Nayna Shah

વહાલે વળગી

વહાલે વળગી

‘કોણ કહે છે કે ઈશ્વર સાચા દિલની પ્રાર્થના નથી સાંભળતો ? ઈશ્વર, હું તો નાનપણથી ગીતાના પાઠ કરું છું. ગીતાનો બોધ બને એટલો જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે. ‘સ્થિતપ્રજ્ઞ’ હોવું એટલું સહેલું નથી. મને આ બધી પ્રશંશાથી પર રાખજો.’ ચાર્મી ઈશ્વર સામે બેસીને પ્રાર્થના કરી રહી હતી. ચાર્મી જાણતી હતી કે બહાર બેઠેલા લોકો અત્યારે માત્ર અને માત્ર એની પ્રશંશા જ કરી રહ્યા છે પણ ચાર્મીને એ પણ ખબર હતી કે આ લોકો જ એક સમયે એના વિરોધી હતા. ‘ઈશ્વર, ત્યારે પણ હું પ્રાર્થના કરતી હતી કે મારે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં જીવવું છે. છતાં પણ હું તો એક સ્ત્રી છું. લાગણીથી ભર્યું ભર્યું મારું હૃદય હતું. પરંતુ જગતમાં માબાપનું મૃત્યુ ક્યારેય થતું નથી. માબાપ બાળકમાં એના સંસ્કાર રૂપે જીવતા જ રહે છે. તેથી તો ચાર્મી પરણીને આવી ત્યારે વિપરીત સંજોગોમાં પણ ઈશ્વરને પ્રાર્થના કરતી કે મારા માબાપ ભલે નથી પણ એમના આપેલા સંસ્કાર હંમેશા મારામાં જીવતા રહે. હું એવા સજ્જન માબાપનું સંતાન છું કે ક્યારેય એમની સજ્જનતાને કલંક ના લાગે. જો કે ઈશ્વરે એ વખતે પણ જાણે એની પ્રાર્થના સાંભળી હોય એમ વિપરીત સંજોગોમાં પણ મગજ પરનો કાબુ ગુમાવ્યો ન હતો. બાકી કહેવા માટે એની પાસે ઘણું બધુ હતું.’

નાનપણમાં માબાપનું મૃત્યુ થયું. જો કે એ વખતે મોટો ભાઈ એન્જીનીયર થઇ ગયો હતો. જો કે રીઝલ્ટ આવવાનું હતું એના આગલા દિવસે જ ચારધામની જાત્રાએ ગયેલા માબાપની બસ ખીણમાં પડી ગઈ. ચાર્મી સ્કુલમાં હતી. એક બહેન બારમામાં અને એક બહેન કૉલેજના છેલ્લા વર્ષમાં હતી. મિલકત તો ખાસ ન હતી. છતાં પણ ચારેય ભાઈબહેનો શાંતિથી મોજશોખ કર્યા વગર તો જીવી જ શકે એમ હતું. જેમ જેમ બધા ભણતર પુરૂ કરતાં ગયા તેમ તેમ નોકરી કરતાં ગયા. માબાપ વગરના ઘરની બધી જવાબદારી મોટા દીકરા પર હતી જેથી દિકરીના માબાપ એ ઘરમાં પોતાની દિકરી આપવા તૈયાર જ ના થાય. ધીરે ધીરે બહેનોને પણ લગ્નના નામ પ્રત્યે નફરત થવા માંડી.

