Dr. Vishnu M. Prajapati

દેશભક્તિ ગીત સ્પર્ધા

દેશભક્તિ ગીત સ્પર્ધા

દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શહેરની ખૂબ જ પ્રખ્યાત સનરાઇઝ પ્રાઇમરી સ્કુલમાં દેશભક્તિગીત સ્પર્ધા હતી.

આ સ્પર્ધામાં શહેરની દરેક પ્રાથમિક શાળાની ફક્ત એક જ એન્ટ્રી લેવામાં આવતી. તેમાં પ્રથમ આવનારને અગિયાર હજાર રુપીયાનું રોકડ ઇનામ અને વીરબાળની ટ્રોફી મળતી એટલે શહેરની દરેક સ્કુલે પોતાના સર્વશ્રેષ્ઠ ગાયક વિદ્યાર્થીની એન્ટ્રી મોકલાવી દીધી હતી.

આગળના દિવસે સાંજે સંગીતના પ્રદ્યુમનસર તે બધી એન્ટ્રી તપાસીને જુદા જુદા ગીતો પ્રમાણે તેમને અલગ અલગ તારવી રહ્યા હતા. ત્યાં નવચેતન સ્કુલ તરફથી આવેલ એક અરજીફોર્મ પર તેઓ અટકી ગયા. ‘ઓહ…, આ સ્કુલે પણ ભાગ લીધો છે..?’

‘કઇ સ્કુલ’ બાજુમાં તેમની સાથે કામ કરી રહેલા વિશાલસરે પુછ્યું.

‘અરે પેલી તોતડા મૂંગાની નવચેતન…!!’ અને પ્રદ્યુમનસરે વ્યંગમાં કહ્યું.

‘ના હોય…!! એમની સ્કુલમાં તો ભાગ્યે જ કોઇને બોલતા આવડતું હશે, આ ગીત ગાવાની સ્પર્ધામાં વળી તે આવીને શું કરશે ?’ વિશાલસરે પણ તે અરજી હાથમાં લીધી અને કહ્યું.

‘બધા ગેસ્ટની સામે તે બરાબર ગાઇ નહી શકે તો આપણી સ્કુલની બદનામી થશે…! ’ પ્રદ્યુમનસર તો ચિંતા કરવા લાગ્યા.

‘તો પ્રિન્સિપાલ સરને કહીને તેમની અરજી કેન્સલ કરી દઇએ…?’ વિશાલસરે સૂચન કર્યુ.

‘પણ પ્રિન્સિપાલ સરે તો આ બધી અરજીઓ સહી કરીને જ મને આપી છે એટલે તેમને જાણ છે જ.’ એટલું કહી પ્રદ્યુમનસરે તો લિસ્ટમાં છેલ્લા નંબરે તે સ્કુલની સ્પર્ધક ભારતી રાવનું નામ લખ્યું અને સામે તેનું ધોરણ પાંચ લખ્યું.

બીજા દિવસે પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવવણી કરવા સ્કુલમાં બધી તૈયારીઓ થઇ ચુકી હતી.

સમયસર સૌએ દેશની આન બાન અને શાન એવા તિરંગાને ફરકાવી સલામી આપી.

કાર્યક્રમનું સંચાલન પ્રદ્યુમનસર જ કરી રહ્યા હતા. તેમની નજર નવચેતન સ્કુલના સૌથી પાછળ બેસેલા તેમના શિક્ષક અને તેમના સાત-આઠ વિદ્યાર્થીઓ તરફ વારંવાર જતી હતી. નવચેતન સ્કુલ બહેરા મૂંગા માટેની સ્કુલ હતી. તેમાં કેટલાક વિદ્યાર્થીઓ ત્રુટક ત્રુટક બોલી શકતા હતા.

દેશભક્તિ ગીતોની સ્પર્ધા શરુ થઇ. તેના બન્ને નિર્ણાયકોએ સ્ટેજની બરાબર સામે પોતાનું સ્થાન લઇ લીધું અને તેઓ દરેક વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ નિહાળવા આતુર હતા.

