Rita Mekwan

રંજન

શીર્ષક : રંજન…

રાજ ને અમી પાંચ વરસના હતા ને જનકભાઈ ની પત્ની નું અવસાન થયું હતું..જનકભાઈ બન્ને બાળકો ને નાના નાની ને ત્યાં મૂકી આવ્યા..બેંકમાં સર્વિસ કરતા હતા.. દર શની રવિ બાળકો પાસે પહોંચી જતા….

એકવાર બાળકો પાસે ગયા ..રાત્રે બાળકો સૂઈ ગયા પછી એમના સસરા એ કહ્યું, “જનક..બેટા ક્યાં સુધી એકલા રહેશો? એક વરસ થયી ગયું.હવે તમારા માટે ને બાળકો માટે લગ્ન કરો તો સારું.એક સ્ત્રી ઘરમાં હોય તો બધું સાચવી લે.”

જનકભાઈ બોલ્યા “પપ્પા…તમારી દીકરી એ મને એટલો પ્રેમ આપ્યો છે કે હું બીજી સ્ત્રી વિશે વિચારી જ ન શકું…”

સસરા બોલ્યા “બેટા..અમી મોટી થશે..એને યોગ્ય સમજ આપવા માટે એક સમજુ સ્ત્રી હોય તો સારું બેટા…અમે પણ ક્યાં સુધી??”

જનકભાઈ ઉભા થઇ ગયા… સોમવારે બેંક મા પણ એમના દોસ્ત એ કહ્યું “જનક..એક છે છોકરી..જેના બાળ લગ્ન થયા હતા.પણ સાસરે મોકલતા પહેલા જ એનો વર મરી ગયો..સાસરી વાળા એ મનહુસ કહી… ને માબાપ ન હોવાથી મામા એ અનાથાશ્રમ માં મોકલી દીધી. ત્રીસ વરસ થી ત્યાં જ રહીને મોટી થઈ ને હવે ત્યાંના અનાથ બાળકો ને સાચવે છે.જો તું કહે તો હું વાત કરું..”

બે દિવસ પછી જનક એના દોસ્ત સાથે અનાથાશ્રમ ગયો..ત્યાં એક સાદગી ની મૂર્તિ જેવી દેવી ને જોઈ આભો બની ગયો..એના દોસ્તે ઓળખાણ કરાવી “રંજનબેન આ મારો દોસ્ત જનક છે..મે તમને વાત કરી હતી એ. અને જનક આ રંજનબેન..તમે લોકો વાતો કરો હું હમણાં આવ્યો.” કહી જનક નો દોસ્ત નીકળી ગયો..

જનકભાઈ એ કહ્યું “હું લગ્ન મારા બાળકો માટે કરું છું..”

રંજન બોલી “હું પહેલા મા બનીશ પછી પત્ની… અને હા..હું તમને વચન આપુ છું કે હું કદી “મા” નહિ બનીશ.” ને જનકભાઈ આ બલિદાન મૂર્તિ જેવી સ્ત્રી સામે જોઈ રહ્યા..

પંદર દિવસ પછી આર્યસમાજ માં સાદાઈ થી લગ્ન કર્યા.. રંજને ઘરે આવીને ઘર વ્યવસ્થિત કર્યું.. પછી જનકભાઈ ને કહ્યું “હવે રાજ ને અમીને લઈ આવો.”

જનકભાઈ બાળકોને લઈ આવ્યા. ઘરે આવી રાજને અમીને કહ્યું “બેટા..આ તમારી મમ્મી છે.” ને બાળકો પોતાની મમ્મી ના ફોટા સામે જોઈ રહ્યા.

સમય સરકતો રહ્યો. રંજને બન્ને બાળકો ને જન્મદાત્રી કરતા પણ વધારે પ્રેમ આપ્યો..રાજ ને અમી પણ રંજનબેન ને ખૂબ માન આપતા. બધું કહ્યું માનતા. કદી સામે ઊંચા અવાજે વાત નહિ કરતા…પણ… કદી “મા” કહીને નહિ બોલાવતા..પહેલેથી રંજનમાસી જ કહેતા.. એકવાર જનકભાઈ એ કહ્યું “બેટા તમે રંજન ને માસી ના બદલે મમ્મી કહી શકો?”

રાજે એની મમ્મી ના ફોટા સામે જોઈ કહ્યું “મારી મમ્મી તો આ છે.” રંજનબેન ને કહ્યું… “માસી..અમને માફ કરજો..પણ અમે મમ્મી ને નહિ ભૂલી શકીએ.”

