Dr. Nimit Oza

આ મુસાફરી કપરી અને મુશ્કેલ છે

આવી પરીસ્થિતિ ક્યાં સુધી રહેશે ? સંજોગો ક્યારે બદલાશે ? અત્યારની જીવન-શૈલી કાયમી બની જશે ? જેને આપણે ‘ન્યુ-નોર્મલ’ કહીએ છીએ, એ આટલું બધું ડરામણું હશે ? ચાલો, જવાબ શોધીએ. ધારો કે આપણે કોઈ એક એવી ફ્લાઈટમાં ફસાયેલા છીએ, જે ફ્લાઈટ ટેકનીકલ ખામી કે ખરાબ હવામાનને કારણે લેન્ડ થઈ શકે તેમ નથી. વિપરીત સંજોગો વિશે માઈક પર એનાઉન્સમેન્ટ કરીને પાઈલટ આપણને અવારનવાર માહિતગાર કરી રહ્યા છે અને નચિંત રહેવા કહી રહ્યા છે. પણ દરેક યાત્રીના મનમાં એક જ શંકા છે, શું ક્યારેય પણ લેન્ડીંગ શક્ય બનશે ?

વાસ્તવિકતાથી શરૂઆત કરીએ. યેસ, આપણી ફ્લાઈટ મોડી છે. કલાકો નહીં પણ મહિનાઓ મોડી છે. ટ્રાવેલ કંડીશન્સ ફેવરેબલ નથી. ભયનો માહોલ છે પણ આવા સંજોગોમાં આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ. ‘સેઈફ અરાઈવલ.’ કોઈપણ જાતની માનસિક કે શારીરિક યાતના વગર આપણે સુખરૂપ લેન્ડ કરી શકીએ, એનાથી વધારે આપણે બીજું કશું જ નથી જોઈતું.

સફળતા, ક્રિએટીવીટી, અર્થોપાજન, લક્ઝરી, પ્રોફિટ જેવું બધું જ ભૂલી જઈને આપણું એક માત્ર ધ્યેય અત્યારે ‘સર્વાઈવ’ થવાનું હોવું જોઈએ. બદલાતી પરીસ્થિતિ સાથે આપણે માનસિક સમીકરણો પણ બદલવા પડશે. જો અનુભવો – અપેક્ષાઓ = સંતોષ હોય, તો આ સમીકરણમાં આપણે અનુભવો બદલી શકવાના નથી. આપણા હાથમાં રહેલું એક માત્ર વેરીએબલ ‘અપેક્ષાઓ’ છે. અપેક્ષાઓ જેટલી ઘટાડશું, સંતોષ એટલો વધારે રહેશે.

વિલંબ અપેક્ષિત છે જ. એ પણ અપેક્ષિત છે કે સહયાત્રીઓ અધીરા, ફ્રસ્ટ્રેટેડ કે ગુસ્સે થશે. કેટલાક માનવજાતના અંતની ભવિષ્યવાણી કરવા લાગશે. નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલાક માસ્ક કાઢી નાખશે. ‘ક્વોરન્ટાઈન’નું પાલન નહીં કરે. આવા સમયે આપણું કામ શાંતિ, નિરાંત અને સ્વાસ્થ્ય જાળવી રાખવાનું છે. સૌથી પહેલા આપણા માસ્ક બાંધવા અને પછી સહયાત્રીઓને માસ્ક બાંધવા માટે સહાય કરવી. સહયાત્રીઓ પ્રત્યે કરુણા અને સહકારભાવ રાખવો. લોકો તમને આ સમયનો મહત્તમ ઉપયોગ કરી લેવાનું કહેશે પણ ધેટ્સ ઓકે. આપણી જાત કે સંજોગો પાસેથી કોઈ પ્રકારની અવાસ્તવિક અપેક્ષાઓ ન રાખવી. વાળ, મૂછ, દાઢી કે વજન વધે તો વધવા દો. પ્રોડક્ટીવીટી ઘટે, તો ઘટવા દો. લેટ્સ એક્સેપ્ટ. સંજોગો ખરાબ છે અને હજી થોડો સમય ખરાબ રહેશે. પણ ત્યાં સુધી માનસિક અને શારીરિક સ્વસ્થતા જાળવી રાખવી અત્યંત જરૂરી છે. લેટ્સ ટેક ‘વન ડે એટ અ ટાઈમ.’ આગળનું વિચારવાની જરૂર નથી.

કોઈ બીજાને ખુશ કરવા, એ ખુશ રહેવાનો શ્રેષ્ઠ રસ્તો છે. કોઈને થેન્ક-યુનો મેસેજ લખવો, કોઈને સોરીનો ફોન કરવો, ‘આઉટ ઓફ ટચ’ રહેલા મિત્રને વિડીયો કોલ કરવો, કોઈને એક્સ્ટ્રા સેલેરી આપવો, જુના કપડા આપવા કે કોઈપણ અન્ય પ્રકારે દાન કરવું. ટૂંકમાં, કોઈ એક વ્યક્તિનો દિવસ સુધારવો. કોઈ અન્ય વ્યક્તિના જીવનમાં તમે પ્રગટાવેલું એ અજવાળું, તમારું અંધારું પણ દૂર કરશે.

ચોક્કસ, આ મુસાફરી કપરી અને મુશ્કેલ છે. પરંતુ એક વાત યાદ રાખવા જેવી છે. રાત જ્યારે સૌથી અંધારી અને બિહામણી લાગતી હોય છે, અજવાળું ત્યારે જ થતું હોય છે. પણ સૂર્યોદય જોઈ શકવાની એકમાત્ર પૂર્વશરત છે, અંધારા દરમિયાન ટકી રહેવું.

-ડૉ. નિમિત્ત ઓઝા

Categories: Dr. Nimit Oza

Leave a Reply