Nayna Shah

‘પુ’નરક

વાર્તા: ‘પુ’ નરક

વરેણ્યાની આંખમાં આંસુ સુકાતા ન હતા. મમ્મીના મૃત્યુનો આઘાત એ સહી શકી ન હતી એના આંસુ જોઇને કોઈને પણ ખ્યાલ આવે કે વરેણ્યા કેટલી દુઃખી છે.

બેસણું પુરૂ થતા જ વામન બોલ્યો, ““બેસણામાં આવનાર દરેક વ્યક્તિને લીંબુનું શરબત બરાબર આવી રહ્યું. બા તો ઉંમરે ગયા છે પણ દુરથી આવનાર વ્યક્તિ પાણી પીને જતી રહે અને તેય આવા ઉનાળામાં એટલે એવું વિચાર્યું કે લીંબુ શરબત જ રાખવું”, પણ સમાજમાં વાહ વાહ થઇ ગઈ.” વામનભાઈના મોં પર સંતોષ હતો. વરેણ્યાને ગુસ્સો ઘણો આવતો હતો. પરંતુ આ છેલ્લો પ્રસંગ હતો. ગુસ્સો કરીને પણ શું કરવાનું ? ગુસ્સો કરવાથી માણસ સુધરી નથી જતું અને કદાચ હવે સુધરે તોય શું અને ના સુધરે તોય શું ? હવે મોટાભાઈ વામન સાથે કેટલો અને કેવો સંબંધ રાખવો એ એને મનથી નક્કી જ કરી લીધું હતું.

મોટાભાઈ એમના સગા સબંધીઓથી ઘેરાયેલા હતા. એમાં ભાઈની મોટાઈની વાતો વરેણ્યાના કાને પડતી હતી. ભાઈ બધાંને કહી રહ્યા હતા, “બા તો ઉંમરે ગયા છે એટલે એમની પાછળ ‘ગરુડ પુરાણ’ બેસાડીશું. ઉંમરે ગયેલ વ્યક્તિ પાછળ ‘ગીતા’ ના બેસાડાય. અને બાનું બારમું, તેરમું તો ધામધૂમથી કરવું છે.” બધાંને ચાંદીની નાની વાડકીઓ અને જમણવાર તો ખરોજ બા તો દરરોજ તુલસીની પૂજા કરતાં હતા એટલે આવનાર દરેક વ્યક્તિને તુલસીના છોડ આપીશું. જેથી દરેકના ઘરમાં તુલસીની પૂજા થાય. આથી મોટી યાદગીરી બીજી શું હોઈ શકે ?

વરેણ્યાને થયું કે એ બોલે તમે બાને જે યાદગીરી આપી છે એ ઓછી છે ! પોતે બહારગામ રહેતી હતી. સાસુ ના પગે વા હતો એ લાકડીના ટેકે પોતાનું કામ ધીમેધીમે કરી લેતા હતા. પતિને ડાયાબિટીસ હતો તેથી રસોઈમાં પણ સાવચેતી રાખવી પડતી હતી. એની ગેરહાજરીમાં બહારનું ખાવાનું ખાવાથી પતિનો ડાયાબિટીસ વધી ગયો હતો. સસરાને બ્લડપ્રેશર હતું જેથી ઓછા મીઠાનું ખાવાનું કરવાનું હતું. વરેણ્યા બધાની સંભાળ રાખતી હતી. પરંતુ વરેણ્યા એની મમ્મીની ખબર જોવા પિયર જાય ત્યારે આમાંનું કશુય સચવાતું ન હતું. વરેણ્યાને ઘણું દુઃખ થતું હતું. તેથી જ એકવાર એની સાસુએ કહ્યું, “વરેણ્યા તને ઘણું દુઃખ થતું હશે, તું તારી મમ્મીને અહિં લઇ આવ. મેં પણ સાંભળ્યું છે કે તારા મમ્મીને તારા ભાઈ-ભાભી સારી રીતે રાખતા નથી. હવે તો મારી પણ ઉંમર થઇ છે. મને પણ સારી સોબત મળી રહેશે.”

