Dr. Vishnu M. Prajapati

મોટી બાની લાપસી.

મોટી બાની લાપસી.

કાગવાસ નાખ્યા પછી અમોલ તો સવારે જ ઓફીસે ચાલ્યો ગયો હતો. ઉત્તરાની સાસુના વડસાસુનું આજે શ્રાધ્ધ હતું. જો કે અમોલ કે ઉત્તરાને હવે તેમનું નામ પણ યાદ નહોતું તો તેમનું શ્રાધ્ધ ક્યાંથી યાદ હોય ? આ તો વહેલી સવારે જ બાએ ઉત્તરાને કહી દીધુ હતુ કે આજે લાપસી બનાવી દેજે. બા સારી રીતે જાણતા હતા કે હવેની પેઢીને આ બધુ યાદ કરાવવવું જ રહ્યું…!

હાલની દરેક વહુની જેમ ઉત્તરાને પણ લાપસીનું નામ સાંભળતા જ બા ને કહેવાની ઇચ્છા થઇ ગઇ હતી કે બા તમે જ બનાવી દેજો’ને…! પણ તે કહી નહોતી શકી. ઉત્તરાને ખ્યાલ હતો કે લાપસી એટલે વહુને ખરેખર રાંધતા આવડે છે કે નહી તેનું જુના સમયથી ચાલ્યું આવતું દરેક સાસુનું પેરામીટર…!

ઉત્તરાએ પોતાને આવડે તેવી લાપસી બનાવી તો દીધી પણ બાને થાળીમાં પીરસ્યા પછી અંદરો અંદર મૂંઝાતી હતી.

લાપસી થાળીમાં પીરસાતા જ બાની નજર તેની બનાવટ પર થોડીવાર રોકાઇ ગઇ. જો કે રસોડામાં ઉત્તરા પણ બા શું કહેશે ? તેની રાહ જોઇને ઉભી રહી ગઇ હતી.

બા કેટલીયે વાર સુધી નિ:શબ્દ બની તે લાપસીને તાકી રહ્યા. આજની વહુઓને લાપસી બનાવતા આવડે તેવી આશા રાખવી પણ વ્યર્થ છે તે બા સમજી ગયા હતા એટલે પોતાના જીભ સુધી આવેલા શબ્દોને ગળી જઇ તેમને પોતાનો જમણો હાથ થાળી તરફ લંબાવ્યો.

બાનો હાથ લાપસીને સ્પર્શે તે પહેલા જ તેમની નજર તે હાથના કાંડા પર રહેલા જુના એક જખમ પર ગઇ. બાના હાથની આંગળીઓ અને લાપસી વચ્ચે થોડુ અંતર રહી ગયુ અને બાનો હાથ હવામાં ઝુલતો રહ્યો.

ઉત્તરા પણ આમ સાવ સ્થિર બનેલા બાને જોઇ પુછ્યું, ‘કેમ બા શું થયું ? ભૂખ નથી કે શું ?’

‘કાંઇ નહી..!’ એટલું કહેતા બાએ ઘી નાખેલી લાપસી તરફ પોતાની આંગળીઓ વધુ નજીક કરી.

લાપસી ચ્યુઇંગ ગમ જેવી હતી. આંગળે ચોંટી જાય અને ઘી સાથે તો ભવોભવનું વેર હોય તેમ નોખી જ પડી રહે….! બા એ તેમની બધી આંગળીઓનું જોર લગાવતા જ તેમના કાંડા પર રહેલો જખમ ઉપસીને ઉપર નીચે થવા લાગ્યો અને બા થોડીવાર માટે ભૂતકાળમાં ખોવાઇ ગયા.

‘તારી મા એ તને કોઇ’દી રસોડામાં ઘાલી શે કે નહી ?’ સાસુબાનો ઓસરીમાંથી ગર્જેલો અવાજ અંદર ચૂલો ફૂંકતી વહુને ગભરાવી દે તેવો હતો.

‘લટક મટક કરવા તને આ ઘરની વહુ નથી બનાવી… મોટી બાની લાપસી તો આખા ગામમાં વખણાતી હતી. આંગળી મુકો એટલે શીરા જેવી લાગે અને મોઢાંમા મુકો એટલે તરત ઓગળી જાય…! તારા બાપ ગોતરમાં એવી લાપસી જોઇ નહી હોય…! મેં તો કીધુ તુ ભણેલી કરતા સહેજ ગણેલી વહુ લાવજો…!’ સાસુબા બહુ આકરા હતા એટલે તેમને ખાલી શબ્દો જ નહી પણ ઓસરીમાંથી કાંસાની થાળીનો છુટ્ટો ઘા છેક ચૂલા સુધી પહોંચાડ્યો હતો.

મોટી બાના શ્રાધ્ધની લાપસી પણ વેરણ બની બધે વિખરાઇ ગઇ હતી. થરથર ધ્રુજતી વહુએ લાંબા ઘુમટાની અંદર દબાવેલા ડુસકાઓની વેદના સાથે લાપસીને ભેગી કરવા હાથ લંબાવ્યો.

‘બા, એ તો સહેજ બળી ગઇ છે…!’ લાંબા ઘુમટાની નીચેથી પરાણે નીકળેલો ધીમો અવાજ પણ બાના કાન સુધી પહોંચતા વાર નહોતી લાગી.

‘લાપસી નહી પણ અમારું જીવન બળ્યું છે કે તું અમારા ખોરડે આવી…! આવી લાપસી બીજા કોઇ ભાળી જાય તો મારે તો મોં બતાવવા જેવું’એ નો રહે..!’ બાએ ફરી ગર્જના કરી.

