Swati Medh

દૂધ ઉભરાયું ને…

વાર્તા: દૂધ ઉભરાયું ને….

ગૅસ પર દૂધ ગરમ થતું હતું ને મોબાઇલની રિંગ વાગી. રીના ઝડપથી બહાર જઈને મોબાઈલ લઈ આવી અને વાત કરવા માંડી. એ જ વખતે દૂધ ઉભરાયું અને રીના ગૅસ બંધ કરે એટલામાં તો બહાર ઢોળાવા માંડયું. ગૅસ હોલવાઈ ગયો. રીના ગભરાઈ ગઈ. દૂધ રેલાતું હતું.

એ જ વખતે એના સાસુ સરયૂબહેન આવ્યાં. ‘દૂધ ઉભરાયું ?’ એમણે પૂછ્યું.

‘હા મમ્મી છે ને તે…’ રીના કશું કહેવા ગઈ.

‘કશો વાંધો નહીં. થઈ જાય એવું કોકવાર. હવે પાણી રેડીને પ્લેટફોર્મ ધોઈ નાખ. પહેલાં આ મોબાઇલ બહાર મૂકી આવ. પાણી પડશે તો બગડી જશે.’ સરયૂબહેન શાંત અવાજે સૂચના આપી જતાં રહ્યાં ને પાઠ કરવા બેસી ગયાં.

રીના જોઈ જ રહી. પછી બધું સાફ કરી નાખ્યું, દૂધ ઢાંકીને મૂકી દીધું ને બીજું કામ શરૂ કર્યું. બધો વખત એ ડરની મારી થથરતી હતી. હજી બે જ મહિના પહેલાં એના લગ્ન થયેલા. એરેંજ્ડ મેરેજ હતાં. સાસુ ખૂબ હોંશિયાર અને જરા કડક સ્વભાવના છે એવું એણે સાંભળેલું. આજે દૂધ ઉભરાઇ ગયું. એનો જ વાંક હતો. સાસુજી વઢશે જરૂર. એ ચોખ્ખાઇપ્રેમી હતાં એ તો એને આટલા દિવસમાં ખબર પડી ગયેલી. ‘આજ તો હવે ગઈ’. થોડી વારે એ રસોડાની બહાર આવી ત્યારે પણ હજી નર્વસ હતી.

‘અરે, એમ બીએ છે કેમ ?’ સરયૂબહેને રીનાનો ચહેરો જોઈને પૂછ્યું.

‘સોરી મમ્મી છે ને તે મારો એક કોલ આવવાનો હતો એટલે…’

‘તો? હોય એ તો થઈ જાય કોકવાર. મને દૂધની વરાળની વાસ આવી એટલે હું આવી. બસ એટલું જ. જા હવે તારો કોલ પતાવ.’ સરયૂબહેન પાછાં છાપું વાંચવા માંડ્યાં પણ હવે એમનું મન છાપામાં ન રહ્યું. વર્તમાનમાંથી ખસીને ચાળીસેક વર્ષ પહેલાંના સમયમાં પંહોંચી ગયું.

સરયૂબહેનના લગ્ન થયાને થોડા મહિના થયા હતા. ઘરની આર્થિક હાલત સારી હતી. રસોઈ ગેસ પર થતી હતી. એ વર્ષોમાં ગેસની અછત રહેતી. એક સિલિન્ડર જાય તો બીજું આવતાં દિવસો નીકળી જાય ને એ વખતે કેરોસીન સ્ટવ પર રસોઈ કરવી પડે. એક દિવસ એ એમ જ સ્ટવ પર દૂધ ગરમ કરતાં હતાં. દૂધ ઉભરાયું. એ સાંડસીથી ઉતારે એટલામાં દૂધ ઉભરાઈને બહાર ઢોળાયું, સ્ટવ ઓલવાઈ ગયો અને કેરોસીનના ધુમાડા અને ઉકળેલા દૂધની વાસ ઘરમાં ફેલાઈ ગઈ. બહાર બેઠાં શાક સમારતાં એના સાસુ તરત રસોડામાં આવ્યાં. ‘દૂધ ઉભરાયું ? ધ્યાન કેમ નથી રહેતું ? ખબર નથી પડતી ? અપશુકન થાય ? આ સ્ટવ પણ પાછો ઝટ સળગશે નહીં. રસોઈમાં મોડું થશે. પછી આપસાહેબ તો નોકરીએ જતાં રહેવાનાં ને બધું મારે માથે. તારું કાળજું ક્યાં છે ?’ સાસુ ખીજાઈને આટલું જ નહીં બીજું ય ઘણું બોલી ગયાં. કમાતી હોવાનો ટોણો પણ મારી લીધો.

સરયૂ રોવા જેવી થઈ ગઈ એ કાંઈ નાની ન હતી. સારું ભણેલી હતી. એકબે વર્ષ નોકરી કરીને પછી નોકરી ચાલુ રાખવા દેવાની સંમતિ મેળવીને પરણી હતી. પચીસ વરસની હતી. જો કે નોકરી કરતી હતી એ વાત સાસુજીને જરા ખૂંચતી હતી. આ અનુભવ પછી એમને સાસુજી માટે જરા અણગમો થઈ આવ્યો.

