એક સગપણ તો મજાનું જોઇએ,
જીવવાનું એ બહાનું જોઇએ,
જીતમાં જે આવતું’તું દોડતા,
હારમાં પણ એ વફાનું જોઇએ,
આવશો ના ચાંદનીમાં નાહવા!
પણ અમાસે આવવાનું જોઇએ,
હાસ્યથી કે દર્દથી છલકી ઉઠે,
આંખને કારણ વ્યથાનું જોઇએ,
ગીત નાટક કે ગઝલ કંઇપણ લખો,
પાત્ર રામાયણ કથાનું જોઇએ,
એકલા ઉત્સવ કદી ના માણજો,
સુખ સહિયારું બધાનું જોઇએ,
જાવ છો તો આવજો ના રોકશું,
પણ હ્રદયમાં સ્થાન નાનું જોઇએ.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat