રભુરામના ઘર પર ટાંપીને બેઠા હતા. ને તેવામાં આ ગામડામાં ઢેકપાંનશેરી કરી સાંજ પડે માંડ દસ-બાર રૂપરડીનો વેપલો કરતા વાલજી વશરામ મેદાન મારી ગયા. જેથી સમાજના અદેખાઓ અને વાંકાદેખાઓ કહેવા લાગ્યા કે, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી ! તેમ છતાં ભગીનાં ભાગ્ય જોર કરી ગયાં ને એનું સગપણ રાધપુરના પ્રભુરામને ઘેર થયું એ ચોખ્ખી દીવા જેવી વાત હતી.

રમલાને ભગી ગમી ગઈ પછી તો રમલાના માબાપ -શેઠ પ્રભુરામ ને શેઠાણી રમાગૌરીએ વાલજી વશરામ સમક્ષ કેટલીએ શરતો મૂકેલી. જુઓ વેવાઈ અમારે રમેશની જાન બાર ગાડાં ભરીને આવશે. જાનનો ઉતારો ગામમાં કોઈના સગવડવાળા માઢમાં આપજો. ઊઠવા બેસવા સારા ખાટલા ને ઢોલિયા ઢળાવજો ને રુવલ ગાદલાં પથરાવજો. જાનૈયાને નાવા-ધોવાની સગવડ જોઈશે. જાન જમીને ઉઠે એ ટાણે બે-ત્રણ જાતના મુખવાસ, પાન બીડાં, સોપારી ને ધોળી સિગરેટની ને પાંદડાની બીડીઓની સારી એવી ખપત થાશે. ખાટલા-પાટલા, ગાદલાં, ગોદળાં, મંડપ બધું કડેઘડે હોવું જોઇએ. કોઈ મૂંઝવણ હોય તો અમને બે દિવસ પહેલાં કહેવડાવજો. કરિયાવર ઓછો આપશો તો ચાલશે પણ જાનમાં આવનાર અમારા મહેમાનોને સાચવવામાં કોઈ વાતની ખામી ના આવવી જોઈએ.

નાના ગામડાની ભગીનો સબંધ રાધનપુર જેવા શહેરના નગરશેઠના ઘરે થયો. ને બે વર્ષમાં તો વાલજી વશરામના નસીબ આડેથી પાંદડું ખસી ગયું. કાલાં-કપાસના ધંધામાં તેજી આવીને વાલજી વશરામ બે પાંદડે થઈ ગયા. સમાજમાં તેમની એક મોટા માથા તરીકેની ગણતરી થવા લાગી. ને પોતાના ગામમાં પણ પાંચમાં પૂછાવા લાગ્યા.

ને છેવટે એ પ્રસંગ આવી પણ ગયો. સગેવહાલે લગ્નની કંકોતરીઓ વહેંચાઈ ગઈ. ગામમાં ઘેર ઘેર આમંત્રણ અપાઈ ગયાં. બહાર ગામથી આવનારા મહેમાનો આવી ગયા. માંડવો રોપાઈ ને ગયો ભગવતીનાં લગ્નમાં ગામ આખું હેલે ચડ્યું.

વાલજી શેઠના ઘરની બાજુના વાડામાં વીઆઇપી ઢબનો માંડવો બાંધઈ ગયો ને બાજુમાં જ ઊભા કરેલ રસોડામાં કંદોઈઓ ને રસોઇયાઓ જાતજાતની ને ભાતભાતની મીઠાઈઓ ને ફરસાણ બનાવવામાં લાગી ગયા. ગામના યુવાનોએ રસોડાનું ને મહેમાનોને પીરસવાનું કામ ઊપાડી લીધું.

જાનનો ઉતારો ગામના માધુ પટેલના બે વીઘા જેવડા મોટા ડેલામાં અપવામાં આવ્યો હતો. જેમાં આઠ-દસ ઓરડા ને બે-પાંચ એકઢાળીયાં, ત્યાં સાગ-સિસમના ઢોલિયા ઢળાઇ ગયા. સાંજે મામેરું ભરાઈ ગયું કે તરતજ વાજતેગાજતે જાન આવી ગઈ.

સામૈયું થઈ ગયા પછી જાનૈયા ઉતારે આવી આરામ કરવા લાગ્યા. પ્રભુરામ નગરશેઠનો પથારો બહુ મોટો એટલે જાનમાં માણસો પણ બહુ ઘણાં આવેલાં. વરવેલ એક સ્પેશિયલ મોટરગાડીમાં હતી પણ જાનમાં બાર ગાડાને બદલે સોળ ગાડાંનાં માણસો આવેલાં. વાલજી વશરામ ને તેમના સાળાઓ તેમજ ગામના આગેવાનો જાનના ઉતારે આવી રિવાજ મુજબ પ્રભુરામ શેઠ ને જાનૈયાને મળીને કહુંબા-પાણી કરી ગયા.

કેટલાક તો ઉતારાની વ્યવસ્થા જોઈ છક થઈ ગયા. ખણખોદિયાને પ્રભુરામે સાથે વેવાઈપણું કરવાનું ચુકી ગયા હતા તે તો મોંમાં આંગળા નાખી ગયેલા. પેટ્રોમેક્સના ઝગારા ને ઢોલના ઢબકારાની સાથે રાત્રે જાન રસોડે જમવા
આવી.