રંજનબેન બોલ્યા…”ભલે હું “મા” નથી..પણ માસી એટલે કે મા જેવી તો છું.” એમ કહી ને હસીને બન્ને બાળકોને માથે હાથ ફેરવ્યો…

સમય સરકતો રહ્યો..બાળકો મોટા થયા..રાજે એની સાથે જ ભણતી એન્જીનીયર લીના સાથે લગ્ન કર્યા. ને વધુ કમાવા અમેરિકા જતો રહ્યો..ને અમી ના પણ લગ્ન થયી ગયા…

હવે જનકભાઈ ને રંજન બન્ને એકલા પડ્યા.. એકવાર જનકભાઈ એ કહ્યું, “રંજન..હું તારો ગુનેગાર છુ..ઘણો સ્વાર્થી છું…મારા બાળકો ને માટે મે તારું માતૃત્વ નું સુખ છીનવી લીધું.”

રંજન એ કહ્યું “અરે …મે જ તમને પહેલીવાર મળ્યા ત્યારે કહ્યું હતું..કે હું કદી મા નહિ બનું….તમે તમારી જાતને દોષ નહિ આપો..”

પણ જનકભાઈ પોતાને માફ ન કરી શક્યા.. રીટાયર્ડ થયા ને બાળકો પણ જતા રહ્યા…રંજનબેન ખૂબ સાચવતા છતાં પણ એક રાત્રે એટેક આવ્યો ..હોસ્પિટલ લઈ ગયા.. રંજનબેન એ બન્ને બાળકો ને ફોન કરી આવી જવા કહ્યું…અમી ત્રીજે દિવસે જ આવી ગયી ને રાજ પોતાના પરિવાર સાથે એક વીક પછી આવી ગયો..જનકભાઈ બધા ને સાથે જોઈ ખૂબ ખુશ હતા…એક રાત્રે ફરી તબિયત લથડી…ડોકટરે રાજ ને કહ્યું “હવે બે ત્રણ દિવસ કાઢી શકે..એમને કોઈ ચિંતા છે.”

બીજે દિવસે જનકભાઈ એ ડોકટરને કહ્યું “ડોકટર..મારે ઘરે જવું છે..હું ઘરમાં મારા પરિવાર સાથે છેલ્લો સમય વિતાવવા માંગુ છું.” ને રજા લઈ ઘરે આવી ગયા…

તે રાત્રે..જનકભાઈ એ બધાને ભેગા કર્યા..રંજનબેન નો હાથ હાથ માં લીધો અને રાજ ને અમી ને કહ્યું “બેટા..રંજને તમને મા કરતા પણ વધારે પ્રેમ આપ્યો …તમારા બંને માટે એણે કદી “મા” ન બનવાનું મને વચન આપ્યું…મારા ગયા પછી તમે પણ જતા રહેશો..આજે એકવાત તમને કહું છું ..જે મે તમારા થી છુપાવી છે.. આ દેવી ને હું અનાથાશ્રમ માંથી લગ્ન કરી ને લાવ્યો હતો…મારી પાસે એક આ ઘર સિવાય બીજું કંઈ નથી.. એટલે મારા ગયા પછી રંજન ફરીથી અનાથ ન થાય એટલા માટે આ ઘર અને થોડા પૈસા મેં રંજન ના નામે કર્યા છે.. મને અફસોસ છે કે તમે કદી એને “મા” કહી ને બોલાવી નથી… મારા ગયા પછી તમે આ બલિદાન ની મૂર્તિ ને સાચવજો…”

રાજ ને અમી ઊભા થઈને પહેલા રંજનબેન પાસે ગયા…બન્ને રડતા રડતા રંજનબેન ને પગે લાગ્યા..બે હાથ જોડી કહ્યું “મા… અમને માફ કરી દો… મા…આવતા જન્મે પણ તમે જ અમારી “મા” બનો એવી પ્રભુ ને પ્રાર્થના કરીશું… મા.. અમે તમારું ઋણ ક્યારેય ન ચૂકવી શકીશું…?”

બન્ને રંજનબેન ને ભેટી ને કહેવા લાગ્યા… “મા… છોરું કછોરું થાય તો પણ માવતર કમાવતર ન થાય… મા.. અમને માફ કરો..”

ને રંજનબેન ના આંખમાંથી આંસુ ઓની ધારા વહેવા લાગી…બન્ને બાળકો ને ગળે લગાવી ને કહ્યુ “આજે હું “મા” બની બહુ ખુશ છું. મને દુનિયાની તમામ ખુશી મળી ગયી…ને જનકભાઈ ને કહ્યું,. જનક જુઓ હું “મા” બની ગયી છું..હવે તમે મનમાં કંઇ લાવશો નહિ.”

રાજ ને અમી એ પપ્પા નો હાથ હાથ માં લઇ વચન આપ્યું “પપ્પા..હવે અમે મમ્મી ને સાચવીશું.”

રાજે કહ્યું “હું ઇન્ડિયા પાછો આવી જઈશ..મારી મા પાસે…મારી મા સાથે રહીશ.” ને પોતાની નાનકડી પરી ને રંજનબેન ના હાથ માં સોંપી… ને…જનકભાઈ એ સંતોષ થી આંખ મીંચી દીધી…..

-રીટા મેકવાન “પલ”
સુરત..
૨૧.૪.૨૦૨૦.

Categories: Rita Mekwan

Leave a Reply