વરેણ્યા સાસુના શબ્દો સાંભળી ખુશ થઇ ગઈ હતી એની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. ખરેખર પોતે નસીબદાર છે કે એને આવું સુંદર કુટુંબ મળ્યું છે ત્યાં જ એના સાસુ બોલ્યાં, વરેણ્યા તારા જેવી સુશીલ ને ખાનદાન વહુ મળવા બદલ અમે ધન્ય થઇ ગયા છીએ.

સાસુ વહુ બંનેને એકબીજાથી પરમ સંતોષ હતો. એક જ દુઃખ હતું. પિયરમાં પપ્પા ન હતા અને મમ્મી બીમાર રહેતાં હતા. ઘરમાં કામકાજ કરી શકતા ન હતા. પરિણામ સ્વરૂપ સતત વહુના છણકાછાકોટા સાંભળવા પડતાં. વરેણ્યા પોતે પણ વિચારતી હતી કે મમ્મીને મારી પાસે લઇ આવું.

વરેણ્યા જયારે પિયરમાં આવી ત્યારે એણે એના મોટાભાઈને કહ્યું, “હું મમ્મીને મારે ત્યાં લઇ જઉં ?”

એ સાંભળતાં જ ભાભી બોલ્યાં, “હા…હા.. કાયમ માટે લઇ જાવને તમારી દાનત પપ્પાની શહેરમાં ખરીદેલી જમીન પર છે. ભાડાની આવક પર છે, લઇ જાવ અને સમાજમાં અમને બદનામ કરો. જેવી તમારી ઈચ્છા.”

“ભાભી, જિંદગીમાં સંપત્તિ કરતાં પણ એક વાત મોટી છે અને તે માબાપના આશીર્વાદ. તમે કહેતાં હોવ તો હું અત્યારે જ લેખીતમાં આપી દઉં કે મારે તમારી મિલકતમાંથી કંઈ પણ જોઈતું નથી.”

“બહું જ સારૂ. અમને બદનામ કરવાની એક પણ તક તમે જતી નહી કરો. સમાજ તો એવું જ કહેશે કે મિલકત છોકરાએ લીધી ચાકરી છોકરીએ કરી. તમે અડધો ભાગ લેશો જ એની અમને ખાતરી છે. તમે તમારી માને લઇ જાવ. જવાબદારી એકલા છોકરાની નથી હોતી છોકરીઓની પણ હોય છે.” ભાભી બોલતાં રહ્યા અને વરેણ્યા ઊઠીને એની મમ્મી પાસે જતી રહી. મમ્મી સંધ્યાકાળે અંધારા ઓરડામાં સૂઈ રહ્યા હતા.

વરેણ્યાએ રૂમમાં લાઈટ કરી. મમ્મીના માથે હાથ ફેરવતા બોલી, “મમ્મી, હું તને લેવા આવી છું તું મારી સાથે મારા ઘરે ચલ.”

“વરેણ્યા હવેથી તું આવું બોલીશ જ નહી, પાછલી ઉંમરમાં હું શું કામ દિકરીના ઘરે જઉં ?” દિકરીનું અન્ન ખાનાર ચાંડાલ થઈને બીજા જન્મે, જન્મે અને હું મરણપથારી એ હોઉં ત્યારે છેલ્લી ઘડીએ મોંમા ગંગાજળ મારો દિકરો અને વહુ જ મુકે. વામન કંઈ આઘોપાછો હોય તો મારા અગ્નિદાહનું શું ? તમે નવા જમાનાના કંઈ સુધરવાના નથી. વાતો કર્યા કરો છો. તમને ક્યાં ખબર છે કે પુત્ર વગર ‘પુ’ નામના નરકમાંથી કોણ છોડાવે ? લોકો મૂરખ નથી કે પુત્ર માંગે છે. પુત્ર જ મા-બાપને તારે, તમે તો પારકા.

