Swati Medh

કનુ, કાનુડો, કનૈયો

વાર્તા : કનુ, કાનુડો, કનૈયો

સ્કૂલની નોકરીમાંથી હું હમણાં જ રિટાયર થઈ હતી. વર્ષોથી સવારના સાતથી બપોરના ત્રણ સુધીની રોજની આવનજાવનથી ટેવાઇ ગયેલાં મગજ અને શરીરને ઘરમાં બેસી રહેવાનો અનુભવ નવો લાગતો હતો. ગૃહજીવન નિયમિત હતું અને નિરાંતનું હતું. દિવસો શાંતિથી પસાર થતા હતા. બપોરની શાંતિ પણ મજાની લાગતી હતી. એક બપોરે અમારે ત્યાં ઘરકામ કરવાવાળા ગૌરીબેન એમની સાથે પંદરેક વર્ષના લાગતા એક છોકરાને લઈને આવ્યાં. ‘આ મારી બેનનો છોકરો છે. ગામડેથી આવ્યો છે. એને કામ શીખવાડવાનું છે. હવે રોજ એ મારી સાથે આવશે. એનું નામ કનુ છે.’ એમણે મને ઓળખાણ કરાવી.

કનુ નાના કદનો, પાતળો સરખો, ગોરો, માથે કાળા ભમ્મર વાળ, એવી જ કાળી આંખો અને હસતા ચહેરાવાળો દેખાવડો છોકરો હતો. એણે મને નમસ્તે કર્યા. ‘આવો આ નવ ચોપડી ભણેલો છે.’ ગૌરીબેને રાજી થતાં કહ્યું. ‘મારું નામ કનૈયો છે. મારી બા મને કાનુડો કહે છે. અહીં બધા મને કનુ બોલાવે છે.’ વગર પૂછે કનુએ પોતાની ઇન્ટ્રો આપી. ‘બસ હવે વાતો બંધ કર’. એની માસીએ વઢીને કહ્યું. કનુ ચૂપ થઈ ગયો. એ બંને રસોડામાં જતાં રહ્યાં. કામ પતાવીને જતી વખતે કનુએ મારી સામે સ્મિત કર્યું. રમતિયાળ એ છોકરો મને ગમી ગયો. કદાચ એને ય હું ગમી હતી.

થોડા જ દિવસમાં એ કામ શીખી ગયો. ગૌરીબેને મારી રજા લઈને મારું કામ એને સોંપી દીધું. મને ય કશો વાંધો નહોતો. સમયસરતા એ મારો આગ્રહ. હું શિક્ષિકા હતી ને? શિસ્ત પણ મને ગમે. કનુ કામ કરતો જાય અને ગીતો ગાતો જાય. એક દિવસ એ ગાતો હતો, ‘તૂ ચીજ બડી હે મસ્ત મસ્ત,’ મેં ઘાંટો પાડીને કહ્યું, ‘એવા ગીતો નહીં ગાવાનાં…’ કનુ ગાતો બંધ થઇ ગયો. ‘તારે ગાવા હોય તો સારા ગીતો ગા.’ કનુ તાળીઓ પાડતો ગાવા માંડ્યો, ‘રઘુપતિ રાઘવ રાજારામ…’ શી ખબર કેમ હું હસી પડી.

મેં આ જ ઉંમરના છોકરાઓ અને છોકરીઓને ભણાવેલા. અળવીતરાઈ એમનો સ્વભાવ હોય. એમનામાં હજી બાળકપણું હોય અને કોઇની વાત જલ્દી ન માનવી એવી અર્થહીન જીદ પણ હોય. કનુ ભલે ઘરકામ કરવાવાળો હતો પણ હતો’તો હજી બાળક જ. મને હસતી જોઈને એ પણ હસી પડ્યો. એ હાસ્યએ અમારા બે વચ્ચે એક સેતુ રચી દીધો. કનુ મારી સાથે બહુ વાતો કરતો. પોતાના ગામની, ઘરની, હવે છૂટી ગયેલી નિશાળની, એના સાહેબોની વાતો. નવ ચોપડી પણ એ સારી રીતે ભણેલો હોય એવું લાગતું. અમારી વચ્ચે રચાયેલો સેતુ મજબૂત બનતો હતો. જો કે મારા ઘરના સભ્યોને કનુનું વાતોડિયાપણું કઠતું પણ ઘરમાં મોટેભાગે હું એકલી જ હોઉં ને અમે બે ય મોજથી વાતો કરીએ.

