ટૂંકી વાર્તા: ઈચ્છા
‘રોપશો તિતિક્ષાનું બીજ ,ઊગશે દુઃખોનો છોડ.
લણવું હશે સુખનું ફળ, પામશો દુઃખોની ઝડ.’
મંદિરએ આપણા વિચાર કેન્દ્રો છે. માનવ જયારે મુઝવણમાં મુકાય છે ત્યારે મંદિર પાસે જાય છે. પ્રભુના સાનિધ્યમાં તેને શાંતિ અને સમાધાન મળે છે. આમ તો પ્રભુનું મુખ એટલે મંદિરના પૂજારી-મહંત. આખા દિવસનો થાકેલો માણસ સાંજ પડે ઝાલર ટાણે મંદિર પહોંચી શાતા અનુભવે છે. આવા જ એક મંદિરમાં ભક્તોને આરતી પછી બાવજી વિચાર પ્રસાદ વહેચે છે. આજનો વિષય ઈચ્છા, સુખ, શાંતિ, સંતોષ પર ચાલી રહ્યો છે.
‘બાવજી સુખ શું છે?’એક ભક્તે પ્રશ્ન કર્યો.
‘સંતોષનું પરિણામ છે.’
‘આજે કોઈનામાં સંતોષ જોવા નથી મળતો. બધા દોડધામ શામાટે કરતા હશે?’
‘ઈચ્છાની પુરતી કરવા.’
‘ઈચ્છા શું છે?’
‘પ્રવૃત્તિની પ્રેરક છે.આમ તો સુખ મેળવવાની એક ચાવી છે ઈચ્છા. તો દુઃખનું કારણ પણ એજ છે. ઈચ્છા માણસને પ્રવૃત્તિ મય બનાવે છે. માણસ ઈચ્છાને સંતોષવા સતત પ્રવૃત્તિ કરતો રહે છે. પરિણામે ક્ષણિક સુખ મળે છે. તે માણે ન માણે ત્યાં બીજી ઈચ્છાનો જન્મ થાય છે. ફરી એની પાછળ દોડે છે. આગળ જતાં ઈચ્છા જરૂરિયાત બની જાય છે. જરૂરિયાત એ સર્જનની જનેતા છે. જેનાથી દેશ પ્રવૃત્તિમય રહે છે. ઉત્પાદન થાય છે. પણ વ્યક્તિ પૂરું સુખ માણી શકતો નથી.
એક સંતે કહ્યું છે કે “સુખ કભી નગદ નહિ મિલતા, સુખ ઉધાર હી મિલતા હૈ.” આમ તો ઈચ્છાના બહાને માણસ તપ કરે છે. ને તેનું પરિણામ ઉત્પાદન બને છે. ઈચ્છા એવી કરવી જોઈએ કે જે આપણે પૂરી કરવા સક્ષમ હોઈએ. જે ઈચ્છા પૂરી ન થઈ શકે તેવી હોય તે પૂર્ણ ન થતાં નિરાશા-હતાશા આવે છે. ને તે દુઃખનું કારણ બને છે. માટે ઈચ્છા તો હોવી જ જોઈએ. જયારે ઈચ્છાનો અભાવ થાય છે ત્યારે માણસમાં નિવૃત્તિ આવે છે. નિવૃત્ત વ્યક્તિ જડત્વ તરફ જાય છે. જે દેશ અને દુનિયા માટે જોખમકારક છે. દેશને ધબકતો રાખવો હશે તો ઈચ્છાને અવગણે નહિ ચાલે. પરંતુ ઈચ્છા તૃષ્ણા ન બનવી જોઈએ. ઉત્કટ ઈચ્છાને તૃષ્ણા કહે છે. તે ક્યારેય નાશ પામતી નથી. તેપૂર્ણ ન થતાં વ્યક્તિ અનાચાર તરફ જાય છે. દા.ત. કોઈ ઓછા પગાર વાળી વ્યક્તિ ઈચ્છાઓ મોટી કરે તે પૂરી કરવા જોઈતું નાણું ન હોય ત્યારે તે લાંચ લેવાનો પ્રયત્ન કરે છે. જેના પરિણામે તે ભ્રષ્ટાચારના વમળમાં ફસાય છે. માટે ભક્તો અતિશય તૃષ્ણા પણ સારી નહી ને અનિચ્છા પણ સારી નહી.’
‘તો બાવજી શું કરવું. ‘
‘મળેલ પરિણામમાં સંતોષ રાખી ઐહિક કર્મ કરતા રહો.’
‘બાવજી ઐહિક કર્મ એટલે શું?’
‘ મારી ફરજમાં જે કામ આવતું હોય તે પૂરી નિષ્ઠાથી કરું, તેને ઐહિક કર્મ કહે છે.’
‘બાવજી , આજકાલ લોકો અકરાંતિયું ભેગું કરે છે તે શું સુખ આપે?’
‘ના. જરાય નહિ. અતિશયતા એ ઝેર છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જેમ કે રસોઈમાં મીઠું વધારે પડે તો તે રસોઈ ઝેર બને છે. તેવી જ રીતે વધુ પડતું નાણું તમારી પાસે આવે એટલે તે ઝેર બની જાય છે. વધુ પડતી સત્તા પણ ઝેર છે. માટે જીવનમાં સમતોલપણું રાખો. હરીઓમ હવે સમય થયો છે. બીજી વાતો કાલે કરીશું.’
બાવજીએ પોતાની વાણીને વિરામ આપ્યો. બધા વિચાર પ્રસાદ લઈ વિચારોને મમળાવતા પોતાના ઘર તરફ પ્રયાણ થયા.
લેખક: રઘુવીર પટેલ
“જિગર” (ભજપુરા,સાબરકાંઠા)
મોબાઈલ: 9428769433
Categories: Raghuvir Patel