મોટાભાગના મહેમાનો જમવા બેસી ગયા છે ને ગામના યુવાનો અને વાલજી વશરામના દીકરાઓ જાનૈયાઓને દબાણ કરી કરીને ઘણા ભાવથી જમવાનું પીરસી રહયા છે. વરરાજા ને અણવર મિત્રો સાથે આમતેમ લટાર મારી રહયા છે. કેટલાકતો જમવાનું પતાવી ને પાન-બીડાનો ટેસડો મારી રહ્યા છે. એક બાજુ વાલજી વશરામ ને વેવાઈ પ્રભુરામ સાજનમાજન સાથે ડાયરો જમાવીને વાતોના તડાકા કરી રહ્યા છે.

એવામાં કોઈએ પૂછ્યું, ” કેમ ભાઈ નાયણ જીવણ નથી ?” બીજાએ સાંભળ્યું ને એ પણ બોલ્યો, ” નાયણ જીવણ વગર તો ના ચાલે.” ઘડીકમાં તો કાગારોળ મચી ગઇ! ” અલ્યા ભાઈ જુઓ આ વેવાઈનું ડીંડવાણું, આવડા મોટા ઘરની જાન તેડાવી છે ! મોટો જગન આદર્યો છે ને રસોડે નાયણ જીવણ નથી આવું તે કેમ ચાલે !” જે જાનૈયાને જમવાનું બાકી હતું એ બોલ્યા, ” નાયણ જીવણ વગરતો જમાય જ કેમ ? નથી જમવું અમારે.”

વાત વણસી ગઈ, હો હા થઈ ગઈ. ‘નાયણ જીવણ વગર મહેમાનો નારાજ થઈ ગયા છે. જમવાની ના પાડે છે’ વાત વાલજી વસરામને, વેવાઈ પ્રભુરામના કાન સુધી પહોંચી ગઈ. પ્રભુરામ પોતાના મહેમાનોને નારાજ થતા જોઈ રાતાપીળા થઈ ગયા. એ બોલ્યા, “જુઓ વેવાઈ મેં તમને કહ્યું હતું ને કે તમે તમારી દીકરીને કરિયાવર ઓછો આપશો તે ચાલશે પણ મારા મહેમાનો બરાબર સચવાવા જોઈએ. તમે એટલું પણ ના કરી શક્યા?” મામલો ગંભીર બની ગયો.

દૂધમાંથી પોરા શોધી કાઢવાવાળા રંગમાં આવી ગયા ને મૂછમાં મલકાઈને એકબીજા સામે ઈશારા કરીને તમાશો જોવા લાગ્યા. “ઝીણી ઝીણી બાબતની ગણતરી કરી હતી, તોયે સાલી ખામી રહી ગઈ ?” વાલજી વશરામ સ્વગત બબડયા. તેમનો જીવ અધ્ધર થઈ ગયો. એ ઊભા થયા ને જે જમવાની ના પાડતા હતા એમની માફી માગવા લાગ્યા, “હશે વડીલ અમારું ગામ નાનું એકાદ સગવડ ના સચવાણી હોય તો માફ કરો.” એમને તો એમના વેવાઈ પરભૂરામની બહુ ચિંતા હતી. એતો બિચારા હાંફળા ફાંફાળા થઈ ગયા.

આ સમયે ગામનો પરસોતમ ડાવર પણ રસોડે હાજર હતો. તે વાલજી વશરામના કાલાવાલા સાંભળી રહ્યો હતો. ગામનો ડાવર એટલે અઢારેય કોમની જાનમાં એ જઇ આવેલો. કઈ કોમના જાનૈયાઓની કેવી કેવી આદતો હોય ને તેમને કેવા કેવા ટેસડા કરાવા જુએ? કયા વિસ્તારમાં કઈ બીડીનું ચલણ વધારે એ બધી વિગતથી એ માહિતગાર હતો. એતો ધીમે રહીને રસોડેથી સરકીને ઉપડી ગયો ઘેર. થોડી વારે એતો પોતાને ઘેરથી એક મોટો થેલો લઈને આવ્યો રસોડે. હજુ પણ તેના કાને અથડાતું હતું, “નાયણ જીવણ નથી તો જમવું પણ નથી”

પરસોતમ જ્યાં ધોળી સિગરેટો ને બીડીઓ મુકેલી હતી તે ખાટલે આવ્યો ને પોતાના થેલામાંથી ‘ નાયણ જીવણ ‘ છાપ બીડીના બે ત્રણ બાંધા ખાટલા પર નાખતાં બોલ્યો, ” લ્યો ટટકારો આ તમારી નાયણ જીવણ બીડી.”

પરસોતમે આમ સમય પારખીને અદેખાઓએ જે નાયણ જીવણ બ્રાન્ડ બીડી માગી હતી તે પોતાના ઘરેથી લઈ આવ્યો ને તેમની બોલતી બંધ કરી દીધી ને ભગીના હસ્તમેળાપ કોઈ પણ જાતના વિઘ્ન વગર રંગેચંગે પતી ગયા.

-સરદારખાન મલેક
સિપુર તા. શંખેશ્વર જી.પાટણ
94269 31781

Leave a Reply