ચાર્મીને પણ લગ્નના નામ પર નફરત તો હતી જ પરંતુ લગભગ ચાલીસ વર્ષે એ કોઈકને ઝંખવા લાગી. બહેનપણીઓનો સુખી સંસાર જોઈ એને પણ થવા માંડ્યું કે મારે લગ્ન કરવા જેવાં હતા. મને પણ કોઈ બાળક ‘મા’ કહી બોલાવે, કોઈના માટે હું પણ જિંદગી સમર્પિત કરી શકું. ચાર્મીના મનમાં મંથન હળી રહ્યું હતું. એ જ સમયે એની ઓફીસમાં આવતાં એક કોન્ટ્રાક્ટરના પરિચયમાં આવી. જો કે અલ્કેશ વિધુર હતો. એક બાળકનો પિતા હતો. પુત્રનાં વર્ષ પહેલા જ લગ્ન કરી દીધાં હતા અને પુત્ર તથા પુત્રવધુ અમેરિકા રહેતાં હતા. માતા પણ હયાત ન હતી. ઘરમાં એક સ્ત્રીની જરૂર હતી જ. અલ્કેશનો પુત્ર વારંવાર કહેતો, ‘પપ્પા, તમારી ઉંમર બહું કંઈ મોટી નથી. તમે લગ્ન કરી લો. અમેરિકામાં બંને કાકાઓ કાકીઓ બધા જ સુખી છે. દાદાજી હવે કેટલા વર્ષો ? પછી તમારૂ શું થશે ? પાછલી જિંદગી એકલા કઈ રીતે કાઢશો ? નોકર, રસોઈઓ, ડ્રાઈવર બધુ જ છે પણ આખરે એ લોકો પણ માણસ છે, માંદે-સાજે વાર તહેવાર રજા રાખશે તો તમે શું કરશો ?’

જો કે આવું તો ઘણીવાર બનતું. રસોઈયો ના આવે તો બહારથી ટીફીન લાવવું પડતું. ડ્રાઈવર ના આવે તો પોતે કાર નહી ચલાવતો હોવાથી રીક્ષામાં જવું પડતું અને નોકર ના આવે તો વાસણોના ઢગલા થઇ જતા. ટૂંકમાં ઘરમાં ગૃહલક્ષ્મીની જરૂર હતી.

કુદરતે પણ એ જ સમયે સમાન વિચારની વ્યક્તિઓને મેળવી આપી હતી અને અલ્કેશ તથા ચાર્મી લગ્નગ્રંથિથી જોડાઈ ગયા હતા. આ વાત અલ્કેશના પિતાને બહું ગમી ન હતી. કારણ એમને ભય લાગ્યો કે વર્ષોથી કહ્યાગરો રહેલો પુત્ર પત્નીનો થઇ જશે તો પોતાનું ઘડપણ કઈ રીતે જશે ? અલ્કેશની પત્ની એક પુત્રને જન્મ આપી મૃત્યુ પામી હતી. ત્યારબાદ ઘરનો દરેક નિર્ણય લેવાનું તથા એકચક્રી શાસન અલ્કેશનાં પિતાનું જ રહેતું.

ચાર્મી પરણીને આવી એટલે સૌ પ્રથમ સસરાએ હુકમ છોડેલો. ‘મારે નોકરી કરતી સ્ત્રી ઘરમાં ન જોઈએ. સ્ત્રીઓનું કામ ઘર સંભાળવાનું છે, નહી કે ઘરની બહાર નોકરી કરવા જવાનું. અમેરિકામાં પણ મારી બંને વહુઓ ઘરમાં જ છે. મારો દિકરો ઘણું કમાય છે તારે કાલથી ઘરમાં બેસવાનું છે.’

ચાર્મીએ એ જ વખતે પતિને કહેલું, ‘હું મહીને મારો પચાસ હજારનો પગાર છોડવા તૈયાર નથી. આ બાબત આપણે લગ્ન પહેલા નક્કી જ હતી. બીજું કે મારી ગેરહાજરીમાં પણ આ ઘર ચાલતું હતું. હવે હું નોકર-રસોઈયાના કામ પર ધ્યાન રાખી શકીશ. હું આ ઘરને સંપૂર્ણપણે સમર્પિત રહીશ. મારા વિશે કોઈને કંઈ જ ફરિયાદ કરવાનો મોકો નહી મળે, પરંતુ હું મારી નોકરી નહી છોડું.’

કોઈ પોતાની વાત નો વિરોધ કરે એ વાત જ અલ્કેશના પપ્પા માટે અસહ્ય હતી. તેથી પોતાના પુત્રને હંમેશા વણમાગી સલાહો આપતાં રહેતાં.

