Dr. Vishnu M. Prajapati

એય છોટુ… એક કટીંગ

‘એય છોટુ… એક કટીંગ…!’

સાંજના છ વાગ્યા… મારી ચાની તલપ જોર કરવા લાગેલી.

‘એય છોટુ… એક કટીંગ…!’ ચાની લારી પર ટેબલ સાફ કરતા છોકરાને જોઇને મેં ઓર્ડર આપ્યો.

‘હા.. સાબ… સ્પેશ્યલ કે રેગ્યુલર…‍!’ પેલા છોકરાએ તેની આદત પ્રમાણે પુછી લીધું.

‘અરે… સ્પેશ્યલ હી…! દેખતા નહી… બડે સાબ હૈ…!’ ચાની કીટલીના માલિકે મારો પહેરેલો શુટ જોઇને તરત જ છોટુની ભુલ સુધારી લીધી.

ચાની કીટલી થોડી વ્યવસ્થિત દુકાન જેવી હતી…… સ્ટવનો અવાજ….! ઉકળતી ચાની સુગંધ…. અને આજુ બાજુ દરેક ચાના રસિયાઓ ચાની ચુસ્કી સાથે પોતપોતાની વાતોમાં મશગૂલ હતા.

રાજકારણ, દેશ અને દેશના નેતાઓની કુથલી સિવાય બીજો કોઇ વિષય તેમની પાસે નહોતો. ત્યાં બેસેલા યુવાનો વાતો ભલે કરતાં પણ તેમની નજર તો તેમના મોબાઇલમાં જ સ્થિર હતી. પાનનો ગલ્લો અને ચાની કીટલી આપણાં દેશના યુવા રીચર્ચ સેન્ટરો છે. અહીં જ યુવાઓ પોતાની કેરીયરમાં શું કરવું તેનું ઝીણવટપૂર્વક રીસર્ચ કરતા હોય છે……!

જો કે આ કિટલીઓ પર બેસતી યુવા ટોળકીઓ જ દેશની સૌથી મોટી સલાહકાર સમિતિઓ છે….! ‘ચાય પે ચર્ચા, ફોગટ કા ખર્ચા’ આ જ તેમનો જીવન મંત્ર હોય છે.

‘ એક પ્લેટ ખારી….!’ ખૂણામાં બેસેલા ત્રણ છોકરામાંથી એક છોકરાએ બૂમ પાડી. છોટુ દોડીને કાઉન્ટર પર ગયો અને તરત જ એક પ્લેટ ખારી લાવી સર્વ કરી….

ત્યારે જ ત્યાં બેસેલા બીજા છોકરાએ પોતે સળગાવેલી સિગારેટની ધૂમ્રસેર તે છોટુ પર છોડી.

‘ક્યાં સાબ…! આપ સિગારેટ પીતે હો… યે અચ્છા નહી હૈ..!’ છોટુએ વણમાગી સલાહ આપી અને તે યુવાન ભડક્યો.

‘તેરે બાપ કે પૈસે કી પીતા હું કી મુઝે શીખાને ચલા હૈ…..!’ પેલાએ તરત જ તે છોટુની ગળચી પકડી.

‘નહી… નહી.. સાબ.. મૈં તો.. યું હી…!’ છોટુ તેના બન્ને હાથથી પેલાના હાથને પકડીને આજીજી કરવા લાગ્યો.

‘જાને.. દે… ના…!’ બીજા છોકરાએ તેને છોડાવતા કહ્યું.

ત્યાં જ તેનો માલિક આવ્યો અને તરત જ પેલા છોટુને ગાલ પર એક તમાચો મારીને બોલ્યો, ‘ ધંધેમે લફડા કરતા રહેગા તો કલ સે તેરી છુટ્ટી….!’

પેલો છોટુ રડતાં રડતાં માલિકના પગમાં પડ્યો, ‘ માફ કર દો… માલિક…!’ અને દોડીને તે અંદર ચાલ્યો ગયો.

થોડીવાર પછી તે મોં ધોઇને બહાર આવ્યો. લાગ્યું કે તેને જાતે આંસુ લુંછવાની કળા શીખી લીધી હતી.

ફરી એ પોતાને કામે લાગ્યો. હું ઘડીભરમાં તેનું બદલાયેલું મૂળ રુપ જોઇને તેની કળા પર વારી ગયો.

