Ujas Vasavda

પહેલું સુખ તે જાતે નર્યા

“પહેલું સુખ તે જાતે નર્યા”

શિયાળાની સવારમાં બાજુએ પડેલા મોબાઈલમાં 6 વાગે એલાર્મ વાઈબ્રેશન સાથે વાગે છે, તુરંત રોશેષ ઝીણી આંખો વડે દસ મિનિટ સુધી સ્નુઝ દબાવી મખમલી ધાબડી માથા સુધી ખેંચી ખલેલ પડેલી મીઠી ઉંઘને પાછો પુકાર કરે છે. પણ દસ મિનિટ પુરી થતા પહેલાં જ હેતાંગનો કોલ આવે છે.

“અરે..યાર આ હેતાંગ આજે મને નહિ મૂકે..” અણગમા સાથે બંધ આંખોએ મોબાઈલ કાન પર ધરતા.

“બોલ..યાર..”

“જોગિંગ માટે તૈયાર?” હેતાંગના અવાજમાં એક અદમ્ય ઉત્સાહ હતો.

“હમણાં થઈ જઈશ..” રોશેષે તંદ્રામાં જવાબ આપ્યો. રોશેષનો અવાજ પારખીને હેતાંગનો ઉત્સાહ પરપોટા માફક ફૂટ્યો અને અકળાઈને, “યાર હજુ તું ઉઠ્યો નથી? હું ઘરેથી નીકળી ગયો છું, અને હમણાં તારે ઘરે પહોંચી જઈશ. તું ઝડપથી તૈયાર થઈ જ જે..”

છેલ્લા એકાદ મહિનાથી જ્યારે ડો.રોશેષના પોતાના જ મેડિકલ રિપોર્ટમાં કહેવાતો રાજરોગ એવો મધુપ્રમેહ(ડાયાબીટીસ) બોર્ડર લાઈન પર દેખાયો હતો ત્યારથી તેનો ખાસ મિત્ર હેતાંગ સવારમાં દોડવા જવાની જીદ લઈ બેઠો હતો અને આજે અંતે રોશેષ એવો ઝડપાયો કે કોઈ પણ બહાના હેઠળ ઠેલવી શકે તેમ ન હતો. હેતાંગ સ્વભાવે જિદ્દી અને વ્યવસાયે શિક્ષક..પણ રોશેષના બધા જ મિત્રો પૈકીનો હેતાંગ એક જ તેમના અંતરની નજીક છે.

35 વર્ષની ઉંમરે જ ડો.રોશેષને ડાયાબીટીસ ડિટેકટ થતા ઘરના તમામ સભ્યો ચિંતાતુર બન્યા. પણ આચાર્ય હેતાંગે ડો.રોશેષના નખમાં પણ રોગ ન રહે તે માટે રોજિંદા વ્યાયામ અને યોગ્ય ખોરાક લેવાનો ચાર્ટ પકડાવી તેના શિક્ષક તરીકે વર્તવા લાગ્યો. ડો.રોશેષ પથારીને યેન કેન રીતે ત્યજી નિત્યક્રમ પતાવવા ગયો. પાંચ મિનિટ થતા દરવાજે ટકોર સંભળાયો, રવિવારની સવારે ઘરના અન્ય સભ્યોને ખલેલ ન પહોંચે એટલે હેતાંગએ ઘંટડી વગાડવાની જગ્યાએ દરવાજા પર હળવી ટકોર કરવાનું મુનાસીબ સમજ્યું.

રોશેષના મોં માં બ્રશ હોય દરવાજો ખોલી ઘરમાં બેસવા ઈશારો કર્યો. પણ,હેતાંગે પગમાં પહેરેલા શૂઝ બતાવી બહાર આંગણામાં રાખેલ હીંચકે બેઠો છું એવો ઈશારો કરી હિંચકે ઝૂલવા લાગ્યો. ગણતરીની પળોમાં રોશેષ ટ્રેકસુટ, માથે ગરમ ટોપી, કાંડા પર ડિજીટલ ઘડિયાલ પહેરી બહાર આવ્યો. સવારે જોગિંગમાં જવું એ પણ કંઈ ફેશન-શો થી ઓછું ન હતું.

ઉત્સાહભેર હેતાંગ હીંચકેથી ઉભા થઇ પૂછે છે, “રેડી…ફોર…જોગ!!”

મુખ પર ખોટું હાસ્ય દર્શાવી માત્ર હાથના અંગુઠા વડે સહમતિ દર્શાવી ઘરથી લગભગ એકાદ કિલોમીટરના અંતરે આવેલ ચંદ્રશેખર બાગ તરફ દોડવા લાગ્યા. બાગમાં નિયત કરેલા સમય મુજબ દોડી એક બાંકડા પર બંને બેઠા.