થોડા દિવસ પછી એક વાર કનુએ કહ્યું, ‘તમે મને મારી દાદી જેવા લાગો છો. મારી દાદી તમારા જેવી જ છે. હું એને બહુ ખિજાવું. એ ખિજાય તો મને બહુ મજા આવે. હું તમને દાદી કહેવાનો.’ વગર પૂછયે એણે સંબોધન બદલી નાખ્યું. કનુ શિષ્ટતા નહોતો સમજતો કે શિસ્ત પણ નહોતો જાણતો. ઘણી વાર મને ખીજ ચડતી. થતું, આને કાઢી મૂકું.

ગૌરીબેને મને કનુના ઘરની વાત કરેલી. કનુનો બાપ ખેતમજૂર હતો. છતાં ય છોકરાંને નિશાળે મોકલતો. એને કનુ દસમી પાસ કરે એવી ઇચ્છા હતી પણ અચાનક જ એ ગુજરી ગયો. કનુ સૌથી મોટો હતો. એની સાથે બીજો એક ભાઈ હતો અને ત્રણ નાની બહેનો. દાદી હજી જીવતી હતી. એક મા જ કામ કરી શકે એમ હતી. કનુની માએ બે ય છોકરાઓને નિશાળેથી ઉઠાડીને અહીં મોકલી આપ્યા હતા. કનુને ભણવું બહુ ગમતું હતું. ઘર સફાઈ કરતી વખતે એ છાપું વાંચવા ઊભો રહી જાય અને હિન્દી અને ગુજરાતીમાં કયા અક્ષર જુદા પડે છે એ શોધીને મને દેખાડે. ‘જુઓ દાદી આ ‘ચ’ છે ને? ચિંતા લખ્યું છે ને? અમને તરત ખબર પડી જાય. પહેલો નંબર છીએ અમે.’ એ વટથી બોલતો. એ વખતે એના ચહેરા પરનો આનંદ! બહુ જોયા’તા મેં એવા નાની અમથી સફળતાથી હરખાઈ ઉઠતા કિશોર ચહેરા. કનુ એમના જેવો જ હતો.

દસમા ધોરણનું પરિણામ બહાર પડ્યું. મારા વિદ્યાર્થીઓ મને મળવા આવતા. છોકરાઓ મને ‘મેડમ’ કહે, પ્રણામ કરે. ચોકલેટ, મીઠાઈઓ લઈ આવે. પોતાના કેરિયરના પ્લાન્સ કહે. કનુ એ વખતે કામ કરતો હોય તો આ બધું જોયા કરે. ક્યારેક તો કામ કરતો અટકી જાય અને ખૂણામાં ઊભો રહીને અમારી વાતો સાંભળે. એની નજરમાં મને એક અધૂરી રહી ગયેલી ઇચ્છા દેખાતી. જાણે પોતે રહી ગયો એવો ભાવ દેખાતો. એક કહી ન શકાય એવી પીડા દેખાતી. એક વાર એ બોલી ગયો, ‘મારો બાપો મરી ગયો. નહીં તો હું ય દસવી પાસ થઇ જાત ને ડ્રાઈવરી શીખત.’ એના અવાજમાં દર્દ હતું પણ એ તરત જ હસતો હસતો ગાવા માંડ્યો. ‘મન્નુંભાઈની મોટર ચાલે પમ પમ પમ…’ બે હાથમાં સાવરણી પકડીને મોટરના સ્ટિયરીંગ વ્હીલની જેમ ફેરવતો ગાતો ગાતો અંદર જતો રહ્યો. એને કદાચ મારી સામે આંસુ નહોતા પાડવા. મોટો છોકરો હતો ને!

બીજે દિવસે એણે મને પૂછ્યું, ‘દાદી તમે ટીચર છો?’

‘હતી, હવે નથી.’ મેં કહ્યું.

‘ટીચરને મેડમ કહેવાયને? હું તમને દાદીમેડમ કહેવાનો.’ વગર પૂછયે કનુએ બીજી છૂટ લઈ લીધી.

કનુને કામ કરવા કરતાં વાતો કરવી વધારે ગમતી. દિવસમાં ત્રણ વાર આવે અને કામ કરવા કરતાં વાતોમાં સમય વધારે કાઢે. કામ પણ એ સરસ કરતો. ઝડપથી કામ પતાવવાના નુસખા એ શોધતો જ રહે. ‘કામ તો આમ થઈ જાય.’ એ ચપટી વગાડીને બોલતો. એનો આત્મવિશ્વાસ ગજબ હતો. એ સાચે જ આવા ઘરકામ કરવાને લાયક નહોતો. કશુંક વધારે પડકારનું કામ એને મળવું જોઈતું હતું. ગરીબી અને વિપરીત સંજોગોએ એની આવડતનો વિકાસ અટકાવી દીધો હતો.

