SHORT STORIES / लघु-कथाए

રૂપિયા બસ્સો પંચાવન

વાર્તા: રૂપિયા બસ્સો પંચાવન

ટૅક્સી ઊભી રહી. “સા’બ આવી ગયો સરકારી બંગલો.”

હું નીચે ઊતરતો હતો કે માણસો દોડી આવ્યા. “વેલકમ સર. કંઈ તકલીફ તો નથી પડીને?” મારા અંગત સચિવ રવિએ પૂછ્યું અને તે સામાન અંદર મૂકાવા લાગ્યો.

“ના, રવિ. બધી વ્યવસ્થા સારી હતી.” કહીને મેં ટૅક્સી ડ્રાઈવરને પૂછ્યું, “કેટલા રૂપિયા થયા ભાઈ?”

“૨૫૫ સાહેબ.”

“હેં કેટલા?” મારાથી જરા મોટેથી બોલાઈ ગયું.

તે અસંમજસમાં બોલ્યો, “ટુ ફિફ્ટી ફાઈવ, સર.”

એને સાંભળ્યા વિના જ મેં વૉલેટમાંથી સો-સોની ત્રણ નોટ કાઢીને આપી.

“છૂટાં નથી સાહેબ?”

“ના, રાખ. ભલે રહ્યા.” કહીને મને મળેલા સરકારી બંગલા તરફ ચાલવા લાગ્યો. માણસોએ સામાન અંદર મૂકી દીધો હતો. મારાં મગજમાં ૨૫૫નો આંકડો ઘૂમરાતો રહ્યો.

સરસ કુદરતી વાતાવરણ, લીલોતરીથી ઘેરાયેલો મજાનો બંગલો હતો. હું વૉશરૂમમાં જઈ ફ્રેશ થઈ આવ્યો. ત્યાં જ બહારથી અવાજ આવ્યો,“સાહેબ, ગાડી આવી ગઈ છે. હું તમારો ડ્રાઇવર છું – સાજીદ.”

“ઑફિસે જઈ આવું.” રૂમમાં ડોકિયું કરીને હું બોલ્યો અને સાજીદ જોડે નીકળી ગયો.

સાજીદ ફૂટડો યુવાન હતો અને બોલકો પણ ખરો. તેણે કહ્યું, “સાહેબ તમારા જેવા યંગ અધિકારીઓ આવે એ મને બહુ ગમે. તમે મને બહારનું બધું કામ સોંપી શકશો. હું ફટાફટ કરી દઈશ. બહુ ભણેલો નથી પર સબ કામ કર લેતા હું.” મને મૌન જોઈને એ આગળ બોલ્યો, “સાહેબ આપણી ગાડી બગડી ગયેલી એટલે હું સ્ટેશને લેવા આવી શક્યો નહીં. ટૅક્સીવાળાએ કેટલું ભાડું લીધું? વધારે નથી લીધાને? મે સબકો પહેચાનતા હું . . . વાપિસ લઈ આવીશ.”

“ના. સરકારી બંગલા સ્ટેશનથી તો ઘણા દૂર છે એટલે ભાડું તો થાય જ ને? સાજીદ, મારાં બા કહે છે કે, આપણે માણસની સચ્ચાઈ ઉપર વિશ્વાસ રાખીએ તો સત્ત્વ જ પ્રગટે. અવિશ્વાસને કારણે જ ખરાબીઓ ઉદભવે છે.”

“હા, સા’બ વાત ખરી. કેટલા રૂપિયા લીધા, ૨૦૦?”

“ના. ૨૫૫.”

“સામાન જોઈને વધારે લીધા હશે.”

હું ફરી ૨૫૫ના આંકડે અટવાઈ ગયો. સાજીદ મને મૌન જોઈને ચુપચાપ ગાડી ચલાવતો હતો અને હું ક્યાંક બીજે જ જઈ ચડ્યો.

“મારા ૨૫૫ રૂ. લખી રાખજે, ભૂલ્યા વિના મને આપી દેજે.” જતા જતા કાકાએ પપ્પાને કહ્યું.

પપ્પાએ હકારમાં માથું ધૂણાવતા કહ્યું, “હા, હા આપી દઈશ. બધો હિસાબ રાખું જ છું.”

પપ્પાએ મને ફાઈલ આપી. હિસાબના પાનાં પર ૨૫૫ રૂપિયા કાકાને આપવાના એમ લખી લેવા કહ્યું. મેં લખી નાંખ્યું. સવારે જ પપ્પા બેંકે દોડાદોડ જઈને પૂરાં ૫૦ હજાર રૂપિયા ઉપાડી લાવેલા. મારાં દાદીમાના પેન્શન એકાઉન્ટમાંથી!