“હાશ!! યાર થોડું ઓછું દોડીએ તો નહીં ચાલે? આ શરૂઆતથી આટલું બધું દોડાતું નથી.”

“કેમ ડોકટર? બીજા દર્દીઓને ચાલવાની અને બીજી અનેક પરેજીઓ પાળવાનું તમે લોકો કહો છો! અને હવે….તમારો વારો આવ્યો ત્યારે…!!” હેતાંગે કટાક્ષ કરતાં કહ્યું.

વાતો કરતાં હેતાંગનું ધ્યાન થોડે દૂર બીજા બાંકડે બેઠેલા વ્યક્તિ પર પડી. હેતાંગ તેમની નજીક જવા ઉભો થયો, રોશેષ પણ તેની પાછળ દોરાયો.

“અરે..પંડ્યાજી તમે!! કેમ છો? ઘણા સમયે દેખાયા!! અને સાવ ફિક્કા કેમ પડી ગયા?” હેતાંગ એક સાથે પ્રશ્નોત્તરી કરી. પંડ્યાજી એટલેકે શ્રી શિવકુમાર પંડ્યા એ શિક્ષક મંડળના મંત્રી હોય હેતાંગ એમને ઓળખતો હતો. એ કોઈ જાણીતી વ્યક્તિ મળતા જેવો ભાવ જાગે તેવી જ રીતે પૂછપરછ કરવા લાગ્યો, પણ રોશેષનું દાક્તરી મગજ પંડ્યાજીના રોગને ઓળખવા પ્રયત્ન કરવા લાગ્યું. પંડ્યાજીના હાથો પરના ઓરી જેવા નાના ડાઘા અને તેઓને જોડતી લાલ રેખાઓએ એક વિચિત્ર ચિત્ર ઉભું કરી દીધું હતું. ડો.રોશેષ પંડ્યાજી નજીક આવી તેમના હાથ પરના ડાઘાઓને જોઈ કંઈક ગંભીર વિચારોમાં અટવાઇ ગયો.

“પંડ્યાજી… આ મારો મિત્ર છે. તે એક સારો ફિઝિશિયન પણ છે.” હેતાંગ પોરસાઈને કહેવા લાગ્યો.

“મી.પંડ્યા તમે ટ્રીટમેન્ટ કરાવી? ” રોશેષે.. એક પરિપક્વ ડોક્ટરના રોલમાં પ્રવેશી પૂછ્યું.

“જી…ત્રણ મહિનાથી રાજકોટના ડો.શર્માજીની ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું. એમના કહેવા મુજબ કોઈ બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થયું છે. ત્રણ મહિનાથી ઘરમાં જ હતો આજે મારો દીકરો થોડી શુદ્ધ હવામાં બેસવા લઈ આવ્યો છે.”

રોશેષે શિવકુમાર પંડ્યાજીને આ ક્ષણિક મુલાકાત બાદ પોતાનું કાર્ડ આપી બીજા દિવસે ક્લિનિક પર આવવા જણાવ્યું.

રોશેષ અને હેતાંગ ઘર તરફ જવા લાગ્યા. હેતાંગ એમના શિક્ષક મંડળ વિશે વાતો કરતો રહ્યો અને રોશેષ આગળની રાત્રે ડોકટર્સ સુવેનિયરમાં વાંચેલ આર્ટિકલ વિશે વિચારતો રહ્યો. “મિસલ્સ-ટ્રી” નામનો કોઇ વાયરસ પશ્ચિમી દેશો તરફ નીકળ્યો છે. જેના એન્ટીડોટ્સ વેકસીન હજુ શોધાઇ નથી. વાયરસ હજુ તેની સુસુપ્ત અવસ્થામાં જ છે અને તે કઈ રીતે આવ્યો છે, તે કઈ રીતે વિકસે છે, તેની ફેમિલી એટલે કે કયા પ્રકારના વાયરસની જાત પરથી આવ્યો છે? જેવા અનેક પ્રશ્નોનું સંશોધન હજુ ચાલુ હોય કોઈ માહિતી મળી નથી.

હાલના તારણો મુજબ આ વાયરસના શિકાર થયેલ દર્દીને શરીર ઉપર ઘટ્ટ ઝાળું થતું જાય છે જેના લીધે શરીરમાં લોહીનું દબાણ વધવા લાગે છે તેની ચામડી પર લાલ ઝાળાઓ ફેલાય છે અને આ ઝાળાઓ કાળા ડોટ સાથે જોડાવા લાગે છે, તે પછી કાળા ડોટ્સ પાસેથી લોહી બહાર નીકળવા લાગે છે. અંતે દર્દી છ મહિનામાં અસહ્ય પીડાઓ ભોગવી મૃત્યુ પામે છે.

