ગઝલ – લઇને આવ્યો છું.
હદયના ભાવ ઊર્મિમાં ઝબોળી લઈને આવ્યો છું,
સિતારાઓ તમારી આ કહાણી લઈને આવ્યો છું.
દુઃખોના ન્હોરની મુખ પર નિશાની લઇને આવ્યો છું ,
નિરસ, લાચાર, રડતી જિંદગાની લઈને આવ્યો છું.
હતાશા છે, નિરાશા છે, વ્યથા છે, આંખમાં પાણી ,
બધા કરતાં અલગ હું આમદાની લઈને આવ્યો છું.
નથી ખુદ પર ભરોસો, હું ખુદા પર ક્યાં સુધી રાખું ?
જીગરમાં દર્દ આંખોમાં હું પાની લઈને આવ્યો છું.
છતાં કોઈને રડતો જોઈ મારી આંખ છલકાઈ ,
જમાનો છે નવો , આદત પુરાની લઇને આવ્યો છું .
હું ચહેરા પર અલગ ચહેરો ચઢાવીને હસું કાયમ ,
અતિશય વેદનામાં શાદમાની લઈને આવ્યો છું .
પહાડો સમ દુઃખોને વેઠવા લાવું ગજું ક્યાંથી?
હું તેથી મૌનમાં દિલની જુબાની લઈને આવ્યો છું .
દુઃખોથી છૂટવાનો કોઇપણ રસ્તો નથી જડતો ,
ઉંમરના બોજથી જર્જર જવાની લઈને આવ્યો છું.
-દિલીપ વી ઘાસવાળા
Categories: Dilip Ghaswala