વાત એમ બનેલી કે સવારે બાને અચાનક ગભરામણ થવા લાગી. બધાં મૂંઝાયા, શું કરવું? બાજુમાં રહેતા ડોક્ટર અંકલને બોલાવ્યા તો કહે તાત્કાલિક દવાખાને લઈ જાવ. પપ્પાએ બા સાથે મને અને મમ્મીને રિક્ષામાં બેસાડી દવાખાને પહોંચવા કહ્યું અને તે ઉપડ્યા બેંકમાં. બાનું અને એમનું જોઇન્ટ ખાતું, જેમાં બાનું પેન્શન જમા થાય. એમાંથી રૂપિયા ઉપાડીને સીધા દવાખાને આવી ગયા.

ડોક્ટરે દાખલ થવાનું કહ્યું. સારવાર થવા માંડી અને પપ્પાએ કાકાને ફોન કરી જણાવી દીધું. કાકા સાંજે ઑફિસેથી છૂટીને દવાખાને આવ્યા ત્યારે પપ્પા ઘરે ગયેલા. પાછા દવાખાને પહોંચ્યા ને કાકાને જોયા એટલે કહે, “જો નાનુ, બાને રાખવાનો વારો મારો હતો ને એ માંદા પડ્યા. હવે તું સંભાળ. આમ પણ કાલથી તારો જ વારો શરૂ થાય છે.”

કાકા થોડીવાર મૂંગા બેઠા રહ્યા. પછી ધીમેથી બોલ્યા, “ભાઈ, હવે મારાથી નહીં થાય. હું એ કહેવા જ આવ્યો છું. આ તો તું નહોતો અને સિસ્ટર મને પ્રિસ્કીપ્શન પકડાવી ગયા તો દવા લઈ આવ્યો. લે આ બિલ. ૨૫૫ રૂપિયા થયા છે. મને આપી દેજે.”

પપ્પાએ કડવાશથી કહ્યું, “આપી દઈશ પણ બાનું શું કરવાનું છે, તે નક્કી કરીને જા.”

“મેં તો કહ્યું એ જ ફાઈનલ છે. મેં અને રમાએ નક્કી કર્યુ છે કે હવે અમને નહીં ફાવે.” એટલું કહી કાકા જવા માંડ્યા અને ૨૫૫ રૂપિયાનું યાદ કરાવતા ગયા.

“મેં કંઈ ગધાડી ઝાલી છે?” ગુસ્સામાં એકલા બબડતા બેસી રહેલા પપ્પા સામે હું જોયા કરતો હતો.

એમનો ગુસ્સો મારા તરફ ડાઈવર્ટ થયો, “કેમ ભાઈ, તારે રોજ કૉલેજમાં રજા રાખવાની છે? બા સામે બેઠો રહીશ તો યમરાજ પાછા નહીં જાય.”

જેમ તેમ ત્રણ દિવસ દવાખાનામાં કાઢ્યા. મમ્મી-પપ્પાનું વર્તન જોતાં બા રોજ ભગવાનને પ્રાર્થના કરતા કે તેમને લઈ લે. પણ ધાર્યુ ધણીનું જ થાય. બાને દવાખાનામાંથી રજા મળી અને કમને પપ્પા એમને ઘરે લઈ આવ્યા.

હવે જ બવાલ ઊભી થઈ કે બાનું કરવું શું? મારાં પપ્પા અને કાકા વચ્ચે બે જ વર્ષનો ફેર એટલે તે બંને એકબીજાને તુંકારો જ કરતા. મમ્મીને અને કાકીને ઊભું બને નહીં, પણ આ વાત પર એ બંને પણ એક થઈ ગયાં! કોઈને બા જોતાં નહોતા. કરવાનું શું? અત્યાર સુધી તો બા એક મહિનો અમારે ત્યાં અને એક મહિનો કાકાને ત્યાં રહેતા. હવે બિમાર પડ્યા એટલે કોઈ રાખવા તૈયાર નહોતું. હું ચૂપચાપ જોયા કરું તાજના સાક્ષીની જેમ!

“ઑફિસ આવી ગઈ સા’બ.” કહેતા સાજીદે મારી બાજુનો દરવાજો ખોલ્યો. હું આભો બનીને મારી મંઝિલ સામે જોઈ રહ્યો. આ દબદબો, આ માન-સન્માન બધું જ બાએ મારી અંદર વાવેલા સપનાને આભારી હતું.

“નીલ, તું નિશાળેથી આવીને ટીવી જોવે, રમતો રમે છે પણ વાંચતો કેમ નથી?”

“બા, મમ્મી કહે છે કે વાંચવાથી ચશ્મા આવી જાય.”

“ના એવું નહીં દીકરા. વાંચવાથી ચશ્મા આવશે, પણ દુનિયાને નવી રીતે જોવાના ચશ્મા તમે મળશે.”