ઘરની નજીક પહોંચતા હેતાંગે રોશેષને ઢંઢોળ્યો, “ભાઈ…ક્યાં ખોવાઈ ગયો? હું આખા રસ્તે બોલતો રહ્યો અને તને સાપ સૂંઘી ગયો છે !!”

રોશેષ હેતાંગનો હાથ પકડી, “યાર તું ઘરમાં આવ હું તને કહું…”

ઘરમાં પ્રવેશી તુરંત જ રોશેષ તેના બેડરૂમ તરફ જાય છે અને હેતાંગ ઘરમાં સોફા પર બેસી ટીપોય પર પડેલ દૈનિક સમાચાર પત્ર વાંચવા લાગે છે. થોડીવારે રોશેષ તેની સાથે એક મેગેઝીન ‘ડોકટર્સ સુવેનિયર’ લઈ આવે છે અને તેના પાનાઓ ફેરવી આર્ટિકલ હેતાંગને વાંચવા કહે છે. હેતાંગ આર્ટિકલ વાંચી અવાચક થઈ જાય છે. તે આર્ટીકલ વિશેનો પ્રતિભાવ માત્ર મુખ પરના અવનવા આવરણોથી જ આપી શકે છે.

રોશેષ હેતાંગને, “ડિયર… હાલની પરિસ્થિતિમા રોજ એક અવનવો વાયરસ નીકળી પડે છે. સજીવ સૃષ્ટિ અને ખાસ કરીને માનવજાત પર અવનવા રોગોનું સંકટ ગમે ત્યારે ત્રાટકી રહ્યું છે. કોરોના,સ્વાઇન ફલુ, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા જેવા રોગો જેના નામ પહેલા ક્યારેય ન’તા સાંભળ્યા અને હજુ બીજા આવા સાંભળવા મળશે. આવા રોગોને આપણે કન્ટ્રોલ નથી કરી શકતા જ્યારે આપણે ડાયાબીટીસ જેવા રોગ માટે પરેજીઓ પાળીએ છીએ. નસીબમાં ભોગવવાનું લખ્યું હોય તો ગમે તેટલી પરેજી પાળો તો પણ ભોગવવુ પડે જ છે.”

ક્ષણિક શાંતિ છવાઈ જાય છે બન્ને મિત્રોની આંખો સામે શિવકુમાર પંડ્યાનું લાચાર મુખ અને ભવિષ્યમાં થનારી તેમની પરિસ્થિતિ તરવરતી દેખાઈ રહી હતી.

હેતાંગ દ્રઢતા પૂર્વક, “ડો.રોશેષ હું તારી વાત સાથે સહમત નથી. મધુપ્રમેહ અને આ અજાણ્યા રોગ વચ્ચે ઘણો ભેદ છે. વધુમાં શુદ્ધ સાત્વિક આહાર, નિયમિત યોગ, પ્રાણાયમ અને વ્યાયામથી વ્યક્તિ નિરોગી રહે જ છે. આપણા ૠષિમુનિઓ તેના માટેની યોગ્ય પદ્ધતિઓ અને સૂત્ર ‘પહેલું સુખ તે જાતે નર્યા’ પણ કહી જ ગયા છે.”
હેતાંગ શિક્ષક મંડળના એક સારા વ્યક્તિની ચિંતામાં જ રોશેષના ઘરેથી પોતાના ઘરે જવા નીકળી પડે છે. ડો.રોશેષ સોફા પર બે હાથ માથા પર રાખી ટીપોય પર પડેલ સુવેનિયર અને બાજુમાં રહેલ પોતાના ડાયાબીટીસના રિપોર્ટને જોતો રહે છે.

થોડીવારે એ અજબ સ્ફૂર્તિ સાથે ઉભા થઇ પોતાના બેડરૂમ તરફ ગયો અને ડેસ્ક પર લેપટોપ ચાલુ કરી “મિસલ્સ-ટ્રી” વિશે વધુ માહિતી એકઠી કરવા માંડ્યો. રોશેષની પત્ની રૂચાને થોડું અચરજ થતા બેડરૂમમાં પ્રવેશી, “ડોકટર.. કેમ સવારમાં લેપટોપ?” રૂચા રોશેષને ઘરમાં પ્રેમથી ડોકટર કહીને જ સંબોધતી.