વહુએ ઉભા થઇ લોટનું ડબલું હાથમાં લેતા કહ્યું, ‘બા… ! અબઘડી બીજી બનાવી દઉં…!’

જો કે બાની સામે બોલતા તો બોલી દીધું પણ ફરી એક સણસણતો જવાબ આવ્યો હતો, ‘હા, બધુ બાપાના ઘરેથી લાવી છું’ને… એટલે તમતારે બનાવ્યે રાખ…!’

‘એમાં મારા બાપાને શું કામ વચ્ચે લાવો છો ?’ બાપનું નામ આવતા વહુના મોંઢે પણ તીખારો ઝબકી ગયો.

સાસુબાની સામે જવાબ આવતા તે વધુ આકરા બન્યા અને તાડૂક્યા, ‘તારી બા અને બાપા બન્નેને વચ્ચે લાવીશ… તને કોઇ’દી જીભડી મોંઢામાં ઘાલીને બેસતા નથી શીખવ્યું એટલે…!’

‘મારા બાપાએ તો મને બધુ શીખવ્યું છે પણ તમને કેવી રીતે બોલવું તે કોઇએ નથી શીખવ્યું….!!’

નવી પરણીને આવેલી વહુના અહીં સુધી બોલાયેલા શબ્દોથી તો સાસુબાને એટલું લાગી આવ્યું કે કાંસાની ફેંકાયેલી તે થાળી કરતા’ય વધુ વેગે તે રસોડામાં આવી ગયા અને ત્યાં ચૂલામાં સળગતું એક લાકડું બહાર કાઢી વહુને ફટકાર્યુ, ‘હજુ તો બે દન થ્યાં સે ઘરમાં ઘાલી શે ને જીભડી ચલાવે શે…!’ બાના શબ્દોના અંગારા અને ભડભડ સળગતા લાકડાની આગ બન્ને એક સાથે વહુ સામે વિંઝાઇને આવ્યા.

વહુએ પોતાને બચાવવા જમણો હાથ આગળ કર્યો અને કાંડામાં તે સળગતું લાકડું ચોંટી ગયુ. ‘ઓ, મા…!’ બે શબ્દો અને અસહ્ય વેદના સાથે વહુને સાસુબાની સામે બોલ્યાની સજા મળી ગઇ હતી.

એ જ વર્ષો જુનો જખમવાળો હાથ અત્યારે વહુએ બનાવેલી લાપસીને ચોળી રહ્યો હતો. બા એ એક કોળિયો મોંમાં મુક્યો.

‘બા, લાપસી બરાબર તો થઇ છે’ને…?’ ઉત્તરાથી ન રહેવાયું એટલે રસોડામાંથી ડરતા ડરતા પુછ્યું.

પોતાની જુની યાદોમાંથી બહાર આવતા બા ને સહેજ વાર લાગી એટલે બાએ કોઇ જવાબ ન આપ્યો. ઉત્તરાએ બા તરફ નજર રાખી ઉકળતા તેલની અંદર વણેલી પુરી નાખવા હાથ આગળ કર્યો અને તેનું કાંડુ ગરમ ગરમ કડાઇ સાથે અડી ગયુ.
લ્હાય જેવી કડાઇથી ઉત્તરાનુ કાંડુ દાઝતા જ તેના મુખેથી ચીસ નીકળી ગઇ, ‘ઓ મા…!’

ઉત્તરાની ચીસ સાંભળતા જ બા રસોડામાં આવ્યા અને તેના કાંડાને જોઇ તરત ઠંડુ પાણી છાંટી ફૂંકો મારવા લાગ્યા અને હેતાળ ભાવથી બોલ્યા, ‘બહુ બળે છે..! બેટા…?’

બાના સૌહ્રાદપૂર્ણ અવાજથી ઉત્તરાના હાથની બળતરા તરત જ ગાયબ થઇ ગઇ. તે બા તરફ જોઇને બોલી, ‘તમે છો પછી મને કોઇ તકલીફ થાય ખરી ?’

ઉત્તરાનું ધ્યાન બાના હાથે પડેલા જુના જખમના નિશાન તરફ ગયું અને કહ્યું, ‘બા, હવે મારે પણ તમારી જેમ જ જમણાં હાથે એકસરખું જ દાઝ્યાનું નિશાન બની જશે…!’

બા એ તેની પર ફૂંક મારતા કહ્યું, ‘ના બેટા મારુ જખમ તો બહુ ઉંડુ હતુ એટલા તેનો ઘાવ અને નિશાન જાય તેમ નથી. પણ તારા જખમની નિશાની હું કાયમ રહેવા નહી દઉં.’

‘બા, તમે પણ મારી જેમ જ દાઝી ગયા હતા ?’ ઉત્તરાએ પુછ્યું.

વર્ષો પછી પહેલીવાર બાના જખમનું રહસ્ય કોઇએ પ્રેમથી પુછ્યું હતુ. જો કે બા એ તેના જમાનામાં બધાને જેવો જવાબ આપ્યો હતો તેવો જ જવાબ આપ્યો, ‘આ તો લાપસી મુકતા દાઝી ગઇ હતી એનો દાગ છે…!’

‘પણ બા મારી લાપસી તો દાઝેલી નથી ને ?’ ઉત્તરાએ લાપસી વિશે પુછતા બાએ કહ્યું, ‘ના બેટા, તારી લાપસી તો આપણાં મોટી બાની લાપસી જેવી જ સ્વાદિષ્ટ છે અને સરસ છે.’

સ્ટેટસ:
દિધેલાં ઉંડા જખમ કોઇ દી જતા નથી ને,
લીધેલા કોઈના જખમ કોઇ દી કાયમ રહેતા નથી.

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

Leave a Reply