‘એક કટીંગ.. સ્પેશ્યલ… સાબ…!’ તેને એ જ પોતાની અદાથી ચા મારી સામે ટેબલ પર મુકી. એક મિનિટ પહેલાં તેના પર ગુજરેલી બધી ઘટના ભૂલીને ફરી તે કામે લાગી ગયો હતો. તેને સામે રહેલી સ્કુલનો યુનિફોર્મ જ પહેર્યો હતો.

‘છોટુ… તુમ્હારી ઉંમર કિતની હૈ…???’ મેં પુછ્યું.

તે તરત જ બોલ્યો, ‘સાહેબ.. બાર વર્ષ…!’

‘તું સ્કુલે જાય છે…?’ મેં ગુજરાતીમાં જ પુછ્યું.

તેને સામેની સ્કુલ તરફ ઇશારો કર્યો. તે સ્કુલની સાવ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ ભણતા હતા. તે સરકારી શાળા હતી.

હું હરખાયો અને બોલ્યો, ‘ આજે તારી સ્કુલમાં કોઇ ભાષણ આપવા આવ્યું’તું…?’

‘હા.. સાહેબ.. કોઇ મોટા સાહેબ આવ્યા’તા એમને સરસ ગીત ગાયું’તુ…!’ છોટુએ તરત જ જવાબ આપ્યો.
‘તને તેમનો ચહેરો યાદ છે…?’ મેં ગર્વથી પુછ્યું.

‘ના, સાહેબ… મારો શર્ટ ગંદો હતો એટલે મને છેક પાછળ બેસાડેલો અને મને પાછળથી બધુ ચોખ્ખું પણ દેખાતું નથી.. પણ સંભળાતું’તું ચોખ્ખું….! અને હા, સાહેબ… તે કહેતા’તા કે આજે બાળકોનો દિવસ છે, તેમને સરસ મજાનું બાળકોનું ગીત ગવડાયું’તું….
‘મારુ મસ્ત મજાનું બાળપણ…
જાણે ભગવાન સાથેનું સગપણ..
હું હસુ તો એ હસે ને હું’યે રડું તો એ’ય રડે….
મારું ને એનું છે વર્ષો જુનું વ્હાલપણ…
મારું મસ્ત મજાનું બાળપણ…!’

પેલો છોકરો મારા ગીતની પંક્તિઓ સડસડાટ બોલી ગયો.

ત્યાં જ સામે એક ચકચકાટ મોંઘી ગાડી ઉભી રહી. તેની પાછળનો દરવાજો ખોલી એક છોકરો બહાર આવ્યો અને ડ્રાઇવરની સીટમાંથી તેની મમ્મી આ તરફ આવી.

તે છોકરાને કંઇક લેવું હતું પણ તે વિચારી રહ્યો હતો. તેના હાથમાં નાનકડો સુંદર બોલ હતો.

છોટુ તેની પાસે ઉભો રહ્યો, બન્ને લગભગ સરખી ઉંમરના હતા…! બન્ને વચ્ચે ફર્ક અમીરી અને ગરીબીનો જ હતો….!

છોટુ તેના હાથમાં બોલ જોઇને તાકી જ રહ્યો, તેને તે બોલ સાથે રમવાની તાલાવેલી જાગી.

પેલા છોકરાએ તે બોલ ઉછળ્યો અને છોટુ બાળસહજ રીતે જ તે કેચ કરવા દોડ્યો.

છોટુનું ધ્યાન તે બોલ તરફ હતું… તેની દોટમાં તે પેલા છોકરા સાથે અથડાયો અને તે છોકરો જમીન પર પછડાયો. જો કે છોટુ પણ પછડાયો હતો છતાં તેને આબાદ કેચ કરી લીધેલો….

તેની મમ્મી દુરથી આ દ્રશ્ય જોતાં જ તે ઝડપથી આવી, પોતાના દિકરાને ઝડપથી ઉભો કર્યો અને બીજી ક્ષણે જ છોટુને તમતમતો તમાચો ઝીકી દીધો. તે અંગ્રેજીમાં તેને ગાળો આપી રહી હતી.

‘મેમસાબ… સોરી….!’ છોટુ ફરી માર ખાઇને માફી માંગી રહ્યો હતો.

તેનો માલિક ત્યાં આવે તે પહેલા છોટુ થોડો દુર ઉભો રહી ગયો….. આખરે માર તો છોટુને જ ખાવાનો હતો….!

‘મેમસાબ… ગલતી હો ગઇ…ક્યાં ચાહીયે આપકો….?’ કિટલીવાળો દિલગીરી વ્યક્ત કરી રહ્યો હતો.

