Rita Mekwan

મહેંદી નો રંગ

શીર્ષક : મહેંદી નો રંગ.

અમી અને રાજ ના લગ્ન થઈ ગયા.. ને સીમાબેન ના માથે થી એક ભાર હળવો થઈ ગયો. લાલ પાનેતર, મહેંદી મૂકેલા ને મીંઢળ બાંધેલા હાથે…અમી એ સાસરી ના ઉંબરે અક્ષત ભરેલા કળશ ને પગ અડાડ્યો…ને ઘરમાં પ્રવેશ કર્યો…. સીમા બેને વહુ ના ઓવારણાં લીધા…મહેમાનો ને વિદાય કરીને સીમાબેન અમી ને રાજ ના બેડરૂમ માં લઇ આવ્યા…અમી ને મૂકી નીચે આવ્યા.

આ બાજુ રાજે અમીને કહ્યું, અમી ..મારે તને એક વાત કરવી છે…મને માફ કરજે…પણ…..આ મહેંદી મૂકેલા હાથ મને નથી ગમતા….આ રંગ ઉતરે પછી હું તારી પાસે આવીશ…આટલું કહીને રાજ નીચે એની મમ્મી પાસે આવી ગયો…એની મમ્મી ગભરાઈ ગયી..ને બોલી..રાજ…શું થયું? કેમ નીચે આવી ગયો ? રાજ ખાલી એટલું જ બોલ્યો…મહેંદી… ને સીમાબેન અવાચક થઈ ગયા…આ બાજુ અમી ને કંઈ સમજાયું નહિ…પણ સમજુ ને સંસ્કારી હતી…વિચારો માં ને વિચારો માં ક્યારે ઉંઘ આવી ગઈ એ ખબર જ નહિ પડી…

સવારે રાજે ગુડ મોર્નિંગ કહીને ઉઠાડી ત્યારે ઝટપટ ઊઠી ને તૈયાર થઈ નીચે આવી…સાસુ ને પગે લાગી. ..ફટાફટ નિત્યક્રમ પતાવી બધા માટે ચા નાસ્તો લઈ ટેબલ પર ગોઠવવા લાગી…

સીમા બેને પ્રેમ થી બેસાડી..ને રાજ બોલ્યો..અમી..તને નવાઈ લાગતી હશે કે રાજે આમ કેમ કર્યું ? અને હા… આપણા વેવિશાળ પછી તું મને પૂછતી હતી કે મમ્મી હાથમાં મોજા કેમ પહેરી રાખે છે…આજે તને જણાવું છું કે હું દસ વરસનો હતો ત્યારે એકવાર મમ્મી રસોડામાં પૂરી બનાવતી હતી.. એ દિવસે મમ્મી પપ્પા ને મેરેજ એનીવર્સરી હતી… ને.. મમ્મી એ હાથ માં મહેંદી મૂકી હતી. લાલ રંગ થી મમ્મી ના હાથ શોભતા હતા. હું ઘરમાં પપ્પા સાથે બોલ રમતો હતો.. બોલ જરા જોરથી ઉછળ્યો ને રસોડામાં ગરમ તેલ માં પડ્યો ને ગરમ ઉકળતું તેલ મમ્મી ના હાથ પર પડ્યું..મમ્મી ચીસ પાડતી હતી.ને હું ગભરાઈ ગયો..પપ્પા એ જલદી દોડી ને મમ્મી ના હાથ ને નળ નીચે ધર્યો..ફ્રીઝમાંથી બરફ લગાવ્યો…પણ હાથ ની ચામડી સખત રીતે દાઝી હતી…મમ્મીને દવાખાને લઈ ગયા. ડોકટરે બધી ચામડી ઉતારી નાખી… એ દિવસે મમ્મી ની મહેંદી ઉતરી ગયી.

સમય જતાં નવી ચામડી તો આવી પણ ખરબચડી હથેળી માં મમ્મી એ ક્યારેય મહેંદી ન મૂકી.ને હમેશાં મોજા પહેર્યા…આટલું બોલી રાજે સીમાબેન ના હાથમાંથી મોજા ઉતાર્યા ને બન્ને હથેળી ને પોતાના મોઢા પાસે લાવી ચુમીઓ ભરી. અમી સીમાબેન ના દાઝેલા ખરબચડા હાથ ને જોઈ રહી… વાત કરતી વખતે રાજ ની આંખમાંથી દડદડ આસું નીકળતા હતા….સીમાબેન બોલ્યા..રાજ..તું તારી જાતને શું કામ દોષ આપે છે..જે થવાનું હતું તે થઈ ગયું..ને હા..આ અમી…નો શું વાંક?

