Raghuvir Patel

સન્નાટો 

ટૂંકી વાર્તા: સન્નાટો

‘કોઈના અભરખા અધૂરા રહે છે,
કોઈની કામુકતા પ્રાણને ભરખે છે.’

વૈશાખ પોતાનો પ્રભાવ ગરમી આપીને બતાવે છે. દિવસભર તો લોકડાઉન જેવી સ્થિતિ થાય છે. એટલે લોકો રાત્રીના સમયે બહાર નીકળે છે, પરંતુ રાત એ રાત છે. થાકીને મધ્યરાત્રીએ સૌ જંપી જાય છે એવે સમયે કોણ જાગે? સંત કે ચોર. તો ક્યાંક ક્યાંક દોરાધાગાવાળા જાગે.

નારાયણ ભૂવો આજે બાજુના ગામમાં એક છોકરીને ભૂત ભરાણું હતું. તે ભૂતને કુલડીમાં પૂરી ત્રિભેટે ખાડો કરી દાટી, પેંડા ચવાણું ખાઈને તે જ ગામના સાગરીતોને રવાના કરી કર્યા. પોતાના ખખડધજ જૂના જમાનાનું બજાજ સ્કુટર લઈને પોતાના ગામ આવવા નીકળ્યો. રસ્તામાં ગામ નજીક આવતાં ગામના અવાવરુ કુવા પાસે આવતાં આગળના ટાયરમાં પંચર પડી ગયું. સ્કુટર બંધ થતાં રાત્રીના ત્રીજા પહોરમાં વાતાવરણમાં સન્નાટો જણાય છે. દૂર ગામમાં ક્યાંક કોઈ રડતું કૂતરું સંભળાય છે. બાજુમાંથી તમરાનો અવાજ રાત્રીને વધારે ભયાનક બનાવે છે. નારાયણે વિચાર કર્યો ટાયર બદલવું કે ખેચી જવી.

આમ તો તે ઓલરાઉન્ડર કોઈનું સ્કુટર બગડે તો રીપેર પણ કરી આપે ને કોઈને ભૂત વળગે તો તે પણ કાઢી આપે. ટૂકમાં કબાડી માણસ. ભર યુવાનીમાં કોઈએ દોરાધાગા કરતા શીખવાડેલું. તેમાંથી હવે મોટો ભૂવો બની ગયો. લાંબા વાળ ને લાંબી દાઢી રાખે, ગળામાં મોટા મણકાની માળા, કહે છે કે તેને પૂર્વજનો હાથ છે. એટલે ગમેતેવા ભૂત તેનાથી દૂર ભાગે. તેની એકજ કમજોરી તે છૂટી પાટલીનો. ભૂત કાઢવાનાં મોટેભાગે સ્ત્રીઓને હોય. યુવાન સ્ત્રીને જુવેને તેની દાઢ ગળે. ઘરે સુંદર પત્ની પણ વસ્તાર નહિ. એટલે નવી બૈરી કરી પારણું બાંધવાના અભરખા કર્યા કરે. ગામમાં મહાત્મા તરીકે પૂજાય. કોઈને સંતાન ન થતું હોય તો બાધા આખડી આપે. જેને સંતાન થાય તેના નૈવેદ સ્વીકારે. એની પાસે બોલવાની એવી સિફત કે ગળતી દાઢ કોઈ જાણી ન શકે. સાતીલ કાતિલની જેમ વાણીની છૂરી ચલાવે કે સામેવાળાને ખબર પણ ન પડે ને લપટાઈ જાય. આમ પણ પારકા બૈરા સૌને ગમે એ ન્યાયે… ચાલ્યા કરે. ગામના મુખીની યુવાન કુંવારી દીકરી શારદા બીમાર રહે કોઈ વળગાડ જેવું. તેનું ઉતાયણું વરવા અવાર નવાર જાય. તેમાં એક્બેવાર છાનગપતિયાં કરી લીધેલાં. ત્યારથી શારદા તેના મનમાં વસી ગયેલી. જોકે શારદાને પોતાના ઈરાદાની વાત કરેલી નહિ. તે શારદામાં એવો તો આસક્ત થઈ ગયેલો કે ગમે ત્યાં યુવાન દીકરીને હાથ પકડે ને શારદા જ દેખાય.

આજે પણ જે સ્ત્રીના વાળ પકડી હાકોટા પડકારા કરાવતો તેમાં શારદા જ દેખાતી. અત્યારે ટાયર ખોલતાં પણ એજ વિચાર આ ટાયર (પત્ની)કામનું નથી. સ્પેરવીલ (શારદા) લગાવી દઉં. એ ધૂનમાં ટાયર ખોલે છે. ત્યાં દુરથી કોઈના પગલાનો અવાજ… છમછમ… છમછમ… સંભળાયો. વૃક્ષોના રસ્તા પર પડેલાં પર્ણ કચડાવાથી છમછમ અવાજ થી નારાયણ… ગભરાયો. જિંદગીમાં ક્યારેય ન ડરેલો આજ ડર કેમ લાગ્યો? રાત્રીનો ભયાનક સન્નાટો તેમાં અંધકારમાં આવો અવાજ ભયાનક લાગે. કાંઈ પૂરું દેખાતું નથી. કોણ હોય? કાળા કપડાં-અંધકારથી રંગ પરખાયો નહી. ઓછાયો બાજુના કૂવા તરફ જતો જણાયો. તેને પસીનો વળી ગયો. ઓછાયો કુવાકાંઠે પહોંચ્યો. નારાયણ કઈ… બોલે.. વિચારે એ પહેલાં ધબાકધમ્મ, અવાજ સંભળાયો. નારાયણે પસીનો લૂછ્યો. કોણ હશે? ભૂત કે… માણસ??? સ્પેરવીલ ખોલવા ગયો તો ખબર પડી તેમાં પણ પંચર છે. મહામુસીબતે સ્કુટર ઘરે ખેચી લાવ્યો.

સવારે ગામમાં વાત વહેતી થઈ.મુખીની દીકરી શારદાને કુંવારે કલંક લગતાં કૂવો પૂર્યો. નારાયણના જીવનમાં સન્નાટો બોલી ગયો.

લેખક : રઘુવીર પટેલ

“જિગર” (ભજપુરા)

મોબાઈલ : +919428769433

Categories: Raghuvir Patel

Leave a Reply