એક દિવસ મેં કનુને પૂછ્યું, ‘તું બહારથી પરીક્ષા આપીને દસમી પાસ કરી લે તો હું તને ઓફિસમાં નોકરી અપાવું.’

‘દસમી પાસ કરું? ને ઓફિસમાં નોકરી?’ આટલું બોલીને એ અટકી ગયો. એણે કામ કરવાનું ચાલુ રાખ્યું પણ એકદમ ચૂપ થઈ ગયો.

બીજે દિવસે એ આવ્યો. હું છાપું વાંચતી બેઠી હતી. પોતું કરતાં કનુ મારી પાસે આવ્યો જાણે ખાનગી વાત કરતો હોય એમ કહે, ‘દાદીમેડમ, તમે કહ્યું ને એટલે હું છે ને દસમી પાસ કરીશ. પણ નોકરી નહીં કરું. ડ્રાઈવરી શીખીશ ને પછી દુબઈ જવાનો. કોઈને કહેશો નહીં. મારી માસી જાણશે તો મારા માસા મને મારશે.’ વડીલોને મુગ્ધાવસ્થાનાં સ્વપ્નોને કચડી નાખતાં સારું આવડતું હોય છે. વળી આ તો ગરીબ ઘરનો કમાઉ દીકરો એનાથી સપનાં જોવાય? ને જુએ તો ય કોઈને કહેવાય?

મને કનુની વાતથી નવાઈ લાગી. મેં પૂછ્યું ‘તને કોણ લઈ જાય દુબઈ?’

‘હું તો જવાનો.’ એ બબડતો હોય તેમ બોલ્યો. મેં વાતને હસી કાઢી. મને થયું મારી ટીચરગીરી મારે અહીં નહોતી લગાડવી જોઈતી. પરંતુ બીજ રોપાઈ ચૂક્યું હતું. કનુના તોફાન તો એમ જ ચાલતાં પણ કોઈ વાર એ જરા ગંભીર થઈ જતો. કનુની મહત્ત્વાકાંક્ષા જાગી ગઈ હતી. એનો અજંપો વધતો હતો.

એક દિવસ ગૌરીબેન આવ્યાં. ‘બેન, કનુ બહુ તોફાન કરે છે? એની બધા બહુ ફરિયાદ કરે છે. બધા કહે છે કે એ મોટેથી ગીતો ગાય છે ને જાતજાતની વાતો કરે છે ને ટીવી જોવા ઊભો રહી જાય છે ને છોકરાંઓની ચોપડીઓને અડકે છે વગેરે વગેરે.’ ગૌરીબેને જે વાતો કરી એમાં કનુની રોજની રીતોનું જ વર્ણન હતું. ફેર એટલો હતો કે હું એને એક તરવરાટભર્યા કિશોરની રીતો માનીને અવગણતી હતી. બીજા લોકોને માટે એ નોકરથી ન કરાય એવું વર્તન હતું.

મેં કહ્યું, ‘વાંધો નહીં, મોટો થશે સમજી જશે.’

‘બહુ ડાહ્યો હતો એ તો. પણ એના બાપા મરી ગયા ને એને નિશાળ છોડાવી એમાં આવો તોફાની થઈ ગયો.’ વાતની મૂળ રગ હવે હાથમાં આવી. કનુ એક હતાશ ટીનેજર હતો. એની ઉર્જા એ તોફાનમાં કાઢતો હતો. ‘તમને તો વાંધો નથી ને એ કામ કરે તો?’

‘ના.’ મેં જવાબ આપ્યો. ‘ પણ એને ભણાવો. ડાહ્યો થઈ જશે.’ મેં સલાહ આપી.

‘એ ભણવા જશે તો કમાશે કોણ? એની દાદી માંદી રહે છે. એની દવાના પૈસા ક્યાંથી આવશે?’ ગૌરીબેને વાસ્તવિકતા કહી. મારે એમાં શું કહેવાનું?

થોડા મહિના આમ જ ગયા. એક સવારે કનુ સરસ કપડાં પહેરીને આવ્યો ને મને પગે લાગ્યો. ‘આજે મારી હેપી બર્થડે છે. દાદી મેડમ મને ચોકલેટ આપો.’

હું ય મજાકના મૂડમાં બોલી. ‘આજે કઈ તારીખ છે ખબર છે?’

