Rita Mekwan

જીવનસાથી

શીર્ષક : જીવનસાથી

પિયુષભાઈ અને ચેતનાબેન.. લગ્ન જીવનના ૩૯ વર્ષ પૂરા કરી ૪૦ માં વરસમાં પ્રવેશ કર્યો.એમના દીકરા રોનકે કહ્યું, પપ્પા આપણે બધા સાથે દિવાળી પછી ફરવા જઈશું .દિવાળીના દિવસો હતા એટલે પિયુષભાઈ એ ના પાડી અને કહ્યું, દીકરા..તું ને વહુ ને ઢીંગલી ફરી આવો.હું ને તારી મમ્મી ઘરે જ રહીશું. તહેવાર ના દિવસોમાં કોઈ મહેમાન આવે ને પાછા જાય એ સારું ન લાગે. ને મને મારી જીવનસાથી સાથે થોડા એકલા રહેવું છે..ને બધા હસી પડ્યા.. ને દીકરો પોતાના પરિવાર સાથે ભાઈબીજ ના દિવસે સવારે ફરવા ઉપડી ગયો.

દીકરાના ગયા પછી પિયુષભાઈ એ કહ્યું, ચેતના આજે સાંજે મંદિરે જઈશું.ને બહાર જમીને આવીશું.પાંચ વાગે તૈયાર થઈ જજે. બન્ને પતિપત્ની સાંજે છ વાગે ફરવા નીકળ્યા. મંદિરે ગયા.આરતી કરી ને પ્રસાદ લઇ બહાર આવ્યા. સારી હોટલ માં જમવા ગયા. જમીને બહાર નીકળતા હતા ને થોડું અંધારું હોવાથી ચેતના બેન છેલ્લું પગથિયું ચૂકી ગયા. પિયુષભાઈ સાથે જ હતા ને એમણે ચેતના બેન નો હાથ પકડી લીધો ને પડતા બચી ગયા. પિયુષભાઈ એ કહ્યું, ચેતના.. આટલું મોટું પગથિયું દેખાતું નથી. ને ચેતનાબેન ઘરે આવ્યા ત્યાં સુધી ચૂપ જ રહ્યા.

ઘરે આવી પિયુષભાઈ બોલ્યા, ચેતના..શું થયું? કેમ શાંત થઈ ગઈ?

ચેતના બેને કહ્યું, પિયુષ…એક વાત કહેવી છે..મને થોડા મહિનાથી સાંજે .. જમણી આંખે નથી દેખાતું.એટલે જ આજે મને પગથિયું નહિ દેખાયું.

પિયુષભાઈ એ કહ્યું, તે મને પહેલા કેમ ન કહ્યું? ચેતુ..આંખ તો આપણું રતન કહેવાય.એના વગર આપણે ઓશિયાળા બની જઈએ. કાલે જ આપણે આંખ ના ડોકટર ને બતાવીશું. તું સવારે જલદી રસોઈ કરી ને દસ વાગે તૈયાર થઈ જજે.

બીજા દિવસે ડોકટર પાસે ગયા..આંખમાં ટીપા નાખી અડધો કલાક પછી ડોકટરે આંખ ચેક કરી…ને પૂછ્યું..આંખમાં કઈ વાગ્યું હતું? ચેતનાબેન એ કહ્યું, ડોકટર નાનપણ માં વરસો પહેલા જમણી આંખમાં વાગ્યું હતું…ડોકટરે કહ્યું..જમણી આંખમાં પડદા પર લોહી જામી જવાથી વરસો પહેલા ડાઘ પડી ગયો છે ને સમય જતાં વધી ગયો છે જેને લીધે સિત્તેર ટકા દેખાતું બંધ થઈ ગયું છે..આનો ઇલાજ નથી. અને ધીરે ધીરે દેખાતું ઓછું થતું જશે.

પતિપત્ની ભારે હૈયે ઘરે આવ્યા…ઘરે આવ્યા ત્યારે બપોરના બે વાગી ગયા હતા. આંખમાં ટીપા નાખેલા એટલે ચેતના બેન ને ઝાંખું દેખાતું હતું.પિયુષભાઈ એ જાતે થાળી પીરસી ને ચેતનાબેન ના મોમાં કોળિયો મૂક્યો ને ચેતના બેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

પિયુષભાઈ એ કહ્યું, ચેતુ..શું કામ ચિંતા કરે છે? હું છું ને!! બોલતાં બોલતાં ગળે ડૂમો ભરાયો…પિયુષભાઈ એ ચેતના બેન ના માથે હાથ મૂકી ને કહ્યું, ચેતુ… અગર તારી આંખો ને કઈ થશે તો હું મારી આંખ તને આપીશ…પણ તું રડ નહિ…બોલતાં બોલતાં રડી પડ્યા.. ને ચેતના બેને કહ્યું,ના..ના..પિયુષ..મારે તમારી આંખ નથી જોઈતી…આજે તમે સાબિત કરી દીધું કે તમે સાચા “જીવન સાથી” છો…તમને એક જ વાત કહેવી છે કે મારી આંખ જતી રહે..તો હું તમારા હાથો ના હૂંફાળા સ્પર્શથી અને તમારી આંખો થી દુનિયા જોઈશ..આંધળી પત્ની ની લાકડી બનજો..કહીને પિયુષભાઈ એ વળગી ને રડવા લાગ્યા…પિયુષભાઈ પણ પત્ની નો હાથ ઝાલી આલિંગન આપી ક્યાંય સુધી બેસી રહ્યા…

થોડીવાર પછી આંશુ લૂછી ને બોલ્યા, અરે આપણે બન્ને પણ કેવા છીએ.હજુ તો કઈ થયું નથી ને બન્ને રડવા બેઠા..
ચાલ આજે સાંજે તને ભાવતા પીઝા ને સેન્ડવીચ ખાવા જઈશું..અને હા..ચાલ સરસ ચા મુક હવે…ને ચેતનાબેન હસતા હસતા ઉભા થયા…રસોડા તરફ જતા જતા વચ્ચે પૂજા ના રૂમ માં નજર કરી ..બે હાથ જોડી શ્રીનાથજી ને કહ્યું, હે શ્રીનાથજી..મને જન્મો જન્મ આજ ” જીવનસાથી” આપજો…

-રીટા મેકવાન ” પલ”

Categories: Rita Mekwan

Leave a Reply