પ્રદ્યુમન સરે પણ જુદી જુદી શાળાના બાળકોના ગીતોના મુખડા અને તે પ્રમાણેનું સંગીત સેટ કરી દીધું હતું. બે ત્રણ વાર એનાઉન્સ કરવા છતા નવચેતન સ્કુલના શિક્ષક તેમનું સંગીત સેટ કરાવવા પણ આવ્યા નહોતા એટલે તેમને વધુ ચિંતા થવા લાગી.

પહેલા બાળકે ‘ યે દેશ હૈ વીર જવાનો કા… અલબેલો કા મસ્તાનો કા…’ ગીત ગાયું અને નિર્ણાયકો ખુશ થયા.

પછી તો ‘યે મેરે વતન કે લોગો…’,
‘દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ’,
‘ નન્ના મુન્હા રાહી હું’ જેવા એક પછી એક ગીતો સરસ રીતે ગવાતા ગયા અને તેમના સૂરો સાથે રાષ્ટ્રધ્વજ પણ લહેરાઇ રહ્યો હતો.

નિર્ણાયકોને પણ નંબર આપવામાં તકલીફ પડે તેવા પરર્ફોમન્સ ચાલી રહ્યા હતા.

પોતાની સ્કુલના વિદ્યાર્થીનો ક્રમ આવ્યો તો પ્રદ્યુમનસરે તે વિદ્યાર્થી વિશે અને તેના સુંદર અવાજ વિશે વધારે વિશેષણો વાપરી નિર્યાણકો પર વિશેષ ભાર મુકવા પ્રયત્નો કર્યા. તેમની સ્કુલના વિદ્યાર્થીએ ગીત ગાયુ, ‘મેરા મુલ્ક મેરા દેશ મેરા યે વતન..’ તેને એક્શન સાથે ગાયેલા ગીતથી સૌ પ્રભાવિત થયા અને બેશક યજમાન સ્કુલને વધુ તાળીઓનો વરસાદ મળે તે ન્યાયે તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો.

હવે છેલ્લો ક્રમ હતો નવચેતન સ્કુલનો… જો કે તે ભારતી કયુ ગીત ગાશે તે શબ્દો લખાવ્યા નહોતા એટલે પ્રદ્યુમન સરે પોતાની રીતે એનાઉન્સમેન્ટ કર્યુ, ‘હવે છેલ્લા ક્રમે આવે છે નવચેતન સ્કુલની વિદ્યાર્થીની ભારતી રાવ, જે પાંચમા ધોરણમાં ભણે છે અને મને ખબર નથી કે તેના શબ્દો કયા છે… અરે, અમને તો તે પણ ખબર નથી કે તે બોલી શકે છે કે નહી….!! હું તેમના શિક્ષકને વિનંતી કરીશ કે જરુર પડે તો આપ તેને મદદ કરી શકો છો.. નિર્ણાયક કે અમને તે અંગેનો કોઇ વાંધો નહી હોય.’ પ્રદ્યુમનસર તેના વખાણ કરી રહ્યા હતા કે કટાક્ષ કરી રહ્યા હતા તે સમજાયું નહી.

ભારતી દેખાવમાં ખૂબ નાની લાગે. તે ધીરે ધીરે સ્ટેજ પર આવી પણ તે એકલી ગભરાઇ ગઇ હતી એટલે તેને ઇશારો કરીને સાથે આવેલા તેની સ્કુલના બીજા વિદ્યાર્થીઓને પણ સ્ટેજ ઉપર આવવા કહ્યું…. તેને બોલવામાં પણ મુશ્કેલી થતી હતી.. તે ‘ગગી ગાગો……’ જેવો એકજ ન સમજાય તેવો શબ્દ ત્રુટક ત્રુટક બોલતી હતી.