“એ શું બા? મને કંઈ સમજાતું નથી.”

“તું નાનો છે ને મોટો થઈને કલેક્ટર સાહેબ બનીશ ત્યારે સમજાશે. એટલા માટે જ વાંચવાની ટેવ પાડ. જો બપોરે મમ્મી સૂઈ જાય ત્યારે તું ટીવી જ જોવે છે ને એ વખતે મારી પાસે આવજે આપણે બેય વાંચશું.”

બા આવે ત્યારે એમની સાથે વાર્તાઓ વાંચતા વાંચતા ક્યારે વાંચવાનું વ્યસન થઈ ગયું એ ખ્યાલ જ આવ્યો નહીં! મોટો થતો ગયો પછી તો બધી કમ્પેટિટિવ એક્ઝામ્સમાં આગળ ને આગળ રહ્યો. બા અમારે ત્યાં આવતાં ત્યારે મને જૂની વાતો કરતાં. એટલે મને ખબર હતી કે બાએ પપ્પા અને કાકાને કેટલી તકલીફ વેઠીને ભણાવ્યાં અને નોકરીએ લગાડ્યા હતાં. જો કે બાને કાયમ અમારાં કે કાકાના ઘરે વધારાના માણસ તરીકે જ રહેવું પડતું. બાના સ્વભાવમાં સ્વીકાર અને સમભાવનો ગજબ સમન્વય મેં જોયેલો. મેં એમને કદી દલીલો કરતા કે ખપ વિનાનું બોલતા જોયા નહોતા.

બાને ઘરે લાવ્યા પછીની સાંજે કાકા આવ્યા અને પપ્પાને કહેવા લાગ્યા, “તેં ૫૦ હજાર ઉપાડેલા એનો હિસાબ આપજે અને મારાં ૨૫૫ રૂ. આપી દે. યાદ રાખજે કે પેન્શનમાં મારો પણ હક છે. દર મહિને મને હિસાબનો ઇમેઇલ કરી દેજે. અને હા, હવે બા વિશે અમને કાંઈ જણાવવું નહીં “.

પપ્પાએ પણ સોની બે નોટ, પચાસની એક અને પાંચનો સિક્કો – એમ બરોબર ૨૫૫ રૂપિયા છૂટાં આપી દીધા. પછી બોલ્યા, “આ દવા ચાલુ જ રાખવાની છે. દર મહિને ૨૫૫ રૂપિયાનો ખર્ચ ઊભો જ રહેવાનો.”
કાકાએ જાણે સાંભળ્યું જ નહીં અને રૂપિયા લઈને, આવ્યા હતા એવા જ ઊભા-ઊભા પાછા જતા રહ્યા.

મમ્મી રસોડામાંથી બહાર આવીને ગુસ્સામાં કહે, “બધું શૂરાતન બૈરી સામે જ ચાલે છે? ભાઈ સામે તો બોલતી બંધ! કેમ આમ જવા દીધા? નક્કી કેમ ના કર્યું કે તમારી માનું શું કરવાનું છે?”

“શાંતિ રાખને. કંઈક નક્કી કરીશું. અત્યારે આવી હાલતમાં એમને ક્યાં મૂકી આવું? દસેક દિવસ જેમ-તેમ ખેંચી લે. ત્યાં સુધીમાં હું એમની કંઈક વ્યવસ્થા કરી દઈશ.”

“દસ દિવસ? મારાથી એક-બે દાડાય સહન નહીં થાય હવે. તમારી એકની મા નથી. બીજાને ના રાખવી હોય તો હુંય શું કામ રાખું?”

“મંજુ, જરા સમજવાનો પ્રયાસ તો કર. રસ્તા ઉપર તો મૂકી અવાય નહીં. હું તપાસમાં જ છું. કોઈ વૃદ્ધાશ્રમ કે એવી કોઈક સંસ્થાની શોધમાં જ છું.” એટલું બોલતા પપ્પાનું ધ્યાન મારી સામે ગયું અને તાડૂક્યા, “તું શું આખો દિવસ અહીં બેઠો રહે છે? ભણવાનું નથી લાટસાહેબને? સમય વધી પડ્યો હોય તો પાર્ટ ટાઈમ નોકરી શરૂ કરી દે. અને હા, બા પાસે બહુ બેસવાની તારે જરૂર નથી. હું અને તારી મમ્મી સંભાળી લેશું બધું.”

હું ઊભો થઈને મારા રૂમ તરફ જતો હતો કે બાને એમના રૂમના દરવાજે ઊભેલાં જોયા. મને જોઈને એમણે સાડીના છેડાથી આંખ ફટાફટ લૂછી નાંખી અને કૉમન બાથરૂમ તરફ ગયા. એમનો રૂમ એટલે આમ તો અમારાં ઘરનો સ્ટૉર રૂમ. હું હાઈસ્કૂલમાં હતો ત્યારે અમે આ મકાન જોવા આવેલા.