નવપરિણીત કન્યા અને સાસરા પક્ષની સ્ત્રીઓએ ખૂબ નજાકતથી પરસ્પર ગમતા થવાના પ્રયાસો કરવા પડે છે. આપણા સમાજમાં દીકરીઓને આ વાત જેટલી ઠોકીઠોકીને સમજાવવામાં આવે છે એટલી એનાં સાસરિયાંને સમજાવવામાં આવતી નથી. સાસુજી કદાચ એ સમજતા ન હતાં. એ ઉગ્ર બની ગયાં. સરયૂએ વિવેકથી વાત વાળી તો લીધી. પણ સાસરામાં આ પહેલા અનુભવ પછી એ સતર્ક બન્યાં. એ પછી એમના હાથે ક્યારે ય કશું ઉભરાયું કે ઢોળાયું નહીં. નોકરી કરવા સાથે સરસ રીતે ઘર સાચવવાની એમની કુશળતા લોકોમાં વાતોનો વિષય બનતી. બીજી સ્ત્રીઓને એ ટિપ્સ પણ આપતાં. સુઘડ ગૃહિણી તરીકે એમની વાહ વાહ થતી.

પછી તો સાસુજી યે ‘મારી સરયૂ એટલે બસ વાહ!’ની રેકોર્ડ વગાડવા માંડેલાં પણ સરયૂને સાસુ તરફ અણગમો જ રહ્યો. એક નાજુક તબક્કે ઘવાયેલી લાગણીનો ઘા કદિ ન રૂઝાયો. એક જાતની કડવાશ રહી ગઈ મનમાં. એમની સમજદારી પણ એમની લાગણી બદલી શકી ન હતી. આજે રીનાથી દૂધ ઉભરાઇ ગયું અને પેલો ઘા ચચરી ઉઠ્યો. હવે સરયૂબહેનનું મન વિચારે ચડ્યું.

આજે દૂધ ઉભરાયું એ એમને ગમ્યું તો નહોતું પણ એ વાત પર બહુ ખીજાવા જેવું ય એમને નહોતું લાગતું. એ સમજતાં હતાં કે રીનાને ઘરકામમાં સતર્ક રહેતાં, પોતાના જેવી ટેવો કેળવતાં શીખવાડવાનું ય કામ એમનું હતું. રીના તો અહીં નવી હતી. વળી ઊંચી ડિગ્રીવાળી ને કેરિયર બનાવવા ઉત્સુક. એને સારી ટેવો પડાવવી પડે એ એના જ હિતમાં હોય. પણ એમાં વઢ નહીં વિશ્વાસ કામ લાગશે. ના, એ રીનાને નહીં વઢે. સરયૂબહેને નક્કી કરી લીધું. આમે ય હવે દૂધ ઉભરાય તો ય કશો વાંધો નથી. પાઇપલાઇનનો ગૅસ છે. થોડી સાફસૂફી કરી નાખીએ. વાત પૂરી॰ સાસુજી દૂધ ઉભરાય તેને અપશુકન માનતાં. એ જુનવાણી ખ્યાલ હવે નિરર્થક ગણાય. વળી અપશુકન તે કઈ થતાં હશે ? એ તો ઉપજાવી કાઢેલી વાતો. થઈ જાય આવું કોકવાર. જતું કરવાનું. સરયૂબહેને વિચાર કરી લીધો. રીના હજી નર્વસ હતી. એના મમ્મીને ત્યાં ય દૂધ ઉભરાય તો મમ્મી રીનાની ઝાટકણી કાઢી નાખતાં. આ મમ્મી શું કરશે ? રીના ચિંતિત હતી. વાતનું વતેસર તો નહીં થાયને? ‘ મમ્મી મારી ભૂલ થઈ ગઈ, હવેથી ધ્યાન રાખીશ’એ બહુ જ નમ્ર અવાજે બોલી.

‘હોય એ તો જવા દે એ વાત. વાંક તારો નથી આ મોબાઈલનો છે. ગમે ત્યારે ગાવા માંડે છે! પણ એના વિના ચાલે ય નહીં. આજકાલના કામધંધા જ એવા છે તે!’ સરયૂબહેને હસીને કહ્યું. રીના એમની સામે આશ્ચર્યથી જોઈ જ રહી ને પછી હસી પડી.’ઓ ડિયર મમ્મી’ બોલતી એ પોતાની માને ભેટતી હોય એમ સરયૂબહેનને ભેટી પડી. સાસુવહુના સંબંધમાં ગઈ પેઢીએ ઊગી નીકળેલી અણગમાની કડવી વેલ બીજી પેઢીને અડકે એ પહેલાં જ ઉખડી ગઈ, મૂળિયાસોતી.

*******

લેખિકા : સ્વાતિ મેઢ

મોબાઈલ: ૯૭૨૪૪૪૨૫૮૬.

email: swatejam@yahoo.co.in

Categories: Swati Medh

Leave a Reply