પ્રદ્યુમન સરે ફરી માઇકમાં કહ્યુ, ‘ તેમના શિક્ષક આવીને તેને હિંમત આપે… અને જો તે ગાઇ ન શકતી હોય તો તેને આવીને લઇ જઇ શકે છે.’

ભારતી બોલી શકતી નહોતી પણ સાંભળી શકતી હતી. તેની આંખોની પાંપણો સજળ ઉભરાઇ આવી અને તેને ઇશારો કરી બધાને ઉપર બોલાવ્યા. નિર્ણાયકે પણ તે બધાને ઉપર જવા કહ્યું એટલે તેની સાથે બીજા તેના જેવા જ બહેરા મૂંગા વિદ્યાર્થીઓ સ્ટેજ પર ગયા.

તે બધા ભારતીની સાથે ઉભા રહેતા જાણે તેની હિંમત ખુલી અને માઇક નજીક આવી અને જોરથી બોલી, ‘ગાગગ… ગાગા… ગી……!!!’ અને તેની પાછળ રહેલા તેના મિત્રો ચિલ્લાયા… ‘ગાય…’

પ્રદ્યુમન સર કંઇ સમજી ન શકયા અને તેમના ચહેરા પર ફરી એક વ્યંગાત્મક હાસ્ય રેલાઇ ગયું.

તેના મિત્રોના સાથથી ભારતીને જાણે આત્મવિશ્વાસ મળ્યો હોય તેમ તે ફરીથી બોલી, ‘‘ગાગગ… ગાગા… ગી……!!!’

આ વખતે તેના શબ્દો સામે બેસેલા બન્ને નિર્ણાયકો સમજી ગયા અને પોતાના બન્ને હાથ ઉંચા કરીને બોલ્યા, ‘ગાય..’

ભારતીએ ત્રીજી વાર તેનો હર્ષનાદ કર્યો ત્યારે ફરી કેટલાક લોકોને સમજમાં આવ્યો તો તેઓ પણ બન્ને હાથ ઉંચા કરીને તેને હિંમત આપવા બોલ્યા, ‘ગાય..’

ચોથીવારમાં તે સ્કુલના પ્રિન્સિપાલ, શિક્ષકો અને બીજા મહેમાનોને પણ ખબર પડી ગઇ હતી કે ભારતી શું કહેવા માંગે છે, એટલે બધાએ તેના જ સૂરમાં સાથ પૂરાવ્યો…

પાંચમીવાર તેને વધુ જોરથી અવાજ કર્યો ત્યારે પ્રદ્યુમનસરને સમજાયું કે તે બોલી રહી હતી, ‘ભારત… માતા… કી…’ અને તે પણ બોલ્યા, ‘ગાય..’

પછી જાણે સામે બેઠેલા બધા જ લોકો ભારતીનો એકાક્ષરી સૂર સમજી ચૂક્યા હતા એટલે ભારતીએ એક શબ્દના સૂરમાં તેનું ગીત શરુ કર્યુ…

‘ગગગગગગ ગગી ગાગગ ગગ ગે…..’
ભારતીના એકશબ્દના સૂરીલા સ્વરમાં બધા લોકો સમજી ચૂક્યા હતા કે તે જે ગાઇ રહી હતી તે તેનું પ્યારુ દેશભક્તિ ગીત ‘ જનગનમન અધિ નાયક જય હે….’ છે. ત્યારે જ બધા જેમ જેમ સમજાતું ગયું તેમ તેમ પોતાની જગ્યા પર ઉભા થઇ ગયા અને તેઓ તેના જ શબ્દોમાં રાષ્ટ્રગીત ગાવા લાગ્યા…