‘સત્તાઇસ તારીખ નવમો મહિનો. સિતમ્બર સત્તાઇસ. મને સતરા સાલ થયા.’ કનુએ તરત જ જવાબ આપ્યો. સાંજે મેં એને ચોકલેટ લાવી આપી. એણે પોતે જ હેપી બર્થડે ગાયું. કહે, ‘મારી દાદી મને પેંડો આપે. હું ઘેર જઈશ ત્યારે મારી બેનો માટે ચોકલેટ લઈ જઈશ.’ કહીને કનુ વિદાય થયો.

એ વાતને બે જ દિવસ થયેલા. એક સાંજે ગૌરીબેન કનુને લઈને આવ્યા. કનુની દાદી વધારે માંદી હતી. એને તાત્કાલિક ગામડે જવાનું હતું. એના પગારના પૈસા લઈને કનુ ગયો. જતી વખતે મને પગે લાગ્યો. મારી સામે થોડી સેકન્ડો જોતો રહ્યો અને પછી જતો રહ્યો.

કનુ સાથે એ મારી છેલ્લી મુલાકાત. કનુની બદલીમાં એનો નાનો ભાઇ આવ્યો. એ ગયો ને ગોપાલ આવ્યો, ભરત આવ્યો, શંકર આવ્યો. એવા ઘણા આવ્યા ને ગયા. માત્ર રોકડ પૈસા કમાવા જ શહેરમાં આવતા આ લોકોને આપણી સાથે કામ પૂરતી જ નિસ્બત હોય છે. આપણે પણ એમને ભૂલી જતા હોઈએ છીએ. પણ કનુ જુદી રીતનો હતો. કોઈવાર ગૌરીબેન મળે તો કહે, ‘કનુએ રાતની સ્કૂલમાં ભણીને દસવી પાસ કરી દીધી, એની દાદી ગુજરી ગઈ. તમને યાદ કરે છે. વગેરે વગેરે.’

અમે રહેઠાણ બદલ્યું. હવે ગૌરીબેનને મળવાનું થાય એવું નહોતું. કોઈ કોઈ વાર મને કનુ યાદ આવી જતો. મનમાં થતું. એનું ડ્રાઈવરી કરવાનું સ્વપ્ન પૂરું થયું હશે? પછી થતું ફિલ્મો જોઈને છોકરાઓ આવું શીખે. એમ દુબઈ થોડું સામે ઊભું છે? ગરીબોનાં સ્વપ્નો જોવા માટે હોય છે, વાસ્તવ બનવા માટે નહીં. મારા ઘરમાં તો કનુની દુબઈ જવાની વાત એક જોક થઈ ગયેલી.

એ વાતને છ-સાત વરસ વીતી ગયાં. જૂના ઘરને, જૂના પડોશને અમે ભૂલી ગયા હતા. કનુની દુબઈ જોક પણ ભૂલાઈ ગઈ હતી. એક વાર કોઈક વહીવટી કામ માટે મારે જૂની સોસાયટીમાં જવાનું થયું. કામ પતાવી પાછી વળતી’તી ને ગૌરીબેન મળી ગયાં. ‘કેમ છો બેન, કનુ તમને યાદ કરતો’તો. દુબઈમાં ડ્રાઈવર થઈને ગયો છે ને? બે વરસ થયા. કેતો’તો દાદીમેડમે કહ્યું એટલે જ મેં દસમી પાસ કરી. મારે એમને મળવું છે.’

‘ના હોય, સાચે જ?’ મારી નવાઈનો પાર નહોતો.

‘બહુ હોશિયાર છોકરો છે. બહુ ડાહ્યો છે. એનું જોઈને હવે અમારા બીજા છોકરાઓ ય ભણવા માંડ્યા છે. બહુ સારું થયું. આવજો બેન.’ ગૌરીબેન જતાં રહ્યાં. કનુનું ભણવું, ડ્રાઇવિંગ શીખવું, દુબઈ જવું કઈ રીતે થયું, ક્યારે થયું એ મેં ન પૂછ્યું. મારે એ જાણવાની જરૂર નહોતી. મને તો બસ આનંદ થયો, ક્યારેક અજાણતાં ધરતી પર નાખી દીધેલું બીજ અચાનક એક સવારે છોડ બનીને લહેરાતું જોઈને થાય એવો આનંદ.

*******

લેખિકા : સ્વાતિ મેઢ

મોબાઈલ: ૯૭૨૪૪૪૨૫૮૬.

email: swatejam@yahoo.co.in

Categories: Swati Medh

Leave a Reply