“રૂચા…આજે હું એક રિસર્ચ કરવા માગું છું એટલે મને કોઈ ડિસ્ટર્બ ન કરતાં, મારે કંઈ જોઈતું હશે તો હું સામેથી જ બોલાવી લઈશ અને બચ્ચા પાર્ટીને પણ થોડું સમજાવી દેજે.” રોશેષએ જરૂરી સૂચનાઓ આપી લેપટોપમાં ફરી જુદા જુદા આર્ટિકલ્સ ખોલી પોતાની ડાયરીમાં જરૂરી માહિતીઓ લખવા લાગ્યો.

રોશેષએ ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના સભ્યોના ગ્રુપ સમક્ષ મિસલ્સ-ટ્રી ને લગતી ગાણિતીય માહિતી અને પશ્ચિમમાં કેટલી માત્રામાં આ વાયરસ પ્રસરેલો છે તેની માહિતીઓ ઓનલાઈન મોકલી. તેમજ આપણા દેશમાં પણ આ વાયરસ ગ્રસ્ત વ્યક્તિઓ હોય તેને કંટ્રોલમાં લાવવા માટેના જરૂરી સંશોધન માટે દેશની વિવિધ સંસ્થાઓને કામે લગાડવા અને સાવચેતીના ભાગે સરકારને જાણ કરી વધુ જાગૃતિ ફેલાવવી વિગેરે વિસ્તૃત ચર્ચાઓ પણ ઓનલાઈન કરી.

લગભગ પાંચેક કલાક બાદ તેમણે લેપટોપ બંધ કર્યું. આંખો બંધ કરી બેડ પર થોડીવાર સવાશનની સ્થિતિમાં સૂતો. પણ આંખો સામે તેને શિવકુમાર પંડ્યાના લાલાશ વિચિત્ર આકૃતિ વાળા હાથ ફરી દેખાયા. રોશેષના મન પર વાયરસ હાવી થઈ ગયો હતો અને તેના ઈલાજ માટે કંઈક કરવા માંગતો હતો. એન્ટીડોટ્સ વગર આ વાયરસ શું પરિસ્થિતિ ઉભી કરશે તેના વિચાર માત્રથી તે વિચલિત થઈ જતો હતો. મિસલ્સ-ટ્રી વિશેના વિચારો પાછળ જ રોશેષે તેનો દિવસ પસાર કર્યો.

બીજા દિવસે તેની ક્લિનિક પર શિવકુમાર પંડ્યા તેના દીકરા સૌરભ સાથે આવી પહોંચ્યા. રોશેષએ તેની ફાઇલનો અભ્યાસ કર્યો અને આ વાયરસની અસર પહેલા તેની રહેણીકરણી, ખાણી-પીણી આજુબાજુના વાતાવરણ વિશે માહિતી એકત્ર કરવા લાગ્યો.

શિવકુમાર સાથેની વાતચીત દરમિયાન રોશેષને મેડિકલ કાઉન્સિલના એક પીઢ અને સિનિયર ડોકટરનો ફોન આવ્યો. એ સિનિયર ડોક્ટરને શિવકુમારના કેસને લગતી માહિતી આપી રહ્યો હતો, તે દરમિયાન જ શિવકુમારને શરીરમાં અસહ્ય બળતરા થવા લાગી અને વેદનાને લીધે બુમો પડાઈ ગઈ. રોશેષએ તુરંત જ ફોન કોલ કાપી શિવકુમારને તપાસવા દોડ્યો પણ ત્યારે શરીરની બળતરા મંદ પડી ગઈ.

ડો.રોશેષને કંઈ સમજાતું નથી, તે ફરી શિવકુમારને આવી બળતરાઓ ક્યારે જાગે છે તે વિશે પૂછવા લાગે છે ત્યારે સૌરભ કહે છે, “સર.. જ્યારે તેની નજીક કોઈ મોબાઈલ ફોન લઈ જાય ત્યારે આવી બળતરા ઉપડે છે.”

રોશેષ થોડો નવાઈ પામે છે. તે શિવકુમારને અને સૌરભને મિસલ્સ-ટ્રી વાયરસ વિશે જણાવે છે અને મેડિકલ કાઉન્સિલ દ્વારા તેમનો વધુ અભ્યાસ કરવા દિલ્હીની સરકારી રિસર્ચ લેબોરેટરીમાં એડમિટ થવા અંગે સિનિયર ડોકટરનો ફોન કોલ હતો તે જણાવે છે.