બ્રોકરે પપ્પાને કહેલું, “સાહેબ, આ ભાવમાં આટલી જગા જ નો મળે આ શહેરમાં. બે બેડરૂમની કિંમતે જોડે આ નાનો રૂમ બોનસ જેવો છે. તમે પૂજારૂમ બનાવી શકશો. કેવો સરસ શાંત રૂમ છે.”

મમ્મી તો બપોરે પરવારીને ટીવીમાં જાતભાતની સિરિયલો જોયે રાખે ને પછી સૂઈ જાય. અમારાં ઘરે બાનો વારો હોય ત્યારે જ સંસ્કૃત શ્લોક અને મંત્રજાપ મારા કાને પડે. બાકી પૂજારૂમની જરૂર નહોતી. મમ્મીએ તેને સ્ટૉરરૂમ બનાવી દીધેલો. મારા માટે નવો ડબલ બૅડ લીધો ત્યારે સિંગલ સેટી વધી પડી એટલે એનેય ત્યાં જ મૂકી દીધેલી. અમારો વારો હોય ત્યારે બાએ સ્ટૉર- રૂમમાં જ રહેવાનું.

દસ દિવસ નહીં, પણ છઠ્ઠે દિવસે જ મમ્મીએ મીઠાઈ મગાવી. પપ્પા સવારે જ એકલા જઈને બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. પપ્પાએ કાકાને ફોનમાં કહ્યું, “નાનુ, બાની વ્યવસ્થા થઈ ગઈ છે. તેમનો ખર્ચ પેન્શનમાંથી જ આપવાનો રહેશે. રહેવા-જમવાના અને ઉપરથી દવાના ૨૫૫ રૂપિયા તો દર મહિને આપવાના જ છે. પેન્શનમાં હક જોઈએ તો ખર્ચમાંય તારે ભાગ આપવો પડશે.”

“તારે જે કરવું હોય તે કર, મને પેન્શનમાં કે ખર્ચમાં ગણો નહીં અને બા વિશે પણ કંઈ કહેવું નહીં.” કાકાએ ફોન મૂકી દીધો.

પપ્પાને આમ તો હાશકારો થયો. વિધવા પેન્શનની બાના ખાતામાં સાથે તેમનું નામ હતું એટલે હવે એમને કોઈ પૂછવાનું રહ્યું નહીં.

દરેક પરીક્ષા અને પરિણામ વખતે હું વૃદ્ધાશ્રમમાં બાના આશીર્વાદ લેવા અચૂક જતો. હું આઈ.એ.એસ ઑફિસર બન્યો. એપોઇન્ટમેન્ટ લેટર આવી ગયો.

મેં મમ્મી-પપ્પાને કહ્યું, “મને અહીંથી દૂર એક સરસ જગ્યાએ પોસ્ટિંગ મળ્યું છે. પહેલી તારીખથી હાજર થવાનું છે. એટલે બે દિવસમાં બધી તૈયારી કરીને નીકળીશ.”

“નીલ, હું તારી જોડે આવું. તારા પપ્પાને નોકરીના થોડા વર્ષ જ છે એટલે રિટાયર્ડ થયા પછી એય સાથે રહેશે.”

“ના મમ્મી. હું તમને નહીં લઈ જઈ શકું. તમે બંને અહીં જ રહો.”

“લાટસાહેબ છકી ગયા છે. મા-બાપ પ્રત્યેની ફરજ ક્યાંથી યાદ આવે?” પપ્પા દાઢમાં બોલ્યા.

“મને તો મારી ફરજનું પૂરેપૂરું ભાન છે, પપ્પા. હું એ નિભાવીશ પણ ખરો.”

બે દિવસ પછી સામાન સાથે નીકળવા તૈયાર હતો અને ટૅક્સી પણ આવી ગયેલી.

“બસ મા-બાપને મૂકીને એકલો જાય છે ને?”

“ના મમ્મી એકલો નથી જતો.”

“શું? શું બોલ્યો તું? એકલો નથી જતો!”

“ના પપ્પા. કોઈ મારી રાહ જુએ છે. સાથે લઈને જાઉં છું.”

“કોણ છે? કોઈ છોકરી છે? કઈં લફરું છે તારે? સાચું કહે.” મમ્મી તાડૂકી.

“કોણ છે, કોને લઈ જાય છે? ક્યાં રાહ જુએ છે?” પપ્પાએ પણ એક શ્વાસે મારો ચલાવ્યો.

“વૃદ્ધાશ્રમમાં!”

“હેં!” બંને એકસાથે બોલી ઊઠ્યાં.

-છાયા ત્રિવેદી

Leave a Reply