ગાગગ ગાગ્ગ ગિગાગા..
ગંગાગગિંગ ગુગગાગ ગગાગા
ગગિગગુગ્ગગ ગગા….
ગિગ્ગ ગિગાગગ ગગુગા ગગા…
ગુગ્ગગ ગગગિગગગા
ગગ ગુગ ગાગે ગાગે
ગગ ગુગ ગાગિગ ગાગે
ગાગે ગગ ગગ ગાગા
ગગ ગગ ગગગ ગાગગ ગગ ગે
ગાગગ ગાગ્ગ ગિગાગા
ગગ ગે, ગગ ગે, ગગ ગે
ગગ ગગ ગગ ગગ ગે’

પ્રદ્યુમન સર તેનો અદભૂત આત્મવિશ્વાસ જોઇ રહ્યા હતા અને સામે બધા જ લોકો ઉભા થઇને ભારતીના સૂરોની જેમ જ રાષ્ટ્રગીત ગાઇ રહ્યા હતા.

રાષ્ટ્રગીત પૂર્ણ થતા જ ખુદ પ્રદ્યુમન સરે જ જોરથી હર્ષનાદ કર્યો, ‘ગાગગ ગાગા ગી…’
બધા બોલ્યા, ‘ગાય….!!’

અને જાણે એક શબ્દમાં જ દેશભક્તિના સાતેય સૂરો સામેલ થઇ ગયા હોય તેમ રાષ્ટ્રધ્વજ પણ નાનકડી ભારતીના સૂરોની સાથે લહેરાઇ રહ્યો હતો.

સ્પર્ધા પુરી થઇ, નિર્ણાયકોએ અરસપરસ થોડી વાતચીત કરી અને આ દેશભક્તિગીત સ્પર્ધાનું પ્રથમ ઇનામ ભારતીને જ જાહેર કર્યુ.

ભારતીને રોકડ રકમનું કવર અને ટ્રોફી આપવામાં આવી. બધાની તાળીઓના નાદ સાથે આરતીએ તે સ્વીકાર્યુ પણ બીજી ક્ષણે તે કવર સામે લહેરાતા તિરંગાની નીચે મુકીને તેના શિક્ષકને ઇશારાથી કંઇક કહ્યુ.

બધા જાણવા આતુર હતા કે તે શું કહી રહી છે. તેના શિક્ષકે માઇકની નજીક આવી અને કહ્યું, ‘ ભારતી રાવ, જે આજની દેશભક્તિગીતની સ્પર્ધામાં પ્રથમ આવી છે તેનો ખૂબ આગ્રહ હતો કે મારે આ સ્પર્ધામાં ભાગ લેવો છે…અમને ડર હતો કે તેનાથી આ કાર્યક્રમની શોભા ઘટી તો નહી જાય ને?? જો કે તેના શબ્દોની ભલે મર્યાદા હોય પણ દેશભક્તિ ભરપૂર છે….. ભારતી આપણા દેશ માટે શહીદ થયેલ સૈનિકની દિકરી છે એટલે જ અમે પ્રિન્સિપાલ સરને કહીને તેની અરજી સામેલ કરવા વિનંતી કરી હતી…. તે અત્યારે ઇશારાથી મને કહી રહી હતી કે આ અગિયાર હજારનું તેનું પ્રથમ ઇનામ દેશના શહીદોને અર્પણ કરી તેને આર્મી ફંડમાં જમા કરવું છે.’

અને ત્યારે માત્ર પ્રદ્યુમન સરની આંખમાં જ નહી પરંતુ સામે રહેલા તમામ લોકોની આંખમાંથી ઉભરાયેલા આંસુઓમાં ગર્વથી લહેરાતા તિરંગાના ત્રણેય રંગો સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા.

સ્ટેટસ:

દેશભક્તિનો તો એક જ સૂર છે.
દિલમાંથી વહી જાય તો કાંઇ નહી,
ને જો રહી જાય તો શક્તિ ભરપૂર છે.
શહીદો પણ હસતા હસતા કહી જાય છે,
તમારા દિલની ધડકનોમાં અમને સાચવજો
ભારતમાતા માટે જીવવું એજ અમારું ગુરુર છે.

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

Leave a Reply