વરેણ્યા ને ‘પારકા’ શબ્દ ગમ્યો ન હતો. પોતે તો દિલથી માબાપનું કરવાની ઈચ્છા રાખતી હતી. કેટલી લાગણીથી દોડી આવી હતી. ખરેખર તો પોતે સાસુની દિકરી ન હતી છતાં પણ સાસુ દિકરીની જેમ રાખતી હતી એમણે તો ક્યારેય તું ‘પારકી’ એવો શબ્દ પ્રયોગ કર્યો ન હતો. અને પોતાની સગી મા પર્યાય હોય એમ ચૂપચાપ સહન કરે રાખતી હતી. ભાભી તો જાણે કે પારકી હતી પરંતુ મોટાભાઈ પણ મમ્મીના રૂમમાં ડોકિયું કરતાં નહી. બગડેલી પથારી, ઓળ્યા વગરના વાળ ઘણી બધી વાતોની ચાડી ખાતા હતા. “મમ્મી, તને કેવું છે ?” એવું પૂછવાની એ હિંમત પણ કરતી ન હતી. આટલા બધા દુઃખમાં મમ્મીને માત્ર એક જ સંતોષ હતો કે વામન એને ‘પુ’ નરકમાંથી છોડાવશે. એણે પુત્રને જન્મ આપ્યો છે.

જયારે જયારે એ પિયર જતી ત્યારે મમ્મી ભીનામાં અને ગંદામાં સૂઈ રહેલા હોય. આટલા ગંદામાં અને આટલી ગંધ મારતી હોય એવામાં માણસ કઈ રીતે રહી શકે. પપ્પાની કરોડોની મિલકત હતી તે ઉપરાંત એમને થોડીક દુકાનો પણ ભાડે આપી હતી. ભાડાની આવક પણ હતી. એમણે ધાર્યું હોત તો કોઈ જરૂરિયાતવાળી બાઈ પણ રાખી શક્યા હોત. પણ એમણે એવું કંઈ જ કર્યું ન હતું. મમ્મી માટે પૈસા ખર્ચવા ભાઈ તૈયાર ન હતો. કાયમ કહે કે પૈસા આપતાં પણ માણસ મળતાં નથી. વરેણ્યાને થતું કે એ કહે કે પ્રયત્ન કરવાથી ભગવાન પણ મળે છે તો એક બાઈ ના મળે.

ત્યારબાદ ફરીથી જયારે વરેણ્યા પિયર ગઈ ત્યારે મમ્મી પડખું ફરી નહી શકતા હોવાથી પીઠમાં ચાઠા પડી ગયા હતા તથા એમાંથી લોહી ને પરુ નીકળતા હતા. કોઈએ સાફ કરવાની પણ દરકાર કરી ન હતી. આટલું બધુ દુઃખ એ કઈ રીતે સહન કરી શકતી હશે એ જ એને સમજાતું ન હતું. પોતે તો દુર્ગંધ વેઠીને પણ મમ્મીને સાફ કરીને ચાદર બદલી માથું ઓળી આપ્યું. બધુય એ રડતાં હૃદય કરતી. એ સાસરી છોડી પિયરમાં આવીને રહી શકવાની ન હતી. એની પોતાની પણ જવાબદારી હતી પોતાના સાસરિયા પ્રત્યે. આ તો જન્મદાત્રી હતી. એના તરફ જોવા પણ કોઈ તૈયાર ન હતું.

જયારે મમ્મીના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે એણે માનસિક શાંતિ અનુભવી હતી કે મમ્મી છૂટ્યા.

બેસણા બાદ મોટાભાઈ ભાભીએ કહ્યું હતું, “મમ્મી પાછળ ગરુડ પુરાણ બેસાડવાનું છે. એ વખતે તમે આવી જજો સમાજમાં અમારું ખરાબ ના દેખાય કે એકની એક બહેન છતાંય મમ્મીની મરણવિધિ સુધી પણ હાજર ના રહી.”

વરેણ્યા હાજર તો રહી હતી પરંતુ એણે કહી દીધું હતું કે, “મોટાભાઈ, મમ્મી તમારે ત્યાં જ રહ્યા છે તો મમ્મીની બધી મિલકત પણ તમે જ લેજો. મને મિલકતમાં બિલકુલ રસ નથી.”

ભાભી તરત જ બોલી ઉઠ્યા, “એવી બધી મોંએથી કરેલી વાતો નો કંઈ અર્થ નથી. વકીલને બોલાવી કાયદેસર લખાણ કરી લો. પાછળથી તમે ભાગ માટે દાવો કરો તો અમારું શું ?”