‘તારે હવેથી તારા દીકરાને પૈસા મોકલાવવા હોય તો તારી પત્નીથી છાના મોકલાવવાના. ગમે તેમ તોય એ તો સાવકી મા કહેવાય. એને ક્યારેય તારા દીકરા પર પ્રેમ નહી આવે. હા, અને હા જો પત્નીને ધાકમાં રાખવાની, મહીને એકાદવાર પિયર મૂકી આવીશ એવી ધમકી આપવાની. નહી તો કમાતી પત્ની તને દબાવી દેશે. અત્યાર સુધી એમે કમાઈ-કમાઈને ઘણાં પૈસા ભેગા કર્યા હશે. એની પાસબુક જોતો રહેજે……’ એવી ઢગલાબંધ સલાહો અલ્કેશના પપ્પા આપતાં રહેતાં હતા.

જયારે જયારે ચાર્મીને ઓફીસમાં મોડુ થાય એમ હોય ત્યારે ત્યારે અલ્કેશના પપ્પા એમના મિત્રોને અચૂક બોલાવતા અને કહેતાં, ‘જોયું, નોકરી કરતી વહુ કોઈ જ કામમાં આવે નહી. વડીલો પ્રત્યે કોઈને પ્રેમ જ ક્યાં છે ?’

નોકર રસોઈયાના ગયા બાદ ભજીયા, કચોરી, બટાકાવડાની માંગણી ચાલુ જ રહેતી અને આ બધી વસ્તુઓ ચાર્મીના હાથની જ ખાવાની છે એવી માંગણી રહેતી. ચાર્મી જાણતી હતી કે રસોઈયા પાસે એ બનાવી શકત પણ એ જોવા માંગતા હતા કે થાકીને આવેલી વહુ કામ કરે છે કે નહી. જો કે ચાર્મી ના બોલવાનું શીખી જ ન હતી. ત્યાર બાદ તો રાતની મહેફિલ જામતી રહેતી. મોડે સુધી બધા વાતો કરતાં રહેતાં. એ દરમિયાન એકાદ વખત સુપ ઢોળાતા, ખાવાની પ્લેટ હાથમાંથી છૂટતી. આ બધુ નોકર ગયા પછી થતું. મોડે સુધી ચાર્મી ઘર સાફસુફ કરતી. ત્યારે એના સસરા કહેતાં, ‘મોટી ઉંમરની વ્યક્તિઓથી તો આવી ઢોળમ ફોડ થાય જ. ઘરની વહુએ આ બધુ સ્સાફ કરવું જ પડે.’

ચાર્મીને થતું, હું બધુ જ ચૂપચાપ કરું છું છતાંય મારો વાંક જોવામાં આવે છે. ક્યારેક અમેરિકા રહેતી દેરાણીઓનો પણ ફોન આવતો. ‘ચાર્મીભાભી, પપ્પાની બરાબર દેખરેખ રાખજો. મમ્મીની ગેરહાજરીમાં પપ્પાએ બધા છોકરાઓને બહું જતનથી ઉછેર્યા છે. હવે પછી પપ્પાના મોંએ તમારી ફરિયાદ સાંભળવા ના મળવી જોઈએ.’

ચાર્મીને કહેવાનું મન થતું કે પપ્પાએ તમારા પતિઓને પણ બહું જતનથી ઉછેર્યા છે. તો તમે પણ થોડો વખત પપ્પાને તમારે ત્યાં રાખો ને ? પણ એના સંસ્કાર એને એવું બોલતાં રોકતા હતા.

ચાર્મી ઓફીસ જતા પહેલા નિયમિત રીતે એના સસરાને બી.પી. અને ડાયાબીટીસની ગોળીઓ કાઢીને આપી દેતી. જતા જતાય યાદ કરાવતી, ‘પપ્પા, દવા લેવાનું ભૂલતાં નહી.’ આટલી બધી લાગણી રાખનાર ચાર્મીને ક્યારેય સામે લાગણીના બે શબ્દો સાંભળવા મળ્યા નથી. એનું ક્યારેય એને દુઃખ થતું પણ તરત ગીતાનો ઉપદેશ યાદ કરતી.