‘મમ્મા… ચોકલેટ કોન….એન્ડ ફ્રેન્ચ ફ્રાય…!’ પેલા છોકરાએ જુદી જ ડિમાન્ડ કરી.

‘બેટા.. તે અહીં ના મળે..!’ તેની મમ્મીએ તેને સમજાવ્યો.

‘મારે જોઇએ… જોઇએ અને જોઇએ જ… તે પણ અહીં જ…..!’ છોકરો જીદ કરી રહ્યો હતો.

‘જો રોનક જીદ નહી…. તે આગળ મોટી હોટલમાં મળશે….! ચલ… અહીંથી….!’ મમ્મી તેને સમજાવી રહી હતી.
અને તે છોકરાએ તરત જ ગુસ્સેથી તે બોલ સામે દિવાલ પર ફેંક્યો.
અને બોલ સામેની દિવાલ પર અથડાઇને પાછો આવ્યો સીધો ચાની ગરમ કીટલી પર…!

તે ગરમ કિટલી ઉછળીને તે છોકરા તરફ ઉછળી… !
છોટુ એક સેકન્ડમાં જ જાણે જાણી ગયો હોય તેમ તેને તરત જ તરાપ મારી અને ગરમ કીટલીનો કેચ કરી તે છોકરાને બચાવી લીધો.

પેલા છોકરો પોતાના દડો લઇ તેની મમ્મી પાસે ગયો અને તેઓ એક ઘડીમાં જ ત્યાંથી નીકળી ગયા.. છોટુનું શું થયું તે જાણવાની પણ તેમને દરકાર ન કરી… કદાચ ખર્ચ માંગે તો…. તેવું વિચારીને તે નીકળી ગયા હોય…!

અહીં બચ્યો તો માત્ર છોટુ અને તેનો દઝાયેલો હાથ….!

છોટુને દર્દ થઇ રહ્યું હતું… તેનું દર્દ સાંભળવાવાળું કોઇ નહોતું…. પણ તે પોતાના દર્દ સાથે જીવવાની કળા સારી રીતે શીખી ગયો હતો. તે તરત જ પાણીની ચકલી પાસે પહોંચી ગયો.. દાઝેલા હાથ પર બને તેટલું પાણી છાંટ્યુ… અને પોતાનો રુમાલ વીંટી લીધો… અને… હા.. તેને.. મોં પણ ઘણું પાણી છાંટી દીધું… તે કોઇને નહોતો કહેવા માંગતો કે હું રડું છું….! મને પણ દર્દ થાય છે….!

હું તેની પાસે જવા ઉભો થયો, પણ…..
ત્યાં જ બીજા ચાર ઘરાક આવ્યા અને બોલ્યા, ‘એય… છોટુ… ચાર કટીંગ….!’

હું આ બધું જોઇ રહ્યો હતો… બાળદિને મેં જ તે સ્કુલમાં લેક્ચર આપ્યું’તું… બાળ દિન વિષય પર…! મારી કવિતા તેને પણ મારી સાથે ગાયેલી… તે મારો શ્રોતા હતો… તે રુમાલ વિંટેલા હાથે ફરી સૌને હસી ખુશીથી ચા આપી રહ્યો હતો.

અને તે પાછો મારી તરફ ફર્યો અને બોલ્યો, ‘ સાહેબ… તેમને આગળ પણ ગાયું’તુ કે,
‘ હું કોઇથી ડરુ નહી ને
કોઇની ફરીયાદ કરું નહી,
મનમાં ભરીને નહી જીવવાનું’ને
ઘડીભરમાં જ ભુલી જવાનું…
મને મળ્યું ગજબનું માંનુ વ્હાલપણ..
મારું મસ્ત મજાનું બાળપણ…!
મારું મસ્ત મજાનું બાળપણ…!’

મેં તેને સાવ નજીક બોલાવ્યો અને કહ્યું, ‘ છોટુ, તને દર્દ નથી થતું….!’

તેની આંખોમાં તરત ઝળઝળીયા આવી ગયા…!

પણ તરત જ પાછળથી કોઇએ ઓર્ડૅર કર્યો, ‘ એય છોટુ… એક કટીંગ….!’

અને તે મારો હાથ અને સાથ છોડાવી તેની દુનિયામાં ખોવાઇ ગયો.

સ્ટેટસ:
‘એક આંસુ ત્યાં પણ પડી ગયુ’તું….!
જ્યાં તે છોકરાએ નાજુક હાથે પોતું કર્યુ’તું….!’

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

Leave a Reply