વરેણ્યાને કહેવાનું મન થયું કે બોલીને ફરી જવાનું તમારા કુટુંબમાં હશે. અમારા કુટુંબમાં નથી. છતાંય વ્યક્તપણે બોલી, “સારૂ તમે વકીલ બોલાવી લેજો. હું લખાણ પર સહી કરી દઈશ. કોર્ટમાં પણ હું એવું જ કહીશ.”

ભાઈ-ભાભી તો ખૂબ જ ખુશ હતા. બધી મિલકત પોતાને મળી જવાની હતી.

ત્રીજા દિવસથી ગરુડપુરાણ ચાલુ થઇ ગયું હતું. વરેણ્યાનું મન ક્યાંય લાગતું ન હતું. ગરુડપુરાણ સાંભળતી ગઈ તેમ તેમ એ વધારેને વધારે ઉદાસ રહેવા લાગી.

ગરુડપુરાણમાં નરકના પ્રકારો સાંભળતી હતી. મહારાજ વિસ્તૃત વર્ણન કરી રહ્યા હતા. ‘કૃમિભોજન નરક.’ અરે, એ નરક તો મમ્મીએ જીવતા જીવ વેઠયું છે. દાળ, ચોખા સાફ કર્યા વગરના, એમાં કિલ્લા પડેલા હોય એવી ખીચડી મમ્મીએ ખાધી છે. ‘અસિપત્ર નરક.’ જેમાં તલવારની ઘાર જેવાં પાંદડા પરથી પસાર થવું પડે છે. પરંતુ તલવારની ઘાર જેવી ભાભીની વાણીથી માત્ર પગ નહી પણ આખું શરીર લોહીલુહાણ થઇ જતું હતું. ‘અંધકુપ નરક’ એ પણ મમ્મી પૃથ્વી પર ભોગવી જ ચુકી છે. સંધ્યાકાળે કે રાત્રે પણ મમ્મીના રૂમમાં દીવાબત્તી થતા ન હતા. લાઈટબીલ વધુ આવે એ બીકે પંખો તો હંમેશા ગમે તેવી ગરમીમાં બંધ રાખવામાં આવતો. જો કે ભાઈ-ભાભીની રૂમમાં એ.સી. ચાલુ જ રાખવામાં આવતું. કારણ ભાઈ-ભાભી એ.સી. વગર રહી શકતા ન હતા. મમ્મી બાથરૂમ સંડાસમાં જઈ શકતી ન હતી તેથી પથારીમાં જ બધુ પડ્યું રહેતું એ નરક નહી તો બીજું શું હતું ? પીઠે પડેલા ભાઠામાંથી લોહી-પરુ નીકળતા હતા તે પણ સાફ કરતાં ન હતા. મમ્મી એવી ગંદકીમાં પડી રહેતી હતી એ રૌરવ નરક નહી તો બીજું શું હતું ? મહારાજ ભાઈને કહી રહ્યા હતા તમે પુત્ર છો એટલે તમારી મમ્મીને ‘પુનરક’ માંથી છુટકારો મળશે.

વરેણ્યા રડી પડી હતી. મનમાં થતું કે એ કથા કરનાર મહારાજને જઈને કહે, “મહારાજ, મૃત્યુ બાદ માણસ કયા નરકમાં જાય છે એ તો તમારૂ શાસ્ત્ર કહે છે. હું શાસ્ત્રનો વિરોધ કરતી નથી. પણ મૃત્યુ પછીનું જીવન કોઈ જોવા ગયું નથી. પણ પૃથ્વી પરનું જીવન તો મનુષ્ય જોઈ શકે છે.”

પુત્ર હોવાનું ગૌરવ મમ્મી કરતી હતી. એણે તો જીવતે જીવ મમ્મીને ઘણાં બધા નરકની અનુભૂતિ કરાવી દીધી હતી.

પુત્ર કદાચ ‘પુ’ નરકમાંથી છોડાવતો હોય, પણ એ જ પુત્ર માતાને જીવતેજીવ ઘણાં બધા નરકોની અનુભૂતિ કરાવતો હોય તો મૃત્યુ બાદ નરક ભોગવવાની જરૂર જ ક્યાં છે ?

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮..

Categories: Nayna Shah

Leave a Reply