સસરાના કટાક્ષો ચૂપચાપ સહન કરતી રહેતી અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના પણ કરતી કે આ બધુ સહન કરવાની મને તાકાત આપજો કારણ કે આ બધુ ક્યાંક મારી સહનશક્તિ બહારનું ના થઇ જાય.

દિવસો તો એમ જ પસાર થતા રહેત પણ બધા દિવસો એક સમાન જતા પણ નથી. ચાર્મીના સસરા એક દિવસ બાથરૂમમાં પડી ગયા અને સાથે જ લકવો પણ થઇ ગયો. ડોકટરોએ કહ્યું, ‘પ્રયત્ન કરીએ છીએ. એકાદ મહિનામાં કદાચ થોડો ફેર પાડવા માંડશે.’

બિલકુલ પથારીવશ ચાર્મીના સસરા ગભરાઈને રડવા લાગ્યા હતા. ચાર્મી સસરાની પથારી પાસે બેસીને બોલી, ‘પપ્પા, હું તમારી દિકરી જ છું ને ? મારી પાસે ઘણી બધી રજાઓ પડી છે એ ક્યારે કામ લાગશે ! કદાચ રજાઓ નહી મળે તો હું નોકરી પણ છોડી દઈશ. તમે ચિંતા ના કરતાં. તમારી માંદગીમાં હવે ઘરની એક વ્યક્તિની જરૂર છે. તમારા દીકરાને એના ધંધામાંથી સમય મળતો નથી પણ મારે તો નોકરી છે.’

દવાખાનાથી રજા આપ્યા બાદ ચાર્મીએ ડોક્ટરના બતાવ્યા પ્રમાણે કસરતો કરાવવા માંડી. ચાર્મીનાં સસરા જે કંઇ બોલતા એ માત્ર ચાર્મી જ સમજી શકતી હતી – જેમ કલુઘેલું બોલાતું બાળક શું બોલી રહ્યું છે એ માત્ર એની મા જ સમજી શકે. ચાર્મીએ પોતાનું નાનું બાળક હોય એ જ રીતે સસરા જોડે વહેવાર કરવા માંડ્યો. સમજાવી પટાવીને થોડું થોડું કરીને પેટ ભરાય એટલું ખવડાવતી હતી.

ક્યારેક એના સસરા ભાંગી તુટી ભાષામાં બોલતા, ‘જમવાથી મારે સંડાસ જવું પડે અને એ બધુ તારે સાફ કરવું પડે છે. મારે નથી ખાવું.’

પરંતુ ચાર્મી ક્યારેય ફરિયાદ કરતી નહી કે મને ગંધ મારે છે, મને સૂગ ચઢે છે. ધીરે ધીરે ચાર્મીના સસરાને પણ થતું કે એમણે ચાર્મી સાથે ખરાબ વહેવાર કર્યો છે, છતાં પણ ચાર્મી ચૂપચાપ એમની સેવા કરે છે.

બીજી નાની બે વહુઓ સસરાની માંદગીના બહાના હેઠળ પતિ સાથે આવી પણ મોટાભાગનો સમય પિયરમાં જ રહેતી. ક્યારેય સસરા પાસે બે ઘડી બેસતી પણ નહી. અંદર અંદર ગુસપુસ પણ કરતી કે ડોસા પાસે બેસવાથી ‘ઇન્ફેકશન’ લાગશે. જાણે કે ચાર્મી તો પથ્થરની બનેલી હતી.

બે-ચાર દિવસ સાસરીમાં રહીને કહેતા, ‘માબાપ છે ત્યાં સુધી પિયર.’ ઇન્ડિયા આવીએ તો માબાપને મળવા તો જઈએ જ ને. અઠવાડિયા બાદ કહેતાં, ‘છોકરાઓ ત્યાં એકલા છે, અમે તો રહેવા આવેલા, પણ છોકરાઓને અઘરું પડે છે. એટલે જઈએ છીએ. હા, અમારા પતિઓ ભલે અહી રહેતાં.’

