(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)
ઘંટ શાળાના ફરીથી ગાજશે, વિશ્વાસ છે!
બંધ તાળા પણ ફરીથી ખૂલશે, વિશ્વાસ છે!
સાવ સુના ઓરડાની પાટલીઓ સાદ દે,
હોંશથી બાળક જગાએ બેસશે, વિશ્વાસ છે!
ઝાડવા ને છોડવા મેદાનના છે રાહમાં,
ભૂલકાં આવી અને ફળ તોડશે, વિશ્વાસ છે!
પ્રાર્થનાખંડે છવાયેલી નિરવ શાંતિ કહે,
વંદના મા શારદાની ગૂંજશે, વિશ્વાસ છે!
વર્ગમાં ઊભું કરીને વિશ્વ હું ડોલાવતો,
એ ખુમારી કાલ પાછી આવશે, વિશ્વાસ છે!
ચૂપ મારું જ્ઞાન છે ને આંખડી વિમાસણે,
તે છતાં આફત બધી દમ છોડશે, વિશ્વાસ છે!
કર્મભૂમી છે મને અનહદ વહાલી જીવથી,
પ્રાણ પૂરી દેહમાં એ ખીલશે, વિશ્વાસ છે!.
-પાયલ ઉનડકટ
Categories: SELF / स्वयं