Payal Unadkat

અંતરે અજવાશ છે

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)

પાંદડું ના ટૂટશે એને અધર ડંફાશ છે,
લો કરી લો કર્મ સાચા કેટલી નવરાશ છે,

ના હુકમ છે કોઇનો ના ભાર મન પર કામનો,
શાંત ચીત્તે સાંભળું ટહુકા ઘણી હળવાશ છે,

બંદગીમાં માગતા’તા એકપળ ફૂરસદ મળે,
લો ફળી એ પ્રાર્થના સુકુન સત્યાનાશ છે,

બોલ મીઠા વેરતા’તા જો ઘડીભર સાથ હો,
કેમ જીભે મંથરા જેવી ભરી કડવાશ છે?

દર્દ દાબી દિલમહીં ફરતા રહેતા મોજથી,
આજ છે આરામ તોયે ભીતરે ભીનાશ છે,

ખૂટશે ના લાગણી તેવા દિલાસા આપતા,
હાસ્ય પણ દુર્લભ થયું કેટલો વપરાશ છે!

આવશે એ આવશે અજવાળવાને આયખું,
બંધ છે આંખોં છતાયે અંતરે અજવાશ છે.

-પાયલ ઉનડકટ

Categories: Payal Unadkat

Leave a Reply