ચાર્મીને થતું તમારા પતિ મને રસોઈ કે ઝાડું પોતું કરવામાં મદદ નથી કરવાના કે નથી એમના પપ્પાના ‘ડાયપર’ બદલવાના. ખરેખર તો તમારા પતિઓએ આવીને મારું કામ વધાર્યું છે. પિતાની સેવા કરનાર પુત્રવધુ પર હુકમ છોડવાની એક પણ તક જતી કરતાં ન હતા. બંને દિયરો સતત ભાભી પર હુકમો છોડતા રહેતાં હતા. ‘ભાભી, ચા લાવજો, ભાભી આજે હું એક વાગે જમવા આવીશ.’ તો બીજો દિયર કહેતો, ‘મારે બેંકમાં કામ છે. હું અગિયાર વાગે જમીને નીકળીશ.’ ‘અમે અત્યાર સુધી રસોઈયાની ઠંડી રસોઈ ખાધી હવે તો અમે તમારા હાથની ગરમાગરમ રોટલી જ ખાઈશું.’ ક્યારેક ચાર્મીને સસરાને નવડાવતા ધોવડાવતા મોડુ થતું ત્યારે તરત એના વિરુદ્ધ બોલાતું કે, ‘નોકરી કરી ખાધી છે. માબાપને ત્યાંથી કશું શીખીને આવી છે જ ક્યાં ?’

ચાર્મીના સસરા આ બધુ ચૂપચાપ સાંભળતાં પણ બોલી શકતા ન હતા. આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહેતો જ રહેતો હતો.

ધીરેધીરે ચાર્મીના સસરા સાજા થવા લાગ્યા. લાકડીના ટેકે ઘરમાં હરતા ફરતા થઇ ગયા. બંને દીકરાઓ અમેરિકા પાછા જતા રહ્યા. હા, જતા જતા પપ્પાને સુચના આપતાં ગયેલા કે તમારા પેન્શનના પૈસા સાચવી રાખજો. વેડફી ના કાઢતાં. કારણ અલ્કેશના ભેગા રહો છો અને અલ્કેશ તમારા પૈસા નથી લેતો. તમે તમારૂ વિલ કરી કાઢજો.

ચાર્મીના સસરા સાજા થયા બાદ ચાર્મીને એના સસરા વચ્ચેનો સંબંધ બદલાઈ ગયો હતો. હવે એ સસરા વહુ નહી પણ બાપ દિકરી બની ગયા હતા. ચાર્મીએ તો બાપનો પ્રેમ જોયો જ ન હતો. જે જોયો હતો એ યાદ જ ન હતો.

પરંતુ ચાર્મીના સસરાએ મારતા પહેલા વિલ બનાવી દીધું હતું કે ‘મારી કુંવારી મોટી બહેનની બધી મિલકત મારા નામે છે. મારું પેન્શન તો છે જ. મારી પાસે ઘણી મિલકત પણ છે જે મેં હજી સુધી કોઈને કહ્યું નથી. માબાપ માટે તો બધા બાળકો સરખા જ હોય છે. પરંતુ મારા બાળકો જે કાર્ય કરવામાં ઉણા ઉતર્યા એ કામ પુત્રવધુએ કર્યું. જયારે અલ્કેશ ચાર્મીને પરણીને લાવ્યો ત્યારે જ મને થતું હતું કે આ છોકરી સંસ્કારી નહી હોય તો ? મેં એની પરીક્ષા લેવા માટે જ એને ખૂબ ત્રાસ આપ્યો. પણ ચાર્મી ચૂપચાપ સહન કરતી રહી. અડધી રાત્રે જાણી જોઇને ભજીયા કે સુખડી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી અને ચાર્મીએ એ ઈચ્છા પૂરી કરી. મને મારા બાળકો ઘણાં વહાલા છે. પરંતુ હું મારી બધી મિલકત ચાર્મીને નામે કરું છું. કારણ ચાર્મી તો મને વહાલી છે જ પરંતુ એ મને વહાલે વળગી છે.’

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮.

Categories: Nayna Shah

Leave a Reply