Dr. Nimit Oza

કોરોના વાયરસને એક ખુલ્લો પત્ર

કોરોના વાયરસને એક ખુલ્લો પત્ર

અપ્રિય કોરોના,

ખબર નહીં કેમ ? પણ તારો ડર નથી લાગતો યાર. ફર્સ્ટ MBBSથી ડેડબોડી સાથે રહેવાની આદત છે. મૃત્યુને એટલા નજીકથી જોયું છે કે હવે મૃત્યુ સાથે ભાઈબંધી થઈ ગઈ છે. એટલે પ્લીઝ, મૃત્યુનો ડર બતાવવાનું તો રહેવા જ દેજે.

એક સર્જન તરીકે લોહીના ખાબોચિયામાં હાથ નાખતી વખતે, એ લોહી કોનું છે ? કેવું છે ? ઈનફેકટેડ છે કે નહીં ? અમે એવું નથી વિચારતા. બ્લડ ગ્રુપ અલગ અલગ હોતા હશે, બ્લડનો કલર નહીં.

કોરોના, પર્સનલી અમને તારી સામે કોઈ વાંધો નથી. અમે જીવાણુઓ સાથે મોટા થયા છીએ. વાઈરસ, બેક્ટેરિયા, ફંગસ અને પેરેસાઈટસને ઇનસાઇડ-આઉટ ઓળખીએ છીએ. એટલે પ્લીઝ, ડોન્ટ ટ્રાય ટુ બી સ્માર્ટ. ઓકે ? મનુષ્યના શરીર સાથે જો અનુકુલન સાધી નહીં શકે, તો તારું અસ્તિત્વ નહીં ટકે. એ વાત ઈ. કોલાઈ જેવા જીવાણુઓ સમજી ગયા છે. વર્ષોથી અમારી અંદર, અમારી સાથે રહે છે. એમની પાસેથી તારે પણ શીખવાની જરૂર છે. તારા કુદરતી હોસ્ટ મનુષ્યો છે જ નહીં યાર, અમારામાં તું એક્સીડેન્ટલી લેન્ડ થઈ ગયું છે. હવે, અમારા શરીરમાં જીવવું જ હોય, તો ચુપચાપ એક ડાહ્યા અને કહ્યાગરા બાળકની જેમ રહેજે.

સાચું કહું છું, તારો ડર નથી લાગતો. રોજ સવારે હોસ્પિટલ જતી વખતે, તાવ કે ઉધરસના દર્દીઓને તપાસતી વખતે, ઓપરેશન કરતી વખતે, કોઈ દર્દીનો હાથ પકડતી વખતે, એમની નજીક જતી વખતે, ક્યારેય પણ એક સેકન્ડ માટે પણ તારો ડર નથી લાગતો.

અમારી સામે છીંક ખાધા પછી દર્દી જ્યારે પોઝીટીવ રીપોર્ટ લઈને આવે છે, ત્યારે પણ નહીં. જેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા, એમનો રીપોર્ટ પોઝીટીવ આવે તો પણ નહીં. આઈસોલેશન વોર્ડમાં ડ્યુટી કરતી વખતે પણ નહીં. એમનું સ્વોબ-સેમ્પલ હેન્ડલ કરતી વખતે તો બિલકુલ નહીં. એમને ઇન્જેક્શન આપતી વખતે, એમને તપાસતી વખતે, એમને હિંમત કે સાંત્વના આપતી વખતે, એમના મોઢામાં મોઢું નાખીને એમને Intubate કરતી વખતે કે અન્ય કોઈપણ સંજોગોમાં તારાથી ડર નથી લાગતો કોરોના.

આસપાસ અસંખ્ય પોઝીટીવ દર્દીઓ હોવા છતાં પણ એમની વચ્ચે અમે એટલી જ સરળતાથી ચાલી શકીએ છીએ, જેટલી સરળતાથી બોર્ડર પર રહેલો કોઈ જવાન બોમ્બ અને ગોળીઓના વરસાદ વચ્ચેથી પસાર થતો હોય. કોરોના, ઓનેસ્ટલી તારો ડર નથી લાગતો કારણકે અમારો જીવ અમે એ જ ક્ષણે મોર્ટગેજ કરી દીધેલો જ્યારે અમે ડોક્ટર બનવાનું નક્કી કરેલું.

બસ, રોજ સાંજે ઘરે આવીએ ત્યારે ‘દૂર રહેજે, મારી પાસે ન આવતી’ એવું કહેવા છતાં પણ મારી સાત વર્ષની દીકરી મને ગળે વળગી પડે છે ત્યારે ડર લાગે છે. ઘરે આવીને મમ્મી-પપ્પાને જોઈએ છીએ ત્યારે ડર લાગે છે. દરેક પ્રકારના પ્રીકોશન લેવા છતાં પણ ડર લાગે છે કે ક્યાંક અમે હાથમાં કે ફેફસામાં બોમ્બ લઈને તો નથી આવ્યા ને ?

કોરોના, એક નાની એવી રીક્વેસ્ટ છે. બાળકો અને વૃદ્ધોને છોડી દે યાર. લડવું હોય તો અમારી સામે લડ. આ અસ્તિત્વની લડાઈમાં કોણ જીતશે ? એ અમારે તને કહેવાની જરૂર નથી. સો પ્લીઝ, બિહેવ યોરસેલ્ફ. યુ આર ડીલીંગ વિથ ડોક્ટર્સ. એન્ડ વી આર નોટ સો જેન્ટલ એન્ડ કાઈન્ડ વિથ એવરીવન.

ગુડ વિશિઝ એન્ડ બોન-વોયેજ કોરોના.

-ડૉ. નિમિત્ત ઓઝા (Just representing the feelings of all the doctors in the country. We are united and will always be.)

Categories: Dr. Nimit Oza

Leave a Reply