Sense stories / बोध कथाए

માવાએ લખેલો માણસને પત્ર

માવાએ લખેલો માણસને પત્ર.

મને ખાનારા કોરોના મહામારી વચ્ચે બરાબરના તડપે છે એટલે, મને થયું કે, લાવ આ માણસને પત્ર લખું.

પ્રિય માણસ.

હું માવો. હું જે લખું છું તે તું ધ્યાનથી વાંચીને તેના વિશે વિચાર કરજે.

તને એ, ખાસ ખબર છે કે, મારું વેચાણ એક નાનકડી કેબિનથી લઈને મોટામાં મોટી દુકાનમાં ખૂબ, મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ગુજરાત જેવા ગતિશીલ રાજ્યમાં, મને ખાનારા પણ, ખૂબ વધારે છે. એમાંય સૌરાષ્ટ્રની તો વાત જ ન કરો. ઘેર ઘેર મને તૈયાર કરવાની સામગ્રી જોવા મળે છે.

મારી બનાવટમાં એક ચોરસ પા ફૂટનો કાગળ, સોપારી, પાંત્રીસ, એકસો વિસ કે ત્રણસોની તમાકુ, બાબુ, પેરેડાઈજ, ભૂમિ, સિદ્ધાર્થ જેવા અનેક નામી ચૂનાના પાર્સલ અને રબર અથવા દોરાની જરૂર પડે છે. મને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે, પાવડર તેમજ નાગર વેલના પાંડ પણ, ભેળવવામાં આવે છે.

મને ખાનારા લોકો મારી ડોકમાં રબર કે, દોરો મજબૂત રીતે વીંટાળીને, હાથની હથેળીઓ વચ્ચે મૂકીને બરાબરનો ચોળી નાખે છે. હું કાળો પડવા લાગુ એટલે, મને ખાનારો, મારી ડોક પર વિટાળેલા રબર કે, દોરાને છોડીને મન ફાવે ત્યાં ફગાવે છે.

ઘણા મને આખેઆખો ખાઈ જાય છે તો, ઘણા લે ભાઈ બે કટકા એમ કહીને, પાર્ટનરમાં ખાય છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં તો, નાના નાના છોકરાઓ અને, છોકરીઓ પણ, છોડતા નથી. મારા કાગળ તો, ચારેય કોર ઉડતા જોવા મળે છે.

મારું વેચાણ કરનારી તમામ જગ્યાઓ પર એક પાટિયું જોવા મળે છે. જેના પર, સ્પષ્ટ મોટા અક્ષરે લખેલું હોય છે કે, પાન માવો સ્વાસ્થ્ય માટે હાનિ કારક છે. છતાં પણ મારું વેચાણ દિવસે ન વધે એટલું રાતે વધે છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં, મારી ઘરવાળી વિમલનું ખૂબ માન છે. હમણાં હમણાં તો મારી દીકરી માણેકચન પણ, માર્કેટમાં આવી છે. મારા ભાઈ સુરેશ સાથે મારી સાળી મીરાજ પણ ફરે છે. મારા બાપા બુધાલાલ પણ, ઓછે વધતે અંશે બધા વિસ્તારમાં ફેમસ થઈ રહ્યા છે. મારી મમી બજરને ચાહનારામાં વૃદ્ધો વધારે છે. મારી સાસુ આરેમડી ખૂબ તેજ છે એટલે, એનો ખુબ ઓછા લોકો સામનો કરે છે.

તાનસેન, પાન વિલાસ, સિલ્વર, રાગ, રજની ગંધા, જાફરી જેવી તો, અનેક ફાલતું ગર્લ્સ મારી પાછળ બજારમાં ફરે છે. અમારા આ આખા પરિવારના બળે કેટલાય લોકો અઢળક કમાણી કરી રહ્યા છે. આ કમાણી સેંકડો લોકોના જીવનમાં હળાહળ ઝેર ઓકે છે.

મારા પરિવારને પ્રેમ કરનારા એના પરિવારને રાતે પાણીએ રોવરાવે છે. અમારી પાછળ પાગલ બનેલા અંતે તો કેન્સરનો ભોગ બને છે. આ રોગ અંતે કિંમતી એવા માનવ જીવનને મોતના મુખમાં ધકેલી દે છે.

ઘણી વખત ઘરનો મોભ આ બીમારીનો ભોગ બનતી હોવાથી, આખો પરિવાર નિસહાય બને છે. અમને હાથ લગાડનાર હમેંશા ગરીબી રેખા નીચે જ જીવે છે.

હું તમારા મનમાં ભલે તમારો મિત્ર છું પણ, હે મિત્રો, આજે આ માવો બોલે છે, કાન ખોલીને સાંભળો, અમારા પરિવારના તમામ સભ્યો તમારા જીવનના કટ્ટર દુષમન છે.

મારા પરિવાર સાથે તમે મૈત્રી કરાર ન કરો એમાં જ તમારું ભલું છે. આપ સહુ મારી વાત માનશો એવી આશા રાખું છું.

તમારો હિતેચ્છુ, માવો.

ફરી ફરી કહું છું, હે માણસ અત્યારે હું તારા હાથમાં નથી આવી શકતો એ તારું નસીબ છે. પ્લીઝ, આવું સમજીને તું મને છોડી દે. તું આવું કરીશ તો મારો આત્માં રાજી થશે.

લિખિતન,
તારો વ્હાલો પણ, કટ્ટર દુષમન બમણા ભાવ વધારા સાથે, બજારમાં ફરતો માવો.

લેખક : વાળા મનહર.

Leave a Reply