રાજ બોલ્યો..મમ્મી..અમી.. આઇ એમ સોરી..પણ મને હવે મહેંદી નથી ગમતી…અમી બોલી…અરે..મને પહેલા કીધું હોત તો હું મહેંદી નહિ મુક્તે…ચાલો.. જવાદો એ વાત.. બધા ચા પીઓ ..

પંદર દિવસ પછી મહેંદી નો રંગ ઉતર્યો..ને રાજ ને અમી એકમેક માં ઓગળી ગયા… રાજ ઓફીસ જતો થઈ ગયો…ને અમી સીમાબેન ને લઈ શહેર ના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડોક્ટર કમલ મલ્હોત્રા પાસે ગઈ..બધી વાત કરી. ને રાજ ને જણાવ્યા વગર સીમાબેન ના હાથ ની પ્લાસ્ટિક સર્જરી કરવાનું નક્કી કર્યુ.

સીમાબેન બોલ્યા..અમી..રાજ ને તો કહેવું પડશે…અમી એ ના પાડી . આપણે રાજ ને એની બર્થ ડે પર સરપ્રાઇઝ આપીશું…તમે કાલે જ માસીના ઘરે બે મહિના માટે જાવ છો…એમ કહી અહી હોસ્પિટલ માં આવી જશો…

ને રાજ ને માસી ને ત્યાં જવાનું કહી સીમાબેન ને હોસ્પિટલ માં દાખલ કર્યા..બરાબર દોઢ મહિના પછી એમના હાથ ની ચામડી એકદમ પહેલા જેવી જ થઈ ગયી…

બે દિવસ પછી રાજ ની બર્થ ડે હતી…અમી એ કહ્યું , રાજ..હું મમ્મી ને લેવા જાઉં છુ….તારી બર્થ ડે ને દિવસે સવારે આવી જઈશું..અમી હોસ્પિટલ પહોંચી..ત્યારે એના હાથમાં મહેંદીના કોન હતા…હોસ્પિટલ માં જ સીમાબેન ના હાથ માં મહેંદી મૂકી..

સીમાબેન બોલ્યા..અમી તારા સસરા નથી.. ને આ બધું સારું નહિ લાગે..અમી બોલી…મમ્મી હું તમારા દીકરાની ખુશી માટે કરું છું…

સીમાબેન અમી ને ભેટી પડ્યા…

બર્થ ડે ને દિવસે સવારે અમી અને સીમાબેન ગાડીમાંથી ઉતર્યા… અમી એ સીમાબેન ના હાથે ફરી મોજા પહેરાવી દીધેલા… સાંજે પાર્ટી હતી…રાજ તૈયાર થઈ મમ્મી ને શોધતો હતો … એણે અમી ને બૂમ પાડી… અમી મમ્મી ક્યાં છે ? અને રાજ ના બેડરૂમ માંથી મહેંદી રંગેલા બે હાથ બહાર આવ્યા…ને રાજ ગુસ્સામાં બોલ્યો..અમી…તને ખબર છેને..મને મહેંદી નથી ગમતી…તો પણ તે આજે….

ત્યાં તો બેડરૂમ નો દરવાજો ખૂલ્યો..ને સીમાબેન દીકરા સામે મહેંદી મૂકેલા હાથે ઉભા હતા…રાજ તો અવાચક થઈ મમ્મી ને જોઈ રહ્યો..બાજુ માં અમી આવી ને બોલી… આંખ માં આસું સાથે બોલી રાજ..મારી બર્થ ડે ગિફ્ટ ગમી?
ને રાજ…અમી અને સીમાબેન ને ભેટી પડ્યો…

એ રાત્રે રાજ મહેંદી ના કોન લઇ બેડરૂમ માં આવ્યો..ને…અમી ના હાથ માં મહેંદી થી લખ્યું..અમી..આઈ લવ યુ…

-રીટા મેકવાન “પલ”
સુરત…
૨૭.૪.૨૦૨૦..

Categories: Rita Mekwan

Leave a Reply