Raghuvir Patel

કલંકનું દર્દ

લઘુ વાર્તા : કલંકનું દર્દ

‘એય પાકીઝા, કેમ આજ બોલતી નથી.?’
‘…….’
‘પાકીઝા, હું તને પૂછુ છું ?’
તેની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ખરવા લાગ્યા.તે પોતાના ભૂતકાળમાં સરી પડી….પશુપાલનનો ધંધો કરતાં કેટલાંક કુટુંબો પોતાના વતનથી દૂર ઘેટાં-બકરાં લઈને વગડામાં-ખેતરમાં પોતાના ડેરા નાખી રહે છે. ભણવાની ઉંમરે સાગર ને પાકીઝા વગડે વગડે રખડતું જીવન ગાળે છે. યૌવન આળસ મરડીને બેઠું થયું છે. બંનેના દિલ નિર્દમ્ભ છે, નાનપણથી એકબીજાના તાણાવાણા વણાઈ ગયા છે. હવે એકબીજાની ગેરહાજરી હ્રદયમાં ઊડા ઘા કરે છે. આ પરિસ્થિતિ બતાવે છે કે બંનેને એક બીજાનો સહવાગ ગમે છે.વગડામાં ચરતાં ઘેટાં એકબીજાના ભળી જાય તેમ આ બંને ભળી ગયાં છે.

અવારનવાર એક બીજાને કામ અર્થે રોકાવું પડે તો ઘેટાં એકબીજાને ભળાવીદે.એ દિવસ એમને માટે આક્ળો બની જાય. વર્ષનો સૌથી મોટો દિવસ હોય.કારણ એકલા એ સમય કાઢવો પડે. પાકીઝા રૂપ રૂપનો અંબાર હતી. સૌદર્યની સામ્રાજ્ઞી હતી.સાગર એના રૂપ પાછળ ગુલતાન હતો. તો સાગર સૂરોનો બાદશાહ હતો. હંમેશા વાંસળી જોડે રાખતો, તેના ગાનમાં બંને ભાન ભૂલી જતાં. વાંસળીએ પાકીઝાનું હૈયું ચોરી લીધેલું. વગડાનું એકાંત હોય, વાસળીનો સૂર હોય, ને અંગોમાં યૌવન અંગડાતું હોય,દેહનું સાનિધ્ય હોય પછી… બંનેએ લગ્નના કોલ દઈ દીધેલા..
હમણાં થોડાક સમયથી પાકીઝાએ બોલવાનું ઓછું કરી દીધું છે. હ્રદયમાં કોઈ વેદના હોય તેવું લાગી રહ્યું છે.સાગરના વારંવાર પૂછવા છતાં તે ચૂપ રહેતી. છેવટે જવાબ આંસુથી…

‘એય પાકીઝા, ક્યાં ખોવાઈ.?’

‘હવે ખોવાઈ જ ગઈ છું, હું લુંટાઈ ગઈ છું.હું કલંકીની તારા કામની નથી.’ રડતાં રડતાં તે બોલી.

‘હેં ! શું થયું. ?’

‘તે દિવસે તું નહોતો આવ્યોને ?’

‘એ વાતને આજે સવા મહિનો થવા આવ્યો.’

‘તે દિવસ તારાં ઘેટાં હું ચરતી તી તારા વિચારોમાં ખોવાયેલી હતી,ત્યારે મારું આ રૂપ વેરી બન્યું.’

‘એટલે…?’

‘મારી આબરૂ મને કલંક…’ પાકીઝા વધુ ન બોલી શકી.

‘સમજી ગયો. કોણ હતું એ? ધૂધવાતો સાગર બોલ્યો.

‘અજાણ્યો હતો.’

‘તે પહેલાં કહ્યું કેમ નહિ?’

‘જાનથી તને મારી નાખવાની ધમકી આપીને ગયો છે.’

‘અરે એવી ધમકીથી કાંઈ ડરવાનું હોય?’

‘મારે હવે જીવાય તેમ નથી. એનું ઓધાન રહ્યું છે.ને મારો બાપ મારા લગ્ન બીજે…’

સાગર આવક થઈ ગયો. થોડીવાર મૌન રહીને તેણે સ્વસ્થતા કેળવી. ‘જો પાકીઝા, નાસીપાસ ન થા. દાગ તારા શરીરને લાગ્યો છે તારા આત્માને નહી. હું તારા આત્માને ચાહું છું. તારા અસ્તિત્વને ચાહું છું. ફક્ત તારા શરીરને નહિ. તારી સાથે જે થયું તે ખોટું થયું છે. પણ તું મારા માટે પાકીઝા જ છે, પવિત્ર ને શુદ્ધ. સમાજ જાણે તો કલંક કહેવાય. આપણે જણાવવું નથી.તારા બાપને કહીદે લગ્ન બીજે કરવાની જરૂર નથી.’

પાકીઝાનું દર્દ સાગરની વિશાળ બાહોમાં શમી ગયું.

લેખક: રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
મોબાઈલ: 9428769433

Categories: Raghuvir Patel

Leave a Reply