(લગાગાગા×4)
નિખાલસતા મઢાવીને અધર પર હાસ્ય રાખે છે,
જમાનો દુશ્મની ભીતર; નજર પર હાસ્ય રાખે છે,
નથી ગમતા એ પાદર જ્યાં વિતાવ્યું બાળપણ સુખે,
નિહાળી દૂરથી ઝગમગ; નગર પર હાસ્ય રાખે છે,
અરેરે! ઓહ! એ ઉદ્દગાર કરશે ચિત્ર માટે એ,
ના હલશે પાંદડું દિલનું; અસર પર હાસ્ય રાખે છે,
અધૂરા માટલા ખખડે; વધાવે વાહથી એને,
ગુણીજનની સદા એ તો કદર પર હાસ્ય રાખે છે,
જરા સરખો એ જોશે દોષ તો ફટકારશે વેગે,
અનૂપમ જ્ઞાનની ઝોલી સભર પર હાસ્ય રાખે છે.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat