Dr. Vishnu M. Prajapati

હેપ્પી ફાધર ડે

વાર્તા – હેપ્પી ફાધર ડે

વાયુ વાવાઝોડું ભલે ફંટાઇ ગયું હોય અને જેવી આગાહી થઇ હોય તેવી તારાજી સર્જી ન હોય પણ કિરણભાઇને તો હમણાં થોડીવાર પહેલા આવેલા ફોનથી જ આગોતરા વાવાઝોડાના એંધાણ આવી રહ્યા હતા. વિચારવાયુ વધી રહ્યો હતો અને કોઇને કહી ન શકાય તેવી અકળામણ અનુભવી રહ્યા હતા. વાવાઝોડુ નામ જ એવું કે આવે એટલે કંઇક કેટલુંયે તોડફોડ કરીને જાય…!

‘હું આવું છું પૈસા તૈયાર રાખજો.’ ફોનમાં તેની ધમકી જ હતી અને કિરણભાઇના કર્ણપટલને હજુ તે શબ્દો ધ્રુજાવી રહ્યા હતા.

‘શું આમ બાઘાની જેમ ઉભા છો, કમાડ બંધ કરો…!’ ઘરમાં ભરાતી ધૂળ જોઇ બકુલાએ બૂમ મારી પણ કિરણભાઇને તો તે ધૂળ નહોતી દેખાતી તેમને તો તેજ ગતિએ આવી રહેલા સૂસવાટા દેખાઇ રહ્યા હતા.

કિરણભાઇની નજર હજુ બહાર હતી ત્યાંજ પવનનો બીજો સૂસવાટો, ધૂળની ડમરી અને બકુલાનો અવાજ બધુ એકસામટુ પુનરાવર્તિત થયું. જો કે આ વખતે ખુદ બકુલાએ કમાડ બંધ કર્યા તો તેમાં બારણાં બંધ થવાનો વધારાનો ઘેરો અવાજ ઉમેરાયો હતો.

‘હાય… હાય… અગાસી ઉપર ગોટલી સુકવવા મુકી છે અને અથાણાંની તપેલી….!!’ બકુલાને પાછું યાદ આવતા તે પગથીયાં બાજુ દોડી પણ પહેલા પગથીયે પગ અથડાયો તો ત્યાં જ ‘ઓ… માં’ કરીને બેસી ગઇ.

‘કહું છું સાંભળો છો… આમ બહાર શું જોયા કરો છો… પગલા ઉપાડો અને જાવ અગાસી પર તપેલી અને ગોટલી લઇ આવો…?’ બકુલાએ ફરી બૂમ પાડી.

‘હા… જવું છું…!’ અને કિરણભાઇ ઉપડ્યા અગાસીએ… ગોટલીને કપડામાં વિંટાળી અને અથાણાંની તપેલી ઢાંકી નીચે આવતા જ હતા ત્યાં કાળાડિંબાગ વાદળોની વચ્ચે એકાએક લાંબી વિજળીનો તેજ લિસોટો તણાયો…

કિરણભાઇએ વાયવ્ય ખૂણામાં નજર નાંખી. તે દિશામાં તો જાણે વંટોળ રાજાશાહી ઠાઠમાં આવી રહ્યું હોય તેવો દેખાવ કરી રહ્યો હતો અને બીજી મિનિટે તે વિજળીનો મોટો કડાકો થયો… આકરા તાપ પછીની આ પહેલી મેઘગર્જના હતી. મેઘગર્જના હજી પુરી થઇ નહોતી ત્યાં જ બકુલાની એવી જ ગર્જના ઘરની અંદરથી આવી, ‘જલ્દી નીચે આવી જાવ, તમને વાદળાથી વાયુ ચઢી જશે…!’

અને ત્યાં જ થોડાં શરૂ થયેલા છાંટણાની મજા લેવાની રહી સહી ઇચ્છા પણ મરી ગઇ.

જો કે બકુલા સાચુ જ કહેતી હતી કે વાદળાના કારણે તેમને સાંધાનો દુ:ખાવો વધી જતો હતો.

‘કિરણ…. અંદર બેસ… માંદો પડીશ…કફ થઇ જશે..!!’ નાનો હતો ત્યારે પપ્પા ન્હાવા નહોતા દેતા અને કહેતા કે કફ થઇ જશે. જ્યારે અત્યારે આ મોટી ઉંમરમાં ‘વાયુ’ એ પરેશાન કરી દીધો હતો. વાદળોમાં ઘણીવાર સાંધાઓ જકડાઇ જતા.

ઉપર બધુ સરખી રીતે બંધ કરી નીચે આવી અથાણાંની તપેલી સહીસલામત બકુલાના હાથમાં આપી.

પોતે કહ્યાગરો કંથ છે કે જિંદગીનો કાંટાળો પંથ છે તે કિરણભાઇ નક્કી નહોતા કરી શકતા. ગામડા ગામે મજૂરી કરીને નાનુ અમથું ઘર બનાવ્યું હતું. વર્ષો જુના સોફા અને ટીપોઇ બકુલા તેના પિયરેથી લાવી હતી એટલે ઘરની એક જગ્યા એવી હતી કે જ્યાં બે પગ લાંબા કરીને આરામ કરી શકાય.

કરમની કઠણાઇ હોય કે ગમે તે કિરણભાઇના કોઇ પાસા સવળા પડ્યાં જ નહી… ગરીબડી જિંદગીમાં એક ઉજાસ આવ્યો હતો તેમના ઘરે જ્યારે જીગરનો જન્મ થયો. જીગર લાડકોડથી ઉછર્યો… બાજુના ગામની નિશાળમાં થોડુંઘણું ભણ્યો અને સોળમાં વર્ષે તો ગામડું છોડી શહેરમાં ભણવા ગયો. આ શહેરના લોકોને ગામડું બહું ગમે… ગામડે આવે તો વાનાં વાનાં કરે… ખેતરે જાય… કોઇની વાડીમાં ફોટા પાડે… બળદગાડું હંકારી જાણે મોંઘી કારમાં બેઠા હોય તેમ મ્હાલે… પણ એ બધું એક બે દા’ડાનો તેમનો ચેન્જ… ગામડે ક્યારેક જોવા જવાય, રહેવા થોડું જવાય…?

આવી જ હાલત જીગરની થઇ હતી. એ’ય ભણી-ગણી અને લગન કર્યા પછી ચાલ્યો ગયેલો. જો કે જીગર અને તેની વહુને તેમના માબાપની ઘસાયેલી જિંદગી બહુ જુનવાણી લાગતી હતી.

કિરણભાઇએ જે ભેગું કર્યુ’તું તે બધું તો જીગર પાછળ ખર્ચાઇ ગયું હતું. અમારી જિંદગી તો એળે ગૈ… એ ભલે સુખને ભાળતો…! એવુ સમજી છેલ્લે છેલ્લે હવે તેઓએ પણ ઘણાં સમાધાન કરી લીધા હતા.

પણ જીગરને’ય સુખ કેવું ? શહેરની દોડધામ અને મજુરી તો ત્યાં ક્યાં ઓછી હતી ? તેમનું ઘર પણ માંડમાંડ ચાલતું. વાર તહેવારે માંબાપને ટેકો થવાને બદલે તે ઘરે આવી મદદ માંગતો.

જીગર બાપ બન્યો એટલે વળી ખર્ચાઓ વધવા લાગ્યા. બે હાથે પહોંચી ન વળતા તેમના ચાર હાથ નોકરી કરવા લાગ્યા. તેનો દિકરો ‘કિકુ’ આઠ વર્ષનો થઇ ગયો હતો. કીકુ જો કે તેનું લાડકું નામ હતું.

કિરણ-બકુલાની અખંડ જોડીને લગભગ ચાલીસેક વર્ષ પુરા થઇ ગયેલા. ત્યારે તો લગન પણ વીસેક વર્ષે તો થઇ જતા. સાઇઠ પછી તો ઉંમર પણ શું ગણવી… જિંદગીનું ખાલી કાઉન્ટડાઉન જ કરવાનું હતું.

બહાર પવનના તેજ સુસવાટાઓ ચાલુ હતા. કિરણભાઇ હજુ વિચારી રહ્યા હતા ત્યાં કમાડ ખખડ્યું. ‘ જો બહાર કોઇ આવ્યું છે..’ અને ત્યાં જ બહારથી અવાજ આવ્યો. ‘મમ્મી દરવાજો ખોલો.’ બહાર જીગરનો અવાજ હતો.

કિરણભાઇએ દરવાજો ખોલ્યો અને જીગર અને કિકુ બન્ને અંદર આવ્યા.

‘ઓ… કિકુ…’ કિરણભાઇએ કિકુને તેડી લીધો આખરે વ્યાજ તો વ્હાલુ જ હોય ને…!

‘કેમ અચાનક આવવું પડ્યું ?’ કિરણભાઇએ પુછ્યું.

‘આજે ફાધર ડે છે થયું કે મળતો આવું… અને…!’ જીગર કંઈક કહેવા માંગતો હતો પણ રોકાઈ ગયો.

‘હા.. બોલને..’ કિરણભાઈ તે કંઈક કહેવા માંગતો હતો તે સમજી ગયા હતા.

‘પપ્પા…હમણા પૈસાની બહુ ખેંચ છે.. જો થોડાઘણા પૈસા હોય તો… કીકુની ફી અને તેના ભણવા પાછળ બહુ ખર્ચો થાય છે.’ આખરે જીગરે દરવખતની જેમ આ વખતે પણ પૈસાની માંગણી કરી.

‘જો જીગર… તું બાપ બન્યો છે, તેના ખર્ચા પહોંચી વળવા તારે કંઇક કરવું જોઇએ.’ બકુલાએ તો રસોડામાંથી જ સંભળાવી દીધું.

‘જો થાય તો કરી આપો નહી તો મારે ક્યાંકથી વ્યાજે પૈસા લેવા પડશે. કિકુની મમ્મીએ હમણાં જ નોકરી શરૂ કરી છે. થોડા મહિનાઓમાં બધુ સેટ થઇ જશે.’ જીગર માંગણી કરી રહ્યો હતો ત્યાં જ કોઇએ કમાડ ખખડાવ્યું. બકુલાએ દરવાજો ખોલ્યો અને વાવાઝોડાની જેમ દાદુ ઘરમાં દાખલ થયો.

દાદુ એટલે સૌને વ્યાજે પૈસા ધીરનારો પડછંદ અને સ્વભાવે કડક માણસ. જીગરને શહેરમાં સેટ કરવા વ્યાજે લીધેલા પૈસા કિરણભાઇ પરત કરી શકતા નહોતા. તેના વ્યાજમાં જ તેમની આવક જતી રહેતી હતી.

દાદુનો ફોન આવેલો ત્યારથી જ કિરણભાઇ ચિંતામાં હતા જ.. અને વળી અત્યારે જીગર પણ આવ્યો એટલે તેમની ચિંતા બેવડાઇ. તેમને જીગરને ક્યારેય કહ્યું નહોતું કે પોતે વ્યાજે રૂપિયા લીધા છે.

દાદુએ તો આવીને સીધી પઠાણી ઉઘરાણી કરી, ‘કિરણભાઇ, તમારા બધા વાયદાઓ પુરા થયા… આજે પૈસા આપી દો અથવા ઘરમાંથી બહાર નીકળી જાવ. મારી પાસે ઘર ગીરવે મુક્યાના કાગળો છે. હું આ ઘર વેચીને મારા પૈસા કઢાવી લઇશ.’

જીગર તો આ સાંભળી સાવ સૂનમૂન બની ગયો.

ત્યાં જ બકુલાએ આવી, તે પરિસ્થિતિ સમજી ગઇ હતી. તે પાછી ગઇ અને તેના હાથમાં એક નાની પોટલી હતી. તે પોટલી દાદૂના હાથમાં મુકી અને કહ્યું, ‘દાદુભાઇ જીવતે જીવત આ ખોરડું રવા દ્યો.. હવે બીજુ કોઇ ખોરડું ક્યાંય બચ્યુ નથી કે અમને આશરો મળે, અને ઘરના ઘરેણાં જ અળગા થઇ ગયા હોય તો શરીરના ઘરેણાં પહેરીને શું કામ ? આમાંથી તમારું બધું કરજ પુરુ થઇ જશે. જો વધે તો પરત કરજો.’

દાદુની ચકોર નજરે તે ઘરેણાં તપાસી લીધા. તેને લાગ્યું કે આ ઘરેણાં તો તેને આપેલા કરજ કરતા વધારે જ હશે.

જીગર તો હવે કાંઇ બોલી શકે તેમ જ નહોતો. ત્યાં જ તેનો મોબાઇલ રણક્યો. ફોન કિકુની પાસે હતો તેને સ્પીકર ફોન ઓન કર્યો. ત્યાં સામે તેની મમ્મી ઝડપથી બોલી રહી હતી.

‘હેલ્લો જીગર… ગમે તેમ કરીને પૈસાની સગવડ કરીને આવજે, મેં પેલો નેકલેસ ખરીદી લીધો છે, પૈસા આવતીકાલે આપવાનો વાયદો કર્યો છે. મને બહુ ગમે છે.. અને હા, ત્યાં રોકાઇ ન જતો, ઘરે અથાણાંની બરણી બહાર મુકી છે જો વરસાદ કે વાવાઝોડા જેવું લાગે તો અંદર લઇ લેજે. હું મારા પપ્પાના ઘરે જઉં છું, આજે ફાધર ડે છે તો મળી આવુ… અને હા, તારી બા અથાણું આપે તો લઇ લે જે… એમના હાથનું અથાણું મીઠું હોય છે.’ અને તેને ફોન કટ કરી દીધો.

દાદુ, બકુલા, કિરણભાઇ અને જીગર બધુ સાંભળી ચુક્યા હતા. બકુલા તો ભીની આંખે અને ભારે પગલે રસોડામાં ગઇ અને જીગર માટે સાચવી રાખેલો અથાણાંનો ડબ્બો આપીને કહ્યું, ‘બેટા, તેને કહેજે કે હું તેનીયે બા છું એકલી તારી નથી. અમનેય માંબાપ જેવુ રાખે તો અમને આ દાદુ જેવા માણસનું ચઢેલું વ્યાજ પણ આ ‘કિકુ’ને રમાડતા રમાડતા ભૂલી જવાય. દાદા-દાદીને વ્યાજ વ્હાલું હોય છે લોકો અમથાં અમથાં નથી કહેતા…!’

દાદુ પણ બકુલાબેનને સાંભળી રહ્યો હતો. તેને તે ઘરેણાંમાંથી એક ઘરેણું કાઢીને તેમને પાછું આપ્યું અને કહ્યું, ‘આવા માવતર હોય તો અમને’ય વ્યાજનું પાપ લાગે…!’

જો કે બકુલાબેને તો તરત જ તે ઘરેણું અથાણાંની બરણી ઉપર મુકીને જીગરને સોંપી દીધું.

જીગર તો એટલું જ બોલી શક્યો, ‘સોરી પપ્પા.. મારે આ નથી જોઈતું… તમારે કાંઈ જોઈએ તો જરૂર કહેજો..!’

કિરણભાઈ તો કેટલાય વાવાઝોડાં દબાવીને બેઠા હતા એટલે તે શાંત સ્વરે બોલ્યા, ‘અમારે શું જોઈએ બેટા..!, સંસારમાં બધું ચાલ્યાં જ કરે… પપ્પા બન્યા એટલે મોટું મન રાખીને જીવવું પડે… દિકરા પાસેથી અમારી અપેક્ષા કેટલી હોય…? દિકરો ખૂબ ભણે… નામ અને દામ કમાય..! એમાંથી થોડાંઘણાં સુખો અમને વહેંચે.. થોડીવાર અમારી પાસે બેસીને ખાલી અમથી વાતો કરે… દીકરાના મોજશોખ માટે દરેક માબાપે પોતાની આખી જિંદગી ખર્ચી હોય છે અને તારે પણ તે કરવું પડશે… હાલ નાનકડાં કિકુની ભૂલ થાય તો વાવાઝોડાની જેમ તેના પર ત્રાટકી જવાય.. પણ મોટા થાય ત્યારે પપ્પાના એ બધા વાવાઝોડા શાંત થઈ જાય છે… દિકરાની ખુશી માટે અમારે તો મન મનાવીને હેપ્પી ફાધર ડે ઉજવી લેવો પડતો હોય છે…તમારા હેપ્પી ડે આવે એ જ અમારા આશીર્વાદ હોય છે.. ભલેને તેના વચ્ચેથી અમારો ફાધર શબ્દ પણ તમે કાઢી નાંખો…’

ત્યાં જ કિકુ વચ્ચે બોલ્યો..’દાદા, આજે તો હેપ્પી ફાધર ડે છે…! ચાલો એક સેલ્ફી લઈએ’ નાનકડાં કિકુના આગ્રહથી તેના પપ્પા, દાદા-દાદી એક લાઈનમાં ગોઠવાઈ ગયા. બધાના ચહેરા પર સ્માઈલ આવી.. ફોટો ક્લિક થયો… અને ‘હેપ્પી ફાધર ડે’ કિકુએ તે તસવીર તેના પપ્પાના ફેસબૂક અને વ્હોટ્સએપ સ્ટેટસ પર મૂકી દીઘી. જો કે કિકુ ને અત્યારે ક્યાંથી ખબર પડે કે ફાધરના હેપ્પી ડે કેવા અને ક્યારે આવતા હોય છે..?

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

Leave a Reply