રોશેષે શિવકુમાર વિષે મેડિકલ કાઉન્સિલમાં વાત કરતા, હોંશિયાર ડૉક્ટરર્સની એક ટિમ તેના પર રિસર્ચ કરવા સજ્જ કરવામાં આવી હતી. રોશેષ પોતે જ શિવકુમારને સાથે લઈ દિલ્હી પહોંચે છે. તેમજ તેમણે તૈયાર કરેલ નોટ્સ ડૉક્ટર્સની ટિમને બતાવે છે. રોશેષની નોટ્સમાં મોબાઈલ ફોન વપરાશથી થતી પીડા તરફ એક સાથે બધા જ ડોકટર્સનું ધ્યાન કેન્દ્રિત થાય છે.

રિસર્ચની શરૂઆત જ આ મુદ્દાને ધ્યાને લઇ કરવામાં આવે છે. શિવકુમારના શરીર પરની ચામડીના થોડા ટુકડાઓ લઈ લેબમાં મિસલ્સ-ટ્રી વાયરસના સંસર્ગમાં મોબાઈલ અને બીજા ઘણાં જ ઉપકરણો લાવી વિવિધ અસરોનો અભ્યાસ કરવામાં આવે છે.

લગભગ એક અઠવાડિયાના અભ્યાસ બાદ એક તારણ નીકળે છે. મિસલ્સ-ટ્રી વાયરસના કોષ વિદ્યુત-ચુંબકિય માધ્યમના સંસર્ગમાં આવતા વૃદ્ધિ પામે છે અને શક્તિશાળી બને છે.

વિવિધ પ્રાયોગિક પ્રક્રિયા બાદ મિસલ્સ-ટ્રી વાયરસ ગ્રસ્ત દર્દીઓને વિદ્યુત ચુંબકિય ઉપકરણોથી દુર રાખવાનું પ્રથમ નિદાન નક્કી કરવામાં આવે છે. પરંતુ આ શક્ય ન હતું. આજે મનુષ્યની જીવનશૈલી અનેક વિદ્યુત ચુંબકિય ઉપકરણોથી ઘેરાયેલી છે ત્યારે આવા ઉપકરણોના ઉપયોગ વગર જીવવું કંઈ રીતે?

ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ મિસલ્સ-ટ્રી વાયરસની વર્તણુક અને નિદાન વિશે પશ્ચિમના દેશોને જણાવે છે અને વાયરસના ગ્લોબલ રિસર્ચ માટે વાયરસગ્રસ્ત દર્દીઓને એક સુરક્ષિત જગ્યાએ એક સાથે રાખવાં વિશેની વાટાઘાટો વિવિધ દેશો વચ્ચે થવા લાગે છે.

પરંતુ શિવકુમાર…તેના અંતિમ દિવસો તરફ આગળ વધવા લાગ્યા હોય છે એક મધ્યમવર્ગીય વ્યક્તિ માટે શહેરથી દુર તેમજ રોજબરોજના ઉપકરણોથી દુર જીવન જીવવું શક્ય નહતું. શિવકુમાર રોશેષની જ ક્લિનિકમાં દાખલ થયા હતા, રોશેષએ ક્લિનિકનો એક રૂમ તદ્દન વીજ ચુંબકિય તરંગો વગરનો તૈયાર કરાવ્યો હતો. પણ અંતિમ ચરણોમાં આ વાયરસ તેમની આસપાસના 500 મીટરના એરિયામાંથી પ્રભાવિત થતા હતા.

રોશેષ તેની કેબિનમાં હેતાંગ સાથે ચિંતાતુર નિઃશબ્દ બેઠા હતાં ત્યાં રોશેષના મોબાઈલ પર કોઈકનો ફોન કોલ આવે છે.

“અરે યાર…આ કોનો ફોન આવ્યો? પેલાને તકલીફ પડશે.”

રોશેષ મનોમન, “મેડીકલ કાઉન્સિલના સિનિયર ડોકટરનો ફોન કોલ હશે કદાચ મિસલ્સ-ટ્રી વાયરસનું નિદાન મળી ગયું હોય!”

રોશેષ ફોન કોલ કાને ધરે છે ત્યાં, “અરે ઉઠ્યો કે નહીં? હું અહી ચંદશેખર બાગની બહાર તારી રાહ જોઉં છું.”

રોશેષ સફાળો જાગી જુવે છે ત્યાં સામે દીવાલ પર ઘડિયાળમાં સાડા છ વાગ્યા હોય છે અને મોબાઈલમાં હેતાંગનો જોગિંગ માટે ફોન કોલ આવેલો હોય છે.

લેખક : ઉજાસ વસાવડા

મોબાઈલ: +919913701138

Categories: Ujas Vasavda

Leave a Reply